સહજોબાઈ (જ. 1683, ડેહરા, મેવાત, રાજસ્થાન; અ. 1763 : દિલ્હીના સંત ચરણદાસનાં શિષ્યા. આજીવન બ્રહ્મચારી રહી સંતજીવન ગુરુઆશ્રમમાં ગાળ્યું. તેમણે ‘સહજપ્રકાશ’ ગ્રંથની રચના 1743માં કરેલી. ‘શબ્દ’ અને ‘સોલહતત્વપ્રકાશ’ પણ એમની રચનાઓ મનાય છે. ગુરુની મહત્તા, નામ-માહાત્મ્ય, અજપાજપ, સંસારનું મિથ્યાત્વ, સંસાર-પ્રપંચથી દૂર રહેવાની ચેતવણી, કામ, ક્રોધ, લોભ, મોહ-માન વગેરેનો ત્યાગ કરવો, કર્મફળમાં વિશ્વાસ ધરાવવો, પ્રેમતત્વનો વિધિનિષેધનો નિરપેક્ષપણે બોધ થવો, બ્રહ્મતત્વનો પણ સગુણ-નિર્ગુણ નિરપેક્ષ અનિર્વચનીય સ્થિતિનો અનુભવ થવો વગેરે એમની સહજવાણીનું વિષયગત વિવેચન છે. દોહા, ચોપાઈ અને કુંડલિયા છંદોનો પ્રયોગ વિશેષ થયો છે. મીરાની જેમ સહજોબાઈની પદાવલીઓમાં પોતાના આરાધ્ય પ્રત્યે પ્રેમ પ્રગટ કરવામાં અન્ય સગુણ કૃષ્ણભક્તોની શૈલીનો પ્રયોગ થયેલો દેખાય છે.

પ્રવીણચંદ્ર પરીખ