વૈષ્ણોદેવી : જમ્મુ-કાશ્મીર રાજ્યના ઊધમપુર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ગુફા–તીર્થ. આ તીર્થરચના અંગે એવી માન્યતા છે કે દેવીએ સ્વયં ત્રિશૂળનો પ્રહાર કરીને શિલામાં ગુફાનું નિર્માણ કર્યું હતું. આ દેવીતીર્થ સિદ્ધપીઠ મનાય છે. ગુફામાં પ્રવેશ માટે શરૂઆતમાં ખૂબ ઝૂકીને અથવા સૂતે સૂતે પ્રવેશ કરવો પડે છે. એમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની મૂર્તિઓનાં દર્શન થાય છે. આ મૂર્તિઓનાં ચરણોમાંથી નિરંતર જળ વહ્યા કરે છે. એને બાણગંગા કહેવામાં આવે છે. વૈષ્ણોદેવી ઉત્તર ભારતનું અત્યંત પ્રસિદ્ધ તીર્થ છે. એનાં દ્વાર ક્યારેય બંધ થતાં નથી. અહીં ચોવીસે કલાક દર્શન થાય છે. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. જમ્મુથી કટરા સુધીનો રાજમાર્ગ છે. બાકીના 16 કિમી.ની યાત્રા મુખ્યત્વે પગપાળા કે ઘોડા પર કરવી પડે છે. માર્ગમાં વચ્ચે આદિકુમારી નામનું સ્થાન આવે છે. હાથીમથ્થા એ યાત્રામાર્ગમાં સૌથી ઊંચી ટેકરી પાર કરવાની આવે છે. યાત્રિકોની સુવિધા માટે ધર્મશાળા અને બીજા આવાસની વ્યવસ્થાઓ તેમજ ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા છે. યાત્રામાર્ગ સમગ્ર રાત્રિ દરમિયાન રોશનીથી ઝળહળતો હોઈને વાતાવરણ ખુશનુમા રહે છે. યાત્રિકો મોટે ભાગે રાત્રે યાત્રા કરતા હોય છે.
પ્રવીણચંદ્ર પરીખ