અઘોરપંથ : આમ જનસમાજમાં ‘ઔઘડપંથ’ નામે ઓળખાતો આ પંથ ક્યારેક ‘સરભંગ’ કે ‘અવધૂત’ પંથના નામે પણ ઓળખાય છે. આ મતનાં મૂળ અથર્વવેદમાં મનાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં ‘याते ऱुद्र शिवातनूरधोरा पापनाशिनी’ જેવા મંત્રોમાં શિવ પરત્વે અઘોર શબ્દનો પ્રયોગ થયો છે. માર્કોપોલો, પ્લીની, એરિસ્ટોટલ વગેર પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ અઘોરપંથની બાબતના સંકેત કર્યા છે. ઈરાન દેશમાં પણ પ્રાચીન કાળમાં આ પ્રકારના સંપ્રદાયના સાધકો રહેતા હતા. આજે તો આ પંથના સિદ્ધાંતોનો સીધો સંબંધ ગોરખનાથ પંથ તેમજ તંત્રપ્રધાન શૈવમત સાથે વિશેષ જણાય છે.
આ પંથનો પ્રારંભ રાજસ્થાનના અર્બુદ વિસ્તારમાંથી થયાનું મનાય છે. ત્યાંથી એ આખા દેશમાં ફેલાયો. વડોદરામાં અઘોરેશ્વર નામનો મઠ હતો જેમાં અઘોરસ્વામી રહેતા હતા. અઘોરપંથનો સિદ્ધાંત નિર્ગુણ અદ્વૈતવાદને મળતો આવે છે. સાધના પક્ષમાં હઠયોગ તથા ધ્યાન (લય) યોગની પ્રધાનતા છે. એની પ્રક્રિયા તંત્ર સાહિત્ય પર આધારિત છે. ગુરુને પરમ મહાન માનીને તેની પૂજા થાય છે. અનુયાયી મદ્ય, માંસ વગેરેનું સેવન કરે છે. (મુડદાલ) માંસનું ભક્ષણ કરવામાં પણ પરહેજ નથી રખાતો. મળ-મૂત્ર પણ સાધનાનું અંગ સમજીને ગ્રહણ કરવામાં આવે છે. આવા પ્રકારનાં લોકાચાર-બાહ્યનાં આચરણોને અઘોર સાધનાનાં પ્રતીક મનાય છે. તેઓ સ્મશાનક્રિયા દ્વારા અસાધારણ શક્તિની પ્રાપ્તિમાં વિશ્વાસ ધરાવે છે.
કાશીના કિનારામ, ઔઘડપંથના સુપ્રસિદ્ધ આચાર્ય હતા. ચંપારણમાં ભિનકરામ, ભીખનરામ, ટેકમનરામ, સદાનંદ બાબા, બાલખંડી બાબા વગેરે પ્રસિદ્ધ અઘોર સંત થયા છે. કિનારામના ગ્રંથોમાં ‘વિવેકસાર’ મુખ્ય છે. ‘ભિનક દર્શનમાલા’માં પદોનો સંગ્રહ છે જ્યારે ટેકમનરામની ભજન-રત્નમાલામાં પણ ઘણાં પદો સંગૃહીત છે.
અઘોરીઓમાં નિર્વાણી (ત્યાગી) અને ગૃહસ્થ બંને પ્રકાર હોય છે. ક્યાંક ક્યાંક તેઓ સમૂહમાં ઘૂમે છે. માથે ભારે જટા, ગળામાં વિવિધ પથ્થરોની માળાઓ, સ્ફટિકની માળા, કમર પર ઘૂઘરા અને કોઈ કોઈના હાથમાં ત્રિશૂળ જોવા મળે છે. આવી કેશવેશભૂષાથી સામાન્ય જનતા એમનાથી ભય પામે છે.
પ્રવીણચંદ્ર પરીખ