વૈષ્ણવ સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. હિંદુ વૈદિક ધર્મમાં મુખ્યત્વે ત્રણ સંપ્રદાયો છે : (1) વૈષ્ણવ, (2) શૈવ અને (3) શક્તિને પ્રાધાન્ય આપતો શાક્ત સંપ્રદાય.

વૈષ્ણવ સંપ્રદાયના મુખ્યત્વે પાંચ પેટા પ્રકારો છે : (1) રામાનુજ વૈષ્ણવ સંપ્રદાય, (2) નિમ્બાર્ક વૈષ્ણવ સંપ્રદાય, (3) મધ્વ વૈષ્ણવ સંપ્રદાય, (4) વલ્લભ વૈષ્ણવ સંપ્રદાય અને (5) ચૈતન્ય વૈષ્ણવ સંપ્રદાય.

(1) રામાનુજ વૈષ્ણવ સંપ્રદાય (11મી સદી) : આ સંપ્રદાય ભગવાનની શ્રી નામની શક્તિની પ્રેરણાથી પ્રવૃત્ત થયો હોવાથી આને શ્રી સંપ્રદાય પણ કહેવાય છે. સંપ્રદાયના નિયમોનું પાલન કરવાથી રામાનુજ દર્શનના પરમતત્ત્વનો અનુભવ થાય છે. આ સંપ્રદાયમાં માનવામાં આવે છે કે ભગવાનનાં આયુધો અને પાર્ષદો લોકકલ્યાણ માટે અવતાર લે છે. ભગવાનના સાક્ષાત્કાર માટે માત્ર એકલું આત્મજ્ઞાન પૂરતું નથી; પરંતુ, જ્ઞાનની સાથે ઉપાસના (ભક્તિ) કરવી અનિવાર્ય છે. આ સંપ્રદાયમાં બે પરંપરાઓ છે : (1) સરયોગી વગેરે બાર આલવાર સંતોની અને (2) યામુનાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે આચાર્યોની. સંતોની પરંપરા ઘણી પ્રાચીન છે. આલવાર સંતોના ભક્તિમય આચરણથી જ લોકોને તત્ત્વબોધ મળી જતો. બ્રાહ્મણ સંતો પણ ભક્તિથી નમ્ર બનીને પોતાને હરિજનના દાસ માનતા. આ સંપ્રદાયમાં વર્ણ કે જાતિનો ભેદ ન હતો. આ સંપ્રદાયના પ્રપત્તિ(શરણાગતિ)ના માર્ગમાં સ્ત્રી, શૂદ્રો સૌને સમાન અધિકાર હતો. આ રામાનુજ સંપ્રદાયમાં, ભગવાનના નામનું સ્થિર અને સતત સ્મરણ (ધ્રુવા અનુસ્મૃતિ) મહત્ત્વનું મનાય છે. આવી સ્મરણ-ભક્તિ ઉત્પન્ન થાય એ માટે સાધકે સાત સાધનોને આચરણમાં મૂકવાં જોઈએ : (1) વિવેક એટલે દૂષિત આહારનો ભેદ કરીને, શુદ્ધ આહાર જ લેવો; (2) વિમોક એટલે વિષયો પરની આસક્તિથી છૂટકારો; (3) અભ્યાસ એટલે ભગવાનના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવું; (4) ક્રિયા એટલે બ્રહ્મયજ્ઞ (સ્વાધ્યાય), દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ (અતિથિ-સત્કાર), ભૂતયજ્ઞ (પશુપક્ષીને તૃપ્ત કરવાં); (5) કલ્યાણ, સત્ય, દયા, સરળતા વગેરે ગુણોને આચરણમાં મૂકવાં; (6) અન્-અવસાદ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં નિરાશ ન થવું; (7) અવ્-ઉદ્ધર્ષ એટલે અનુકૂળ સ્થિતિમાં ફુલાઈ ન જવું. આ સંપ્રદાયમાં કાંચીના શ્રીવરદરાજ ભગવાનની ઉપાસના થાય છે. ઈશ્વરનાં પાંચ પ્રકારનાં સ્વરૂપો મનાય છે : (1) પર, શ્રીનિવાસ પરમાત્મા; (2) વ્યૂહ, સૃષ્ટિ અને ઉપાસનાના પ્રયોજન માટે, ભગવાનની ચાર સ્વરૂપોમાં ગોઠવણી  વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ; (3) વિભવ, મત્સ્યાદિ અવતારરૂપ વિભૂતિ; (4) અન્તર્યામી  દરેકના હૃદયમાં રહીને, જીવ ઉપર નિયમન કરનાર; (5) અર્ચાવતાર, ભગવાનની મૂર્તિ. જીવ સંપૂર્ણ પ્રપત્તિ (શરણાગતિ) દ્વારા ભક્તિ કરીને મૃત્યુ પછી, દિવ્ય ચતુર્ભુજ દેહ ધારણ કરીને, વૈકુંઠમાં ભગવાનના દર્શનનો આનંદ માણે છે.

(2) નિમ્બાર્ક વૈષ્ણવ સંપ્રદાય (12મી સદી) : આ સંપ્રદાય ભગવાનના હંસાવતારથી શરૂ થયો હોવાથી તેને હંસ સંપ્રદાય પણ કહે છે. હંસ નારાયણ સનકાદિ મુનિઓને જ્ઞાન આપે છે, સનકાદિ નારદજીને અને નારદજી નિમ્બાર્કાચાર્યને જ્ઞાન આપે છે  આવી પરંપરા માનવામાં આવે છે. આ સંપ્રદાયમાં પણ શ્રીહરિદાસજી વગેરે સંતોની પરંપરા; અને નિમ્બાર્ક વગેરે આચાર્યોની પરંપરા  એમ બે પરંપરાઓ સમાંતર ચાલે છે. સંતપરંપરામાં શ્રીહરિદાસજી મુખ્ય મનાય છે. આ સંપ્રદાયમાં વૃંદાવનનું ઘણું મહત્ત્વ છે. શ્રીહરિદાસ અને શ્રીવૃન્દાવનના નામનિર્દેશવાળો, યુગલકિશોર રાધાકૃષ્ણનો દીક્ષામંત્ર તેમાં અપાય છે. વૃન્દાવનમાં યમુનાતટે આ સંપ્રદાયનો તટિયા સ્થાન નામનો મુખ્ય આશ્રમ છે. આ સંપ્રદાયના પ્રવર્તક આચાર્ય નિમ્બાર્ક છે. તેમણે બ્રહ્મસૂત્ર-ભાષ્યમાં, વાસ્તવિક ભેદ-અભેદવાદનું પ્રતિપાદન કર્યું છે.

(3) મધ્વ વૈષ્ણવ સંપ્રદાય (આશરે ઈ. સ.ની 13મી સદી) : આ સંપ્રદાયના પ્રવર્તક મધ્વાચાર્ય હોવાથી આ સંપ્રદાય, મધ્વ સંપ્રદાય તરીકે જાણીતો છે. મધ્વાચાર્ય ‘પૂર્ણપ્રજ્ઞ’, ‘આનંદતીર્થ’  એ નામોથી પણ ઓળખાય છે. તેમનું જન્મનામ વાસુદેવ હતું. મધ્વાચાર્ય વેદાન્તદર્શનમાં દ્વૈતમતના પ્રતિપાદક છે. પરમાત્મા અને જીવ; પરમાત્મા અને પ્રકૃતિ  આ બંને નિત્યને માટે ભિન્ન પદાર્થો છે. લક્ષ્મી પરમાત્માથી ભિન્ન શક્તિ છે. આ સંપ્રદાયમાં સ્વતંત્ર પદાર્થ માત્ર એક પરમાત્મા જ છે. મુક્તિ પ્રાપ્ત કરવા મનુષ્યે શ્રવણ, કીર્તન વગેરે રૂપે ભક્તિ કરવી જોઈએ. ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન ભક્તને પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. આ મધ્વ સંપ્રદાય પણ બીજા વૈષ્ણવ સંપ્રદાયોની જેમ, માત્ર સગુણ બ્રહ્મનો જ સ્વીકાર કરે છે. ભગવાનની ભક્તિનાં ત્રણ સાધનો દર્શાવવામાં આવે છે : (1) અંકન, નારાયણનાં આયુધ શંખ, ચક્ર વગેરેનાં ધાતુનાં પ્રતીકો કરીને, હાથ વગેરે અંગો ઉપર તેમને ઉપસાવવાં; (2) નામકરણ, મનુષ્યે પોતાનાં સંતાનોનાં નામ કેશવ વગેરે રાખવાં કે જેથી તેમને બોલાવતાં હરિનું સ્મરણ થાય; (3) દશવિધ ભજન, વાણીથી સત્ય વચન, હિતકારી, પ્રિય વચન બોલવું તેમજ સદ્ગ્રંથો વાંચવા (સ્વાધ્યાય)  આ પ્રકારે વાણીથી ભજન કરવું. શરીરથી દાન આપવું, પરિત્રાણ (સંકટમાંથી દુ:ખીને બચાવવો), રક્ષણ (બીજા પર સંકટ ન આવવા દેવું)  આ ત્રણ દ્વારા શરીરથી ભજન કરવું, મનથી દયા કરવી, શ્રદ્ધા રાખવી અને સ્પૃહા (પ્રભુ પ્રત્યે રુચિ)  એ ત્રણ દ્વારા મનથી ભજન કરવું. બ્રહ્મ અને જીવ વચ્ચે પિતા-પુત્ર જેવું સાશ્ય છે, ઐક્ય નથી. જીવ પ્રભુ-દાસ બનીને ભક્તિ કરે તો તેને સ્વરૂપનું જ્ઞાન કરાવીને ભગવાન મુક્તિ આપે છે. વાયુના હનુમાન, ભીમ  એ બે અવતારો પછી, મધ્વાચાર્ય વાયુના ત્રીજા અવતાર મનાય છે. કર્ણાટકમાં આ સંપ્રદાય ખૂબ પ્રચલિત છે.

(4) વલ્લભ વૈષ્ણવ સંપ્રદાય (ઈ. સ.ની 15મી સદી) : આ સંપ્રદાયના આદ્યપ્રવર્તક વલ્લભાચાર્યના નામ પરથી આ સંપ્રદાયને વલ્લભ સંપ્રદાય અથવા પુષ્ટિ સંપ્રદાય કહે છે. વલ્લભાચાર્યની પૂર્વે થઈ ગયેલા વિષ્ણુસ્વામીના સિદ્ધાંતોનું તેમણે પ્રતિપાદન કર્યું અને સુધારા કર્યા. આ સંપ્રદાયના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને શુદ્ધાદ્વૈતવાદ કહે છે. પુષ્ટિ શબ્દનો અર્થ પોષણ, અનુગ્રહ. આ પુષ્ટિ સંપ્રદાયમાં માનવામાં આવે છે કે ભગવાન ભક્તો પર અનુગ્રહ કરીને તેમને પોષે છે. જ્ઞાન અને કર્મના નિયમોનું પાલન કરીને કરવામાં આવતી ભક્તિને મર્યાદાભક્તિ કહે છે. પુષ્ટિમાર્ગના શ્રેષ્ઠ ભક્તો, પ્રભુકૃપાથી પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી પુરુષોત્તમની સેવાનો આનંદ માણે છે. આ સંપ્રદાયમાં ભક્તિ માત્ર સાધન નથી, સાધ્ય પણ છે. ઉત્તમ ભક્તો મુક્તિ નહિ, ભક્તિ જ માગે છે. વળી, જે જ્ઞાની છે તે, પુરુષોત્તમના નિવાસરૂપ અક્ષરબ્રહ્મને પામે છે. અક્ષરબ્રહ્મને પ્રાપ્ત કરનાર જ્ઞાનીને ગણિત (મર્યાદિત) આનંદ મળે છે; જ્યારે પુરુષોત્તમને પ્રાપ્ત કરનાર ભક્તને અગણિત (અમર્યાદિત) આનંદ મળે છે. પુષ્ટિમાર્ગમાં, માર્જારન્યાય પ્રમાણે, બિલાડી જ બચ્ચાનું ધ્યાન રાખે, બચ્ચાંને કાંઈ કરવાનું હોતું નથી તેમ, ભગવાન કૃપાથી ભક્તોને પોષે છે. મર્યાદામાર્ગમાં મર્કટન્યાય પ્રમાણે અર્થાત્ વાંદરીના બચ્ચાએ માની છાતીએ વળગી રહેવાનો પ્રયત્ન કરવો પડે તેમ, ભક્તના પક્ષે પ્રયત્નની અપેક્ષા રહે છે. સામાન્ય પ્રવાહજીવો માટે વિષયાનંદ છે, જ્ઞાની માટે બ્રહ્માનંદ અને ભક્ત માટે અસીમ ભજનાનંદ. આ સંપ્રદાયમાં સેવા ત્રણ પ્રકારની મનાય છે : (1) તનુજા, શરીરથી સેવા કરવી તે; (2) વિત્તજા, ધનથી સેવા કરવી તે; (3) માનસી સેવા, ઉત્કટ ભાવથી સેવા કરવી તે. તેમાં માનસી સેવા શ્રેષ્ઠ મનાય છે. હ્મઇંદ્દઠત્ર્: ટ્ટજ્રત્ર્દ્વ જ્જ્  શ્રીકૃષ્ણ મારું  શરણ છે એ મંત્રને ખૂબ મહત્ત્વ અપાય છે. પુત્રપરંપરાથી ચાલતા આ વલ્લભ સંપ્રદાયમાં ગોસ્વામી મહારાજ ભક્તને શરણાગતિના ગદ્યમંત્રથી દીક્ષા આપે છે; તેને બ્રહ્મસંબંધની દીક્ષા કહે છે. મૃત્યુ પછી ભક્ત જીવો ગોલોકધામ અથવા વૈકુંઠમાં જાય છે એમ આ સંપ્રદાય માને છે.

(5) ચૈતન્ય વૈષ્ણવ સંપ્રદાય (ઈ. સ.ની 15મી16મી સદી) : ચૈતન્ય મહાપ્રભુ આ સંપ્રદાયના પ્રવર્તક હોવાથી આ સંપ્રદાયને ચૈતન્ય વૈષ્ણવ સંપ્રદાય કહે છે. મૂળ નામ વિશ્ર્વંભર ઉપરાંત, ગૌરાંગ તથા નિમાઈ  એ નામોથી પણ ચૈતન્ય મહાપ્રભુ ઓળખાય છે. બંગાળના નવદ્વીપમાં (ઈ. સ. 14851533) જન્મેલા. આ આચાર્યે બંગાળમાં રાધાકૃષ્ણની ભક્તિનું પૂર વહાવ્યું. ચૈતન્ય પોતે સતત પ્રભુપ્રેમમાં, સંકીર્તનમાં મસ્ત રહેતા હોવાથી સંપ્રદાયના ગ્રંથો રચી શક્યા નહિ; પરંતુ તેમના શિષ્ય રૂપ ગોસ્વામીએ ‘ભક્તિરસામૃતસિન્ધુ’, ‘ઉજ્જ્વલનીલમણિ’ વગેરે ગ્રંથો તેમજ સનાતન ગોસ્વામીએ ‘બૃહદ્ ભાગવતામૃત’, ‘વૈષ્ણવતોષિણી ભાગવત (દશમ સ્કંધ પરની) ટીકા’ વગેરે ગ્રંથો રચ્યા. જીવ ગોસ્વામીએ પણ ભાગવત પર ‘ક્રમસન્દર્ભ ટીકા’ વગેરે ગ્રંથો રચ્યા. આ સંપ્રદાયમાં અચિન્ત્યભેદાભેદવાદનો સિદ્ધાંત સ્વીકારાયો છે. જલથી તરંગ ભિન્ન છે, અભિન્ન પણ છે; તેમ પરમાત્મા અને તેની શક્તિઓ વચ્ચે, માનવબુદ્ધિ સમજી ન શકે તેવો ભેદ છે અને અભેદ પણ છે. હરિની હ્લાદિની (આનંદ આપનારી) શક્તિ, જીવને પોતા તરફ ખેંચે છે; હરિની માયાશક્તિ જીવને સંસાર તરફ ખેંચે છે. જીવ જો હરિસંમુખ થઈને પ્રભુ પ્રત્યે પ્રેમ કરે તો સંસાર આપોઆપ છૂટી જાય છે. ભક્તિ બે પ્રકારની : (1) વિધિના નિયમો પ્રમાણે કરવામાં આવતી ભક્તિ તે વૈધીભક્તિ; (2) પ્રભુ પ્રત્યેના શુદ્ધ પ્રેમના આધારે પ્રકટ થતી ભક્તિ તે રાગભક્તિ. આ બંને પ્રકાર, વલ્લભ સંપ્રદાયની મર્યાદાભક્તિ અને પુષ્ટિભક્તિને મળતા આવે છે. રસાત્મક હરિની ભક્તિને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ઉપરાંત, પાંચમો પુરુષાર્થ માનવામાં આવે છે. આ સંપ્રદાયમાં જ્ઞાન કરતાં રાગભક્તિને મહત્ત્વ અપાય છે. ભક્તિ દ્વારા જીવ નિત્ય દિવ્ય દેહથી નિત્યલીલામાં પ્રવેશ મેળવે છે. આ સંપ્રદાયમાં સ્ત્રીસંગ અને અભક્તનો સંગ વર્જ્ય છે. પ્રેમભક્તિના પાંચ પ્રકાર મનાય છે : (1) શાંતભાવ, (2) દાસ્યભાવ, (3) સખ્યભાવ, (4) વાત્સલ્યભાવ અને (5) માધુર્યભાવ. માધુર્યભાવથી કરવામાં આવતી ભક્તિ સર્વશ્રેષ્ઠ મનાય છે. આવી ભક્તિને મુક્તિ કરતાં પણ ઉચ્ચતર માનવામાં આવી છે.

લક્ષ્મેશ વ. જોષી