સારના, મોહિન્દર સિંગ (. 25 સપ્ટેમ્બર 1923, રાવળપિંડી, હાલ પાકિસ્તાનમાં) : પંજાબી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.(ઑનર્સ)ની ડિગ્રી મેળવી. પછી સરકારી નોકરીમાં જોડાયા અને સરકારી અધિકારી તરીકે સેવાનિવૃત્ત થયા.

તેઓ 1995માં બિરલા ફાઉન્ડેશન માટેની ભાષા-સલાહકાર સમિતિના સભ્ય રહ્યા. તેમણે કુલ 22 ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય છે : ‘પથાર દે આદમી’ (1949); ‘સોપ્નિયાં દી સીમા’ (1958); ‘સુંદર ઘાટી દી સોન્હ’ (1980); ‘ઔરત ઇમાન’ (1993) અને ‘નવે યુગ દે વારિસ’ (1993) – આ બધા વાર્તાસંગ્રહો છે; જ્યારે ‘પીરાં મલેય રાહ’ (1954); ‘નીલા ગુલાબ’ (1977); ‘સૂહા રંગ મજીઠ દા’ (1988) – તમામ જાણીતી નવલકથાઓ છે. ‘બોલતી ખામોશિયાં’ની જેમ હિંદીમાં અનૂદિત પત્રો છે.

તેમને 1981ના વર્ષનો દિલ્હીનો સાહિત્ય કલા પરિષદ ઍવૉર્ડ; પંજાબી અકાદમી, દિલ્હી તરફથી વારિસ શાહ સન્માન (1992-93) અને 1994ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયાં છે.

બળદેવભાઈ કનીજિયા