રૂંછાળો દૂધલો (રાઇટિયા)

January, 2004

રૂંછાળો દૂધલો (રાઇટિયા) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Wrightia tinctoria R. Br. (સં. શ્ર્વેતકુટજ; હિં. ઇન્દ્રજવ, મીઠા ઇન્દ્રજવ; બં. ઇન્દ્રજવ; ગુ. રૂંછાળો દૂધલો, દૂધલો, કાળો ઇન્દ્રજવ; મ. કાલાકુડા, ઇન્દ્રજવ; તે. ટેડ્લાપાલા, આમકુડા, જેડ્ડાપાલા; ક. કોડામુર્કી, બેપાલ્લે; ત. વેયપાલે, ઇરુમ્પાલાઈ, થોંયાપાલાઈ; મલ. કોટકપ્પાલ્લા, અં. પાલા ઇંડિગો-પ્લાન્ટ) છે. તે નાનું, પર્ણપાતી (ieciduous), 1.8 મી. ઊંચું અને 60 સેમી. ઘેરાવો ધરાવતું, કેટલીક વાર 7.5 મી. ઊંચું વધતું વૃક્ષ છે. તેનું વિતરણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દ્વીપકલ્પીય (peninsular) ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેની છાલ પાતળી, આછી ભૂખરી, શલ્કી અને લીસી હોય છે. પ્રકાંડ સુંવાળું અને દ્વિશાખિત હોય છે અને પીળા રંગના દૂધ જેવો ક્ષીરરસ ધરાવે છે. પર્ણો સાદાં, સંમુખ, ઉપવલયી-અંડાકાર (elliptic-ovate) કે પ્રતિઅંડાકાર-લંબચોરસ (obovate-oblong), 7.5 સેમી.થી 12.5 સેમી. લાંબાં અને અણીદાર હોય છે. પર્ણની બંને સપાટીઓ લીસી અને ચળકતી હોય છે અને 6થી 12 જોડ શિરાઓ ધરાવે છે. પુષ્પો સફેદ અને સુગંધિત હોય છે અને તેમની અગ્રસ્થ-પરિમિત (terminal cyme) સ્વરૂપે શિથિલ ગોઠવણી થયેલી હોય છે. ફળ એકસ્ફોટી (follicle) યુગ્મ પ્રકારનાં, લટકતાં, 15 સેમી.થી 50 સેમી. લાંબાં, નળાકાર અને ટોચેથી જોડાયેલાં હોય છે, બીજરેખીય અને ટોચેથી અણીદાર હોય છે અને તલસ્થ રોમગુચ્છ (coma) ધરાવે છે. રોમગુચ્છ મૃદુ, ચળકતા, રૂપેરી, 3 સેમી.થી 5 સેમી. લાંબા રોમ વડે બનેલો હોય છે.

વૃક્ષના વિકાસ માટે મધ્યમસરનો પ્રકાશ જરૂરી છે અને પર્ણપાતી જંગલોમાં ઝાડીઝાંખરાં (under-growth) રૂપે થાય છે. તે પીટ (peat) ગોરાડુ અને રેતી ધરાવતી મિશ્ર મૃદામાં સારી રીતે ઊગે છે. તેનું બીજ અને કટકારોપણ દ્વારા પ્રસર્જન થાય છે. તે સૂર્યપ્રકાશમાં રેતીમાં ઝડપથી મૂળ નાખે છે.

વૃક્ષને કેટલીક ફૂગ દ્વારા રોગ લાગુ પડે છે અને જીવાતો પણ તેને નુકસાન પહોંચાડે છે. Cercospora wrightiae Thirum. & Chupp. પર્ણોને અને Hemeileia wrightiae Racib. વૃક્ષને ચેપ લગાડે છે. Xylorrhiza adusta wiedm. નામની ભમરાની જાત વૃક્ષ ઉપર આક્રમણ કરે છે અને પ્રકાંડ અને શાખાઓ ઉપર વલયો ઉત્પન્ન કરે છે. કૉફી ઉપર થતી માંકડની જાતિ (Coccus viridis Green.) પણ રૂંછાળા દૂધલા ઉપર થાય છે. Lygropla obrinusalis Wlk.ની અપરિપક્વ અવસ્થાઓ વૃક્ષના વિપત્રણ (defoliation) દરમિયાન જોવા મળી છે. તે લાખના કીટક(Laccifer communis)ની પોષિતા વનસ્પતિ છે. આ વૃક્ષ ઉપર વાંદો (Dendrophthoe falcata) અને બોડો વાંદો (Viscum monoicum અને V. orientale) નામની પરોપજીવી આવૃતબીજધારી જાતિઓ પણ થાય છે.

રૂંછાળો દૂધલો (Wrightia tinctoria)

તેનું કાષ્ઠ પ્રથમ વાર ખુલ્લું થાય ત્યારે એકસરખું સફેદ હોય છે અને સમય જતાં હાથીદાંતના રંગનું બને છે. અંત:કાષ્ઠ (heart wood) અસ્પષ્ટ હોય છે. કાષ્ઠ ચમકીલું અને લીસું, સુરેખ કે અરીય તલમાં કેટલેક અંશે તરંગી-કણમય (wavy-grained), અત્યંત સૂક્ષ્મ અને સમગઠનવાળું (fine-and even-textured), સંકુલિત-કણમય (close-grained), મધ્યમસરનું સખત અને હલકું (વિ. ગુ. 0.57; વજન 577 કિગ્રા./ઘ.મી.) હોય છે. તેનું સંશોષણ (seasoning) સરળતાથી થઈ શકે છે. તેને સહેલાઈથી વહેરી શકાય છે અને હાથ કે યંત્ર દ્વારા તેના ઉપર કામ થઈ શકે છે. બધા જ પ્રકારના ખરાદીકામ(turnery)માં તેનો ખૂબ ઉપયોગ થાય છે. તે પ્યાલા, પ્લેટ, કાંસકીઓ, શતરંજનાં મહોરાં, પેન-હોલ્ડર, પેન્સિલ અને પલંગના પાયા બનાવવામાં વપરાય છે. તે કોતરકામ, ફ્રેમ, ચમચાઓ, કોતરેલા હાથા, ખેતીનાં ઓજારોના હાથા, નાની પેટીઓ, ઢીંગલીઓ, રમકડાં, દીવાસળીની પેટીઓ, બૉબિન, છાપવાનાં બીબાં, ગણિતનાં સાધનો અને ફૂટપટ્ટીઓ બનાવવામાં ઉપયોગી છે. તેની છાલ સફેદ ઇન્દ્રજવ(Holarrhena antidysenterica)ની છાલમાંથી મેળવવામાં આવતા ‘કોનેઝી’, ‘તેલ્લીચેરી’, કે ‘કુર્ચી બાર્ક’ તરીકે ઓળખાતા ઔષધના અપમિશ્રક તરીકે વપરાય છે. રૂંછાળા દૂધલામાં આલ્કેલૉઇડ દ્રવ્ય (પ્રતિ અતિસાર ઘટક) ખૂબ ઓછું હોય છે. આ અપમિશ્રકને કારણે ‘હોલોરહીના’ ઔષધ ઊતરતી કક્ષાનું બન્યું છે. છાલમાં છ આલ્કેલૉઇડીય ઘટકોની હાજરી માલૂમ પડી છે. તે પ્રોટિયોલાયટિક સક્રિયતા દાખવે છે. છાલમાંથી કેટલાક ઍમિનોઍસિડોનું અને β-એમાયરિન, લ્યુપિયોલ, એક નવું ટ્રાઇટર્પેનૉઇડ (C30H50O) અને β-સિટોસ્ટેરોલનું નિષ્કર્ષણ કરવામાં આવ્યું છે.

છાલ અને બીજ વાયુવિકાર (flatulence) અને પિત્તના રોગોમાં ઉપયોગી છે. સૂકી દળેલી છાલ જલોદરમાં શરીર ઉપર ઘસવામાં આવે છે. બીજ વાજીકર (aphrodisiac) અને કૃમિહર (anthelmintic) ગુણધર્મો ધરાવે છે. છાલ અને પર્ણોનો ક્વાથ ક્ષુધાપ્રેરક છે. તાજાં પર્ણો અત્યંત તીખાં હોય છે અને દાંતના દુ:ખાવામાં ચૂસવામાં આવે છે. પર્ણ અને મૂળના આલ્કોહૉલીય અને જલીય નિષ્કર્ષો અલ્પરક્તદાબી (hypotensive) ગુણધર્મો ધરાવે છે.

તે આછા પીળા રંગનો ક્ષીરરસ ઉત્પન્ન કરે છે, જેમાં કુચુક (caoutchouc) 2.4 %થી 28.4 % જેટલું હોય છે. 5 % કરતાં વધારે રબર ધરાવતા ક્ષીરરસનો કે આલ્કોહોલ ઉમેરી ગરમ કરવાથી પ્રાપ્ત કરેલ તેનાં સ્કંદ(coagulum)નો વ્યાપારિક ધોરણે ઉપયોગ કરી શકાય છે. ટંડા, ઉત્તર પ્રદેશમાંથી મેળવેલા ક્ષીરરસના એક નમૂનામાં રબર (ક્લૉરોફૉર્મ નિષ્કર્ષ) 20.3 %, રાળ (આલ્કોહોલીય નિષ્કર્ષ) 20.7 % અને પાણી 54.9 % માલૂમ પડ્યું હતું. મહારાષ્ટ્રના ક્ષીરરસના એક નમૂનાનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : રબર 11.5 %, રાઇ 38.9 % અને પાણી (દ્રાવ્ય પદાર્થો સહિત) 49.6 %, તેનો સ્કંદ રબર 22.9 % અને રાળ 71.3 % ધરાવે છે. સ્કંદનો ઉપયોગ વીજ-તારની ફરતે વીજરોધક (insulator) તરીકે, ભોંયતળિયાના રાચરચીલામાં અને આસંજક (adhesive) તરીકે થાય છે. ક્ષીરરસમાં કેટલાક ઍમિનોઍસિડ હોય છે.

કાચાં તાજાં ફળોના રસનો દૂધ જમાવવામાં ઉપયોગ થાય છે. બીજમાંથી 30.5 % જેટલું ઘેરા લાલ રંગનું અંશ/શુષ્કન (semi-drying) તેલ મેળવવામાં આવે છે.

પર્ણો ‘ગળી’ તરીકે ઓળખાતા વાદળી રંગનો સ્રોત છે. તેને ‘મૈસૂર પાલા ઇન્ડિગો’ (ઉત્પાદન, 0.33 %થી 0.50 %) કહે છે. શુષ્ક પર્ણોમાં કુલ નાઇટ્રોજન 2.0 %, ભસ્મ 9.3 % અને કૅલ્શિયમ (CaO તરીકે) 3.8 % હોય છે. તેમાંથી કેટલાક ઍમિનોઍસિડો અને β-એમાયરિનનું અલગીકરણ કરવામાં આવ્યું છે.

પર્ણો પ્રોટિયોલાયટિક ગુણધર્મો ધરાવે છે. બીજનો રંગદ્રવ્યોના સહાયક (adjuvant) તરીકે ઉપયોગ થાય છે. બીજ, પર્ણો અને મૂળમાં ગળી ઉત્પન્ન કરતો ગ્લુકોસાઇડ હોય છે.

પુષ્પોનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે સહેજ કડવાં હોય છે અને ઉપયોગ કરતા પહેલાં તેમને સંપૂર્ણપણે ધોવામાં આવે છે. કુમળાં પર્ણો, શિંગો અને બીજનો ખાવામાં ઉપયોગ થાય છે. ઢોર, બકરાં અને ઘેટાં તેનાં પર્ણો ખાય છે. દક્ષિણ ભારતમાં ડાંગરનાં ખેતરોમાં લીલા ખાતર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેને માટે ખાબોચિયાવાળી મૃદામાં શાખાઓને છૂંદવામાં આવે છે.

વૃક્ષ સફેદ રંગના, મોગરા જેવી સુગંધવાળાં, દીપકાકાર પુષ્પોનાં અસંખ્ય ગુચ્છ ધરાવે છે. તેનો ઉપયોગ હિંદુ મંદિરોમાં પૂજા માટે થાય છે. પર્ણોનો બીડીઓ માટેના વેષ્ટન (wrapper) તરીકે ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર કાળો ઇન્દ્રજવ સફેદ ઇન્દ્રજવ કરતાં વધારે ઉષ્ણ હોવાથી તેના ગુણો ઊતરતી કક્ષાના હોય છે. તે રક્તદોષ, અર્શરોગ, ત્વગદોષ અને પિત્તનો નાશ કરે છે. બીજા ગુણ સફેદ ઇન્દ્રજવ જેવા છે. ફૂરસા, કમળી અને સર્વ વિષ ઉપર તે ઉપયોગી ગણાય છે. તે થોડા પ્રમાણમાં લેવાથી જઠર અને યકૃતની ક્રિયા સુધરે છે. વધારે પ્રમાણમાં લેવાથી ઊલટી અને દસ્ત લાગે છે. તેના પાનનો સ્વરસ કમળા ઉપર દિવસમાં લગભગ 11.0 ગ્રા.થી 22.0 ગ્રા. જેટલો એક વાર આપવામાં આવે છે. પર્ણો તીક્ષ્ણ, ઉષ્ણ, પીડાશામક, અલ્પરક્તદાબક છે અને દંતશૂલમાં ઉપયોગી છે. છાલ અને બીજ કડવાં, સંકોચક, તીક્ષ્ણ, ઉષ્ણ, વાતહર, પાચક, કૃમિહર અને જ્વરહર છે તથા જઠરીય અપચો, આફરો, વાયુવિકાર, શૂલ, અતિસાર, કોઢ, રક્તસ્રાવ, કૃમિરોગ, તાવ, દાઝ્યા ઉપર અને જલોદરમાં ઉપયોગી છે.

Wrightia tomentosa Roem. & Schult. (હિં. દૂધી; ગુ. દૂધલો, કાળો ઇન્દ્રજવ; મ. કાળો ઇન્દ્રજવ) રૂંછાળા દૂધલાની બીજી જાતિ છે. તે 12 મી. સુધી ઊંચું વધતું પર્ણપાતી નાનું વૃક્ષ છે અને ભારતના ઉષ્ણ પ્રદેશોમાં બધે જ થાય છે. તે હિમાલયમાં 600 મી. સુધીની ઊંચાઈએ અને નીલગિરિમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેની છાલ પીળીથી માંડી ગેરુ રંગની અને બૂચ જેવી હોય છે; જેમાં આછા રંગનાં ટપકાં હોય છે. પર્ણો ઉપવલયી અને ઘણી વાર ધન-રોમિલ (tomentose) અને 7.5 સેમી.થી 15.0 સેમી. લાંબાં હોય છે. પુષ્પો આછા પીળા રંગનાં હોય છે અને નારંગી રંગના પુષ્પમુકુટીય (coronal) શલ્કો ધરાવે છે તથા પરિમિત તોરા (corymbose cyme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. એકસ્ફોટી-યુગ્મ ફળો 15 સેમી.થી 30 સેમી લાંબાં હોય છે અને એક નળાકાર સ્વરૂપે જોડાયેલાં હોય છે. તેઓ દરેક બાજુએ ઊંડી ખાંચ ધરાવે છે. બીજ સફેદ રેશમી રોમગુચ્છવાળાં હોય છે.

તેના ઉપયોગો રૂંછાળા દૂધલાના જેવા છે.

યોગેશ ડબગર

બળદેવભાઈ પટેલ