કુકુરમુત્તા : 1942માં પ્રકાશિત સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’ની વ્યંગ્યાત્મક કવિતાઓનો સંગ્રહ. આમાં ‘કુકુરમુત્તા’ ઉપરાંત અન્ય છ કવિતાઓ – ‘ગર્મ પકોડી’, ‘પ્રેમ સંગીત’, ‘રાની ઔર કાની’, ‘ખજોહરા’, ‘માસ્કો ડાયલાગ્જ’ અને ‘સ્ફટિક શિલા’– સંગૃહીત છે. પ્રૌઢરચનાઓ કર્યા બાદ ‘નિરાલા’ના જીવનમાં પરિવર્તન આવતાં તેઓ અવસાદભરી અને વ્યંગ્યાત્મક રચનાઓ કરવા લાગ્યા. ‘કુકુરમુત્તા’ રચના પરત્વે આજ સુધી વિવાદ પ્રવર્તે છે. કેટલાક કહે છે કે એ સામ્યવાદ વિરોધી રચના છે જ્યારે બીજા મતે તે સામ્યવાદનું સમર્થન કરતી રચના હોવાનું પ્રતિપાદિત કરે છે. વસ્તુતઃ એનો મૂળ સૂર (ફૅશન પરસ્ત) સામ્યવાદીઓનો વિરોધ કરવાનો જણાય છે.
‘કુકુરમુત્તા’ સર્વહારાનું પ્રતીક છે, તો ગુલાબ પૂંજીપતિ વર્ગનું પ્રતીક છે. કુકુરમુત્તાની દૃષ્ટિમાં દુનિયાની ગોળાઈ, ડમરૂ, તબલા, તાનપુરા, પિરામિડ, વિક્ટોરિયા મેમોરિયલ, ઇન્ડો-ઇરાનીયન અને ગૉથિક મહેરાબો બધાં મૂડીવાદી સંસ્કૃતિની ચીજો છે. કુકુરમુત્તામાં ચિત્રિત નવાબ કેવળ સાંભળેલી વાતો પરથી જ ફૅશન પરસ્ત સામ્યવાદી બનવા ચાહે છે. સર્વહારા પ્રત્યે એને કોઈ સહાનુભૂતિ હોતી નથી. વસ્તુતઃ સાચી સામ્યવાદી ભાવના ભીતરથી પ્રગટે છે, એ બહારની વસ્તુ નથી. ‘ગર્મ પકોડી’ અને ‘પ્રેમ સંગીત’ રોમાંસ વિરોધી રચનાઓ છે. ‘રાની ઔર કાની’ અને ‘ખજોહરા’ યથાર્થવાદી કવિતાઓ છે. ‘સ્ફટિક શિલા’ ઘણે અંશે અશ્લીલ રચના બની ગઈ છે. આ કાવ્યસંગ્રહમાં હિંદી, ઉર્દૂ તેમજ અંગ્રેજી ભાષાઓની ખીચડી પિરસાઈ છે.
પ્રવીણચંદ્ર પરીખ