મૈત્રેય : મહાભારતમાં અને ભાગવત વગેરે પુરાણોમાં ઉલ્લેખાયેલા ઋષિ. મહાભારતના લેખક મહર્ષિ વેદવ્યાસના તેઓ મિત્ર હતા અને વેદવ્યાસના પિતા પરાશર ઋષિના તેઓ શિષ્ય હતા. મૈત્રેય વિષ્ણુપુરાણના પ્રવક્તા છે. વિદુરને તેમણે આત્મજ્ઞાન આપેલું. કૌરવો અને પાંડવોના સંબંધી હોવાથી તેમણે દુર્યોધનને પાંડવો સાથે વેર વધારવાની ના પાડી; પરંતુ દુર્યોધને મૈત્રેય ઋષિનો તિરસ્કાર કરીને મદમસ્ત બની તેમના દેખતાં જ પોતાની જાંઘ થાબડી. તેથી મૈત્રેય ઋષિ ગુસ્સે થયા અને દુર્યોધનને શાપ આપ્યો કે આ તારી જાંઘ પર ભીમની ગદા પડતાં જ તારું મોત થશે. એ શાપ સાચો પડ્યો અને દુર્યોધનનું મૃત્યુ એ જ રીતે થયું. આથી મૈત્રેય ઋષિ વધુ જાણીતા બન્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી