આગમ : સગુણ ઈશ્વરની ઉપાસનાનું નિરૂપણ કરતાં વિશિષ્ટ શાસ્ત્રો. આગમોની રચના ઉપનિષદો પછી થયાનું જણાય છે. આને માટે બે કારણો અપાય છે. પહેલું અહીં સુધી આવતાં વૈદિક આચારો બહુ ક્ષીણ થઈ ગયા હતા, બીજું આ કાળમાં એક વિરાટ જનસમુદાય હિંદુ ધર્મમાં પ્રવેશ પામ્યો હતો, જેમને હિંદુ ધર્મ તેમજ તેની ઉપાસનાપદ્ધતિનું કઠોર આચરણ તેમને માટે શક્ય નહોતું. તેથી તેમને વૈદિક આચારના અધિકારથી વંચિત રખાયા, પરંતુ એમને માટે આગમ નામે નવાં શાસ્ત્રો રચાયાં. ઉપાસના પરત્વે આ શાસ્ત્રોમાં વૈદિક આચારોની કઠોરતા નહોતી તેથી કોઈ પણ વર્ગ, વર્ણ, સ્ત્રી-પુરુષ, શૂદ્ર, અત્યંજ સુધ્ધાં એના પાલનના અધિકારી હતાં. વિષયવસ્તુની દૃષ્ટિએ એમાં સૃષ્ટિ, પ્રલય, દેવાર્ચન, સર્વસાધન, પુરશ્વચરણ, ષટ્કર્મસાધન તેમજ ધ્યાનયોગનું નિરૂપણ થયેલું છે. આગમ પ્રબોધિત ધર્મમાં 1. શિવ, 2. વિષ્ણુ, 3. સૂર્ય, 4. ગણપતિ અને 5. શક્તિ (માતાજી) – એ પાંચ દેવોનાં આયતન કહેતાં રહેઠાણ, સ્થાન કે મૂર્તિ – એની પૂજા કરવામાં આવે છે. દેવ એ જ છે, પરંતુ તે પાંચ રહેઠાણમાં પ્રગટ થઈ પાંચ જુદાં જુદાં નામ પામે છે, તેથી તેમને પંચદેવ ન કહેતાં ‘પંચ આયતન’ કહે છે. આ પાંચ આયતનોમાં કોઈ પણ એકને પરબ્રહ્મ કે પરમાત્મા તરીકે કલ્પીને તેની ભક્તિ અને ઉપાસના કરવામાં આવે છે. આગમોમાં આ ઉપાસના-પદ્ધતિઓ – વિધિઓ વર્ણવવામાં આવી છે. ઉપલબ્ધ આગમોને પાંચ પ્રકારમાં વહેંચવામાં આવે છે : (1) શૈવ આગમો, (2) વૈષ્ણવ (વૈખાનસ કે પાંચરાત્ર) આગમો, (3) સૌર આગમો, (4) ગાણપત્ય આગમો અને (5) શક્તિ આગમો કે તંત્રો. શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને શક્તિના ઉપાસકો પોતપોતાના સંપ્રદાયનાં આગમોને વેદ અને ઉપનિષદ જેટલાં જ પ્રમાણભૂત માને છે. તેમના મત પ્રમાણે જૂનું વેદસાહિત્ય કર્મકાંડ દ્વારા માત્ર સ્વર્ગાદિ ભોગનાં સાધનોનું સ્વરૂપ સમજાવે છે અથવા જ્ઞાનકાંડ દ્વારા માત્ર મોક્ષનું સ્વરૂપ અને એની પ્રાપ્તિનાં સાધનો બતાવે છે, પરંતુ આગમ સાહિત્ય ભોગ અને મોક્ષની એકવાક્યતા કરી ક્રમપૂર્વક વ્યવહાર-સુખ અને મોક્ષરૂપી પરમાર્થ-સુખ આપી શકે છે.
આગમ ગ્રંથો પ્રતિમા વિધાન અને પૂજાપદ્ધતિના નિરૂપણમાં વિશિષ્ટ માહિતી ધરાવે છે. 28 આગમો અને 200થી પણ વિશેષ ઉપ-આગમોમાં આ વિષયમાં સાંગોપાંગ વિવેચન મળે છે. કામિકાગમ, સુપ્રભેદાગમ, વૈખાનસાગમ, કરણાગમ, અંશુમદ્-ભેદાગમ વગેરે આ દૃષ્ટિએ ગણનાપાત્ર છે. મૂર્તિકલાના મહત્વપૂર્ણ સિદ્ધાંતોનું વિવરણ આગમોમાં મળે છે તેમ પુરાણોમાં મળતું નથી. પુરાણો પ્રતિમાઓનાં રૂપવિધાનને પ્રગટ કરે છે. દક્ષિણ ભારતની લગભગ બધી મૂર્તિઓ આગમોમાં પૂરેપૂરી પ્રતિબિંબિત થાય છે. આગમોની જેમ લગભગ 25 જેટલા તંત્રગ્રંથોમાં દેવમૂર્તિઓનાં રૂપવિધાન અને તેમનાં પ્રતીકાત્મક રહસ્યોની વિશદ ચર્ચા મળે છે. આમાં ‘હયશીર્ષ પંચરાત્ર’ નામનો તંત્રગ્રંથ સર્વોત્તમ છે. મહાનિર્વાણતંત્ર, બ્રહ્મયામલ, વિષ્ણુયામલ અને રુદ્રયામલનાં વિધાનોમાં જુદા જુદા સંપ્રદાયોની મૂર્તિઓ અને એને લગતાં તાંત્રિક રહસ્યોનું નિરૂપણ પ્રાપ્ત થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ