સહદેવ : ‘મહાભારત’નું એક મહત્ત્વનું પાત્ર. પાંચ પાંડવોમાં સૌથી નાનો. હસ્તિનાપુરનરેશ પાંડુની નાની પત્ની માદ્રીએ પતિની સંમતિથી અશ્ર્વિનીકુમારોના મંત્ર દ્વારા બે પુત્રો પ્રાપ્ત કરેલા : નકુલ અને સહદેવ. સ્વરૂપ, પરાક્રમ અને સ્વભાવમાં બંને સરખા હોઈ એમની જોડી અભેદ્ય ગણાતી. સહદેવના જન્મસમયે તેની મહત્તા વર્ણવતી આકાશવાણી થયેલી.

સંસ્કાર : તેના ઉપનયનાદિ સંસ્કાર બીજા પાંડવોની સાથે શતશૃંગ પર્વત ઉપર થયેલા.

વિદ્યાપ્રાપ્તિ : તેના મોટાભાઈઓ સાથે શસ્ત્રાસ્ત્રવિદ્યા ગુરુ દ્રોણાચાર્ય પાસેથી પ્રાપ્ત કરેલી. ઉપરાંત ધનુર્વિદ્યા શર્યાતિપુત્ર શુક્ર પાસે શીખેલો. ખડ્ગયુદ્ધમાં અને રથયુદ્ધમાં નિપુણ ગણાતો.

શૌર્ય : દ્રૌપદી-સ્વયંવર સમયે થયેલ લડાઈમાં તેણે દુ:શાસનને હરાવેલો. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે દિગ્વિજય કરી સમસ્ત દક્ષિણમાંથી પુષ્કળ ખંડણી લઈ આવેલો. જે પ્રદેશો અને રાજાઓ ઉપર વિજય મેળવ્યો તેમાં આ નામોનો સમાવેશ થાય છે : (1) શૂરસેનદેશ, (2) મત્સ્યદેશ, (3) કુરૂષદેશ, (4) પશ્ચિમ મત્સ્ય, (5) નિષાદભૂમિ, (6) શ્રેષ્ઠગિરિ, (7) ગોશૃંગ, (8) નરરાષ્ટ્ર, (9) સુમિત્ર રાજા, (10) શ્રેણિવત્ રાજા, (11) કૃષ્ણશત્રુ જમ્બૂકાસુરનો પુત્ર, (12) ભોજકટનો ભીષ્મક, (13) કોસલ, (14) વેણ્યાતીરદેશ, (15) કાન્તારક, (16) પ્રાક્કોસલ, (17) નાટકેય, (18) હેરમ્બક, (19) મારુધ, (20) રમ્યગ્રામ, (21) નાચીન, (22) અનર્બુકદેશ, (23) વાતાધિપ, (24) પુલિન્દ, (25) પાંડ્યરાજા, (26) ત્રૈપુર, (27) પૌરવેશ્વર, (28) શૂર્પારક, (29) તાલાકટ, (30) દંડક, (31) સમુદ્રદ્વીપવાસી મ્લેચ્છ, (32) નિષાદ, (33) પુરુષાદ, (34) કર્ણપ્રાવરણ, (35) નરરાક્ષસયોનિ કાલમુખ, (36) કોલગિરિ, (37) સુરભિપટ્ટણ, (38) તામ્રદ્વીપ, (39) રામક પર્વત, (40) તિમિંગલ, (41) એકપાદ, (42) પુરુષ, (43) વનવાસી, (44) કેરલ, (45) સંજયન્તી, (46) પાષંડ, (47) કર્ણાટક, (48) પાંડ્ય, (49) દ્રવિડ, (50) ઉડ્ર, (51) અન્ધ્ર, (52) તાલવન, (53) કલિંગ, (54) ઉષ્ટ્રકર્ણિક, (55) અટવીપુરી, (56) યવનપુર.

કિષ્કિન્ધાના વાનરરાજા મૈંદ અને દ્વિવિદ સાત દિવસના યુદ્ધ પછી હાર્યા. સેક અને અપરસેકના રાજાએ તેમજ અવન્તીના વિન્દ-અનુવિન્દે પુષ્કળ રત્નો આપ્યાં. સુરાષ્ટ્રના ગારુડી વિદ્યામાં નિષ્ણાત કૌશિકાચાર્ય આકૃતિ રાજાને પણ મહામહેનતે જીતી શક્યો. માહિષ્મતીનો રાજા નીલ સાત દિવસના યુદ્ધ પછી પણ હાર્યો નહિ, કેમકે તેને અગ્નિદેવની મદદ હતી. આથી સહદેવે પવિત્ર થઈને અગ્નિદેવની સ્તુતિ કરી તેમાં ખાસ પ્રાર્થ્યું કે ‘આ યજ્ઞ તો કેવળ આપની પ્રીત્યર્થે જ કરાય છે એ ધ્યાનમાં રાખીને હે અગ્નિદેવ ! જેમ યોગ્ય લાગે તેમ કરો !’ છેવટે અગ્નિદેવે નીલ રાજાને સમાધાન કરી લેવા સૂચવ્યું એટલે એણે પણ સારી ખંડણી આપી. ભૃગુકચ્છ આવીને સહદેવે ઘટોત્કચને દૂત તરીકે લંકેશ્વર વિભીષણ પાસે મોકલ્યો. વિભીષણે ખુશ થઈ મહામૂલી કેટલીય વસ્તુ કરરૂપે મોકલી આપી, જે જોઈને યુધિષ્ઠિર આનન્દાશ્ર્ચર્ય પામ્યા.

સહદેવ સુરાષ્ટ્રમાં થોડો સમય રોકાયો.

કુન્તી માતા કુન્તીરાષ્ટ્રના કુન્તીભોજની દત્તક પુત્રી હોવાથી તેમણે સહદેવનું સ્વાગત કર્યું અને પ્રેમપૂર્વક ખંડણી આપી.

અગ્રપૂજા : રાજસૂય યજ્ઞ પૂરો થતાં તેના ભાઈઓ સાથે સહદેવે પણ શ્રીકૃષ્ણની અગ્રપૂજા કરી.

પ્રતિજ્ઞા : દ્યૂતમાં યુધિષ્ઠિર સર્વસ્વ હારી ગયા તેમાં કારણભૂત કપટી શકુનિને હણવાની સહદેવે પ્રતિજ્ઞા લીધી અને યુદ્ધમાં તેને હણ્યો.

તંતિપાલ : પોતે ઉત્કૃષ્ટ અશ્વચિકિત્સક હોઈ અજ્ઞાતવાસમાં ‘તંતિપાલ’ નામ ધારણ કરીને વિરાટ રાજાની અશ્વશાળાનો અધિપતિ બન્યો. તે દરમિયાન તેનું ગુપ્ત સાંકેતિક નામ ‘જયદ્બલ’ રાખેલું.

યુદ્ધમાં : મહાભારતના યુદ્ધમાં તેના રથના ઘોડા તેતર પક્ષીના જેવા રંગના હતા. ધ્વજ ઉપર હંસનું ચિહ્ન રહેતું. ધનુષનું નામ ‘અશ્ર્વિન’ હતું. શંખનું નામ ‘મણિપુષ્પક’ હતું. દ્રોણપર્વમાં કર્ણે તેને હરાવેલો, પણ તેણે સ્વપ્રતિજ્ઞાનુસાર શકુનિનો વધ કરેલો. યુદ્ધ પછી યુધિષ્ઠિરે તેને ધૃતરાષ્ટ્રની દેખભાળનું કામ સોંપેલું.

મહાપ્રસ્થાન : મહાપ્રસ્થાન સમયે દ્રૌપદી પછી સૌપ્રથમ તે પડ્યો, કેમકે એને પોતાની બુદ્ધિનું અને જ્ઞાનનું ભારે અભિમાન હતું. તે વખતે તેનું વય 105 વર્ષનું હતું.

સંસાર : તેને દ્રૌપદી ઉપરાંત બીજી ત્રણ પત્નીઓ હતી : (1) મામા શલ્યની પુત્રી વિજયા, (2) ભાનુ રાજાની પુત્રી ભાનુમતી અને (3) જરાસંધની પુત્રી. બે પુત્રો : (1) દ્રૌપદીથી શ્રુતકર્મા અને (2) વિજયાથી સુહોત્ર.

પાંડિત્ય : તેના ત્રણ ગ્રંથો પાંડિત્યસભર છે : (1) ‘વ્યાધિસિન્ધુ વિમર્દનતંત્ર’, (2) ‘અગ્નિસ્તોત્ર’ તથા (3) ‘શકુનપરીક્ષા’.

અતિજ્ઞાન : સહદેવનું જ્યોતિષનું જ્ઞાન બહુ સારું હતું, પણ મોટી મર્યાદા એ હતી કે તે વગર પૂછ્યે કોઈને કંઈ કહી શકતો નહિ. દ્યૂતમાં સર્વસ્વ હારવું, દ્રૌપદીનું વસ્ત્રાહરણ જેવા પ્રસંગોનું તેને પહેલેથી જ જ્ઞાન હતું છતાં તે વાત તે કોઈને કહી શક્યો નહિ અને મનમાં મૂંઝાયા કર્યો. તેની આ પરિસ્થિતિને ગુજરાતી કવિ કાન્તે (મણિશંકર રત્નજી ભટ્ટે) પોતાના ખંડકાવ્ય ‘અતિજ્ઞાન’માં અતિસુંદર રીતે પ્રકટ કરી છે.

બીજા નવ ‘સહદેવ’ થઈ ગયા છે. તેમાંનો એક સમકાલીન ઉલ્લેખનીય છે. જરાસંધના વધ પછી શ્રીકૃષ્ણે તેના પુત્ર સહદેવને રાજ્ય સોંપેલું. તે એક અક્ષૌહિણી સેના સાથે પાંડવપક્ષે રહેલો અને પાંડવપક્ષના સાત પ્રધાન સેનાપતિઓમાંનો એક હતો. એના પરાક્રમનું ગૌરવપૂર્ણ વર્ણન સંજયે કર્યું છે. તે દ્રોણાચાર્યને હાથે હણાયેલો.

જયન્ત પ્રે. ઠાકર