ફારાબી (જ. 870; અ. 950) : ઍરિસ્ટોટલ અને પ્લેટો પછીનો વિશ્વનો સૌથી મહાન તત્વજ્ઞાની. તેનું પૂરું નામ અબૂ નસ્ર મુહમ્મદ બિન મુહમ્મદ બિન તરખાન ઇબ્ન ઉઝલુગ હતું. તે આજના તુર્કીના ફારાબ જિલ્લામાં જન્મ્યો હતો, તેથી અલ-ફારાબીના નામે ઓળખાય છે. પાશ્ચાત્ય દેશોમાં તેના નામનું લૅટિન સ્વરૂપ al-pharabius પ્રચલિત છે. ચિંતન અને દર્શનના ક્ષેત્રે પ્રાપ્ત કરેલ નોંધપાત્ર સફળતા માટે તેને ‘અબુન્નસ્ર’(અર્થાત્ સફળતાનો પિતા)નું બિરુદ મળ્યું હતું.
તે તુર્ક હતો તેથી તેણે અરબી ભાષાનું શિક્ષણ અબ્બાસી ખિલાફતના પાટનગર અને જ્ઞાન-વિજ્ઞાનના કેન્દ્રસમા બગદાદ શહેરમાં અબૂ બક્ર બિન અલ સર્રાજ પાસેથી મેળવ્યું હતું. તત્ત્વજ્ઞાનના વિષયમાં તેનો શિક્ષક અને ગુરુ અબૂ બિશ્ર મત્તા બિન યૂનુસ નામનો ખ્રિસ્તી હતો. તેની પાસેથી તેણે isagoge અને તર્કશાસ્ત્રના નિયમોનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એવું માનવામાં આવે છે કે તે યુહન્ના બિન હયલાનનો પણ શિષ્ય રહ્યો હતો. તે બગદાદ ઉપરાંત દમાસ્ક્સ અને મિસરમાં પણ રહ્યો હતો અને નવમા તથા દસમા સૈકામાં બૌદ્ધિક વિજ્ઞાનોના વિકાસમાં અનન્ય ફાળો આપ્યો હતો. જોકે તે ઇસ્લામી જગતનો plotinus સમો હતો, પરંતુ તેના શિષ્યો ઇબ્ને સીના (avicenna) તથા ઇબ્ને રૂશદ (averross) જેટલી ખ્યાતિ તેને મળી ન હતી. તેણે મુસ્લિમ વિચાર જગતમાં બૌદ્ધિકવાદનો પાયો નાંખ્યો હતો. તે તર્ક દ્વારા તત્વજ્ઞાનનો અભ્યાસ કરતો અને પછી ભૌતિકવાદનો વિચાર કરતો હતો. તેણે ઍરિસ્ટોટલની રચનાઓનો ઘનિષ્ઠ અભ્યાસ કરીને તેમનો પુનરુદ્ધાર કર્યો હતો તેથી તે અલ-મુઇલ્લિમુલસાની અર્થાત્ ‘દ્વિતીય શિક્ષક’નું બિરુદ પણ પામ્યો હતો. (ઍરિસ્ટોટલને ‘અલ-મુઇલ્લિમુલ અવ્વલ’ – પ્રથમ શિક્ષક કહેવામાં આવે છે.)
તેમની સૌથી મહત્વની કૃતિ ‘ઇહસાઉલ ઉલૂમ વલ-તારીફ બિ અગરાઝિહા’ છે, જેમાં તેણે વિજ્ઞાનનું વર્ગીકરણ કરીને તેની વ્યાખ્યાઓ લખી હતી તથા તેમના વિષયોની છણાવટ કરી હતી. તેની બીજી નોંધપાત્ર કૃતિઓમાં ‘ફુસૂસુલહિકમ’; ‘અસ-સિયાસત-અલ મદીના’; ‘અલ-તાલીકાત’; ‘તહસીલ અલ-સઆદાત’ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઍરિસ્ટોટલના નીતિશાસ્ત્રવિષયક ખુલાસો – ‘કિતાબુલ તન્બીહ અલા સબીલ-અલ-સઆદત’ના નામે; પ્લેટોની કૃતિ republic સાથે સમાનતા ધરાવતી કૃતિ – ‘રિસાલા ફી આરાએ એહલુલ મદીનતુલ ફાઝિલા’; અને સંગીતશાસ્ત્ર-વિષયક પ્રસિદ્ધ કૃતિ ‘કિતાબુલ મૂસીકી અલ-કબીર’ પણ તેમની પાસેથી પ્રાપ્ત થઈ છે.
પશ્ચિમના દેશોમાં 1856માં (1) schmolders એ documenta philosophi arab ના નામે (2) steinschneider તથા (3) dieterici એ વિવિધ શીર્ષકો હેઠળ તેમના મોટાભાગનાં લખાણો લૅટિનમાં પ્રગટ થયાં હતાં. સંગીતશાસ્ત્ર ઉપરના તેમનાં લખાણો h. g. farmerએ 1934માં ગ્લાસગોથી collection of arab writers on music નામના સંગ્રહમાં પ્રસિદ્ધ કર્યાં હતાં.
તેમની પ્રખ્યાત કૃતિ ‘ફલ્સફ-એ-અફલાતૂન’ને લૅટિન ભાષામાં plato arabus તથા corrus platonicum medilviના નામે r. walzer તથા fr. rosenthal-એ 1934માં પ્રસિદ્ધ કરી હતી.
તેમણે ગ્રીક તત્ત્વજ્ઞાન સંબંધી એક નવીન સિદ્ધાંત વહેતો મૂક્યો હતો કે ઍરિસ્ટોટલ અને પ્લેટોના વિચારો એકબીજા સાથે સુસંગત છે. આથી તેમને syncretistનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમણે એક તરફથી ઇસ્લામી દર્શનશાસ્ત્ર નામથી નવીન વિચારધારાની શરૂઆત કરી હતી અને ધાર્મિક સમસ્યાઓને બૌદ્ધિક તથા તાર્કિક રીતે ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો તો બીજી તરફથી તેણે પોતાની કૃતિઓ દ્વારા અરબી ભાષાને પણ સમૃદ્ધ બનાવી હતી.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી