ફિલ્મ : વાસ્તવિક જગતની વ્યક્તિ કે પદાર્થનું આબેહૂબ ચિત્ર ઝડપવા માટે કચકડાની પ્રકાશસંવેદી પટી કે તકતી વપરાય છે. છબીકળાના મૂળમાં નેગૅટિવ અતિ અગત્યની ગણાય છે, પણ જેમ કૅમેરાની શોધમાં વિજ્ઞાનીઓએ સદીઓ વિતાવી અને છબી ઉપસાવવાની પ્રક્રિયામાં વર્ષો સુધી વ્યસ્ત રહ્યા, તેવી જ રીતે વિજ્ઞાનીઓ નેગૅટિવ અને તેના ફિલ્મ રોલ તૈયાર કરવા અને તેને સ્થાયી કરવાની પ્રક્રિયામાં છેલ્લી ત્રણેક સદીઓ સુધી વ્યસ્ત રહ્યા.
1727માં જર્મન પ્રોફેસર જૉન હેનરિક શૂલ્ઝે એકાદ દિવસ ટકે એવાં ક્ષણિક ચિત્રો સૌપ્રથમ તૈયાર કર્યાં અને નેગૅટિવ સિલ્યૂએટ તૈયાર કરીને નેગૅટિવ બનાવવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું. 1827માં જીન ડ્યૂમસે સંશોધન કર્યું કે ચાંદીનાં કેટલાંક દ્રવ્યો સૂર્યપ્રકાશની અસરથી પરિવર્તન પામે છે. 1824માં મધ્ય ફ્રાંસના શેલૉન-સુર-સૌનમાં રહેતા જૉસેફ નાઇસેફર નિપ્સેએ બનાવેલ સૌપ્રથમ સ્થાયી છબીમાં ચાંદીએ કોઈ ભાગ ભજવ્યો ન હતો. તેણે એ બધી છબીઓ ડામર જેવા પદાર્થથી તૈયાર કરી હતી.
આવા અનેક પ્રયોગો દરમિયાન 1839માં પૅરિસના રહીશ લુઈ ડગ્વેરેએ છબીને સ્થાયી કરવાના દ્રાવણ તરીકે ‘ફિક્સર’ તરીકે સૉડિયમ થાયોસલ્ફેટની શોધ કરી અને બતાવ્યું કે પ્રકાશથી સૉડિયમ થાયોસલ્ફેટ શીઘ્રભાવગ્રાહી ચાંદીના દ્રવ્યમાં ઓગળે છે. તેણે સિલ્વર આયૉડાઇડના દ્રાવણની પણ શોધ કરી અને તાંબાની ધાતુ પરની ડગ્વેરિયોટાઇપથી બનેલી નેગૅટિવ બનાવી. ફિલ્મ બનાવવાની અગત્યની શોધ તરીકે 1839માં અંગ્રેજ વિજ્ઞાની વિલિયમ હેનરી ફૉક્સ ટાલબૉટે રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટન સમક્ષ ‘કેલોટાઇપ’ નામની પોતાની નેગૅટિવ-પૉઝિટિવ પદ્ધતિ રજૂ કરી. આ પદ્ધતિને તેના મિત્ર વિજ્ઞાની સર જૉન હરશેલે ‘પ્રકાશ’ના ગ્રીક શબ્દ ‘ફૉટોસ’ અને ‘રેખાંકન’ના ગ્રીક શબ્દ ‘ગ્રાફૉસ’ પરથી પ્રથમ વખત ‘ફોટોગ્રાફી’ શબ્દ આપ્યો. 1847માં નાઇસેફર નિપ્સેના પિત્રાઈ લશ્કરી અધિકારી એબેલ નિપ્સે ’ડી સેન્ટ વિક્ટરે આ જ પદ્ધતિ કાચની પ્લેટ પર પૅરિસની વિજ્ઞાન અકાદમી સમક્ષ રજૂ કરી બતાવી.
1846માં ફ્રેન્ચ કૅમિસ્ટ લુઇ મેનાર્ડે કોલૉડિયન નામના દ્રવ્યનો ઉપયોગ છબીકળાના પ્રયોગોમાં કર્યો અને 1850માં બ્રિટિશ કૅમિસ્ટ રૉબર્ટ બિંગહામે તેને છબીકળાના દ્રવ્ય તરીકે બજારમાં મૂક્યું. એ પછી ‘વેટ પ્લેટ ફોટોગ્રાફી’ના પ્રયોગો થયા.
આવા પ્રયોગોમાં જ્યૉર્જ ઈસ્ટમૅનનો ફાળો અગ્રિમ ગણાયો. 1877માં જ્યૉર્જ ઈસ્ટમૅને પોતાનો પ્રથમ કૅમેરા બજારમાં મૂક્યો અને 1881માં ઈસ્ટમૅન ડ્રાય પ્લૅટ કંપનીની સ્થાપના કરી અને હલકી, સસ્તી અને ભૂંગળું વાળી શકાય એવી ફિલ્મ બનાવી. 1884માં પાતળા ઇમલ્ઝનવાળી જિલેટિન ફિલ્મ કાગળના ભૂંગળા પર આપી રોલ ફિલ્મ વાપરી શકાય એવા કૅમેરા બનાવ્યા. 1888માં ઈસ્ટમૅને ‘કૉડાક’ની સ્થાપના કરી ત્યારે ફિલ્મ ભરેલો કૅમેરા ઈસ્ટમૅન કંપનીને ડેવલપ કરવા મોકલાતો. ડેવલપ કર્યા બાદ એ જ કૅમેરામાં સો છબી ખેંચી શકાય એટલી ફિલ્મ સાથે કૅમેરા તેના માલિકને પરત કરવામાં આવતો. જ્યૉર્જ ઈસ્ટમૅને અમેરિકાનાં અગ્રિમ ઔદ્યોગિક સાહસો ઊભાં કર્યાં અને એક બૅંક ક્લાર્કમાંથી આગળ વધીને કરોડપતિ બન્યો. તેણે પોતાના પરોપકારો અનામી રાખ્યા હતા અને મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીને આપેલી લાખો ડોલરની સખાવતો તેણે વર્ષો સુધી ‘મિસ્ટર ઍક્સ’ના નામથી કરી હતી, પણ 76 વર્ષના આ અપરિણીત શોધક દાનવીરે લાંબી માંદગીને અંતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી.
સેલ્યુલૉઇડના પ્રયોગ બાદ સાદા, હલકા અને રોલ-ફિલ્મ વાપરી શકાય એવા કૅમેરા તૈયાર થવા લાગ્યા. શરૂઆતમાં 3 ઇંચથી 12 ઇંચ સુધીની કાચ તથા સેલ્યુલૉઇડની છૂટક ફિલ્મો બજારમાં આવી અને ત્યારબાદ 1925ના અરસામાં, 120 અને 35 એમ.એમ.ની રોલ-ફિલ્મનો જમાનો આવ્યો જે આજ સુધી પ્રચલિત છે. પછી તો શ્યામ-શ્વેત તેમજ રંગીન નેગૅટિવ ઉપરાંત રિવર્સલ અથવા સ્લાઇડ માટેની ફિલ્મો પણ ઉપલબ્ધ થવા લાગી છે.
1891માં બ્રિટનના રિચર્ડ મેડૉક્સે છબી પાડવાની તકતી પર ચાંદીના પ્રકાશસંવેદી ક્ષારનું પડ ચડાવવા જિલેટિન નામના ચીકણા દ્રાવણનો ઉપયોગ કર્યો. જિલેટિન ઢોર તથા બકરાંઘેટાંનાં મડદાંનાં હાડચામ ધોઈને મેળવાતો પદાર્થ છે. આ દ્રાવણ સુકાયા પછી પણ કામ આપતું. તેથી આ શોધ સૂકી છબીકલા માટે આશીર્વાદરૂપ નીવડી. તેનાથી બીજો લાભ પણ થયો, તે એ કે પ્રકાશ આપવાનો સમય ઘણો ઘટી ગયો. હવે છબીકાર કૅમેરા હાથમાં રાખીને છબી પાડી શકતો. પહેલાં તેને સ્થિર ઘોડી ઉપર જડવો પડતો. બીજી મોટી સગવડ સેલ્યુલૉઇડ નામના કચકડાના ઉપયોગથી આવી. અગાઉ ધાતુની તકતી, કાચ કે પારદર્શક કાગળના ટુકડા વાપરવા પડતા હતા. સેલ્યુલોઝ નાઇટ્રેટ અને પાછળથી સેલ્યુલોઝ એસિટેટની બનેલી કચકડાની લાંબી પટી સાથે રોલ-ફિલ્મ કે ફિલ્મના વીંટાનો લાભ મળતો થયો. (સેલ્યુલોઝ નાઇટ્રેટ ઝટ સળગી ઊઠતું, તેથી એસિટેટ વપરાતું થયું.) હવે એવા કૅમેરા બનતા થયા, જેમાં વીંટા-ફિલ્મ ભરાવીને એક પછી એક એમ આઠ, બાર, સોળ……થી 64 સુધી ક્રમિક છબીઓ પાડી શકાતી. વિવિધ રંગ તથા વિવિધ છાયા ધરાવતી ખાસ ફિલ્મો બનવા લાગી. તેથી છબી પાડવાના વિશિષ્ટ સંજોગો પ્રમાણે બંધબેસતી ફિલ્મ છબીકાર પસંદ કરવા શક્તિમાન બન્યો. રંગીન છબી માટેની ફિલ્મ ઉપર છ ભિન્ન પ્રકારના સ્તર ચડાવેલા હોય છે. છેક ઉપરનો કેવળ વાદળી પ્રકાશનો પ્રભાવ ઝીલે છે. બીજો પીળો સ્તર ફિલ્ટરનું કામ કરે છે. તે વાદળી પ્રકાશને નીચલા સ્તરો સુધી જતાં રોકે છે. ત્રીજો સ્તર કેવળ લીલા પ્રકાશને ગ્રહણ કરે છે. ચોથો સ્તર કેવળ રાતા મૂળ રંગને ગ્રહણ કરે છે. પાંચમો સ્તર વિશેષ આધાર પ્લાસ્ટિકનો હોય છે, જેમાં આ રંગસ્તરોને સ્થિર રાખે છે. છેલ્લો છઠ્ઠો સ્તર પ્રસરણવિરોધી સ્તર હોય છે તે આગળના પ્રકાશનું ધાર બહાર પ્રસરણ, પરાવર્તન કે વક્રીભવન થતું અટકાવી દરેક રંગના પ્રકાશની સીમાનું નિયમન કરે છે. રંગીન છબીમાં પ્રોજેક્ટરની દર્શાવવાની પારદર્શક સ્લાઇડ તથા સફેદ પત્ર ઉપર છાપ વડે મેળવવાની રંગીન સ્થાયી છબી એમ બે પ્રકારની સગવડો મળે છે. તે માટેની પ્રવિધિમાં થોડું અંતર છે. પણ, હવે આવી પ્રક્રિયા યાંત્રિક લૅબોરેટરીમાં તાપ, પ્રકાશ, દાબ, ભેજ આદિ લક્ષણોના યોગ્ય નિયંત્રણ વડે થતી હોવાથી પરિણામો ઘણાં સારાં મેળવી શકાય છે.
રમેશ ઠાકર