ચર્મઉદ્યોગ

મૃત પ્રાણીઓની ચામડીને કમાવવા(tanning)ની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા લાંબો વખત જાળવી શકાય અને ટકાઉ, સુર્દઢ તથા મુલાયમ બનાવીને ઉપયોગમાં લઈ શકાય તે માટેની પ્રક્રિયાનો તેમજ તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ.

શાહમૃગ અને કાંગારું જેવાં વિશિષ્ટ પ્રાણીઓની ચામડી ઉપરાંત સામાન્ય પ્રાણીઓ જેવાં કે ગાય, ઘેટાં, બકરાં, ભેંસ, ઘોડા, ઊંટ, ઝીબ્રા, ડુક્કર, હરણ, ગેંડો, હિપોપૉટેમસ, વાઘ, સિંહ અને તેમનાં બચ્ચાં અને સીલ, શાર્ક, વહેલ, મગર જેવાં જળચર પ્રાણીઓ તેમજ સર્પ વગેરેની ચામડીનો આ કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે છે.

સસ્તન પ્રાણીઓની ચામડી ત્રણ પડની બનેલી હોય છે : (1) ઉપરની પાતળી બાહ્ય ત્વચા (epidermis), જેમાં વાળ લાગેલા હોય છે; (2) વચલી જાડી અન્તસ્ત્વચા (corium), જેનો ઉપયોગ ચર્મઉદ્યોગમાં કરવામાં આવે છે; (3) ચરબીયુક્ત અધસ્ત્વચા (subcutaneous layer) જેની સાથે સ્નાયુઓ, માંસની પેશીઓ, લોહી વગેરે લાગેલાં હોય છે. ચામડીનો આડો છેદ આકૃતિ 1માં બતાવવામાં આવેલો છે. તાજા મેળવેલા ચામડામાં 60 %થી 70 % જેટલું વજન પાણીનું હોય છે, 30 %થી 35 % પ્રોટીન હોય છે; 85 % પ્રોટીન જિલેટીન જેવું હોય છે, જે કૉલાજન (collagen) તરીકે ઓળખાય છે. અન્તસ્ત્વચા ચર્મ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે; આજુબાજુનાં બંને પડોને કમાવવાની પ્રક્રિયા દરમિયાન દૂર કરવામાં આવે છે.

આકૃતિ 1 : ઢોરના ચામડાનો આડછેદ

ઇતિહાસ : માનવીએ બનાવેલી વસ્તુઓમાં ચામડાની વસ્તુઓનો ઉપયોગ પ્રથમ હશે. આદિ માનવે કાચા ચામડાને ચકમકના પથ્થરથી ઘસીને તેના પરના વાળ અને સ્નાયુઓ દૂર કરી ચામડાને વાપરવાલાયક બનાવવા માટેની આ પ્રક્રિયા અમલમાં મૂકી હશે. તે પહેલાં કોહવાઈ ન જાય તે માટે ચામડાને સૂર્યના તાપમાં તે સૂકવતો હશે પણ તેમ કરવાથી ચામડું બરડ થઈ જાય છે.

ઇજિપ્તમાં સોનું, ચાંદી, હાથીદાંત વગેરે મૂલ્યવાન વસ્તુથી મઢેલી ચામડાની વસ્તુઓ ઘણી ઊંચી કિંમતે પ્રાપ્ય થતી હતી. ચામડું કમાવવાની કળા પ્રાચીન સમયથી આશરે 7000 વર્ષ પૂર્વે પણ પ્રચલિત હશે તેમ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં હિબ્રૂ લોકોએ એક વૃક્ષની છાલનો ઉપયોગ ચામડા કમાવવામાં કરેલો તેવો ઉલ્લેખ છે. સુમેર અને ઇજિપ્તના લોકો જૂના વખતમાં ચામડાનાં વસ્ત્રો, તંબુઓ, પાત્રો વગેરેનો ઉપયોગ કરતા. ઇજિપ્તમાંથી મળેલા અવશેષોમાં ચામડું અને તેની બનાવેલી વસ્તુઓ (આશરે ઈ. પૂ. 3300 વર્ષ જેટલી જૂની) હજુ પણ ઉત્તમ સ્થિતિમાં છે. જૂના વખતમાં ગ્રીક લોકો ચામડાનો ઉપયોગ બખ્તર, હોડીઓ, કપડાં વગેરે માટે કરતા. ત્યારપછી રોમન લોકોએ પણ ચામડાનો તે પ્રકારનો ઉપયોગ શરૂ કર્યો હતો. મૃત સરોવરની ઉત્તરે આવેલી પર્વતની ગુફામાંથી ઈ. સ. 1947માં હિબ્રૂ ભાષામાં લખાયેલાં ચર્મપત્રો મળ્યાં છે તે હજુ પણ સારી સ્થિતિમાં છે. તે ઈ. પૂ. બીજાથી પ્રથમ સૈકા સુધીના સમયગાળાનાં હશે તેમ માનવામાં આવે છે. વાઘનું ચામડું કમાવવાની કામગીરી જાણતા કારીગરની મૂર્તિ જે ઈ. પૂ. 4000માં બનેલી હશે, તે બર્લિનના સંગ્રહાલયમાં મૂકવામાં આવેલી છે.

ઇજિપ્ત, ચીન, ગ્રીસ, બૅબિલોનિયા ઇત્યાદિ દેશોમાં આ વ્યવસાયે સારી પ્રગતિ સાધી હતી. તે દેશનાં ચામડાં તે વખતે જગપ્રસિદ્ધ હતાં. રોમનકાળમાં રોમન રાજાઓ અને તેમના સરદારોની પત્નીઓ ચામડાની બનાવેલી રંગબેરંગી ચંપલો વાપરતી તેવો ઉલ્લેખ છે. ચામડાના બનેલા દડાનો પ્રથમ ઉપયોગ જાપાનમાં કરવામાં આવેલો. એશિયા અને મધ્યપૂર્વના દેશોમાં સ્ત્રીઓ રેશમી અને ભરતકામવાળા ચામડાના પોશાક પહેરતી. મધ્યયુગમાં યુરોપના લગભગ બધા જ દેશોમાં ચામડું કમાવવાની અને તેમાંથી વસ્તુઓ તૈયાર કરવાની કળા પ્રસિદ્ધ હતી. યુરોપમાં તે વખતે ચાલતા યુદ્ધને લીધે આ ધંધો વિકાસ પામ્યો હતો. અમેરિકન રેડ ઇન્ડિયન લોકો ચામડું કમાવવાની પ્રક્રિયાથી માહિતગાર હતા. તે હરણના ચામડાનો ઉપયોગ કરીને તેમાંથી એડી વગરના બૂટ (moccasin), ઉપર પહેરવાનો ઝભ્ભો, તંબૂઓ વગેરે બનાવતા.

વૈદિક કાળ દરમિયાન અને તે પહેલાંના ગ્રંથોમાં (ઈ. પૂ. 1500થી 1000), મૃત પ્રાણીઓનું ચામડું કાઢીને તેને કમાવવાની પ્રવિધિ કરનાર જાતિને હિંદુ ચમાર તરીકે ઓળખતા. પગના જોડા, પાણીની મશક, ઘોડેસવારીનો સરંજામ, યુદ્ધના પોશાક, ઢાલ, સોમરસ માટેના પ્યાલા, તેલને સંગ્રહવાનાં કુલ્લાં વગેરે સાધનો બનાવવામાં આવતાં. રામાયણ અને મહાભારતના ગ્રંથોમાં પણ ચામડાની બનાવેલી ટકાઉ અને રંગબેરંગી વસ્તુઓનો ઉલ્લેખ છે.

જૂના વખતમાં લોકો ચામડું કમાવવા માટે ઝાડની છાલ, પાંદડાં, ફળો અને તેની સાથે પાણીનો ઉપયોગ કરતા. આ પ્રક્રિયા ઘણી ધીમી હતી. તેમાં ચામડું કમાવવા માટે મહિનાઓ લાગતા, જ્યારે જાડું ચામડું કમાવતાં વર્ષો લાગતાં. ઈ. પૂ. 800માં ઍસીરિયન, બૅબિલોનિયન, ગ્રીક અને સુમેરિયન લોકો ફટકડીનો ઉપયોગ કરતા તે પદ્ધતિ વધુ ઝડપી બની હતી.

ઈ. સ. 1800 પછી જ ચામડાનો બહોળો ઉપયોગ થવા માંડ્યો તેમ કહી શકાય; મનુષ્યે પોતાના ખોરાક માટે વધુ માંસનો ઉપયોગ કરવા માંડ્યો તેમ તેમ મૃત પશુઓની ખાલ વધુ પ્રમાણમાં મળવા માંડી તે કારણથી પણ તેને કમાવવાની પદ્ધતિમાં સારી એવી પ્રગતિ થઈ. ઇંગ્લૅન્ડમાં ચામડું કમાવવા માટે એક વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો. ઈ. સ. 1885માં કનાપે અને ઈ. સ. 1879માં હાઇઝરલિંગે ક્રોમ પ્રક્રિયાથી ચામડું કમાવવાની પદ્ધતિનો ઇજારાહકપત્ર લીધો, પણ તેનો ઔદ્યોગિક ઉપયોગ તો ઈ. સ. 1884માં ઑગસ્ટસ શુલ્ટ્ઝે કર્યો. 10 વર્ષ પછી 1893માં માર્ટિન ડેનિસે આ પદ્ધતિ માટે વિશિષ્ટ પ્રકારનાં કૂંડાં તૈયાર કરાવીને તેને સંપૂર્ણ બનાવી. ઈ. સ. 1898માં ચામડું કમાવવા માટે આલ્ડિહાઇડ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવ્યો. ઈ. સ. 1809માં સૅમ્યુઅલ પાર્કરે ચામડાને ચીરવા(splitting)નું યંત્ર શોધ્યું અને તે માટેનો ઇજારાહકપત્ર લીધો. ઈ. સ. 1910માં સ્ટિઆન્શીએ પ્રથમ વાર ફીનૉલ, સલ્ફ્યુરિક ઍસિડ અને ફૉર્મેલિનનો ઉપયોગ ચામડું કમાવવામાં કર્યો.

અમેરિકાની ટૅનર્સ કાઉન્સિલની ડિક્શનરી ઑવ્ લેધર ટૅક્નૉલૉજીને આધારે જુદાં જુદાં પ્રાણીઓમાંથી મળતાં ચામડાંના પ્રકારનું વર્ગીકરણ નીચે આપેલ છે :

ઢોરવિભાગ (cattle group) : આ વિભાગમાં ગાય, બળદ અને આખલા તથા વાછરડાની ખાલનો સમાવેશ કરવામાં આવે છે. તેમાંથી બૂટ અને તેનાં તળિયાં, પાની અને અંદરની સગતળી, ઉપરનું ચામડું, જીન, ઘોડાનો કૉલર, સફર માટેની બૅગ, સૂટકેસ, બ્રીફકેસ, પટ્ટા, હાથથેલીઓ, હાથમોજાં, પોશાક, ઍપ્રન, બફ કરવાનાં પૈડાં, કાપડની મિલમાં વપરાતાં કાર્ડર અને કૉમ્બર, હાઇડ્રૉલિક પૅકિંગ વૉશર, મશીનરીના પટ્ટા, ફૂટબૉલ, ક્રિકેટના દડા, રમતગમતનાં અન્ય સાધનો, રેઝર પટ્ટા વગેરે બનાવવામાં ઉપયોગમાં આવે છે.

ઘેટાં અને ગાડર વિભાગ (sheep and goat groups) : તેમાં ઊનવાળું, વાળવાળું (cabrettes) વગેરે ચામડાનો પણ સમાવેશ કરવામાં આવે છે. તે પગરખાં, સ્લીપર, હાથમોજાં, કોટ, ટોપી, હાથથેલી, ઍપ્રન, શૅમી (chamois) ચામડું, પાર્ચમેન્ટ, કાપડ ઉદ્યોગોમાંના રોલરનાં ઉપરનાં કવર વગેરે બનાવવામાં ઉપયોગમાં આવે છે.

બકરાં અને લવારાં વિભાગ (goat and their kids group) : તેમાંથી પગરખાંનો ઉપરનો ભાગ, ચામડાનાં ફૅન્સી સાધનો, હાથથેલી, મોજાં અને પહેરવેશ બનાવવામાં આવે છે.

ઘોડા વિભાગ (equine group) : ઘોડાં, ખચ્ચર, વછેરાં, ગધેડાં, ખોલકાં અને ઝીબ્રા વગેરેની ખાલનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે. તેમાંથી પગરખાં, હાથમોજાં, પોશાક, રમતગમતનાં સાધનો, પટ્ટા અને લગેજ બૅગ બનાવવામાં આવે છે.

ડુક્કર અને સુવ્વર વિભાગ (pig and hog group) : આ વિભાગમાં ડુક્કર, સુવ્વર, રીંછ, પેકરી (peccary) અને કારપિન્ચોની ખાલનો સમાવેશ કરવામાં આવે છે. તેમાંથી આકર્ષક વસ્તુઓ, લગેજ બૅગ, જીન અને પગરખાંનો ઉપરનો ભાગ બનાવવામાં આવે છે.

જળચર વિભાગ (aquatic group) : પાણીમાં રહેતાં પ્રાણીઓ જેમાં સીલ, દરિયાઈ ઘોડો અને વૉલરસનો સમાવેશ કરવામાં આવે છે. લગેજની બૅગ, ચામડાની આકર્ષક વસ્તુઓ, બફ કરવાના વ્હીલમાં વપરાય છે. શાર્ક, વહેલ, કાળી માછલી, ડૉલ્ફિન, પોરપસમાંથી ચામડાની વસ્તુઓ, લગેજ બૅગ અને પગરખાંનો ઉપરનો ભાગ બનાવવામાં આવે છે. ઘડિયાલ અને મગરનું ચામડું પગરખાં, હાથબૅગ અને લગેજ બૅગ માટે વપરાય છે.

પ્રકીર્ણ વિભાગ : આમાં હરણ, કાંગારું, શાહમૃગ, ગરોળી, સર્પ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. તેમાંથી ચામડાની જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે.

ચામડાનું વર્ગીકરણ અન્ય રીતે પણ કરવામાં આવે છે. પગરખાનું તળિયું, પગરખાનું ઉપરનું ચામડું, શૅમી ચામડું, સ્વેડ (suede) ચામડું વગેરે. બૂટ અથવા ચંપલના તળિયાનું ચામડું મોટાં પ્રાણીઓના જાડા ચામડામાંથી મેળવવામાં આવે છે. બૂટ અથવા ચંપલનું ઉપરનું ચામડું વાછરડાં, બકરાં, ઘેટાં વગેરે નાનાં પ્રાણીઓનાં ચામડાંમાંથી મેળવવામાં આવે છે. કમાવેલા ચામડાનો 80 % હિસ્સો બૂટ તેમજ ચંપલ બનાવવામાં વપરાય છે. શૅમી ચામડું યુરોપ અને એશિયામાંથી મળી આવતા શૅમી પ્રાણીની ચામડીમાંથી મેળવવામાં આવતું. હાલ આ ચામડું ઘેટાની ચામડીના ચીરામાંથી બનાવવામાં આવે છે. આ સારી રીતે કમાવેલ શૅમી ચામડું કપડા જેટલું જ મુલાયમ હોય છે. તેમાં પાણી ભરી શકાય છે. તેનો ઉપયોગ સાફસૂફી અને પૉલિશ કરવામાં થતો.

સ્વેડ ચામડું બનાવવા ગાયના ચામડામાંનું અંદરનું માંસલ પડ ઉપયોગમાં લેવાય છે. તેને મધ્યમ પડથી ચીરીને જુદું પાડવામાં આવે છે. પહેલાં આ માટે ઘેટા તેમજ બકરાના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો. સ્વેડ મૃદુ, નમ્ય, હૂંફાળું અને પાણીપ્રતિરોધક છે. તે જૅકેટ, કોટ, ડ્રેસ, પાટલૂન અને પગરખાંના ઉપરના ચામડા માટે ઉપયોગમાં લેવાય છે.

ચામડું (hides) બનાવવાની પ્રક્રિયા : ચામડાને કમાવતા પહેલાં તેના પર કેટલીક પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયા (i) સંસ્કરણ (curing), (ii) અપમાંસન (defleshing), (iii) વાળ દૂર કરવાની પ્રક્રિયા (unhairing) અને (iv) બૅટન (baten) પ્રક્રિયા.

(i) સંસ્કરણપ્રક્રિયા : મૃત પ્રાણીઓનું (કમાવ્યા પહેલાંનું) ચામડું માંસ પ્રક્રમણ કરનાર (meat processor) પાસેથી અથવા કતલખાનામાંથી આવે છે. તેના પર પ્રથમ સંસ્કરણ પ્રક્રિયા કરવામાં આવે છે જેથી તેનો વિશેષ કોહવાટ (rotting) થતો અથવા તેનું વિગલન થતું રોકી શકાય. તે માટે ચામડાના માંસ બાજુના ભાગને મીઠામાં કે મીઠાના પાણીના દ્રાવણમાં ભીંજવી રાખવામાં આવે છે અથવા તેને આંશિક રીતે સૂકવી મીઠાની પ્રક્રિયા કરવામાં આવે છે અથવા તો સંપૂર્ણપણે સૂકવવામાં આવે છે. ત્યારપછી તેને પાણીના પીપમાં ગોળ ફેરવવામાં આવે છે, જેથી ચામડા પરથી કચરો, લોહી, મીઠું વગેરે દૂર થાય છે. કાચા ચામડામાં પ્રથમ જેટલું પાણી હતું તેટલું હવે તેમાં આવી રહે છે. સંસ્કરણ-પ્રક્રિયાની અસરકારકતા વધારવા પ્રક્રિયા દરમિયાન તેમાં જાળવણી માટેના (preservative) પદાર્થો ઉમેરી શકાય. આ ઉપરાંત ચામડાનો ઠંડામાં (50° સે.) સંગ્રહ, શીત શુષ્કન (freeze drying), શૂન્યાવકાશ શુષ્કન (vacuum drying), દ્રાવક શુષ્કન (solvent drying) અને અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે.

(ii) અપમાંસન : ચામડા પર ઉપર પ્રમાણેની સંસ્કરણ પ્રક્રિયા કર્યા પછી તેના નીચેના પડનું માંસ દૂર કરવું જરૂરી છે. તે માટે વિશિષ્ટ પ્રકારનું યંત્ર વાપરવામાં આવે છે. તેમાં ધાતુના ધારદાર પતરા વડે તેને લાગેલી બધી ચરબી અને માંસને દૂર કરવામાં આવે છે. હાલમાં આ પ્રક્રિયા કતલખાનામાં જ કરવામાં આવે છે.

(iii) વાળ દૂર કરવાની પ્રક્રિયા : ચામડામાંથી ચરબી અને માંસ દૂર કર્યા પછી ઉપલી બાહ્ય ત્વચામાંના વાળ દૂર કરવા માટે તેને સોડિયમ સલ્ફાઇડવાળા ચૂનાના દ્રાવણમાં પલાળવામાં આવે છે. આ દ્રાવણ વાળને તેના મૂળમાંથી ઢીલા કરે છે. ત્યારપછી તેને વાળ દૂર કરવાના વિશિષ્ટ પ્રકારના યંત્રમાંથી પસાર કરવામાં આવે છે જ્યાં તેમાંથી વાળ દૂર થાય છે. આ વાળને ફેંકી નહિ દેતાં તેમાંથી ફેલ્ટ અને અન્ય વસ્તુઓ બનાવવામાં આવે છે. આ વખતે હજુ પણ થોડા પ્રમાણમાં માંસ હોય તે દૂર કરવામાં આવે છે. ત્યારપછી તેને ચોખ્ખા પાણીથી સાફ કરવામાં આવે છે.

(iv) બૅટન પ્રક્રિયા : ચામડા પરના વાળ દૂર કર્યા પછી તેને મંદ ઍસિડના દ્રાવણમાં મૂકવામાં આવે છે, જે બેઝિક ચૂનાના દ્રાવણનું તટસ્થીકરણ કરે છે. આ પ્રક્રિયા જરૂરી છે કારણ કે મોટા ભાગની કમાવવાની પ્રક્રિયાઓ ઍસિડિક હોય છે. તેથી જો ચામડામાં ચૂનો રહી જાય તો તેને કમાવવાની પ્રક્રિયા બરાબર થતી નથી. કેટલીક વખતે આ પ્રક્રિયા દરમિયાન તેમાં ઉત્સેચકો (enzymes) ઉમેરવામાં આવે છે, જે ચામડામાંના પ્રોટીનને ચયાપચય કરી દૂર કરવામાં મદદ કરે છે. મૃત પ્રાણીઓના ચામડા પર અગાઉ બતાવેલી પ્રક્રિયાઓ કર્યા પછી તેને કમાવવામાં આવે છે. આ પદ્ધતિઓ અહીં વર્ણવેલી છે :

(1) વનસ્પતિથી કમાવવાની પદ્ધતિ (vegetable tanning or tannage) : આ પદ્ધતિ ઘણી જ જૂની હોવા છતાં હજુ પણ તે સારું મહત્વ ધરાવે છે. હિબ્રૂ લોકો તે માટે ઓકનો ઉપયોગ કરતા. ઈ. પૂ. 400માં ઇજિપ્તના લોકો બાવળ(Acacia nilotica L.)ની શિંગ- (12થી 19 % ટૅનિન)નો ઉપયોગ કરતા, જ્યારે આરબ લોકો તેની છાલ અને મૂળનો ઉપયોગ કરતા. હાલમાં ઘણી જાતના વનસ્પતિજન્ય ટૅનિનનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક રેસાયુક્ત વનસ્પતિમાં ટૅનિન હોય છે. કેટલાક દાખલામાં મૂળ : કનાઇગ્રી (canaigre – 25થી 30 %), લાકડું : ચેસ્ટનટ (Castanea sativa Ml., C. indica A. Dc, 8થી 13 %), છાલ : લજામણી (Mimosa pudica L. 38થી 40 %), ઓક (Quecus alba અથવા Q. rubra 7થી 10 %), દાડમ (pomegranate, 20 %), પાંદડાં : સુમાક (50 %), ફળ : હરડે (33થી 36 %), શિંગ : ડિવિડિવિ (Caesalpina roriaria J. Willd, 28થી 41 %) : પરોપજીવી વૃદ્ધિ (parasitic growth), ઓક પરની ગાંઠો (50થી 60 %), બિયાં પરનાં છોતરાં : કાજુમાં 25 % ટૅનિન હોય છે. વનસ્પતિમાંથી મળતા ટૅનિનયુક્ત પદાર્થોને સૂકવી, ભૂકો કરી, પાણીમાં ઉકાળી, એ દ્રાવણને સંકેન્દ્રિત કરી તેને ઘનસ્વરૂપે મેળવવામાં આવે છે. કેટલીક વખતે મળતા દ્રાવણનું સલ્ફાઇટ વડે અપચયન કરતાં તે વધુ સારા દ્રાવ્ય સ્વરૂપે અને આછા રંગમાં મળે છે. ટૅનિન પદાર્થો અસ્ફટિકમય અને તૂરા હોય છે, તેમાં પૉલિફીનૉલ સંકીર્ણો તેમજ બિનટૅનિન પદાર્થો પણ હોય છે. તે જળવિચ્છેદનીય (hydrolysable) તેમજ સંઘનિત (condensed) હોય છે. જળવિચ્છેદનીય ટૅનિન ઍસિડ અને ક્ષારોની વિપુલતા ધરાવે છે. તેનાથી છિદ્રાળુ અને પોચું ચામડું મળે છે, જ્યારે સંઘનિત ટૅનિનમાંથી લાલ રંગનું ચામડું મળે છે.

વનસ્પતિથી ચામડું કમાવવાની બે મુખ્ય પદ્ધતિઓ : એક પદ્ધતિમાં ચૂનો દૂર કરેલ ચામડાને જુદા જુદા ખાડા(rocher vat)માં સ્થિર રાખી તેની આજુબાજુ ટૅનિનનું મંદ દ્રાવણ ફેરવવામાં આવે છે અને છેવટે સાંદ્ર દ્રાવણને 40° સે. તાપમાને ફેરવવામાં આવે છે. આ પ્રક્રિયાથી મજબૂત ચામડું મળે છે. બીજી પદ્ધતિમાં ચામડા પરથી ચૂનો પૂરેપૂરો મુક્ત કર્યા પછી, પ્રથમ તેના પર સંશ્લેષિત ટૅનિન (syntan) પ્રક્રિયકો જેવાં કે પૉલિફૉસ્ફેટ અથવા બફરક્ષારો વડે પ્રક્રિયા પછી તેને ટૅનિનના સાંદ્ર દ્રાવણવાળા પીપ(drums)માં ડુબાડવામાં આવે છે. પટ્ટાના ચામડા માટે ઉપર પ્રમાણેની કમાવવાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેના થોડા ભાગને જ કમાવવામાં આવે છે. તેના ચામડા પર 15 %થી 25 % ચરબી રાખવામાં આવે છે. જ્યારે ચામડાને વધુ મુલાયમ અને આછા રંગનું તૈયાર કરવાનું હોય ત્યારે ચૂનામુક્ત કરેલા ચામડાને ઍસિડથી અથવા વિરંજકારકો (pickling) સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા ચામડા પર અગાઉથી સંશ્લેષિત ટૅનિનની પ્રક્રિયા કરી પછી તેને પેડલમાં અથવા ડ્રમમાં વનસ્પતિ ટૅનિન વડે કમાવવામાં આવે છે. શુષ્ક કમાવવાની પદ્ધતિમાં સંશ્લેષિત ટૅનિન વડે પ્રક્રિયા કર્યા પછી તેના પર ભૂકો કરેલા ટૅનિનની પ્રક્રિયા કરવામાં આવે છે. વનસ્પતિથી કમાવવાની પદ્ધતિમાં શરૂઆતમાં દ્રાવણની સાંદ્રતા 0.5 % રાખવામાં આવે છે. તેમાં ચામડું ડુબાડી રાખવામાં આવે છે અને ચોક્કસ સમય સુધી રાખી મૂકવામાં આવે છે. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ દ્રાવણની સાંદ્રતા વધારવામાં આવે છે, જે કમાવવાની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધીમાં 25 % સુધી લઈ જવામાં આવે છે. આ રીતથી ચામડાને કમાવવા માટે એકથી ત્રણ મહિનાનો સમય લાગે છે. જાડા ચામડા માટે એક વર્ષ પણ થાય. ક્રોમ પદ્ધતિથી કમાવવામાં આવેલા ચર્મ કરતાં વનસ્પતિથી કમાવેલું ચર્મ વધુ ર્દઢ હોય છે અને પાણીપ્રતિરોધકતાનો ગુણ વધુ ધરાવે છે. ચરબી અને માંસ રાખીને પણ ચામડું કમાવવામાં તે ઉપયોગી છે. આ રીતે તૈયાર કરેલા ચર્મને ભારિત (stuffed) ચર્મ કહેવામાં આવે છે. આ ચર્મ પણ વધુ ટકાઉ અને પાણી સામે પ્રતિરોધકતાના વિશેષ ગુણધર્મ ધરાવે છે. વનસ્પતિથી કમાવેલું ચામડું ચોપડીઓ બાંધવામાં અને યંત્ર માટેના ભારે પટ્ટા બનાવવામાં વપરાય છે. કેટલાંક વિશિષ્ટ પ્રકારનાં ચર્મ શુદ્ધ વનસ્પતિ ટૅનિન વાપરીને બનાવવામાં આવે છે, જે બેઝિક ચર્મ તરીકે ઓળખાય છે અને ઘેટાં, ભૂંડ, ભેંસ, શાહમૃગ, ગેંડો અને વૉલરસનાં ચામડાંમાંથી બનાવવામાં આવે છે.

(2) સંશ્લેષિત પદાર્થથી કમાવવાની પદ્ધતિ (synthetic tannage) : સંશ્લેષિત ટૅનિન વાપરવાનું 1911માં શરૂ થયું. તેમાં ચામડા પર ફૉર્માલ્ડિહાઇડની અસરના અભ્યાસથી શરૂઆત થઈ, જેમાં પાછળથી ફીનૉલ અને ક્રેસોલનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પદ્ધતિના patent પણ લેવામાં આવ્યા હતા. ત્યારપછી નૅફ્થેલીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. સંશ્લેષિત ટૅનિન પાણીમાં દ્રાવ્ય બહુલકો હોય છે. ફિનૉલિક સંયોજનોના સંયોજનથી અને તેમાં સલ્ફૉનિક સમૂહ દાખલ કરીને તેને તૈયાર કરવામાં આવે છે. સંશ્લેષિત ટૅનિન ત્રણ પ્રકારનાં હોય છે :

(i) સહાયક ટૅનિન (auxiliary tannins) : સલ્ફૉનિક સમૂહયુક્ત જલદ સાદાં ઍસિડ સંયોજનો. તે ક્રોમ કમાવેલ (chrome tanned) અને વનસ્પતિ કમાવેલ ચામડાને વિરંજન કરી દાણાદાર આકુંચિત ચામડું મેળવવામાં સહાય કરે છે. આ જાતના ચામડાને સહેલાઈથી રંગી શકાય છે.

(ii) સંયોજિત ટૅનિન : સંયોજિત ટૅનિન સંકીર્ણ ફીનૉલિક સલ્ફૉનિક ઍસિડ સફેદ ચામડાને કમાવવા માટે.

(iii) ફીનૉલિક સમૂહ ધરાવતા નિર્બળ ઍસિડયુક્ત ટૅનિન : તે વનસ્પતિ ટૅનિનને બદલે વાપરી શકાય. તે સફેદ, પ્રકાશઅસરમુક્ત (light fast) ચામડાની બનાવટમાં વપરાય છે.

(3) ખનિજ દ્વારા કમાવવાની પદ્ધતિ અથવા ક્રોમ કમાવવાની પદ્ધતિ : ખનિજ પદાર્થ વાપરીને કમાવવાની પદ્ધતિમાં આ પદ્ધતિ સૌથી બહોળો વપરાશ ધરાવે છે. ચામડામાંના પ્રોટીનના કાર્બોક્સિલ સમૂહ સાથે તે બેઝિક ક્ષાર બનાવે છે, જે ચામડાને જલઉષ્મીય સ્થાયિત્વ (hydrothermal stability) આપે છે. આ માટે ક્રોમિયમ સંયોજનોનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. ઍલ્યુમિનિયમ, આયર્ન અને ઝિર્કોનિયમનાં સંયોજનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

ક્રોમિયમ દ્રાવણો બનાવવા માટે ઍસિડ ડાયક્રોમેટનું ગ્લુકોઝ, મોલૅસિસ અથવા સલ્ફર ડાયૉક્સાઇડથી અપચયન કરવામાં આવે છે. આ રીતે બનેલ ક્રોમિયમ સંયોજનના દ્રાવણને સૂકવી અથવા તેનું સ્ફટિકીકરણ કરીને તેને સ્ફટિક સ્વરૂપે મેળવવામાં આવે છે. વિશિષ્ટ કિસ્સામાં તેમાં પ્રચ્છાદકો (masking agents), આર્દ્રકો (wetting agents) અને કમાવવા માટેના અન્ય કારકો (agents) ઉમેરવામાં આવે છે. ક્રોમિયમ કમાવવાની પદ્ધતિમાં લોમયુક્ત (pelted) ચામડાને પીપમાં રાખેલા ક્રોમિયમ ક્ષારના દ્રાવણમાં ફેરવવામાં આવે છે. તેમાં પ્રચ્છાદકો, આર્દ્રકો વગેરે ઉમેરવામાં આવે છે. કમાવવાની પ્રકિયા ત્રણથી ચાર કલાકમાં પૂરી થાય છે. આ જાતની પ્રક્રિયા કર્યા પછી મળતા ચામડાના એક કટકાને ઊકળતા પાણીમાં બેથી ત્રણ મિનિટ રાખતાં જો તે ગૂંચળું વળી ન જાય તો પ્રક્રિયા પૂરી થઈ છે તેમ સમજવું.

બે પ્રક્રિયાપાત્ર(two bath)થી કમાવવાની પદ્ધતિમાં પ્રથમ પાત્રમાં લોમયુક્ત ચામડાની ક્રોમિક ઍસિડના પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે છે. બીજા પાત્રમાં તેની સોડિયમ થાયોસલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી ચામડું મજબૂતાઈ મેળવવા ઉપરાંત સુંદર દાણાદાર ગુણધર્મ પ્રાપ્ત કરે છે. આ પદ્ધતિમાં વધુ પ્રમાણમાં રાસાયણિક ટૅનિન વપરાય છે, તેથી હાલમાં એક પ્રક્રિયાપાત્ર (single bath) પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે.

(1) ફટકડીનો ઉપયોગ : તે ચામડું કમાવવામાં કરવામાં આવતો. તેમાં સાઇટ્રેટ અને ટાર્ટરેટ ઉમેરવામાં આવતાં પ્રક્રિયા વધુ સારી રીતે થાય છે. ઍલ્યુમિનિયમ સંયોજનો સાથે ફૉર્માલ્ડિહાઇડનો ઉપયોગ કરવાથી સફેદ ચામડું મળે છે. આ ઉપરાંત પ્રથમ ક્રોમ કમાવવાની પ્રક્રિયા પછી આ પ્રક્રિયા કરતાં, અથવા વનસ્પતિ ટૅનિન વડે કમાવવામાં આવતાં મુલાયમ નાપા પ્રકારનું ચામડું મળે છે, જે પરસેવો ન થાય તેવા તળિયા માટેનું ચામડું બનાવવામાં ઉપયોગી છે.

ઈ. સ. 1907માં જાણ થયા પછી ઈ. સ. 1933માં ઝિર્કોનિયમનાં સંયોજનો ચામડું કમાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યાં. તેમાં ખાસ કરીને ઝિર્કોનિયમ સલ્ફેટ સાથે એસેટેટ, સાઇટ્રેટ અને અન્ય કારકો વાપરીને ચામડું કમાવવાથી તે સફેદ રૂપમાં મળે છે. ઝિર્કોનિયમ અને તેનાં સંયોજનો કમાવવા પહેલાંની અને પછીની પ્રક્રિયાઓમાં પણ વાપરી શકાય છે. આ પદ્ધતિ મોંઘી છે. તેની સાથે સિલિકા વાપરવાથી તે સસ્તી બનાવી શકાય.

(2) સિલિકાની કમાવવાની શક્તિ : ઈ. સ. 1862માં જાણવા મળી હતી પણ તેનો ઉપયોગ 1915માં કરવામાં આવેલો. સોડિયમ મેટાસિલિકેટ તેના કરતાં વધુ સારું પરિણામ આપે છે, પણ હાલ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ તેના ઉપયોગથી હલકી કક્ષાનું ચામડું મળે છે.

(3) ક્રોમિયમ સંયોજનોનાં દ્રાવણનો ઉપયોગ : કમાવવાની પદ્ધતિ આ પ્રમાણે પણ કરી શકાય : પ્રથમ ચામડાને સલ્ફ્યુરિક ઍસિડ અને મીઠાના દ્રાવણમાં બોળવામાં આવે છે, જેથી ચામડું નક્કી કરેલા ઍસિડ આંક પર પહોંચે. ચામડાને તે દ્રાવણમાંથી બહાર કાઢીને તેને પાણીથી ધોવામાં આવે છે. ત્યારપછી તેને કૂંડામાં રાખેલા ક્રોમિયમ સલ્ફેટના દ્રાવણમાં થોડા કલાક બોળી રાખવામાં આવે છે, જે દરમિયાન ચામડાની કમાવણી થવાથી તે આછો વાદળી રંગ ધારણ કરે છે. આ પ્રક્રિયા વનસ્પતિ ટૅનિન કરતાં વધુ ઝડપી હોય છે. આ રીતે મળેલ ચર્મ ઉષ્માપ્રતિરોધક ગુણ ધરાવે છે. તેના પર જલદીથી લિસોટા પડતા નથી. તે વધુ નમ્ય હોવાથી તેને સહેલાઈથી મૃદુ બનાવી શકાય છે. આ રીતે બનેલ ચર્મ પગરખાંનો ઉપરનો ભાગ, હાથમોજાં, લગેજની બૅગ, પાકીટ, ગાદી અને ચામડાની અન્ય વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. કેટલીક વખતે આ રીતે કમાવેલ ચર્મને સિન્ટૅન અથવા વનસ્પતિજન્ય ટૅનિન વડે ફૉર્માલ્ડિહાઇડયુક્ત પદાર્થથી ફરીથી કમાવવામાં આવે છે.

(4) સંયુક્ત કમાવણી પદ્ધતિ : તેમાં ક્રોમ અને વનસ્પતિ બંને પ્રકારની કમાવણીની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી જે ચર્મ તૈયાર થાય છે તે એકદમ મૃદુ હોય છે અને પોશાક, હાથમોજાં અથવા પગરખાંનો ઉપરનો ભાગ બનાવવામાં વપરાય છે. હૉલની ટૅનરીમાં પ્રથમ ક્રોમ પદ્ધતિથી ચામડાને પૂર્ણ રીતે કમાવી, પછી તેના પર વનસ્પતિજન્ય પદાર્થોની કમાવણી કરી જોઈતા ઉપયોગ માટેનું ચર્મ મેળવવામાં આવે છે :

ક્રોમથી થતી પૂર્વ-કમાવણીની (pretanning) પ્રક્રિયા, વનસ્પતિજન્ય પદાર્થો વડે થતી કમાવણી પદ્ધતિને વધુ ઝડપી અને સરળ બનાવે છે. આ રીતે તૈયાર થયેલ ચર્મ વધુ નમ્ય હોય છે. પગરખાંનાં કેટલાંક તળિયાં માટે ક્રોમ પ્રક્રિયાથી અગાઉથી કમાવણી કરી છેવટે તેના પર વનસ્પતિ કમાવણીની પદ્ધતિ અપનાવવામાં આવે છે.

(5) તેલથી કમાવવાની પદ્ધતિ : એસ્કિમો લોકોએ પ્રાણીઓની ચામડીમાં માછલીનું તેલ ઘસી, ફરવાળું પોચું અને વધુ ટકાઉ ચામડું બનાવેલું. ચામડું કમાવવાની પ્રક્રિયામાં તેલનો ઉપયોગ ત્યારથી થયેલો હોવાનું માની શકાય. જાપાની સફેદ ચામડું અને ઇથિયોપિયન લાલ ચામડું કમાવવામાં અનુક્રમે સરસવ અને કરડીના તેલનો હજુ પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘેટાના ચામડામાંથી શૅમી ચર્મ બનાવવા સારુ આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. પ્રથમ ઘેટાના ચામડા પરથી ઊન દૂર કરી, ચામડાને યંત્ર દ્વારા જુદા જુદા પડમાં ચીરવામાં આવે છે. જે પડ પર ચરબી અને માંસ લાગેલાં હોય છે તે શૅમી ચર્મની બનાવટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બાકીના ચામડામાંથી ચરબીના કોષો દૂર કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલા ચામડાને હવે વિશિષ્ટ પ્રકારના યંત્રમાં દાખલ કરવામાં આવે છે, ત્યાં તેમાં કૉડલિવર તેલ પસાર કરવામાં આવે છે. ચામડામાં જોઈતા પ્રમાણમાં તેલ દાખલ કર્યા પછી તેને યંત્રમાંથી બહાર કાઢી લઈ સૂકવવામાં આવે છે. પછી તેનું બફિંગ કરવામાં આવે છે, જેથી ચામડું મૃદુ અને ઊન જેવું પડવાળું બને. ઘોડાનાં જીન, ચામડાનાં સીલ વગેરે આ પ્રકારની પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવે છે. શૅમી ચર્મનો વિશિષ્ટ ગુણધર્મ તેની ખુલ્લી છિદ્રાળી સંરચનાનું પરિણામ છે. શૅમી ચામડું મેળવવા માટે પ્રથમ આલ્ડિહાઇડ અને પૅરૉક્સાઇડ વડે કમાવવામાં આવે છે અને માછલીના તેલના ઉપચયનથી બનતા બહુલક વડે તેના પર પડ ચડાવવામાં આવે છે. વધારાના તેલને સોડા ઍશની મદદથી દૂર કરવામાં આવે છે. લાંબો વખત ચૂનાની પ્રક્રિયા, બૅટિંગ અને યાંત્રિક રીતે દબાવવાથી ચામડાના રેસા ચિરાઈને ખુલ્લા થાય છે. માછલીનું તેલ લગાડી ચામડાને કૂટી, ટીપી અને ગરમ ઓરડામાં ખુલ્લું મૂકતાં માછલીના તેલનું ઉપચયન થાય છે. કૉપર, મગેનીઝ અને કોબાલ્ટનાં સંયોજનો તેલનું ઉપચયન ઝડપી બનાવે છે. શૅમી ચામડું બનાવવા માટે સલ્ફોક્લોરિનેટેડ હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે, પણ તે રસાયણ મોંઘું પડતું હોવાથી તેનો ઉપયોગ ખાસ થતો નથી.

ફૉર્માલ્ડિહાઇડ, ગ્લુટેરાલ્ડિહાઇડ, ગ્લાયઓક્ઝલ, ડાઇઆલ્ડિ-હાઇડ સ્ટાર્ચ વગેરે ઉદ્યોગોમાં વપરાતાં રસાયણો ચામડું કમાવવા માટે વપરાય છે. રેઝિન અથવા અન્ય બહુલકો જેવાં કે યૂરિયા, મેલમીન વગેરે કમાવણી માટેનાં રસાયણો છે. ક્વિનોન પણ કમાવણી માટેનું એક ઉપયોગી રસાયણ છે. કમાવણી માટેનું રસાયણ ચામડાને વિશિષ્ટ ગુણધર્મ આપે છે.

આખરી પ્રક્રિયા : ચામડાને કમાવ્યા પછી તેના પર નીચે પ્રમાણે અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે : (1) ચીરવાની (splitting) પ્રક્રિયા, (2) રંગવાની (dying) પ્રક્રિયા, (3) સ્ટેકિંગ અને મુલાયમ બનાવવાની પ્રક્રિયા અને (4) સંમાર્જન (finishing) પ્રક્રિયા.

આકૃતિ 2 : ઢોરના ચામડાના ભાગ : (1) પીઠનો ભાગ, (2) ખભાનો ભાગ,

(3) માથાનો ભાગ, (4) પેટનો ભાગ

(1) ચીરવાની પ્રક્રિયા : ચામડાને કમાવી અને સૂકવ્યા પછી તેને યંત્રમાં મૂકીને બે કે ત્રણ પડમાં ચીરવામાં આવે છે. ઉપરના પડને ‘શીર્ષગ્રેન’ (top grain) કહેવામાં આવે છે. નીચેના પડને ‘સ્વેડ ચર્મ’ કહે છે. ચામડાને મૃત શરીરમાંથી મેળવ્યા પછી ચાર વિભાગમાં વહેંચી શકાય. તે આકૃતિ 2માં બતાવવામાં આવેલ છે.

(ક) પીઠનો ભાગ (વળેલો ભાગ – bent section) : કરોડરજ્જુની બંને બાજુનો પૂંછડાના મૂળવાળા ભાગ(rump)થી ખભા સુધીનો ભાગ. આ ભાગમાંથી મળતું ચામડું શ્રેષ્ઠ ગણાય છે.

(ખ) ખભાના ભાગનું ચામડું : આ ચામડું પણ સારી જાતનું ગણાય છે, પણ તેમાં કરચલીઓ વધારે હોય છે.

(ગ) માથાના ભાગનું ચામડું : તે નાના કકડા રૂપે મળે છે. તે એકસરખા કદનું હોતું નથી. આ ચામડું પણ સારું ગણાય છે.

(ઘ) પેટના ભાગનું ચામડું : તે એકસરખા કદનું હોતું નથી અને ખેંચાઈ જાય તેવું હોય છે. તે સારી જાતનું હોતું નથી.

(2) ચામડું રંગવાની પ્રક્રિયા : ચામડાને કમાવ્યા પછી, તેને ચીરી તેનાં જુદાં પડ બનાવ્યાં પછી રંગવામાં આવે છે. ચામડાને રંગવા માટે નીચેના રંગો વપરાય છે :

(ક) કેશાઇનિક (બેઝિક) રંગો : મુખ્યત્વે વનસ્પતિ અથવા સંશ્લેષિત ટૅનિનથી કમાવેલા ચામડા માટે ઉપયોગી.

(ખ) એનાઇનિક (ઍસિડ) પ્રત્યક્ષ રંગો (direct dyes) : ક્રોમ, વનસ્પતિ અને ઍલ્યુમિનિયમ સંયોજનોથી કમાવેલા ચામડા માટે, પ્રત્યક્ષ રંગો ચામડાની સપાટી પર સારી રીતે લાગી શકે છે. વનસ્પતિથી કમાવેલા ચામડા પર તે બરાબર કામ આપતા નથી.

(ગ) ઉભયગુણી (amphoteric) રંગો : ક્રોમ કમાવાયેલા ચામડાને સારો રંગ આપે છે, પણ વનસ્પતિ ટૅન માટે તે નિરુપયોગી છે.

(ઘ) ક્રોમ મૉર્ડન્ટ રંગો : તે ચામડાને ગાઢો અને જલદ છાંયવાળો રંગ આપે છે, ખાસ કરીને ચામડાનાં મોજાં રંગવામાં તે ઉપયોગી છે.

(ચ) ધાતુરસિત (premetallized) રંગો : આ રંગોની ચામડામાં ભેદ્યતા ધીમી છે પણ ચામડાને સારો સમતલ અને ચીટકી રહે તેવો રંગ તેનાથી મળે છે, જે આલ્કલી સામે તેમજ ધોવા સામે પણ યથાવત્ રહે છે.

(છ) ક્રિયાશીલ રંગો : શુષ્ક ધોલાઈપ્રક્રિયા(dry cleaning)થી તે દૂર થતા નથી. સામાન્ય સ્વેડ અને મોજાં માટે તે ઉપયોગી છે.

ચામડા પર રંગો ચડાવવા તેની એક બાજુ બ્રશ મારવામાં આવે છે અથવા તેને ટ્રેમાં, ડ્રમમાં, સ્પ્રે કરી, દ્રાવક વાપરી, શૂન્યાવકાશમાં રંગી શકાય છે. જુદા જુદા રંગો સ્પ્રે કરી જુદી જુદી ભાતના રંગો તેના પર ચડાવી શકાય છે.

ચામડું કમાવી, ચીરી તેના પર રંગ લગાડવામાં આવે છે. ક્રોમ કમાવેલા ચામડાને મોટા પીપમાં રંગવામાં આવે છે. તેને માટે ઍનિલિન રંગકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કુદરતી લાકડાના રંગો, ઍસિડ રંગકો અને કમાવણી માટે વપરાતાં કેટલાંક રસાયણોથી તેને રંગવામાં આવે છે. ગરમ પાણીમાં રંગનું મિશ્રણ બનાવી ચામડાને ડ્રમમાં નાખી તેને ગોળ ફેરવવામાં આવે છે. ચામડાને વધુ નમ્ય અને મુલાયમ બનાવવા તેલમાં બોળવામાં આવે છે અને સૂકવવાના વૅટમાં અથવા કાચની પ્લેટ અથવા ધાતુના પતરા પર ચોંટાડીને સૂકવવામાં આવે છે. આકૃતિ 3માં બતાવ્યા પ્રમાણે લાકડાના કાણાંવાળા ટેબલ પર સૂકવવામાં આવે છે.

આકૃતિ 3 : શોધન પ્રક્રિયાને અંતે ચર્મને સૂકવવામાં આવે છે. એની એક પદ્ધતિમાં લાકડાની કાણાંવાળી મોટી ટૉગલિંગ ફ્રેમ પર ચર્મને ખેંચવામાં આવે છે.

(3) સ્ટેકિંગ : કેટલાંક ચામડાંને રંગ્યા પછી વધુ મુલાયમ બનાવવાની જરૂર પડે છે. તે માટે સૂકવેલ ચામડાને ફરીથી ભેજયુક્ત બનાવવા માટે સારા ભેજવાળા ઓરડામાં મૂકવામાં આવે છે અથવા તેને લાકડાના ભેજવાળા વહેર અથવા એવી અન્ય કોઈ પ્રયુક્તિથી ભેજનો પાસ આપવામાં આવે છે. ત્યારપછી તેને સ્ટેકિંગ યંત્ર પર મૂકવામાં આવે છે અને સ્ટીલના પેગથી તેને ખેંચીને વધુ મુલાયમ બનાવવામાં આવે છે. જો તેથી પણ વધુ મુલાયમ ચામડાની જરૂર પડે તો તેને લાકડાના ડ્રમ પર વીંટાળી ઉપરનીચે કરવામાં આવે છે. હાથમોજાં માટેના ચર્મને આ રીતે મુલાયમ બનાવવામાં આવે છે.

(4) સંમાર્જન : ચામડાંનું સ્ટેકિંગ થઈ ગયા પછી છેવટે તેનું સંમાર્જન કરવામાં આવે છે, જે આકૃતિ 4માં બતાવવામાં આવેલું છે. કેસીન (દૂધમાંથી મળતું પ્રોટીન) અને મીણ, લાખ, તેલ વગેરે અન્ય પદાર્થોનાં દ્રાવણ વિશિષ્ટ પ્રકારનાં યંત્રો વડે તેના પર છાંટવામાં આવે છે. તે માટે કમ્પ્યૂટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ચામડાને વધુ મુલાયમ બનાવવા અને તેના પર ચમક લાવવા કાચ અથવા સ્ટીલનો ગોળાકાર કકડો ફેરવવામાં આવે છે. સૌથી વધુ ચમકદાર ચર્મને પેટન્ટ ચર્મ કહેવામાં આવે છે. તે માટે ચામડા પર ભારે તેલયુક્ત વાર્નિશનું પડ વારંવાર ચડાવવામાં આવે છે, જેથી ચામડા પરની ચમક લાંબો સમય સુધી કાયમ રહે.

કમાવવાની પ્રક્રિયામાંથી મળતી ઉપપેદાશ : કાચી ખાલ(raw hide)ના સંમાર્જનથી પદાર્થોમાંથી ખાદ્ય જિલેટીન, ગુંદર માટેનું માંસ, તેલ, ખાતર અને પ્રાણીઓ માટેનો ખોરાક ઉપલબ્ધ થાય છે. તેમાંથી મળતા વાળ ખરબચડું કપડું (drugget), શેતરંજી, બનાત અને ખાતરમાં વપરાય છે. ટૅનરીમાં ચામડાને સાફ કરવા વપરાતા પાણીમાં રક્ત, માંસ વગેરે પદાર્થો હોય છે; તે નારિયેળીના વૃક્ષને પિવડાવવામાં આવે છે, જેથી તેને જોઈતું પોષણ મળી રહે છે. ચૂનાનો રગડો સિમેન્ટ કે રસ્તો બનાવવામાં વપરાય છે. ટૅનિન ઝાડની છાલનો ભૂકો કાર્ડબોર્ડ અને ચિપબોર્ડ બનાવવા તેમજ સક્રિયત (activated) કાર્બન બનાવવા માટે વપરાય છે. પ્રદૂષિત પાણીને શુદ્ધીકરણની પ્રક્રિયાથી શુદ્ધ કરી ખેતીમાં વાપરવામાં આવે છે.

પ્રદૂષણ : પરંપરાથી ચર્મઉદ્યોગ ખરાબ વાસ અને પ્રદૂષણ ઉત્પન્ન કરનારો ઉદ્યોગ ગણાય છે. તેથી ચર્મઉદ્યોગ નદીની પાસે હોય તે વધુ અનુકૂળ ગણાય. તે માટે પાણીની વધુમાં વધુ જરૂરિયાત પડે છે. ચામડા પર કરવામાં આવતી બધી પ્રક્રિયા દરમિયાન પાણી પ્રદૂષિત બને છે. તેનો યોગ્ય નિકાલ કરવો જરૂરી બને છે. પ્રદૂષિત પાણીમાં પ્રોટીન, વાળ, મીઠું, ચૂનાનો રગડો, સલ્ફાઇડ, ઍસિડ, ક્રોમિયમ સંયોજનો અને કમાવણી માટેનાં વપરાતાં અન્ય રસાયણો, રંગો, તેલ વગેરે પદાર્થો તેમાં પ્રદૂષણ તરીકે હોય છે. આ પ્રદૂષિત પાણીને શુદ્ધ કરવું ઘણું અઘરું છે. વાળ અને અન્ય અદ્રાવ્ય પદાર્થો ગાળીને દૂર કરવામાં આવે છે. પાણીમાંના દ્રાવ્ય પદાર્થોના અવક્ષેપનથી મળતા અદ્રાવ્ય પદાર્થોને નીચે બેસવા દઈ, ઉપરનું પાણી નિતારી, ગાળી આગળ શુદ્ધીકરણમાં ઉપયોગમાં લેવાય છે. આ રીતે ક્રોમિયમ સંયોજનો, વનસ્પતિજન્ય ટૅનિન, પ્રોટીન વગેરેને અદ્રાવ્ય કરી, ગાળી તેમને પાણીમાંથી દૂર કરવામાં આવે છે. પછી તેમાં યાંત્રિક રીતે હવા (aeration) ફૂંકવામાં આવે છે. આમ છતાં હજુ તેમાં મીઠું રહી જાય છે, જે દૂર કરવું મોંઘું પડે છે. સલ્ફાઇડ સંયોજનોનું મૅંગેનીઝ સંયોજનોથી ઉપચયન કરી તેને દૂર કરવામાં આવે છે. ચામડું કમાવવા ઉપરાંત તેના પર અન્ય પ્રક્રિયા કર્યા પછી ઉત્પન્ન થતા પ્રદૂષિત પાણીના શુદ્ધીકરણ માટે ઘણી જુદી જુદી પ્રણાલીઓ અપનાવવામાં આવેલી છે, જેમાં એક ડચ, ડીચ રેસવે પ્રણાલી છે, જે રગડાના અપક્રમણ માટે સૂક્ષ્મજીવશાસ્ત્ર પર આધાર રાખતી પ્રક્રિયા છે.

આકૃતિ 4 : પરિષ્કરણમાં ચર્મ પર પ્રોટીન, મીણ અથવા તેલનો છંટકાવ કરાય છે.

ચર્મઉદ્યોગ, ભારત અને અન્ય દેશોમાં : ચામડું આંતરરાષ્ટ્રીય જરૂરિયાતવાળી વસ્તુ છે. તે વિશાળ, કીમતી અને પરંપરાગત ઉદ્યોગનો એક પાયો છે. તેમાં વપરાતી કમાવણીપદ્ધતિ ઓછું મૂડીરોકાણ અને વધુ મજૂરી અથવા વધુ મૂડીરોકાણ અને ઓછી મજૂરીવાળો ઉદ્યોગ બની શકે, જે તેમાં અપનાવવામાં આવેલી પદ્ધતિ પર આધાર રાખે છે. અલ્પવિકસિત અને વિકસિત દેશો બંને માટે તે અગત્યનો ઉદ્યોગ ગણાય છે. દેશની સંરક્ષણવ્યવસ્થામાં પણ તે અગત્યનું સ્થાન ધરાવે છે. તેના વિશિષ્ટ ગુણધર્મો, દુનિયાની વધતી જતી વસ્તી અને આવક, તેના નવા નવા ઉપયોગો, ઝડપથી વધતી નવી નવી ફૅશનો અને અલ્પવિકસિત દેશોમાં આ સંપત્તિનો ઘનિષ્ઠ ઉપયોગ, ચામડાની વસ્તુઓની માગમાં વધારો વગેરેએ તેના વિકાસમાં અગત્યનો ફાળો આપ્યો છે. આમ છતાં ચામડાની વસ્તુઓની અવેજીમાં વાપરી શકાય તેવી સંશ્લેષિત વસ્તુઓનો ઉપયોગ થવા માંડ્યો છે.

દુનિયાનો ચર્મઉદ્યોગ વિકસિત દેશોમાં અને ખાસ કરીને યુરોપીય સંઘના દેશોમાં વિકાસ પામેલો છે. આર્જેન્ટિના, ભારત, ઇટાલી, જાપાન, જર્મની, બ્રિટન અને યુ.એસ. જેવા દેશોનો તૈયાર ચામડાની નિકાસમાં અગત્યનો ફાળો છે. ચામડાનાં પગરખાંની નિકાસમાં ઇટાલી મોખરે છે, જ્યારે દક્ષિણ કોરિયા બીજા નંબરે આવે છે. એશિયા, આફ્રિકા અને લૅટિન અમેરિકાના અલ્પવિકસિત દેશો દુનિયાનાં 60 % ઢોરો, 75 % ઘેટાં અને 40 % બકરાં ધરાવતા હોવા છતાં ચામડાના ઉદ્યોગમાં તે પછાત છે કારણ કે ત્યાં ઢોરોની કતલ પદ્ધતિસર થતી નથી. આથી આ દેશો કાચા ચામડાની નિકાસ કરે છે, જ્યારે ચામડાની તૈયાર વસ્તુઓની આયાત કરે છે.

અલ્પવિકસિત દેશોમાં ચામડું કમાવવાનો કુટીર ઉદ્યોગ છે. જો આ દેશો આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરે અને વ્યવસ્થિત કતલખાનાં ઊભાં કરી શકે તો ચામડાના મોટા ઉદ્યોગો ઊભા કરી સારી કમાણી કરી શકે.

રાષ્ટ્રીય ચર્મોદ્યોગ વિકાસ યોજના (NLDP) : ભારત સરકારે આ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય ચર્મોદ્યોગ વિકાસ યોજના ઘડી કાઢી છે અને તે ઈ. સ. 1992ના એપ્રિલની પહેલી તારીખથી અમલમાં આવેલી છે. તે માટે ડૉલર 150.5 લાખની સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ(UNDP)ની મદદ મળેલી છે. માનવીનો વિકાસ, પગરખાં-ઉદ્યોગનો વિકાસ, ચામડા-ઉદ્યોગની ટૅક્નૉલૉજીનો વિકાસ, તેને અંગેનું સંશોધન, તેના પર આધાર રાખતા અન્ય ઉદ્યોગોનો વિકાસ તેમજ પ્રદૂષણ-નિવારણ, સંયુક્ત સાહસની નિકાસના વેગ માટે અને વેચાણ માટે આ રકમ ફાળવવામાં આવેલી છે. ભારત દેશ માટે આ ઉદ્યોગ અગત્યનો અને પૈસા કમાવી આપનારો ઉદ્યોગ છે.

ચર્મહસ્તકળા (leather craft) : ચામડામાંથી ઉપયોગી સજાવટ અથવા શણગાર માટે વસ્તુઓ બનાવવાની કળા. આ કળા માટે સ્વેડ અને ફરનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. ચર્મકળામાં પટ્ટા, હાથબૅગ, જીન, પગરખાં વગેરેનો સમાવેશ થઈ શકે. ચર્મકળાના કારીગરો ફર્નિચર, ઝવેરાત, શિલ્પ અને ભીંતચિત્રોમાં ચામડાને સુંદર રીતે જડે છે.

ચામડાને જોઈએ તે રીતે કાપી શકાય છે અને જોઈએ તેવો આકાર આપી શકાય છે. તેને ગુંદર વગેરે જેવા આસંજકો વડે જોડી શકાય અથવા અન્ય વસ્તુ સાથે ચોંટાડી શકાય છે. તેને સીવી શકાય છે અને જોઈએ તે પ્રમાણે રંગી શકાય અથવા તેના પર પેઇન્ટ લગાડી શકાય છે. તેને કપડાં, લાકડાં વગેરે સાથે જોડી શકાય છે.

આકૃતિ 5 : મોચીનાં ઓજારો : (1) હથોડી, (2) પકડ, (3) તળિયું કાપવાનું સાધન, (4) નાનો ચીપિયો, (5) મોટો ચીપિયો, (6) ઉપરનું ચામડું કાપવાનું સાધન, (7) કાતર, (8) પરિભ્રામી પંચિત્ર, (9) પંચિત્ર, (10) હાથા સાથેનું પંચિત્ર, (11) ખીલી કર્ષક, (12) ચામડાની ઝીણી પટ્ટી કાપવાનું સાધન, (13) કાનસ, (14) ચપ્પુ, (15) ચામડું કાપવાનું ચપ્પુ, (16) પંજા ટોપી માટેનું સાધન, (17) હૂક, દાબ, સ્ટડ બેસાડવાનું સાધન, (18) સ્ટૅન્ડ, (19) પહોળાઈ ગોઠવવા માટે, (20) ખીલી પકડ.

ચર્મકામની મુખ્યત્વે ચાર પ્રક્રિયા : (1) ડિઝાઇન બનાવવી, (2) ચામડું કાપી કકડા જોડી જરૂરી આકાર બનાવવો, (3) રંગ કરવો અને (4) સંમાર્જન કરવું.

(1) ડિઝાઇન બનાવવી : ચામડા પર જોઈતી ડિઝાઇન કરવા માટે ચૉક અથવા પેન્સિલનો ઉપયોગ કરી શકાય.

(2) આકાર ઉપસાવવો : ચામડાને કાપવા માટે ધારદાર સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં સામાન્ય ચપ્પુ-કાતરથી માંડી વિશિષ્ટ પ્રકારનાં કર્તન સાધનો(shears)નો ઉપયોગ કરવામાં આવે છે. તે માટે ચામડાની જાડાઈ અગત્યનો ભાગ ભજવે છે. જાડું ચામડું કાપવા માટે વિશિષ્ટ પ્રકારની ધારદાર રાંપીનો ઉપયોગ કરવો પડે છે. સ્વેડ જેવું પાતળું ચામડું કાતરથી પણ કાપી શકાય. ચામડામાં કેટલાક છેદો પંચિત્ર(punch)થી કરવામાં આવે છે. તેનાં સાધનોનું ચિત્ર નીચે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

આ છેદો જુદા જુદા આકારમાં હોઈ શકે અને પંચિત્રો પણ તે પ્રમાણેના આકારવાળાં હોય છે. ચર્મકારીગર આ પંચિત્રોનો અણીદાર ભાગ ચામડા પર જોઈએ તે જગ્યાએ ગોઠવી પછળના બૂઠા ભાગને હથોડીથી ઠોકી છેદ પાડે છે. ત્યારપછી ક્રોમવાળી ડિઝાઇન તેની સાથે જોડી શકે છે. આ પ્રક્રિયાને એમ્બૉસિંગ કહેવામાં આવે છે.

ચર્મકારીગર ચામડાના કાપેલા ભાગમાં પંચિત્રથી કે ચીપિયા આકારના વીંધણાથી જોઈએ તે પ્રમાણે જુદી જુદી જગ્યાએ એકસરખાં છિદ્રો અથવા છેદ કરી કાપેલા જુદા જુદા આકારના ચામડાને સીવીને, ગુંદર અથવા ફેવિકોલ લગાડે છે અથવા ખીલીઓથી જોડી દે છે. બૂટ બનાવવા માટે ઉપરના ભાગના ચામડાને જોઈએ તેવો આકાર આપવા માટે તેને ભીનું કરી લાકડાના કાલબૂટ પર ગોઠવી ખીલીઓ વડે અથવા અન્ય રીતે ચોંટાડી દેવામાં આવે છે. ચામડું સૂકું થઈ જાય ત્યારે તે પ્રકારનો આકાર ધારણ કરે છે, પછી તે બૂટ બનાવવા સારુ ઉપયોગમાં લેવામાં આવે છે.

(3) રંગ કરવો : ચામડાને રંગ કરવા માટે પ્રવાહી અથવા પાઉડર બંનેનો ઉપયોગ કરી શકાય. ગાઢો રંગ લાવવા માટે ચામડાને ભેજવાળું કરી રંગવામાં આવે છે જ્યારે આછો રંગ લાવવા સૂકા ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે. ચામડાને રંગવા યાંત્રિક સાધનો પણ હવે ઉપલબ્ધ છે. રંગ સુકાઈ ગયા પછી તેના પર વિશેષ પ્રક્રિયા કરવામાં આવે છે.

(4) સંમાર્જન : ઉપર પ્રમાણે ચામડાની વસ્તુ તૈયાર થઈ ગયા પછી, જોડેલી ધારો એકસરખી કરીને સંમાર્જન કરી તેને પૉલિશ કરી બફ કરવામાં આવે છે.

ચર્મઉદ્યોગ બે મુખ્ય વિભાગમાં વહેંચી શકાય :

(1) ટૅનરી : જ્યાં પ્રાણીઓના મૃત દેહમાંથી ચામડું છૂટું પાડી, તેને કમાવવા અને રંગવા વગેરેની પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે ચામડું તૈયાર કરવામાં આવે છે.

(2) તૈયાર કરેલા ચામડામાંથી બૂટ, ચંપલ, પટ્ટા, બૅગ, પાકીટ, કોટ વગેરે પરિષ્કૃત માલ તૈયાર કરવામાં આવે છે. આમાં ભારતમાં આ માટેનાં મોટાં ગૃહોમાં બાટા, ફ્લૅક્સ, દાઉદ, મેટ્રો, લિબર્ટી, કરોના, એમ. એસ. શૂઝ, મિડ ઈસ્ટ, મોન્ટારી લેધર વગેરે કંપનીઓ છે.

ચર્મઉદ્યોગ અને તેને લગતી બધી પ્રક્રિયાઓના શિક્ષણ માટે ભારતમાં જુદી જુદી સંસ્થાઓ કામ કરે છે, જેમાં સેન્ટ્રલ ફુટવેર ટ્રેનિંગ સેન્ટર, ચેન્નાઈ અને આગ્રા, મૉડલ ટ્રેનિંગ કમ પ્રોડક્શન સેન્ટર, લખનૌ અને સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર મુખ્ય છે.

આ ઉપરાંત ચર્મઉદ્યોગમાં પદવી મેળવવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ લેધર ટૅક્નૉલૉજી, કોલકાતા અને ટૅક્નૉલૉજી કૉલેજ, ચેન્નાઈ અગત્યનાં શિક્ષણકેન્દ્રો છે. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નાઈની સ્થાપના ઈ. સ. 1953માં થઈ, ત્યાં ચર્મઉદ્યોગ માટેનું સંશોધનકાર્ય કરવામાં આવે છે, ત્યાં લેધર ટૅક્નૉલૉજીમાં ડૉક્ટરેટ પદવી સુધીનો અભ્યાસ પણ થાય છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ત્યાં એશિયા અને આફ્રિકામાંથી ચર્મઉદ્યોગના તાલીમાર્થીઓ આવે છે. તેની શાખાઓ કોલકાતા, રાજકોટ, જલંધર, કાનપુર અને મુંબઈમાં પણ છે.

વિશ્વની પશુધનની કુલ વસ્તી આશરે 341 કરોડ અંદાજવામાં આવે છે. તેમાં 153 કરોડ ગાય, ભેંસ, બળદ વગેરે, 108 કરોડ ઘેટાં અને 80 કરોડ બકરાંનો સમાવેશ થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિકાસશીલ દેશોનાં પશુધનની વસ્તીમાં વધારો થયો છે. આ દેશો વિશ્વનાં ઢોરોની કુલ વસ્તીના આશરે 78 ટકા અને ઘેટાંબકરાંની વસ્તીના આશરે 93 ટકા હિસ્સો ધરાવે છે. વિશ્વમાં ભારત આશરે 28 કરોડ ઢોરોની વસ્તી સાથે પ્રથમ ક્રમ ધરાવે છે. બ્રાઝીલ ઢોરોની કુલ વસ્તીના 13 ટકા અને ચીન 9 ટકા સંખ્યા ધરાવે છે. ચીન 17 કરોડ ઘેટાંઓ (વિશ્વની કુલ વસ્તીના આધારે 16 ટકા) સાથે સૌથી વધુ વસ્તી ધરાવે છે. જ્યારે ઑસ્ટ્રેલિયા ઘેટાંની કુલ વસ્તીના 10 ટકા અને ભારત 6.2 કરોડની વસ્તી સાથે ત્રીજો ક્રમ ધરાવે છે. ચીન આશરે 19.5 કરોડ બકરાંની વસ્તી (વિશ્વની કુલ વસ્તીના આશરે 24 ટકા) સાથે પ્રથમ ક્રમ અને ભારત આશરે 21 ટકા વસ્તી સાથે બીજો ક્રમ ધરાવે છે.

વિશ્વમાં દર વર્ષે આશરે 66.50 લાખ ટન ચામડું મળે છે. તેમાં ઢોરોનાં ચામડાંનો હિસ્સો આશરે 60 લાખ ટન (94 ટકા), ઘેટાંનો આશરે 3.85 લાખ ટન અને બકરાંનો આશરે 2.65 લાખ ટન અંદાજવામાં આવે છે.

ચીન કાચા ચામડાની ઉપલબ્ધિ તેમજ ચર્મની વસ્તુઓનાં ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે. આશરે 16000થી વધુ નાના મોટા એકમો ચામડું કમાવવાના અને તેની વસ્તુઓનાં ઉત્પાદનમાં કાર્યરત રહે છે તેવી માહિતી ઉપલબ્ધ થાય છે. વીસમી સદીમાં ઇટાલીની ચર્મઉદ્યોગના પ્રણેતા તરીકે ગણના થતી હતી. હાલમાં પણ તે તેની ઊંચી ગુણવત્તા અને અવનવી ડિઝાઇનોવાળાં પગરખાં તેમજ અન્ય વસ્તુઓ માટે જાણીતું છે. તુર્કસ્તાન ઘેટાં-બકરાંની બહોળી વસ્તીને કારણે નરમ-સુંવાળા ચામડાની વસ્તુઓનાં ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે. બ્રાઝિલ ચામડાની મહત્તમ નિકાસ ઇટાલીમાં કરે છે.

ભારત ઢોર, ઘેટાં-બકરાં વગેરે પશુધનની બહોળી વસ્તી ધરાવે છે. વિશ્વના આશરે 19 ટકા પશુધન ધરાવતું ભારત ફક્ત 8 ટકા જેટલું જ ચામડું મેળવી શકે છે. તેનાં અનેક કારણો છે. તેમાં કેટલાંક રાજ્યોમાં ગોવધપ્રતિબંધ, મૃત ઢોરોનાં ચામડાંને બહોળા વિસ્તારમાંથી એકત્ર કરવાની અણઘડ પદ્ધતિઓ, અદ્યતન કતલખાનાની સીમિત સંખ્યા, મૃત ઢોરોની ખાલ ઉતારવાની અણઘડ પુરાણી પ્રથા, મરણોત્તર કાર્યવાહીમાં શૈથિલ્ય, વિશ્વના ઢોરદીઠ આશરે 16 કિગ્રા. ચામડાની ઉપલબ્ધિના અંદાજ સામે ભારતનો ઉપલબ્ધિનો આશરે 10 કિગ્રા. અંદાજ વગેરે કારણો ગણાવી શકાય. આ સર્વને પરિણામે વિશ્વમાં ચામડાના ઉત્પાદનમાં ચીન અને બ્રાઝિલ કરતાં ભારતનો હિસ્સો ઓછો ગણાય છે.

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 2.3 કરોડ ગાયો અને બળદનાં, 2.8 કરોડ ભેસનાં, 8.2 કરોડ બકરાંનાં અને 3 કરોડ ઘેટાંનાં ચામડાં મળે છે. સામાન્ય રીતે જાડા ચામડાનો ઉપયોગ પગરખાંનાં તળિયાં, બૅગો વગેરે બનાવવામાં તો નરમ-પાતળા ચામડાનો ઉપયોગ પગરખાંનો ઉપરનો ભાગ બનાવવામાં, વસ્ત્રો, બ્રીફકેસ, પાકીટ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં થાય છે.

પુરાણકાળમાં સૂર્યપ્રકાશ અને પાણીની મદદથી ચામડાં સાફ કરવામાં આવતાં હતાં. ત્યારબાદ ઝાડની છાલ, પાંદડાં, મીઠું, ફટકડી, પાણી વગેરે તેની શુદ્ધિ માટે ઉપયોગમાં લેવામાં આવતાં હતાં. ઓગણીસમી સદીમાં રસાયણોના ઉપયોગની શરૂઆત થઈ તેમજ ચામડાનું ક્રોમીકરણ (સુંવાળું) કરવાની પદ્ધતિની શોધ થઈ.

ઈ. પૂ. 3300ના અરસામાં ઇજિપ્તમાંથી મળી આવેલ ચામડાંનાં વસ્ત્રો, પાત્રો, તંબુઓ વગેરે આજે પણ ઉત્તમ સ્થિતિમાં જોવા મળે છે. ગ્રીક પ્રજા ચામડાનો ઉપયોગ વસ્ત્રો, બખ્તર, હોડીઓ વગેરે માટે કરતી હતી. ચીન, જાપાન, યુરોપ, અમેરિકા (વિશેષ કરીને રેડ ઇન્ડિયનો) વગેરે પણ ચામડાને કમાવી તેનો ઉપયોગ કરવાની કુશળતા ધરાવતા હતા. વૈદિક કાળમાં ભારતમાં પગરખાં, પ્યાલા, મશક, તેલનાં કુલ્લાં, યુદ્ધના પોશાકો, ઘોડાનો સરંજામ વગેરે બનાવવામાં ચામડાંનો ઉપયોગ થતો હતો.

ભારતમાં ચર્મઉદ્યોગનો વિકાસ છેક પુરાણકાળથી એક કુટિર ઉદ્યોગ તરીકે થયો છે. ચામડાં કમાવવાનું કાર્ય પહેલાં અણઘડ પદ્ધતિથી થતું હતું. અઢારમી સદીમાં તમિળનાડુમાં ચક્કીલિયાર (chakkiliyar) સમુદાય કાચા ચામડાને કમાવી તેમાંથી પગરખાં બનાવવાનું કાર્ય કરતા હતા. કાચા ચામડાની બહોળી ઉપલબ્ધિ અને તેને કમાવવાની અણઘડ પદ્ધતિને ધ્યાનમાં લઈને અંગ્રેજોએ બિનકમાવેલ ચામડું ઇંગ્લૅન્ડ લઈ જવાનું આયોજન કર્યું હતું. ઈ. સ. 1930માં તમિળનાડુમાં પ્રથમવાર વૈજ્ઞાનિક પદ્ધતિથી ચામડાને કમાવવાની શરૂઆત થઈ હતી; પરંતુ મહત્તમ કામ તો કુટિર ઉદ્યોગમાં અણઘડ પદ્ધતિથી જ થતું હતું. ઈ. સ. 1973માં સિતારામૈયા કમિટીની ભલામણોને અનુસરીને કાચા તેમજ અર્ધકમાવેલ ચામડાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને પરિણામે દેશમાં ચામડાં કમાવવાના ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું હતું.

ચર્મઉદ્યોગને બે વિભાગમાં વહેંચી શકાય : (1) કાચા ચામડાને કમાવવાની/કેળવવાની પ્રક્રિયા અને (2) કમાવેલ ચામડામાંથી વિવિધ વસ્તુઓનું ઉત્પાદન.

ઓગણીસસો એંશીના દાયકા સુધી ભારતમાં ચામડા કમાવવાનું કાર્ય મહદ્અંશે અણઘડ રીતે કરવામાં આવતું હતું. ગામેગામ ચમારો તેમની દેશી પદ્ધતિથી કાચાં ચામડાં સાફ કરતા હતા. બહોળા પ્રમાણમાં ચામડાં મળતાં હોવાથી મોચીઓ પગરખાં અને અન્ય વસ્તુઓ બનાવવાનું કાર્ય કરતા હતા. કાચા તેમજ કમાવેલ ચામડાંની નિકાસ કરવામાં આવતી હતી; પરંતુ કમાવેલ ચામડાંનું પ્રમાણ ઓછું હતું. ઈ. સ. 1980–81 દરમિયાન ભારતે ફક્ત રૂ. 300 કરોડની કિંમતનાં ચામડાં અને તેની બનાવટોની નિકાસ કરી હતી. સમયાંતરે કાચા ચામડાની નિકાસ પર પ્રતિબંધ આવતાં અદ્યતન પદ્ધતિથી ચામડું કમાવવાની પદ્ધતિમાં સુધારા થયા હતા. તેવી જ રીતે યંત્રોની સહાયથી પગરખાં, વસ્ત્રો, બૅગો, બ્રીફકેસ, પાકીટ, મોજાં, ઘોડાનો સરંજામ વગેરેનાં ઉત્પાદનની શરૂઆત થઈ હતી. વળી વિદેશી સહાય તેમજ વિદેશી કંપનીઓ દ્વારા સંગઠિત ક્ષેત્રમાં અનેક કારખાનાંઓની સ્થાપના થઈ હતી.

એક અંદાજ મુજબ ભારતના ચર્મઉદ્યોગમાં રૂ. 400 અબજના મૂડીરોકાણનો અંદાજ કરવામાં આવે છે. આ ઉદ્યોગનો વાર્ષિક વિકાસ આશરે 15થી 20 ટકા ગણવામાં આવે છે. તેના આશરે 20 અબજ પગરખાંના ઉત્પાદનમાંથી અંદાજે 10 કરોડ પગરખાંની નિકાસ કરવામાં આવે છે. તેમાં લઘુ, ગ્રામોદ્યોગ અને કુટિર ઉદ્યોગોનો ફાળો 50 ટકાથી વધુ હોય છે. દેશમાં દર વર્ષે આશરે રૂ. 150 અબજની કિંમતનાં પગરખાં અને ચામડાની અન્ય વસ્તુઓનું વેચાણ અંદાજવામાં આવે છે. તેમાં સગંઠિત ક્ષેત્રનો ફાળો આશરે 35 ટકા છે.

ભારતની વિશાળ વસ્તીમાં ચામડાની વસ્તુઓનો વપરાશ બહોળા પ્રમાણમાં થાય છે. છતાં પણ ગણનાપાત્ર જથ્થામાં કાચા ચામડાની ઉપલબ્ધિ, કુશળ કારીગરોની સેવા, સસ્તી મજૂરી, સરકારની પ્રોત્સાહક નીતિ, ઉદ્યોગનું અદ્યતનીકરણ, તેમજ ચામડાની ચીજવસ્તુઓની માગને પરિણામે આ ઉદ્યોગના વિકાસ સાથે નિકાસમાં પણ ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે. હાલમાં નિકાસ થતી વસ્તુઓના માળખામાં પણ પરિવર્તન આવ્યું છે. ઈ. સ. 1956–57માં ચર્મનિકાસમાં ચામડાનો ફાળો આશરે 93 ટકા અને તેની વસ્તુઓનો ફાળો ફક્ત 7 ટકા હતો. જ્યારે ઈ. સ. 2007–08માં તે અનુક્રમે 22 ટકા અને 78 ટકા રહેલો હતો. દેશની ચર્મનિકાસ આશરે રૂ. 150 અબજની ગણાય છે. તેનો વાર્ષિક વિકાસ દર 15 ટકા અંદાજવામાં આવે છે. ચામડાની વસ્તુઓની આશરે 75 ટકા નિકાસ જર્મની, ઇટાલી, હાગકાગ, ફ્રાન્સ, નેધરલૅન્ડ્ઝ, ઑસ્ટ્રેલિયા અને અમેરિકામાં થાય છે.

ભારતના ચર્મઉદ્યોગના નિકાસના વિકાસની માહિતી નીચેની સારણીમાં પ્રસ્તુત કરવામાં આવી છે :

સારણી 1 : ચર્મઉદ્યોગ – ભારતની નિકાસ

વર્ષ નિકાસ (રૂ. કરોડમાં)
1960–61

1970–71

1980–81

1990–91

2000–01

2005–06

2006–07

2007–08

28

80

300

2,600

8,914

11,815

13,651

15,650

કમાવેલ ચામડાની નિકાસ જે ઈ. સ. 1960–61માં આશરે રૂ. 28 કરોડ હતી તે ઈ. સ. 2007–08માં વધીને રૂ. 15,650 કરોડ થઈ હતી.

ભારતના ચર્મ-ઉદ્યોગે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશી સહયોગ તેમજ અદ્યતન તકનીકી સહાયથી ગણનાપાત્ર પ્રગતિ કરી છે. ઊંચી ગુણવત્તા ધરાવતા વિવિધ ઘાટનાં પગરખાંનું ઉત્પાદન કરે છે. ચર્મ-ઉદ્યોગની ઉત્પાદનક્ષમતા આશરે 20 અબજ પગરખાંનું ઉત્પાદન કરવાની અંદાજવામાં આવે છે. તેમાંથી આશરે 10 કરોડ પગરખાંની નિકાસ થાય છે. બાકીનાં સ્થાનિક બજારોમાં વેચાય છે. તેમાં દક્ષિણ ભારતના એકમોનો ફાળો 40થી 50 ટકા અંદાજવામાં આવે છે. ઉત્તર ભારત બીજા નંબરે આવે છે. પગરખાં-ઉત્પાદનમાં લઘુ અને ગ્રામોદ્યોગ-ક્ષેત્રનો ફાળો આશરે 50થી 55 ટકા અંદાજવામાં આવે છે. તેનું વેચાણ મહદ્અંશે સ્થાનિક બજાર પૂરતું મર્યાદિત હોય છે. કેટલાંક સંગઠિત ક્ષેત્રના પ્રચલિત એકમો લઘુ તેમજ ગ્રામોદ્યોગોને કાચો માલ પૂરો પાડી તેમનાં નિર્ધારિત ઘાટ તેમજ ધોરણો અનુસાર પગરખાં બનાવડાવી, તેમની ગુણવત્તા ચકાસીને બહોળા જથ્થામાં ઉત્પાદન કરાવી વેચાણ કરે છે.

ઉપરની સારણીમાંથી જોઈ શકાશે કે ભારતની ચર્મનિકાસ જે ઈ. સ. 1960–61માં ફક્ત રૂ. 28 કરોડ હતી (મુખ્યત્વે ચામડાં) તે વધીને ઈ. સ. 2007–08માં રૂ. 15,650 કરોડે પહોંચી હતી. તેમાં ચર્મઉત્પાદિત બનાવટોનો ફાળો આશરે 78 ટકા જેટલો હતો. તેની છેલ્લાં કેટલાંક વર્ષોની માહિતી તેમજ ચર્મનિકાસ સમિતિના ભવિષ્યના આયોજનના અંદાજો નીચેની સારણીમાં પ્રસ્તુત કરવામાં આવ્યાં છે :

સારણી 2 : ચર્મઉદ્યોગ વિવિધ વસ્તુઓની નિકાસ (રૂ. કરોડમાં)

વસ્તુનું વર્ણન

2003

–04

2005

–06

2007

–08

2008

–09*

2011

–11*

1. કમાવેલ ચામડાં 2,500 2,862 3,451 3,532 4,122
2. પગરખાં 3,456 4,702 6,642 11,691 20,367
3. વસ્ત્રો 1,350 1,498 1,548 1,678 1,813
4. ચામડાંની વસ્તુઓ 2,415 2,970 3,532 3,595 4,266
5. ઘોડાનો સરંજામ 238 351 477 576 841
કુલ 9,969 12,383 15,650 21,072 31,409

* અંદાજ વિનિયમ દર 1 ડૉલર = રૂ. 45

પૂર્વે દર્શાવ્યું તેમ, ભારતની ચર્મનિકાસમાં છેલ્લાં ચાલીસ વર્ષોમાં ગણનાપાત્ર પ્રગતિ થઈ છે. ચર્મ-ઉત્પાદિત વસ્તુઓનો હિસ્સો 7 ટકાથી વધીને 78 ટકા પહોંચ્યો છે. ચર્મનિકાસ-સમિતિએ સરકારનાં પ્રોત્સાહનો, ઉદાર આયાત-નિકાસ નીતિ વગેરેનો લાભ લઈને ઈ. સ. 2010–11માં આશરે રૂ. 31,000 કરોડની નિકાસ કરવાનું આયોજન કર્યું છે.

ઉદ્યોગના અદ્યતનીકરણ અને વિદેશી સહયોગને પરિણામે ભારતમાં બનેલ પગરખાંને વિદેશી બજારોમાં ઠીકઠીક આવકાર સાંપડ્યો છે. વળી આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રચલિત કંપનીઓ જેવી કે પિયરી કાર્ડીન (Pierre Cardin), વરસાસ (Versace), નેક્સ્ટ (Next), હ્યુગો બોસ (Hugo Boss), ફ્લૉરશામ (Florsheim), ક્લાક્ર્સ (Clarks), કે. શૂઝ (K. Shoes) વગેરે ભારતમાં તેમના ઘાટ અને ગુણવત્તા અનુસાર પગરખાં બનાવડાવી તેમની આયાત કરે છે. આ સઘળાંને પરિણામે પગરખાંની નિકાસ જે ઈ. સ. 2003–04માં રૂ. 3,456 કરોડ હતી તે ઈ. સ. 2007–08માં વધીને રૂ. 15,650 કરોડ થઈ હતી. ચર્મનિકાસ સમિતિનું આયોજન ઈ. સ. 2010–11 સુધીમાં પગરખાંની નિકાસ રૂ. 20,000 કરોડની કરવાનું હતુ. પગરખાંની મહત્તમ નિકાસ જર્મની, ઇંગ્લૅન્ડ, ઇટાલી, અમેરિકા, ફ્રાન્સ તથા સ્પેનમાં કરવામાં આવે છે. દેશની કુલ ચર્મ-નિકાસમાં પગરખાંનો હિસ્સો આશરે 33 ટકા અંદાજવામાં આવે છે.

ભારતની પગરખાંનું ઉત્પાદન કરતી પ્રખ્યાત કંપનીઓમાં બાટા, ફ્લૅક્સ, મેટ્રો, લિબર્ટી, દાઉદ, એમ. એસ. શૂઝ, ઍક્શન વગેરેની ગણના થાય છે.

ભાવિ બજારમાં રબરનાં પગરખાંનો ફાળો આશરે 10થી 12 ટકા અંદાજમાં આવે છે. રબરના નીચી કિંમતનાં પગરખાંનું વેચાણ મહદ્અંશે ઓછી આવક ધરાવતાં અંતરિયાળ પ્રદેશોમાં અને નબળા વર્ગના લોકોમાં થાય છે.

ભારત વિવિધ પ્રકારનાં ચામડાંનાં વસ્ત્રો જેવાં કે કોટ, એપ્રન, ટોપી વગેરેની નિકાસ જર્મની, ઇટાલી, સ્પેન, અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ વગેરે દેશોમાં કરે છે. તેની નિકાસ ઈ. સ. 2003–04માં આશરે રૂ. 1,350 કરોડ હતી તે વધીને ઈ. સ. 2007–08માં રૂ. 1,548 કરોડ થઈ હતી.

ચામડાની વસ્તુઓ જેવી કે બૅગ, બ્રીફકેસ, સૂટકેસ, પટ્ટા, હાથમોજાં, હાથથેલીઓ, પાકીટ, ફ્રૅન્સી સાધનો, રમતગમતનાં સાધનો વગેરેની નિકાસ ઈ. સ. 2003–04માં આશરે રૂ. 539 કરોડથી વધીને ઈ. સ. 2007–08માં રૂ. 785 કરોડ થઈ હતી. તેની નિકાસ મુખ્યત્વે જર્મની, ઇટાલી, રશિયા, અમેરિકા, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સમાં કરવામાં આવે છે. ચર્મનિકાસ-સમિતિનું આયોજન ઈ. સ. 2010–11ના વર્ષ દરમિયાન તેની નિકાસ આશરે રૂ. 4266 કરોડ કરવાનું છે.

ભારત ઘોડાના સરંજામ માટે પ્રખ્યાત છે. તેની નિકાસ ઈ. સ. 2003–04 દરમિયાન રૂ. 238 કરોડથી વધીને ઈ. સ. 2007–08માં રૂ. 576 કરોડ (બમણી) થઈ હતી. ચર્મ-નિકાસ-સમિતિનું આયોજન તેની નિકાસનું લક્ષ્યાંક ઈ. સ. 2010–11માં રૂ. 841 કરોડ સુધી પહોંચાડવાનું છે.

મલેશિયા, વિયેટનામ, ઇન્ડોનેશિયા અને ચીન ભારતમાં સસ્તાં પગરખાંની નિકાસ કરે છે. તેમાં ચીનનાં પગરખાંના ભાવ વધુ પડતા ઓછા હોવાની પ્રતીતિ થતાં સરકારે ત્યાંથી આયાત થતાં પગરખાં પર 47થી 67 ટકા આયાત-જકાત નાખી છે.

ચીન અને ભારત વિશ્વમાં પગરખાંનું મહત્તમ ઉત્પાદન (આશરે 70 ટકા) કરતા દેશો છે. તેમાં બંનેની બહોળી વસ્તી અને વિશાળ સ્થાનિક બજાર કારણભૂત છે. વળી ઢોરોની બહોળી વસ્તી તેને નિકાસનું પ્રોત્સાહન પૂરું પાડે છે. ચીન અને હૉંગકૉંગની વિશ્વના પગરખાંની મહત્તમ નિકાસ કરતા દેશોમાં ગણના થાય છે.

ચર્મઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડવા ભારત સરકારે ઉદાર અભિગમ અપનાવ્યો છે. ચર્મક્ષેત્રમાં 100 ટકા વિદેશી મૂડીરોકાણ તેમજ વિદેશી સહયોગો સ્થાપવા દેવામાં આવે છે. ચામડાની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો માટે તકનીકી સહયોગ તથા આયાત-નિકાસમાં ઉદાર નીતિ અપનાવી, નિકાસની વિધિમાં સરળતા તથા ઝડપ લાવવામાં આવી છે. આ ઉપરાંત ઉદ્યોગ માટે આવશ્યક કાચો માલ, યંત્રસામગ્રી તથા તેના ભાગો વિના જકાત આયાત કરવાની નીતિ અપનાવવામાં આવી છે.

સરકારે ચર્મઉદ્યોગને ઉત્તેજન આપવા માટે આંધ્રપ્રદેશમાં ચર્મક્ષેત્ર (leather park), પશ્ચિમ બંગાળમાં ચામડાની વસ્તુઓનું સંકુલ (the leather goods park), તમિળનાડુમાં પગરખાં-સંકુલ (the footwear park) અને ચેન્નાઈમાં પગરખાંના ઘટકો માટે સંકુલ(the footwear components park)ની સ્થાપના કરી છે. તેમાં આ પૂર્વે દર્શાવ્યા પ્રમાણે, વિદેશી રોકાણ વિના જકાત, આયાત નિકાસ, જકાત, ચકાસણી પદ્ધતિમાં સરળતા વગેરેની નીતિ અપનાવવામાં આવી છે. તેને પરિણામે ચર્મઉદ્યોગે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગણનાપાત્ર વિકાસ હાંસલ કર્યો છે અને ભવિષ્યમાં પણ ચાલુ રાખી શકશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

ચર્મઉદ્યોગનો મહત્વનો પ્રશ્ન પ્રદૂષણ છે. કાચા ચામડાને કમાવીને વાપરવા યોગ્ય બનાવવા માટે કેટલીક પ્રક્રિયાઓ આવશ્યક હોય છે. તેના માટે ગણનાપાત્ર માત્રામાં પાણી, મીઠું તેમજ વિવિધ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી બહાર પડતો કચરો અને ગંદા, રસાયણયુક્ત, ભયજનક અને તીવ્ર દુર્ગંધ માટેના પાણીનો નિકાલ કેમ કરવો તે એક જટિલ પ્રશ્ન છે. વળી તે વાતાવરણને પણ પ્રદૂષિત કરે છે; દા.ત., એક કિલોગ્રામ ચામડાને સાફ કરવા માટે 600 લિટર પાણી અને 35 ગ્રામ મીઠાની આવશ્યકતા હોય છે. ત્યારબાદની પ્રક્રિયામાં એક ટન ચામડાને કેળવવા માટે વપરાયેલ ચૂનો (lime) અને સલ્ફેટ્સ (sulphates) 750 કિલોગ્રામ કચરો (solid waste) ઉત્પન્ન કરે છે, જે જોખમી (hazardous) અને વિષમય (toxic) હોય છે. તે જમીન તેમજ પર્યાવરણ બંનેને દૂષિત કરે છે. ચર્મઉદ્યોગના અસ્તિત્વ માટે આ એક જટિલ પ્રશ્ન છે.

આ સહસ્રાબ્દીમાં ભારતીય તકનીકીને અગ્રતાની પહેલ (New millenium Indian technology leadership Initiative) કરી ભારતને વિશ્વમાં અગ્રણી સ્થાન અપાવવા માટે સરકારે આયોજન કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ ભારતીય વૈજ્ઞાનિકોએ ચામડાને કમાવવા પ્રક્રમ પર સંશોધન કર્યું છે. તેમાં મીઠાને બદલે ઉત્સેચક (enzyme) આધારિત જૈવિકપ્રક્રમ(bioprocessing)નો ઉપયોગ કરી ઊંચી ગુણવત્તા ધરાવતું ચામડું કેળવી શકાશે. તેમાંથી નીકળતો આશરે 100 કિલોગ્રામ જેટલો કચરો પર્યાવરણમિત્ર(eco-friendly) હશે. આ પ્રયોગમાં અગ્રણી ભારતીય વૈજ્ઞાનિકો, રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન-મંડળ (council for scientific and industrial research), ભારતીય વૈજ્ઞાનિક સંસ્થા, બૅંગાલુરુ (Indian Institute of science, Bangalore) તેમજ કેટલાંક પ્રગતિશીલ મહાવિદ્યાલયોએ પ્રદાન કર્યું છે. આ સંશોધનનો ઉપયોગ કરવા માટે ખાનગી ક્ષેત્ર આગળ આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ સંશોધન ભારતને વિશ્વમાં અગ્રણી સ્થાન અપાવી શકશે તે નિર્વિવાદ છે.

ચર્મઉદ્યોગ, તેને લગતી સંસ્થાઓ, કારખાનાં અને તે અંગેની વેપારી માહિતી, તેમજ ચર્મઉદ્યોગમાં નવી નવી પ્રક્રિયાની શોધખોળ, તેમાં થતી સુધારણા વગેરેની માહિતી આપતાં કેટલાંક સામયિકો પણ ભારતમાં પ્રસિદ્ધ થાય છે. તેમાં મુંબઈનું ‘ટૅનર’ (અંગ્રેજી), ચેન્નાઈનું ‘લેધર સાયન્સ’ (સેન્ટ્રલ લેધર ઇન્સ્ટિટ્યૂટ તરફથી), કાનપુરનું ‘ફૂટવેર ઇન્ડિયા’ (અંગ્રેજી અને હિંદી), અને કોલકાતાનું ‘ઇન્ડિયન લેધર ટૅક્નૉલૉજિસ્ટ ઍસોસિયેશન’ (અંગ્રેજી) મુખ્ય છે.

પ્રવીણસાગર સત્યપંથી

જિગીશ દેરાસરી