આગનો વીમો : આગ લાગવાથી, વીજળી પડવાથી અથવા અગાઉથી માન્ય કરવામાં આવેલ તત્સમ કારણોથી મિલકતોની થતી સંભવિત નુકસાની સામે રક્ષણ તથા નુકસાન ભરપાઈની વ્યવસ્થા. વાસ્તવમાં માનવજાતિ માટે અનેક રીતે ઉપયોગી થઈ પડેલ અગ્નિ જ્યારે કાબૂ બહાર જાય છે અને તેનાથી નુકસાન નોતરે છે ત્યારે તેનાં સંભવિત પરિણામોની ક્ષતિપૂર્તિ થઈ શકે તે હેતુથી આગના વીમાનો કરાર કરવામાં આવે છે. આવા કરાર દ્વારા વીમો ઉતારનાર (insurer) વીમો ઉતરાવનાર(insured)ને આગ, વીજળી કે આવી અન્ય પૂર્વસ્વીકૃત ઘટનાઓથી થતા નુકસાનની ક્ષતિપૂર્તિ કે ભરપાઈ કરી આપવા માટે વચનબદ્ધ થાય છે અને તેની સામે નિર્ધારિત સમયના સંદર્ભમાં વીમો ઉતારનાર વીમો ઉતરાવનાર પાસેથી હપ્તા(premium)ની રકમ આકારે છે. સામાન્ય માનદંડના કરારમાં નુકસાન થયેલ મિલકતની પુન:સ્થાપન કિંમત(replacement cost)માંથી ઘસારાખર્ચ બાદ કરતાં ઊભી થતી રકમ પૂરતી જ ભરપાઈ કરી આપવાની વચનબદ્ધતા હોય છે. ઉત્પાદન, વ્યાપાર, વેચાણ વગેરેમાં ઉપસ્થિત થતા અવરોધોના આનુષંગિક નુકસાન સામે રક્ષણ મેળવવા માટે અલગ કરાર કરી શકાય છે. વીમાના હપ્તા(premium)ના દર જે તે મિલકતનું સ્વરૂપ, આગપ્રતિરોધક (પ્રતિબંધક) ઉપાયોનાં કક્ષા અને સ્વરૂપ જેવી બાબતો પર આધાર રાખે છે.

કેટલીક મિલકતો વીમાપાત્ર ગણાતી નથી. તેમાં ચલણી નોટો, હિસાબી ચોપડા, પત્રકો, દસ્તાવેજો, કીમતી દસ્તાવેજો વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત યુદ્ધ, આક્રમણ, બળવો, ક્રાંતિ, તસ્કરી, બેદરકારી વગેરેને પરિણામે ઉપસ્થિત થતી નુકસાની પણ વીમારક્ષણને પાત્ર ગણાતી નથી. વીમો ઉતરાવનારનું વર્તન જોખમ ઊભું કરે તેવું હોય અથવા જોખમના પ્રમાણમાં કે સ્વરૂપમાં ઉમેરો કરે તેવું સાબિત થાય તો વીમારક્ષણ અંગેની વચનબદ્ધતા સ્થગિત થઈ જાય છે.

આગના વીમાનો વ્યવસાય હવે ઉચ્ચ કક્ષાની સંગઠનશક્તિ ધરાવતી સંયુક્ત મૂડી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. આ વ્યવસાય કરનાર કંપનીઓ આગના વીમા ઉપરાંત જીવનવીમા સિવાયના અન્ય પ્રકારના વીમાનો વ્યવસાય પણ કરે છે. દા.ત., દરિયાઈ વીમો. તેથી આવી કંપનીઓ જનરલ ઇન્શ્યૉરન્સ કંપની તરીકે ઓળખાય છે. ભારતમાં જીવનવીમા તથા જનરલ ઇન્શ્યૉરન્સ આ બંનેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે