મૈત્રેય : ગૌતમ બુદ્ધ પછી લગભગ 4000 વર્ષ બાદ થનારા ભાવિ બુદ્ધ. બૌદ્ધ સંપ્રદાયની માન્યતા મુજબ હાલ મૈત્રેય તુષિત સ્વર્ગમાં બોધિસત્વ સ્વરૂપે વિચરે છે. મૈત્રેયને હીનયાન અને મહાયાન બંને શાખાના અનુયાયીઓ માને છે. ભારત ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર, જાવા, તિબેટ, થાઈ પ્રદેશ વગેરે દેશોમાં ગૌતમ બુદ્ધની સાથે ભાવિ બુદ્ધ મૈત્રેયની પૂજા પણ પ્રચલિત હતી એમ ત્યાંથી પ્રાપ્ત પ્રતિમાઓ પરથી પ્રતીત થાય છે.

બૌદ્ધ પ્રતિમા વિધાન અનુસાર બોધિસત્વ તરીકે મૈત્રેયનો વર્ણ પીળો છે. તેઓ ધ્યાની બુદ્ધ અમોઘસિદ્ધિમાંથી આવિર્ભાવ પામતા માનુષી બુદ્ધ છે. સામાન્ય રીતે તેમને ધર્મચક્ર કે વરદ મુદ્રામાં દર્શાવાયા છે. તેમનું લાંછન કલશ અને ચક્ર છે. તેઓને જ્યારે ઊભેલી અવસ્થામાં દર્શાવાય છે ત્યારે ભારે વસ્ત્રાભૂષણો અને જમણા હાથે સનાળ કમળ ધારણ કરતા રાજપુરુષ જેવા લાગે છે. બેઠેલી અવસ્થામાં તેમનું આલેખન થાય છે ત્યારે પગ પલાંઠી વાળેલા કે નીચે પ્રલંબપાદમાં દર્શાવેલા હોય છે. કેટલીક વાર મૈત્રેયના મુકુટમાં ચૈત્યની આકૃતિ કંડારેલી હોય છે.

ભારતમાં મૌર્ય સમ્રાટ અશોકના સમય(ઈ. સ. પૂ. ત્રીજી સદી)થી મૈત્રેયની પૂજા પ્રચલિત થયાનું મનાય છે. ગંધારમાંથી મળેલી ઈ. સ. પૂર્વે બીજી સદીની મૈત્રેયની પ્રતિમામાં મૈત્રેયને બેઠેલી અવસ્થામાં બતાવ્યા છે. મસ્તકે લાંબા વાળ અને તેના ઉપર ઉષ્ણીષની કેશરચના કરેલા છે. જમણો હાથ અભય મુદ્રામાં છે અને ડાબા હાથે અમૃતકલશ ધારણ કર્યો છે. સારનાથમાંથી મળેલી કુષાણકાલીન (ઈ. સ.ની બીજી સદીની) પ્રતિમામાં દ્વિભુજ મૈત્રેય ડાબા હાથમાં અમૃત કુંભ અને જમણા હાથે વરદ મુદ્રા ધારણ કરીને  ઊભેલા નજરે પડે છે. બાઘ (મ.પ્ર.) અને અજંટા તથા ઇલોરાની ગુફાઓ અને ગુજરાતમાં તારંગાની ટેકરી પર તારણમાતાની પ્રતિમાની પાસેથી મૈત્રેયની પ્રતિમા તેમજ અજંટામાં આલેખાયેલા મૈત્રેયનું ચિત્રોમાં ભાવિ બુદ્ધ તરીકે નિરૂપણ થયું છે, જે ભારતમાં આ ભાવિ બુદ્ધની મૂર્તિપૂજા વ્યાપક પ્રમાણમાં પ્રચલિત હોવાનું પ્રતીત થાય છે. પ્રાપ્ત પ્રતિમાઓમાં કેટલીક ઊભેલી અવસ્થામાં છે. એમાં થોડા વાળ ખભા સુધી લટકતા હોય અને બાકીના વાળથી માથા પર ઉષ્ણીયની સરસ કેશરચના કરેલી હોય તેમ જોવામાં આવે છે. બેઠેલી પ્રતિમાઓમાં મસ્તક પાછળ પ્રભામંડળ કરવામાં આવ્યું હોય છે. એમાં પણ મસ્તક પર ઉષ્ણીષની રચના થતી નજરે પડે છે. મૈત્રેયની મૂર્તિ ક્યાંક એકલી, ક્યાંક બીજા બોધિસત્વો સાથે અને કેટલીક વાર બૌદ્ધમંદિરની બહાર દ્વારપાલ સ્વરૂપે મુકાયેલી પણ દૃષ્ટિગોચર થાય છે. મૈત્રેયની પ્રતિમા સાધારણ રીતે ઉષ્ણીષયુક્ત જટામુકુટ, તો કોઈ વાર કિરીટમુકુટમાં પણ દર્શાવાય છે. મૈત્રેયના મુકુટમાં કેટલીક વાર નાના ચૈત્યની આકૃતિ કંડારાય છે જે તેમના ભાવિ બુદ્ધ તરીકેના અવતરણના સૂચક રૂપ ગણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ