ચર્યાગીત : બૌદ્ધ સાહિત્ય અનુસાર ચર્યા એટલે ચરિત કે દૈનંદિન કાર્યક્રમનું પદ્યમય નિરૂપણ. રાહુલ સાંકૃત્યાયને રચેલ ‘બુદ્ધચર્યા’ પ્રખ્યાત છે અને બૌદ્ધો માટે એ ચર્યા આદર્શરૂપ બની છે. સિદ્ધ અને નાથ પરંપરામાં સંગીતનો પ્રભાવ વધતા ત્યાં ગાયનનો પ્રયોગ સાધનાની અભિવ્યક્તિ માટે થવા લાગ્યો તો બોધિચિત્ત અર્થાત્ ચિત્તની જાગ્રત અવસ્થાનાં ગીતોને ‘ચર્યાગીત’ની સંજ્ઞા અપાઈ. ‘ચર્યાગીત’માં સિદ્ધોની મનઃસ્થિતિ પ્રતીકો દ્વારા વ્યક્ત થઈ છે. એમાં સાધકની માનસિક અવસ્થાઓમાં ક્રમશઃ રાગ અને આનંદનું પ્રકટીકરણ તેમજ બોધિચિત્તની વિવિધ સ્થિતિઓનું સરસ વર્ણન મળે છે. આ ગીતોમાં અનેક રાગ-રાગિણીઓનો પ્રયોગ થયેલો જોવા મળે છે. વસ્તુતઃ સિદ્ધોનું સમગ્ર ગીતિ-સાહિત્ય ચર્યાગીત જ છે. ચર્યાગીતોની ભાષા આધુનિક આર્ય ભાષાઓની પૂર્વેની અપભ્રંશ ભાષા છે.
પ્રવીણચંદ્ર પરીખ