ફૂલ બિન ડાલી (1971) : ડોગરી લેખક શ્રીવત્સ વિકલ(1930–1970)-રચિત સર્વપ્રથમ નવલકથા અને તે લેખકના અવસાન પછી પ્રગટ થઈ હોવાથી તે લેખકની છેલ્લી પ્રકાશિત નવલકથા પણ બની રહે છે.
આ કૃતિમાં લેખકે ડોગરી પ્રજાની વિવિધ સામાજિક સમસ્યાઓની છણાવટ કરી છે અને રોજબરોજના પ્રશ્નો માટે લોકમાનસની રૂઢિચુસ્તતા કારણભૂત છે એવું નિદાન પણ તારવી બતાવ્યું છે. સાથે સાથે ‘આર્ય સમાજ’ના આદર્શોને તેમણે આનો સુયોગ્ય વિકલ્પ પણ લેખ્યો છે.
આ નવલકથાના સૌંદર્યતત્વ તરીકે લેખકની આલેખન વિશેની સચ્ચાઈ લેખાય છે. તેમની શૈલી અનન્ય પ્રવાહિતા ધરાવે છે અને ડોગરી ભાષાના રૂઢિપ્રયોગોથી તે ભરપૂર છે. જીવન પ્રત્યેનો તેમનો અભિગમ રોમૅન્ટિક હોવા છતાં નવલકથામાં તેમણે નિરૂપેલી અનેકવિધ સમસ્યાઓ પરત્વેનું તેમનું વલણ ચોખ્ખું વાસ્તવદર્શી છે. પાત્રચિત્રણની બાબતમાં આ નવલકથા ડોગરી સાહિત્યમાં અનન્ય લેખાય છે. લેખકે સર્જેલાં 41 પાત્રોમાં બે-ત્રણના અપવાદ સિવાય, બાકીનાં પાત્રોનું ચિત્રણ ત્રિપરિમાણી બની રહ્યું છે. આ નવલકથાના પરિણામે ડોગરી કથાસાહિત્ય સમૃદ્ધ થયું છે; એટલું જ નહિ, તેનાથી ડોગરી ભાષા તથા ગદ્યલેખનને પણ નવું જોમ સાંપડ્યું છે.
આ પુસ્તકને સાહિત્ય અકાદમીનો 1972ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોક્સી