અઘોનીબાઈ (1950) : અસમિયા ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. લેખક બિરંચિકુમાર બરુઆ; ‘બીના બરુઆ’ના તખલ્લુસથી તેમણે સાહિત્યિક રચનાઓ પ્રકાશિત કરી હતી. મુખ્ય વાર્તા ‘અઘોનીબાઈ’ ઉપરથી આ સુપ્રસિદ્ધ વાર્તાસંગ્રહને ઉપર્યુક્ત નામ મળેલું છે. ‘અઘોનીબાઈ’ ગ્રામીણ નારીની વાર્તા છે. એમાં કરુણ, હાસ્ય અને શાંતનું નિરૂપણ છે. પાત્રો દ્વારા માનવની સાહજિક નિર્બળતા ઉપસાવી આપી છે. જાતજાતના અનુભવ મેળવ્યા પછી ગ્રામીણ કન્યા પુન: પોતાની પ્રાકૃતિક અવસ્થામાં સરકી જાય છે. સમગ્ર કથા નગર અને ગ્રામીણ પરિવેશમાં કહેવાઈ છે. તેમાં પીઠ-ઝબકાર (flash-back) શૈલીનો પ્રયોગ થયેલો છે. એમની બીજી વાર્તાઓ પણ ગ્રામજીવનને લગતી છે. એમાં અમુક રેખાચિત્રો છે તો અમુક પ્રસંગચિત્રો. બિરંચિકુમારે અસમિયા વાર્તાનું કાઠું ઘડી આપીને તેને બળૂકી બનાવી એમ કહેવાય છે.

પ્રીતિ બરુઆ