આર્યાવર્ત : ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં ઉત્તર ભારત માટે ‘આર્યાવર્ત’ શબ્દનો પ્રયોગ મળે છે. મનુસ્મૃતિમાં આર્યાવર્તની સીમાઓનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં હિમાલય, દક્ષિણમાં વિંધ્યાચલ પર્વત અને પૂર્વ તથા પશ્ચિમમાં સમુદ્રતટ સુધીનો એનો વિસ્તાર છે. આર્યાવર્ત માટે બીજાં પાંચ ભૌગોલિક નામોનો ઉલ્લેખ મળે છે – ઉદીચી (ઉત્તર), પ્રતીચી (પશ્ચિમ), પ્રાચી (પૂર્વ), દક્ષિણ અને મધ્ય. આર્યાવર્તનો મધ્યભાગ હિંદી ભાષા અને સાહિત્યના ઉદગમ તેમજ વિકાસભૂમિમાં રહેલ છે. 12મી સદી સુધીના સાહિત્યમાં આર્યાવર્ત નામનો નિરંતર પ્રયોગ મળે છે ત્યાર પછી તેનો પ્રયોગ ઘટતો જોવામાં આવે છે. વિભિન્ન યુગોમાં આર્ય સંસ્કૃતિનો વિસ્તાર અને વિકાસ થતાંની સાથે આર્યાવર્તની સીમાઓ પણ બદલાતી રહી છે. ધીમે ધીમે આર્યાવર્ત દેશવ્યાપી થતાં ભારત વર્ષ અને આર્યાવર્ત પર્યાયવાચી મનાયા અને ભારતવર્ષ અને ભારત શબ્દ પ્રચલિત થતાં આર્યાવર્તનો પ્રયોગ લુપ્ત થયો.
પ્રવીણચંદ્ર પરીખ