આર્યાસપ્તશતી  (12મી સદી) : 700 જેટલા શ્લોકોમાં આર્યાગીતિ છંદમાં લખાયેલી સંસ્કૃત કૃતિ. રચનાર આચાર્ય ગોવર્ધન (1119-1199). નીલાંબર કે સંકર્ષણના પુત્ર, બલભદ્રના ભાઈ, બંગાળના રાજા લક્ષ્મણસેનના સભાકવિ. ‘આર્યાસપ્તશતી’માં શૃંગારની અનેક અવસ્થાઓ, નાગરિક સ્ત્રીઓની શૃંગારપૂર્ણ ચેષ્ટાઓ, ગ્રામીણ મહિલાઓની સ્વાભાવિક ઉક્તિઓ, સંયોગ તથા વિયોગના સમયે સુંદરીઓના હૃદયમાં પ્રગટતા વિવિધ ભાવોનું મનોહારી નિરૂપણ છે. આ કૃતિ ઉપર ‘હાલ’ કવિરચિત પ્રાકૃત ગાથાસપ્તશતીનો ભારે પ્રભાવ છે. પ્રાકૃતમાં ઉપલબ્ધ થતાં સીધાંસાદાં પ્રેમગીતોને સંસ્કૃતના સ્તરે લાવવાના ઉદ્દેશથી લખાયેલી આ રચના સંસ્કૃત ગીતિસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

ભગવતીપ્રસાદ પંડ્યા