ફૂલબાની : ઓરિસા રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જિલ્લાના બૌધ ખોંડમાલ પેટાવિભાગનું વડું મથક તથા એ જ નામ ધરાવતું નગર. અગાઉના આંગુલ જિલ્લાનું પણ તે મુખ્ય મથક હતું. 1993ના નવેમ્બરની 12મી તારીખે ફૂલબાની (બૌધ ખોંડમાલ) જિલ્લાની નવેસરથી રચના કરવામાં આવેલી છે. ભૌ. સ્થાન : તે 20° 30´ ઉ.અ. અને 84° 15´ પૂ.રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. રાજ્યની મધ્યમાં આવેલો આ જિલ્લો ઉત્તર અને ઈશાનમાં બૌધ જિલ્લાથી, પૂર્વે નયાગઢ અને ગંજામ જિલ્લાઓથી, દક્ષિણે ગજપતિ જિલ્લાથી, નૈર્ઋત્યમાં અને પશ્ચિમમાં રાયગઢ અને કાલહંદી જિલ્લાઓથી તથા વાયવ્યમાં બાલાંગિર જિલ્લાથી ઘેરાયેલો છે. તેનો કુલ વિસ્તાર 5,465 ચોકિમી. જેટલો છે.

પ્રાકૃતિક રચના : આ જિલ્લો ટેકરીઓ અને જંગલથી છવાયેલો છે. તેની દક્ષિણ સીમા તરફની ટેકરીઓ કુદરતી જળવિભાજક રચે છે. તેમાંથી ઘણી નદીઓ નીકળીને મહાનદીને મળે છે. અહીંની નદીખીણોમાંનાં જળાશયો તેમજ ભૂગર્ભજળથી ભરપૂર રહેતા કૂવાઓ સિંચાઈ માટે ઉપયોગી થાય છે. પૂર્વ અને દક્ષિણ સીમાઓ પર ઊંચાઈ વધતી જઈને પર્વત-શિખરોમાં ફેરવાય છે. તે પૈકી સંદા પર્વતનું શિખર ઊંચામાં ઊંચું (આશરે 830 મી.) છે. ત્યાંથી દક્ષિણ તરફ જતાં ખોંડમાલનો ઉચ્ચપ્રદેશ આવે છે. તેની ઊંચાઈ આશરે 510 મી. જેટલી છે. આ ઉચ્ચપ્રદેશ લગભગ બધી બાજુએથી ટેકરીઓથી ઘેરાયેલો છે. આ ટેકરીઓ છેવટે પૂર્વ ઘાટમાં ભળી જાય છે. બાલીગુડા ઉચ્ચપ્રદેશ સુધી વિસ્તરેલો આ સમગ્ર ભાગ જંગલ-આચ્છાદિત છે. ટેકરીઓ, ખીણો અને કોતરોનું તે જટિલ સ્વરૂપ રચે છે. અહીં આવેલો આશરે 690 મી.ની ઊંચાઈ ધરાવતો કલિંગ ઘાટ દક્ષિણ ગંજમ જિલ્લામાંથી આ ટેકરીઓમાં તેમજ બાલીગુડાના ઉચ્ચપ્રદેશ તરફ જવાનું પ્રવેશદ્વાર રચે છે.

ખેતી : જિલ્લાના ખોંડમાલ અને બાલીગુડા પેટાવિભાગો ટેકરીઓ અને જંગલોથી છવાયેલા છે; પરંતુ વચ્ચે વચ્ચે આવેલાં ગામડાં ખેતી- યોગ્ય ભૂમિભાગો નજીક વસેલાં છે. ખેતીલાયક જમીનોનું પ્રમાણ એકંદરે ઓછું છે, તેથી જિલ્લા પૂરતી ખેતી-પેદાશો મેળવી શકાતી નથી. લોકો તેમના જીવનનિર્વાહ માટે જંગલની પેદાશો પર આધાર રાખે છે. તેઓ ટેકરીઓના ઉપરના ભાગોને સાફ કરીને ત્યાં અમુક પ્રમાણમાં તેલીબિયાં અને હળદરનું વાવેતર કરે છે. જ્યાં શક્ય હોય ત્યાં મકાઈ, બાજરી અને ચણા (કે અન્ય કઠોળ) ઉગાડે છે. ખેડૂતો હજી ખેતી પરંપરાગત રીતે જ કરે છે. ખોંડમાલ અને બાલીગુડામાં ફરતી ખેતી(ખેતીની ફેરબદલી)ની પદ્ધતિ અપનાવાય છે. ઉનાળાની ઋતુમાં જ જંગલોનાં લાકડાં, ડાળીઓ વગેરે બળતાં જે રાખ બને તે ખાતર તરીકે કામ લાગે છે. વર્ષોવર્ષ, આ રીતે જુદાં જુદાં ખેતરોને ખાતર મળતું રહે છે. કેટલાંક ખેતરોમાં મિશ્ર પાકની ખેતી પણ થાય છે. આ રીતે નવસાધ્ય કરેલાં ખેતરો ત્રણ વર્ષ સુધી ઉપયોગમાં લેવાય છે, પરંતુ આ પ્રકારનાં ઊંચાઈએ આવેલાં ઢાળવાળાં સ્થાનોમાં બળદ કે હળ લઈ જઈ શકાતાં નથી.

ખોંડમાલ અને બાલીગુડાની જમીનો લૅટરાઇટ પ્રકારની, રાતી રેતાળ પ્રકારની, પડખાઉ છે. જ્યાં કાળી જમીનો છે ત્યાં ખાટાં ફળો, ડાંગર, કપાસ વગેરેની ખેતી કરી શકાય છે. રેતાળ જમીનોમાં બટાટા, ડાંગર અને મગફળીના પાક લેવાય છે. ઊંચાણવાળા ભાગોમાં એક વર્ષે ડાંગર તો બીજા વર્ષે ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. સિંચાઈવાળા ભાગોમાં બટાટાના વાવેતર પછી બીજે વર્ષે ડાંગરનો પાક લેવાય છે.

પશુપાલન : ફૂલબાની ખાતે 13 જેટલાં પશુદવાખાનાં અને 41 જેટલાં નાનાંમોટાં અન્ય પશુસુધારકેન્દ્રોની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. મરઘા-ઉછેરની યોજનાઓ પણ અમલમાં છે. ફૂલબાની ખાતે 100 જેટલાં પક્ષીઓ રાખીને એક નિદર્શન-ફાર્મ બનાવેલું છે. બે સમાજ-વિકાસ-ઘટકોમાં પશુ-પક્ષીઓ માટે પોષણ-કાર્યક્રમની વિસ્તૃત યોજના મૂકી છે. ત્યાં ઈંડાંના પુરવઠાના એકમો વિકસાવ્યા છે.જિલ્લામાં પશુઓ માટે કૃત્રિમ ગર્ભાધાનનાં 2 ઉપકેન્દ્રો તૈયાર કર્યાં છે.

ઉદ્યોગો : જિલ્લાના શહેરી વિસ્તારમાં આશરે 5,740 જેટલાં નાનાં મોટાં ઔદ્યોગિક એકમો આવેલા છે. ત્યાં હાથશાળનું વણાટકામ, માટીનાં વાસણો, ખાદ્ય ચરબી, ખાદ્ય તેલો, વાંસ, નેતર તથા પાંદડાંમાંથી બનતી ચીજવસ્તુઓ, છડેલા ચોખા, કાચનો સામાન બનાવવાનાં એકમો આવેલાં છે.

ખનિજો : આ જિલ્લામાં મુખ્યત્વે માટી, કંકર, અબરખ, મૅંગેનીઝ, રૉક-ક્રિસ્ટલ અને સ્ટિલબાઇટના ખનિજસ્રોતો મળે છે. ટેલ નદીના જમણા કાંઠા પર હલકા વજનવાળી, શોષણક્ષમતાવાળી તેમજ કેટલીક વસ્તુઓને શુદ્ધ કરી શકવાનો ગુણધર્મ ધરાવતી માટી મળે છે. બૌધની આજુબાજુના કાંપ-પટ્ટામાંથી કંકર મળે છે, તેને બાળીને ચૂનો મેળવાય છે. અહીંથી મળતાં મૅંગેનીઝ-ખનિજો હલકી કક્ષાનાં હોય છે. અબરખ પેગ્મેટાઇટના છૂટાછવાયા પટ્ટા પણ મળે છે. આ જિલ્લામાંથી મળી આવતા રૉક-ક્રિસ્ટલ ક્ષતિવાળા હોવાથી રેડિયો-ઉદ્યોગમાં ખપ લાગતા નથી. અહીંના નાઇસના પ્રાદેશિક-ખડકમાં શિરાઓ રૂપે સ્ટિલબાઇટ પણ મળી રહે છે.

વેપાર : આ જિલ્લામાં લાકડાનું રાચરચીલું તથા ચામડાનાં પગરખાં બનાવાય છે. અહીંથી લાકડાં, જંગલની પેદાશો, મહુડાનાં ફૂલ અને હળદરની નિકાસ તથા ચોખા, કાપડ અને ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લાનું વડું મથક ફૂલબાની બોલાંગિર અને બરહામપુર સાથે સડકમાર્ગે જોડાયેલું છે. અહીં સડકમાર્ગોનું ચલણ વધુ છે. ઓરિસા માટે બસસેવા ઉપલબ્ધ છે. સરકાર હસ્તકની ઓરિસા રોડ ટ્રાન્સપૉર્ટ કંપની લોકોને વાહનવ્યવહારની જરૂરી સુવિધા પૂરી પાડે છે. આ જિલ્લો કટક, પુરી, ગંજમ અને કોરાપુટ સાથે જોડાયેલો છે. જિલ્લાના પેટાવિભાગોનાં નગરોમાં જવા-આવવા હાવરા-ચેન્નાઈ રેલમાર્ગ પરનું ગંજમ જિલ્લાનું બરહામપુર નજીકનું રેલમથક છે. ફૂલબાનીમાં ટેલિફોન એક્સચેન્જની સુવિધા પણ છે. જિલ્લામાં ફૂલબાની, બાલીગુડા, ઉદયગિરિ, ટિકબાલી, ખજૂરીપાડા, બિસિપોડા, બાંધગડા, બલાસકુંપા વગેરે જેવાં સ્થાનો પ્રવાસીઓ માટેનાં મુલાકાતનાં આકર્ષણો ગણાય છે. જિલ્લાનાં કેટલાંક સ્થળોમાં વર્ષના જુદા જુદા તહેવારોએ મેળા યોજાય છે અને લોકો તેમને આનંદથી માણે છે.

વસ્તી-વસાહતો : 1991 મુજબ જિલ્લાની વસ્તી 5,46,281 જેટલી છે, જે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તી અનુક્રમે 5,10,619 અને 35,662 જેટલી છે. સ્ત્રી-પુરુષોની વસ્તીનું પ્રમાણ લગભગ સમાન છે. જિલ્લામાં મુખ્યત્વે ગોંડ, ખોંડ અને કોંડ જાતિઓ વસે છે. આ જાતિઓ ઘણી પેટાજાતિઓમાં વહેંચાયેલી છે. અહીંની મુખ્ય ભાષા ઊડિયા છે. જિલ્લામાં મુખ્યત્વે હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ છે; જ્યારે બાકીના થોડા શીખો, બૌદ્ધો તથા તે સિવાયના ધર્મના લોકો છે. આ જિલ્લાને 2 પેટાવિભાગો, 4 તાલુકાઓ અને 12 સમાજ-વિકાસ-ઘટકોમાં વહેંચી નાખવામાં આવેલો છે. જિલ્લામાં 2 નગરો અને 2,515 ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ફૂલબાનીનું જૂનું નામ બૌધ-ખોંડમલ હતું. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં અહીં એક બ્રાહ્મણ વંશનું રાજ્ય હતું. નવમી સદીમાં આ પ્રદેશ ખિંજલી મંડલ નામથી ઓળખાતો હતો અને ત્યાં ભંજ રાજાઓ રાજ્ય કરતા હતા. ભૌમકર રાજાઓથી ભંજ રાજાઓ ગૌણ ગણાતા હતા. ત્યાં શત્રુભંજ નામનો પ્રતાપી રાજા રાજ્ય કરી ગયો. તે ગંધાત તરીકે ઓળખાતો હતો. તેણે ગંધતપતિ નામે નગર વસાવ્યું હતું. શત્રુભંજ પછી તેનો પુત્ર રાણાભંજ ખિંજલીમંડલનો રાજા બન્યો, તેણે આશરે 60 વર્ષ ત્યાં રાજ્ય કર્યું. સોમવંશી રાજા જનમેજય મહાભાવગુપ્તે તેને હરાવીને હાંકી કાઢ્યો. 10મી સદીના મધ્યમાં સોમવંશી રાજાએ ભૌમકરના પ્રદેશો કબજે કરી લીધા. યયાતિ મહાશિવ ગુપ્તે સોમવંશી અને ભૌમકરના પ્રદેશોનું જોડાણ કર્યું. આ પ્રદેશો કોશલ અને ઉત્કલ તરીકે ઓળખાયા. તેના પુત્ર ઉદ્યોત-કેસરીએ કોશલનો પ્રદેશ તેના પરિવારની બીજી શાખાને આપી દીધો. કોશલના સોમવંશના છેલ્લા રાજા ઇન્દ્રરથને 1022માં રાજેન્દ્ર ચોલ નામના રાજાએ યયાતિનગર (આજના જગતીનગર) નજીક હરાવીને મારી નાખ્યો. આ દરમિયાન બૌધ-ખોંડમલના પ્રદેશમાં ભંજ રાજાઓની સત્તા પુન:સ્થાપિત થઈ ચૂકી હતી. આ ભંજ રાજાઓમાં કનકભંજ નામનો પ્રતાપી રાજા થઈ ગયો, તે રાજેન્દ્ર ચોલના સાથીદાર તરીકે ગૌડના પાલ વંશના રાજા સામે લડ્યો હતો. તેણે સુવર્ણપુર(આજના સોનેપુર)માં પાટનગર રાખ્યું હતું.

11મી સદીના ઉત્તરાર્ધમાં તેલુગુના ચોલ રાજાએ ભંજરાજાનું સ્થાન લીધું. 12મી સદીના આરંભમાં કલચુરીઓએ સુવર્ણપુરના ચોલવંશના છેલ્લા રાજા સોમેશ્વર બીજાને હરાવ્યો અને સુવર્ણપુરની આસપાસનો પ્રદેશ કબજે કર્યો. બૌધનો બ્રાહ્મણ રાજા ગંધમર્દનદેવ અપુત્ર હોવાથી તેણે બ્રજકિશોર ભંજના બાલપુત્રને દત્તક લઈ, અનંગદેવ નામ આપી ગાદીએ બેસાડ્યો. તેના વંશમાં સિદ્ધેશ્વરદેવ અને મદનમોહનદેવ નામના જાણીતા રાજાઓ થઈ ગયા. ઈ. સ. 1800માં મરાઠાઓએ બૌધ-ખોંડમલનો પ્રદેશ કબજે કર્યો અને નાગપુરના ભોંસલે કુળના સરદારની સત્તા હેઠળ તે રહ્યો. 1803ના નવેમ્બરમાં મરાઠાઓને હરાવી અંગ્રેજોએ કટક કબજે કર્યું અને પછી 1804માં અંગ્રેજોએ બૌધ પણ કબજે કરી લીધું; પરંતુ 1818માં નાગપુરના ભોંસલે કુળના રાજાએ બૌધ પાછું મેળવી લીધું. 1826માં માધોજી ભોંસલેએ બૌધનું રાજ્ય બ્રિટિશ સરકારને સોંપી દીધું. બૌધના રાજાઓ લાંબા કાળથી ખોંડમલ વિસ્તાર પર સત્તા ભોગવતા હતા; પરંતુ 19મી સદીની મધ્યમાં ખોંડ લોકોએ બળવો કર્યો. રાજા શાંતિ સ્થાપી શક્યો નહિ, તેથી 1855ના ફેબ્રુઆરીમાં ખોંડમલનો પ્રદેશ અંગ્રેજોને સોંપી દેવામાં આવ્યો. 1875માં બ્રિટિશ સરકારે પીતાંબરદેવનો રાજાનો ખિતાબ વારસાગત માન્ય રાખી, તેને સનદ આપી. 1879માં જોગીન્દ્રદેવ ત્યાંનો રાજા થયો. 1894માં બ્રિટિશ સરકારે તેને પણ સનદ આપી અને તેની ખંડણી નક્કી કરવામાં આવી.

1913માં તેનું અવસાન થવાથી નારાયણદેવ ગાદીએ બેઠો. 1948ના જાન્યુઆરીમાં તેના રાજ્યનું ઓરિસા રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. 1904માં ફૂલબાની નગરને જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું.

ફૂલબાની નગર : ભૌગોલિક સ્થાન : 20° 30´ ઉ. અ. અને 84° 15´ પૂ. રે. તે આશરે 480 મીટરની ઊંચાઈ પર સલકી નદીને કાંઠે વસેલું છે. નદીના બંને કાંઠાઓ પર આવેલી ટેકરીઓની કુદરતી દીવાલથી રક્ષાયેલું છે. આ ટેકરીઓમાંથી બહાર તરફ જવાના કેટલાક નિર્ગમ માર્ગો છે, પરંતુ ઈશાન અને અગ્નિ તરફના માર્ગો વધુ ખુલ્લા છે. આ નગર નાનું હોવા છતાં હવે આધુનિક બન્યું છે. આ નગરની નજીક એક વિશાળ સામૂહિક ખેતર આવેલું છે. અહીં જિલ્લાનાં વહીવટી કાર્યાલયો તેમજ બરહામપુર યુનિવર્સિટી સંલગ્ન, જિલ્લા માટેની એક માત્ર સરકારી વિજ્ઞાન કૉલેજ આવેલી છે. બરહામપુરથી સડકમાર્ગે ફૂલબાની જઈ શકાય છે. બરહામપુર તેની નજીકનું રેલમથક છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ