ફૂલભોંદરી (મોટો ભાંદ્રો) (ઘૂઘરો)

February, 1999

ફૂલભોંદરી (મોટો ભાંદ્રો) (ઘૂઘરો) : દ્વિદળી વર્ગના લિથ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Legerstroemia speciosa (L) Pers, Syn. L. Flos-reginae Retz:, Munchausia speciosa L. Mant, (હિ., બં., પં. જારુલ; મ. તાઇ; અં. પ્રાઇડ ઑવ્ ઇંડિયા ક્વીન્સ ફ્લાવર, ક્વીન ક્રેપ મિરટલ) છે. તે ભારતમાં વધતેઓછે અંશે બધે જ થાય છે. છતાં આસામ, બંગાળ અને ડૅક્કન પ્રાયદ્વીપ(Peninsula)માં ખાસ જોવા મળે છે. તે મધ્યમ કદથી માંડી ખૂબ મોટું, લગભગ 24 મી.ની ઊંચાઈ અને 36 સેમી.નો થડનો ઘેરાવો ધરાવતું પર્ણપાતી વૃક્ષ છે. તે ટોચ પર ગોળાકાર મોટો પર્ણમુકુટ ધરાવે છે. તેની છાલ લીસી અને ભૂખરી હોય છે. પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong lanceolate) કે ઉપવલયાકાર (elliptic), 20થી 25 સેમી. લાંબા અને 7થી 8 સેમી. પહોળાં અને ટોચેથી અણીદાર હોય છે. પર્ણો ઉનાળામાં ખરી પડે છે અને જૂન-જુલાઈમાં આખું વૃક્ષ આછાં જાંબલી પુષ્પોની સેરોથી ભરાઈ જાય છે. પુષ્પો લાંબા ગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પના સૌંદર્યને લીધે તેને ‘ક્વીન્સ ફ્લાવર’ કહે છે. ભારતનાં વૃક્ષોમાં શોભનવૃક્ષ તરીકે તે આગવું સ્થાન ધરાવે છે; તેથી તેને ‘પ્રાઇડ ઑવ્ ઇંડિયા’ પણ કહે છે અને ઉદ્યાનોમાં તેમજ રસ્તાની બને બાજુએ ઉગાડવામાં આવે છે.

ફૂલભોંદરી – પર્ણ, પુષ્પ અને ફળ

ફળદ્રૂપ, ઊંડી, જલોઢ (alluvial) ગોરાડુ ભૂમિમાં સૌથી સારા પ્રમાણમાં થાય છે. તે નદી કે ઝરણાંઓના કિનારે અને ભેજમુક્ત નીચાણવાળા પ્રદેશોમાં ખાસ જોવા મળે છે. તેનું કુદરતી પ્રસર્જન બીજ દ્વારા થાય છે. શુષ્કતા અને અપતૃણ-વૃદ્ધિ તેના વિકાસ માટે પ્રતિકૂળ ગણાય છે. કૃત્રિમ પ્રસર્જન માટે ક્યારીઓમાં તરુણ રોપા તૈયાર કરવામાં આવે છે.

તેનું કાષ્ઠ સખત, મજબૂત, સ્થિતિસ્થાપક અને મધ્યમસરનું ભારે (વિ. ગુ. 0.54; વજન 624.65 કિગ્રા. ઘમી.) હોય છે. તેનું હવા દ્વારા સંશોષણ કોઈ પણ મુશ્કેલી સિવાય થાય છે. કિલ્ન-સંશોષણ 16થી 20 દિવસમાં થાય છે. સાગના સંદર્ભમાં તેના ગુણધર્મોની તુલનાત્મક ઉપયુક્તતા (ટકાવારીમાં) આ પ્રમાણે છે :

વજન 95; પાટડા તરીકેનું સામર્થ્ય (strength) 80; પાટડા તરીકેની દુર્નમ્યતા (stiffness) 85; થાંભલા તરીકેની ઉપયુક્તતા 75; આઘાત-અવરોધશક્તિ 85: આકારની જાળવણી 65; અપરૂપણ (shear) 100 અને કઠોરતા (hardness) 105.

કાષ્ઠનો ઉપયોગ ઇમારતી લાકડા તરીકે ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારતમાં થાય છે. તેનો ઉપયોગ વહાણ, પુલ, બોટ, હલેસાં, રેલવેના ડબ્બા, રેલવે સ્લિપરો, ખટારા, ગાડાં, ચોખાનાં ખાંડણિયાં, દસ્તા, વિવિધ ઓજારો, રાચરચીલું, પૈડાંના આરા, હળ, પેટી વગેરે બનાવવામાં થાય છે. તેનાં પર્ણો રેચક, અવરોધનિવારક (deobstruent) અને મૂત્રલ હોય છે. પર્ણોનો અને સૂકાં ફળોનો ઉકાળો ચાની જેમ તૈયાર કરવામાં આવે છે અને મધુપ્રમેહના દર્દીઓને આપવામાં આવે છે. વનસ્પતિના કેટલાક ભાગો આકારહીન, સહેજ કડવો ઇન્સ્યુલિન જેવો પદાર્થ ધરાવે છે, જે અવગ્લુકોઝરક્ત (hypoglycemic) ક્રિયાશીલતા દાખવે છે. તેની છાલ ઉત્તેજક અને જ્વરહર (febrifuge) ગણાય છે અને તેનો ક્વાથ પેટના દુ:ખાવામાં અને અતિસારમાં આપવામાં આવે છે. તેનાં મૂળ કષાય (astringent), ઉત્તેજક અને જ્વરહર હોય છે. તેનાં બીજ નિશ્ચેતક (narcotic) ગણાય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ હાઇડ્રૉસાયનિક ઍસિડ ધરાવે છે.

પર્ણો, ફળ અને છાલ અનુક્રમે 12.8% – 13.3%; 14.3% – 17.3% અને 10% ટેનિન ધરાવે છે. ટેનિનનો નિષ્કર્ષ બનાવવામાં પર્ણો અને ફળોનો ઉપયોગ થાય છે. તેની અંત:છાલમાંથી જાડા રેસા મેળવવામાં આવે છે. વૃક્ષ દ્વારા રાળનો સ્રાવ થાય છે.

આ જાતિની ‘રોઝિયા’ ઉપજાતિને ગુલાબી રંગનાં પુષ્પ આવે છે. તેનાં વૃક્ષ નીચાં હોય છે અને પુષ્પનિર્માણ વખતે પર્ણો ધરાવે છે.

L. indica Linn (ચિનાઈ મેંદી, ગુલમેંદી); L. lanceolata Wall. નાનો ભાંદ્રો અને L. parviflora Roxb. (ભાંદ્રો) નજીકની સંબંધી જાતિઓ છે. L. thoreli 6થી 7 મીટર ઊંચું વૃક્ષ છે અને મોટા ભાંદ્રાને મળતું આવે છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ