સારનાથ : બૌદ્ધ અને જૈનોનું ધાર્મિક સ્થળ. ભગવાન બુદ્ધે સૌપ્રથમ ધર્મચક્રપ્રવર્તન (ધર્મોપદેશ) અહીંથી શરૂ કર્યું હતું. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બનારસ(વારાણસી)થી તે થોડે દૂર આવેલું છે. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ઋષિપત્તન, મૃગદાવ અથવા મૃગદાય તરીકે ઓળખાવ્યું છે. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં ‘ચાર આર્યસત્યો’ સમજાવ્યાં હતાં. અહીં જ તેમણે બૌદ્ધ સાધુઓના સંઘની સ્થાપના કરી હતી. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે અહીં ધર્મરાજિકા નામનો સ્તૂપ બંધાવ્યો હતો અને સિંહ-શીર્ષ સાથેનો એકાશ્મક સ્તંભ ઊભો કરાવ્યો હતો. કુષાણોના સમય દરમિયાન સારનાથમાં બૌદ્ધ ધર્મની ઘણી ધાર્મિક અને કલાવિષયક પ્રવૃત્તિઓ થઈ. ગુપ્તોના સમય દરમિયાન સારનાથમાં જે કલાવિષયક પ્રવૃત્તિઓ થઈ તેથી તે સમય કલાની દૃષ્ટિએ સારનાથનો સુવર્ણયુગ ગણાય છે. આ સમય દરમિયાન ધર્મરાજિકા સ્તૂપનો જીર્ણોદ્ધાર થયો. હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી હ્યુઆન-શ્વાંગે સારનાથની મુલાકાત લીધી હતી અને ત્યાં આવેલ ધર્મરાજિકાનો સ્તૂપ તેમજ અશોકે ઊભો કરાવેલ એકાશ્મક સ્તંભ જોયા હતા. સારનાથના મોટા સંઘારામમાં હીનયાન સંપ્રદાયની સમ્મિતીય શાખાના લગભગ 1,500 બૌદ્ધ સાધુઓ રહેતા હતા.

પુરાતત્ત્વની દૃષ્ટિએ સારનાથ ઘણું અગત્યનું હોવાથી અહીં જુદા જુદા સમયે ખોદકામ થયાં હતાં. 1835-36માં ઍલેક્ઝાન્ડર કનિંગહામે ખોદકામ કરાવ્યું હતું. ધમેખનો સ્તૂપ ખુલ્લો કરીને તેમાંથી એક શિલાલેખ અને ધર્મરાજિકાના સ્તૂપમાંથી પથ્થરનો દાબડો શોધી કાઢ્યો. 1851-52માં મેજર કિટ્ટોએ ધમેખના સ્તૂપની આજુબાજુની ઇમારતો અને જૈન મંદિરની ઉત્તર બાજુની એક લંબચોરસ ઇમારતનું ખોદકામ કર્યું હતું. એ પછી 1865માં મિ. ઇ. થૉમસ, પ્રો. ફિત્ઝ એડવર્ડ હૉલ અને મિ. સી. હાર્ને ખોદકામ કર્યું હતું. 1904-1905માં મિ. એફ. ઓ. ઓએર્ટેલે, 1907માં સર જ્હૉન માર્શલે, 1914-15માં મિ. એચ. હરગ્રીવ્ઝે ખોદકામ કરાવ્યું હતું.

ધમેખ સ્તૂપ

સારનાથમાં જોવાલાયક પુરાવશેષો ચાર છે : ધમેખનો સ્તૂપ, ધર્મરાજિકા સ્તૂપ, મુખ્ય મંદિર અને સિંહ-શિરાવટીવાળો અશોકનો શિલાસ્તંભ. ધમેખના સ્તૂપની બહારનું સુશોભનાત્મક શિલ્પકામ ગુપ્તકાલનું છે. મૂળ સ્તૂપ કાદવ અને ઈંટોનો બાંધેલો છે. કનિંગહામને ખોદકામ દરમિયાન મૌર્યકાલીન ઈંટોના અવશેષો મળ્યા હતા. તેથી માની શકાય કે મૂળ આ સ્તૂપ મૌર્યકાલ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. ધર્મરાજિકાનો સ્તૂપ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. તેના ખોદકામમાંથી પથ્થરનું બનાવેલું અસ્થિપાત્ર મળ્યું હતું, જે હાલ કોલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે. અશોકે સારનાથમાં સિંહ-શિરાવટી ધરાવતો એકાશ્મ સ્તંભ ઊભો કરાવ્યો હતો. તેના મથાળે ચાર દિશાએ મુખ રાખીને અને એકબીજાને પીઠોપીઠ અડીને ઊભેલા ચાર સિંહોનાં ભવ્ય અને દર્શનીય શિલ્પો મૂકેલાં છે. સિંહોના મસ્તક પર એક વખતે 32 આરાવાળું ધર્મચક્ર મૂકેલું હતું, જે હાલ ખંડિત છે. ભારતદેશની રાષ્ટ્રમુદ્રાની ડિઝાઇન આ શિલ્પમાંથી તૈયાર કરવામાં આવી છે. અહીંનાં જોવાલાયક બીજાં સ્થળોમાં ધર્મરાજિકા સ્તૂપની પાસેનું મુખ્ય મંદિર, એકાશ્મક વેદિકા, વિહારો, જૈનમંદિર અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે.

થૉમસ પરમાર