સારનાથનો શિલ્પવૈભવ : સારનાથનો કલાવારસો વિશેષતઃ બૌદ્ધ મૂર્તિઓમાં જળવાયો છે. ત્યાં બુદ્ધ અને બોધિસત્વોની વિવિધ આસનો અને મુદ્રાઓવાળી અસંખ્ય પ્રતિમાઓ ગુપ્તકાલ (4થી–5મી સદી) દરમિયાન બની હતી. એમાંના ઘણા નમૂનાઓ સ્થાનિક મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયા છે.
સારનાથમાંથી બેઠેલી સંખ્યાબંધ પ્રતિમાઓ વિવિધ મુદ્રાઓમાં મળી છે. એમાં ભગવાન બુદ્ધના જીવનની અતિ મહત્વની ઘટનાઓનું સૂચન મળે છે. આમાં ભૂમિ-સ્પર્શ-મુદ્રા અને ધર્મ-ચક્ર-પ્રવર્તનવાળી મૂર્તિઓ વિશેષ નોંધપાત્ર છે. ભૂમિ-સ્પર્શ-મુદ્રામાં બુદ્ધનો ડાબો હાથ ખોળામાં અને જમણો હાથ આસન નીચે ભૂમિને સ્પર્શ કરવા તરફ સંકેત કરતો બતાવવામાં આવ્યો છે. આ મુદ્રા સંબોધિ જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે મારે એમના તપભંગ માટે આક્રમણ કર્યું ત્યારે બુદ્ધે તપમાં દૃઢ રહી મારા પર વિજય મેળવ્યો ને એના સાક્ષી તરીકે ભૂમિને રાખી તેનું સૂચન કરે છે. આ પ્રકારની મૂર્તિઓમાં જમણા ખભા પર સંઘાટીનો અભાવ, મસ્તક પર ક્યારેક બોધિવૃક્ષ અને આસન નીચે પૃથ્વીનું અંકન થયેલું હોય છે. કેટલીક મૂર્તિઓમાં માર અને તેની પુત્રીઓની આકૃતિઓ બતાવી છે. કેટલીકમાં પ્રભામંડળના ઉપરના ભાગમાં તપમાં વિઘ્ન કરતા રાક્ષસો, તો કેટલીકમાં મારા – વિજયના ઉપલક્ષમાં બુદ્ધ પર પુષ્પવૃષ્ટિ કરતા દેવોની આકૃતિઓ જોવા મળે છે.
ધર્મચક્ર પ્રવર્તન મુદ્રાનો સર્વોત્તમ નમૂનો સારનાથમાં ઉપલબ્ધ છે. સારનાથમાંથી બુદ્ધે ધર્મચક્ર પ્રવર્તન કરેલું હોવાથી અહીં આ શિલ્પ હોય એ સ્વાભાવિક છે. 5મી સદીનું મનાતું આ શિલ્પ ગુપ્તકાલીન પ્રશિષ્ટ કલાનાં તમામ લક્ષણો ધરાવે છે. આ પ્રતિમામાં બુદ્ધ વજ્રપર્યંકાસન સ્થિતિમાં દૃઢપણે બેઠેલા છે. તેમના હાથની આંગળિયોની મુદ્રા સૂચવે છે કે તેઓ ધર્મચક્ર પ્રવર્તાવી રહેલા છે. તેમના ઈક્ષણાવર્ત કેશ અને ઉષ્ણીય મસ્તક-શોભા વધારી રહ્યાં છે. તેણે બારીક વસ્ત્ર બંને ખભા પર ધારણ કરેલું છે. મસ્તકને ફરતું પ્રભામંડળ સુંદર રૂપાંકન ધરાવે છે, જેના બે ખૂણાઓ પર પુષ્પપાત્ર ધારણ કરેલા એક એક અર્ધ-દેવતાની આકૃતિ કંડારી છે. પ્રભામંડળની નીચે અને પ્રતિમાના પૃષ્ઠ-પથ્થર પર કંડારેલી આકૃતિઓમાં નીચેના ભાગમાં બે વ્યાલ પોતાના મસ્તક પર ઉપલો પથ્થર ધારણ કરી રહેલા જોવા મળે છે. ઉપલા પથ્થરમાં મકરમુખ પુષ્પો અને પર્ણોમાંથી બહાર આવતું જણાય છે. પ્રતિમાની નીચેના આસનની મધ્યમાં ચક્ર અને એની બંને બાજુએ એક એક હરણની આકૃતિ દૃષ્ટિગોચર થાય છે. તે સારનાથના મૃગદાવમાં બુદ્ધના ધર્મચક્રપ્રવર્તનનું સૂચન કરે છે. ધર્મચક્રની ડાબી બાજુ ત્રણ અને જમણી બાજુ બે મળીને પાંચ ભિક્ષુઓ દર્શાવ્યા છે. બુદ્ધે આ ભદ્રવર્ગીઓને સર્વ પ્રથમ ઉપદેશ કર્યો હતો. આસન પર જમણી બાજુના છેડે એક બાળક અને એક સ્ત્રીની આકૃતિ છે તે સંભવતઃ આ મૂર્તિની દાતા મહિલા હોવાનું જણાય છે. મૂર્તિકલાની દૃષ્ટિએ ગુપ્તકલાની આ સર્વોત્કૃષ્ટ કૃતિ છે. પ્રતિમા-વિધાન નિયમાધીન રૂપરેખા અનુસાર વજ્રપર્યંકાસનમાં કરેલું હોવાથી બુદ્ધ સ્થિર બેઠેલા છે તેમ છતાં યુવાન ચહેરો, અર્ધમીંચી આંખો અને મુખ પરનું મૃદુ હાસ્ય તેમના દેહની ચુસ્ત સ્થિતિને સ્વચ્છ અને કોમળ બનાવે છે. મૂર્તિમાં રસ, અંગોની ભાવભંગી, રૂપ, ઔચિત્ય અને ભાવવ્યંજનાની શ્રેષ્ઠ અભિવ્યક્તિ થઈ છે. ભારતની આ અદ્વિતીય કલાકૃતિની ગણના જગતનાં શ્રેષ્ઠ ધાર્મિક શિલ્પોમાં થાય છે.
આ પ્રકારની કેટલીક વિશિષ્ટ મૂર્તિઓ ત્યાંના મ્યુઝિયમમાં સુરક્ષિત છે, જેમાં બુદ્ધ આસનની નીચે પાદપીઠ પર બંને પગ મૂકીને ધર્મચક્ર પ્રવર્તાવતા જોવા મળે છે. આમાં ભગવાનની જમણી બાજુ બોધિસત્વ મૈત્રેય અમૃતઘટ અને કમળ નાળ ધારણ કરીને ઊભા છે. જ્યારે ડાબી બાજુ અવલોકિતેશ્વર વરદ મુદ્રા અને કમળનાળ ધારણ કરીને ઊભેલા છે. આ પ્રકારની મૂર્તિઓમાં બુદ્ધનો જમણો સ્કંધ વિવસ્ર રખાયો છે.
સારનાથમાંથી બુદ્ધની અનેક ઊભી મૂર્તિઓ મળી છે. એમાંની એક અભય મુદ્રામાં છે. અધોવસ્ત્ર કમર પર બાંધેલું છે. પારદર્શક સંઘાટી બંને ખભાને ઢાંકે છે. મસ્તક પર દક્ષિણાવર્ત કુંચિત કેશ અને ઉષ્ણીય છે. લાંબા કાનોમાં છેદ કરેલા છે. પ્રભામંડળ પૂર્ણતઃ અલંકૃત છે.
સારનાથમાંથી બુદ્ધના જીવનની મુખ્ય અને ગૌણ ઘટનાઓ દર્શાવતાં પ્રસ્તર ફલકો પણ મળ્યાં છે. એક ઊર્ધ્વ પટ્ટમાં બુદ્ધનો જન્મ, સંબોધિ, ધર્મ-ચક્ર-પ્રવર્તન અને મહાપરિનિર્વાણના ચાર મુખ્ય પ્રસંગો નીચેથી ઉપરના ક્રમમાં વિગતવાર કંડાર્યા છે. બધાં ઉત્તમ લક્ષણો ધરાવતો આ ફલક ઘણી પ્રશંસા પામ્યો છે. આ ઉપરાંત એક ફલકમાં મહારાજકુમાર સિદ્ધાર્થનું મહાભિનિષ્ક્રમણ વિસ્તારપૂર્વક આલેખ્યું છે.
સારનાથમાંથી બોધિસત્વોની પૂર્ણમૂર્ત અને અંશમૂર્ત બંને પ્રકારની મૂર્તિઓ મળી છે. એમાં ઊભેલી મૂર્તિઓમાં અવલોકિતેશ્વર, મૈત્રેય અને મંજુશ્રીની મૂર્તિઓ નોંધપાત્ર છે.
અવલોકિતેશ્વર પદ્મપાણિની પ્રતિમામાં બોધિસત્વ કમળ પર ઊભા છે. તેમના ડાબા હાથમાં કમળ છે, જમણો વરદ મુદ્રાવાળો હાથ ખંડિત છે. શરીરનો ઉપરનો ભાગ વિવસ્ત્ર છે. કમરથી નીચેનો ભાગ અધોવસ્ત્રથી ઢાંકેલો છે. અધોવસ્ત્ર કટિસૂત્ર વડે બાંધેલું છે. બોધિસત્વે રત્નજડિત જટામુકુટ, કુંડલ, એકાવલી, મકરાકૃતિ કેયૂર અને રત્નજડિત કંકર્ણ ધારણ કરેલાં છે. વાળની કેટલીક લટો ખભા પર લટકે છે. મુકુટના મધ્યભાગમાં અવલોકિતેશ્વરના આધ્યાત્મિક પિતા અમિતાભની ધ્યાનમુદ્રામાં બેઠેલી આકૃતિ કંડારી છે.
મૈત્રેયની મૂર્તિ ઉપરોક્ત અવલોકિતેશ્વરની મૂર્તિ કરતાં ભિન્ન છે. ઉપરનો ભાગ વિવસ્ત્ર છે. અધોવસ્ત્રની ગાંઠ નાભિની નીચે જોવા મળે છે. મૂર્તિમાં આભૂષણોનો અભાવ છે. મસ્તક પર થોડી લટોની ગ્રંથિ બાંધી છે. જ્યારે બાકીની લટો સ્કંધ પર પડેલી છે. મૈત્રેયના ડાબા હાથમાં કમળ છે અને જમણો હાથ વરદ મુદ્રામાં છે. તેમના મસ્તકની ગ્રંથિની આગળના ભાગમાં કમળ પર પર્યંકાસનમાં અભયમુદ્રા ધારણ કરેલા ધ્યાની બુદ્ધની અમોઘ સિદ્ધિની આકૃતિ કંડારી છે.
બુદ્ધિના દેવતા ગણાતા મંજુશ્રીની મૂર્તિમાં બોધિસત્વ કમળ પર ઊભા છે. વસ્ત્ર-પરિધાન અને કેશભૂષા અન્ય બોધિસત્વો જેવાં જ છે. જમણો હાથ વરદ મુદ્રામાં અને ડાબા હાથમાં નીલકમળ ધારણ કરેલ છે. તેમના મસ્તક પર ભૂમિસ્પર્શ મુદ્રામાં ધ્યાની બુદ્ધ અક્ષોભ્યની આકૃતિ કંડારી છે. બોધિસત્વની જમણી બાજુએ દેવી ભ્રૃકુટિ કમંડલ અને અક્ષમાલા લઈને અને ડાબી બાજુએ દેવી મૃત્યુવંચન વરદમુદ્રા અને નીલકમલ લઈ કમળ પર ઊભેલ છે.
પ્રવીણચંદ્ર પરીખ