સુંદરમ્ કે. એસ. આધવન

January, 2008

સુંદરમ્, કે. એસ. આધવન (. 1942, કલ્લીદૈક્કુરિચી, જિ. તિન્નેવેલી, તામિલનાડુ; . 1981) : તમિળ વાર્તાકાર તથા નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘મુદાલિલ ઇરાવુ વરમ’ માટે 1988ના વર્ષનો મરણોત્તર કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે બી.એસસી. કર્યા પછી નૅશનલ બુક ટ્રસ્ટના સહ-સંપાદક તરીકે કામગીરી કરી હતી.

તેમણે 3 નવલકથાઓ અને કેટલાક વાર્તાસંગ્રહો આપ્યા છે. ‘કાકિતા મલારગલ’ (1977), દિલ્હીમાં મધ્યમ વર્ગના તમિળના જીવનને સ્પર્શતા સ્થાનિક રાજકારણની અસરો દર્શાવતી તેમની પ્રથમ નવલકથા હતી. ફિચર ફિલ્મની જેમ શ્રેણીબદ્ધ ઘટનાઓના નિરૂપણમાં દર્શાવેલ ટૅક્નિકને કારણે તે કૃતિ અનન્ય બની છે. તેમની બીજી નવલકથા છે ‘એન પેયર રામસેશાન’ (1980). તેમાં જુનવાણી રૂઢિઓવાળી દુનિયામાં તેનું વ્યક્તિત્વ જાળવી રાખવા મથતા આધુનિક યુવાનનું દયાહીન ચિત્રાંકન છે. આ નવલકથા રશિયન ભાષામાં અનૂદિત કરાઈ છે. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘ઇરાવુક્કુ મુન્બુ વરુવડુ મલાઈ’ (1974); ‘કાનવુક્કુ મિળિકાલ’ (1975); ‘કાલ વલી’ (1975) અને ‘ઑરુ આરૈયિલ ઇરાન્ડુ નર્કાલિગલ’ (1980) મુખ્ય છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘મુદાલિલ ઈરાવુ વરમ્’ની વાસ્તવદર્શી પાત્રસૃષ્ટિ તેમજ તે દ્વારા ચાલતી ભાવાત્મક સત્યની ઊંડી ખોજના કલાત્મક નિરૂપણના કારણે આ કૃતિ સમકાલીન તમિળ સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા