ફારિદ, ઉમર ઇબ્ન (જ. કેરો) : મધ્યયુગના સૂફી અને અરબી ભાષાના ઉચ્ચ કક્ષાના કવિ. તેમનું પૂરું નામ ઉમર બિન અલી અલ-મિસરી ઉર્ફે ઇબ્ન ફારિદ. તેમના પિતા ફારિદ અર્થાત્ નૉટરી હતા અને તેમનું કામ લોકોના વારસા(ની મિલકતો) જે અરબીમાં ફરાઇદ કહેવાય છે તે વહેંચવાનું હતું. આમ ઉમર બિન અલીનું નામ ‘ઇબ્ન ફારિદ’ પડ્યું હતું. તેમના પિતા મૂળ હમાતના રહેવાસી હતા, પણ કાહિરા(કેરો; ઇજિપ્ત)માં જઈને વસ્યા હતા. યુવાવસ્થામાં તેમણે શાફિઈ સંપ્રદાયનું વિસ્તૃત ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પાછળથી તેમણે અધ્યાત્મવાદનો માર્ગ અખત્યાર કર્યો હતો. ઇબ્ન ફારિદે એક સૂફી સંત તરીકે ઘણાં વર્ષો કેરોની પૂર્વ દિશામાં આવેલ મુકત્તમ પર્વતમાળામાં તથા અલ-હિજાઝ(મક્કા-મદીના)માં એકાંતવાસમાં પસાર કર્યાં હતાં. હિજાઝથી કેરો આવ્યા પછી મૃત્યુ પર્યંત તેઓ એક વલીઅલ્લાહ (સંતપુરુષ) તરીકે લોકપ્રિય રહ્યા હતા. મુકત્તમ પર્વતમાળામાં તેમનો મકબરો અધ્યાત્મવાદીઓનું યાત્રાધામ બની રહ્યું છે. ઇબ્ન ફારિદનો કાવ્યસંગ્રહ (દીવાન) નાનો સરખો હોવા છતાં કવિત્વની ર્દષ્ટિએ તે અરબી ભાષા-સાહિત્યમાં બેનમૂન ગણાય છે. સૂફીઓની મજલિસોમાં લય અને તાલ સાથે ગાઈ શકાય એવાં ટૂંકાં કસીદા સ્વરૂપનાં કાવ્યોમાં કોમળ તથા સુંદર શૈલી જોવા મળે છે. તેમણે આ કાવ્યોમાં બાહ્ય અને અંતરના ભાવોને ગૂંથ્યા છે, જેથી તે પ્રેમવિષયક ગઝલો જેવાં લાગે છે. તેમના બે સૂફીવાદી કસીદાઓ : (1) ‘અલ-ખમરિયા’ અને (2) ‘નઝ્મ અલ-સુલૂક’ સૂફીઓ તથા વિદ્વાનોનાં વર્તુળોમાં પ્રશંસાપાત્ર બન્યા છે. બીજા કસીદામાં ઇબ્ન ફારિદે આધ્યાત્મિક પ્રેમ સંબંધી પોતે પ્રાપ્ત કરેલ જ્ઞાન અને અનુભવનું વર્ણન કર્યું હતું તેથી આ કાવ્ય સૂફીવાદના અભ્યાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેની શૈલી તાર્કિક કરતાં ભાવાત્મક વધુ છે અને તેમાં બૌદ્ધિક વિચારોને બદલે અંતરની લાગણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેમના આ કસીદા – ‘નઝ્મ અલ-સુલૂક’ અથવા ‘અલ-તાઇયતુલ કુબ્રા’ને અરબી ભાષાની શ્રેષ્ઠ પ્રશિષ્ટ કૃતિ ગણવામાં આવે છે. નિકોલ્સને ‘સ્ટડિઝ ઇન ઇસ્લામિક મિસ્ટિસિઝમ’માં ઇબ્ન ફારિદના અરબી કસીદા-કાવ્યનો અનુવાદ તથા સમજૂતી આપ્યાં છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી