સુંદરજી સોદાગર

January, 2008

સુંદરજી સોદાગર (. 1764, ગુંદિયાળી, કચ્છ; . 1822, માંડવી, કચ્છ) : બાહોશ, સાહસિક અને દાનવીર વેપારી. શિવજી હીરજી બ્રહ્મક્ષત્રિયના ખેતી અને રંગાટીકામ પર નિર્ભર સાધારણ કુટુંબમાં સુંદરજી ચાર ભાઈઓમાં બીજા ક્રમે આવતા. સુંદરજી નાનપણમાં ટટ્ટુ પર સવાર થઈ ઘેટાં ચારવા જતા હતા. તે દરમિયાન ઘોડા વિશે તેમણે ઊંડી જાણકારી પ્રાપ્ત કરી હતી. કિશોરાવસ્થામાં દારૂ, અફીણ અને જુગારની લત લાગી હતી. એક વાર પિતાને નામે 250 કોરી ઉધાર લઈ તેઓ જુગાર રમ્યા અને હાર્યા. તેની ખબર પડતાં પિતાએ સમજાવ્યા, ધમકાવ્યા; પરંતુ તેની કોઈ અસર ન થતાં તેમણે ચારેય પુત્રોને બે હજાર કોરી આપીને અલગ કર્યા. ત્યારે તેમની ઉંમર 17 વર્ષની હતી. ત્યારબાદ જૂનાગઢના દીવાન અમરજી પાસે ઘોડેસવારી, બંદૂક અને તલવારબાજી સાથે વ્યવહારકુશળતા અને રાજનીતિના પાઠ શીખ્યા. તે દરમિયાન કચ્છના રાહબર ફતેહમહમદ દ્વારા મૈસૂરના ટીપુ સુલતાનના સંપર્કમાં આવ્યા. 1789માં માંડવીના નગરશેઠ માનસંગ ભોજરાજ પાસેથી 7,000 કોરી ઉછીની લઈ ટીપુ સુલતાન સાથે ઘોડાના વ્યાપારનો આરંભ કર્યો. સારો નફો થતાં તેમણે 10,000 કોરીનુંધિરાણ લઈ વ્યાપારમાં વૃદ્ધિ કરી હતી. ભાઈઓ અને કાકાઓનો સહકાર લઈ તેમણે મુંબઈ, મૅંગલોર, કાલિકટ, મલબાર, મૈસૂર વગેરે સ્થળે ઘોડાનો બહોળો વ્યાપાર જમાવ્યો હતો. 1794માં સુંદરજી વહાણોમાં 400 ઘોડા ભરીને મૅંગલોર લઈ ગયા હતા.

1796-97ના અરસામાં મૈસૂરમાંથી પસાર થતાં સુંદરજીને બ્રિટિશ જાસૂસોએ પકડ્યા અને તેમને પણ ઘોડા વેચવાની ફરજ પાડી હતી. તેનાથી અજાણ ટીપુ સુલતાને સુંદરજીને પોશાક અને સોનાની કલજી તેમજ કચ્છના રાવને બે તોપોની ભેટ આપી હતી. 1799માં ટીપુ સુલતાનના મૃત્યુ સાથે તેમના દક્ષિણ સાથેના ઘોડાના વ્યાપારનો અંત આવ્યો હતો. શસ્ત્રોના વ્યાપાર માટે કચ્છ આવેલા બે અંગ્રેજોને જાસૂસ સમજીને ગિરફતાર કરતાં અંગ્રેજીના જાણકાર સુંદરજીએ તેમને મુક્ત કરાવ્યા હતા. પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર સાથે તેમને ગાઢ સંબંધ બંધાયો હતો. તેમણે મરાઠાઓ સામેના યુદ્ધમાં અંગ્રેજોને ગણનાપાત્ર પ્રમાણમાં ઘોડા પૂરા પાડ્યા હતા. મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં જમીન ખરીદી ઘોડાના તબેલા બંધાવ્યા હતા. મુંબઈના ગવર્નર જોનાથન ડેકન, લેફ્ટનન્ટ કર્નલ બેલેન્ટાઇન વગેરે અમલદારો સાથે મીઠા સંબંધો વિકસાવ્યા હતા, જેને પરિણામે તેમને અંગ્રેજ લશ્કરને માલસામાન પૂરો પાડવાના કૉન્ટ્રાક્ટ મળ્યા હતા. લશ્કરને અનાજ, કરિયાણું, બીજો સામાન તેમજ ઘોડાઓ પૂરાં પાડી સુંદરજીએ ગણનાપાત્ર ધન એકત્ર કર્યું હતું. તેમણે વ્યાપારી કુનેહ દાખવી પોતાના જહાજી કાફલા દ્વારા આફ્રિકા, મધ્યપૂર્વના દેશો તેમજ દેશના વિવિધ ભાગોમાં ધીરધારનો ધંધો વિકસાવ્યો હતો. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક દેશી રજવાડાંઓને નાણાંની ધીરધાર કરી વિશ્વાસુ શાહુકારની શાખ મેળવી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમને પાલખી, મશાલ અને રૂ. 100નું માસિક ભથ્થું નિશ્ચિત કરી બહુમાન કર્યું હતું.

સુંદરજીએ બેટ દ્વારકામાં મહાયજ્ઞ કરાવી બ્રાહ્મણોને લાખો રૂપિયાનું દાન કર્યું હતું. સેંકડો માણસોને ભારતનાં તીર્થસ્થાનોની યાત્રા કરાવી હતી. તેમણે જૂનાગઢમાં પલાશિની નદી પર પુલ અને ગિરનાર પર્વત પર પગથિયાં બંધાવ્યાં હતાં. દામોદર કુંડ, નારાયણ સરોવર, કોટેશ્વર, આશાપુરા, નાગનાથ વગેરે મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ વગેરે મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું; ઉપરાંત જળાશયો, પુલો તેમજ રસ્તાઓ બંધાવ્યાં હતાં. તેમણે જિનાલયો તેમજ મકબરાઓ માટે પણ દાન કર્યાં હતાં.

ઈ. સ. 1792ના ભયંકર દુષ્કાળમાં માંડવી, પોરબંદર વગેરે સ્થળોએ રાહતકાર્યો અને રસોડું ચલાવવા માટે તેમણે એક લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો. બાળકીઓને દૂધ પીતી કરવાની કુપ્રથા બંધ કરાવવા માટે સરકારને સહાય કરી હતી. અંગ્રેજો અને અવધના નવાબના વિવાદમાં નવાબના પ્રતિનિધિ તરીકે બંને પક્ષોને સંતોષ થાય તેવું સમાધાન કરાવ્યું હતું. જેને પરિણામે નવાબે તેમનું સન્માન અને અંગ્રેજોએ માસિક ભથ્થું રૂ. 200 કર્યું હતું; જે સમય જતાં રૂ. 1,000 સુધી પહોંચ્યું હતું.

રાજાઓ તેમજ દરબારો વચ્ચે સમાધાન કરાવવા, વિદ્રોહીઓ તેમજ ઉપદ્રવીઓને અંકુશમાં રાખવામાં તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમજ બાહોશીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમણે જૂનાગઢ રાજ્યના દીવાન તરીકે પણ સેવાઓ આપી હતી. 1802માં કચ્છના રાવ રાઘવણજીના દીવાનપદના પ્રસ્તાવનો તેમણે અસ્વીકાર કર્યો હતો. આવું વિચક્ષણ વ્યક્તિત્વ ધરાવતા સુંદરજીનું 59 વર્ષની વયે માંડવીમાં અવસાન થયું હતું.

જિગીશ દેરાસરી