રૂહ : આત્મા. સૂફીઓને મતે આત્માના બે ભેદ છે – રૂહ અને નફ્સ (પ્રાણ). રૂહ સદવૃત્તિઓનું ઉદગમ સ્થાન છે, એ વિવેક દ્વારા કાર્યરત થાય છે. રૂહ આત્માને ઊર્ધ્વ તરફ લઈ જાય છે. પરમાત્માને લગતી બધી વૃત્તિઓનું એ નિવાસસ્થાન છે. પરમાત્માનો પ્રેમ પણ રૂહની નિસબત છે. એમાં ક્યારેય બુરાઈ આવતી નથી. ઇબ્નુલ ફરીદે રૂહને અમર કહ્યો છે. જીલીને મતે પરમાત્માએ પોતાની જ્યોતિમાંથી રૂહોની સૃષ્ટિ કરી છે અને ત્યારબાદ એણે જગતનું નિર્માણ કર્યું. હુજબીરીનું કહેવું છે કે રૂહ અને શરીર બંને અલગ-અલગ પદાર્થ છે અને પરમાત્મા એ બેને એકત્ર કરે છે
પ્રવીણચંદ્ર પરીખ