કુ ક્લક્સ ક્લાન : અમેરિકામાં ગોરા લોકોનું જ કાયમી વર્ચસ્ રહેવું જોઈએ તેવી આત્યંતિક વિચારસરણીને વરેલા આતંકવાદીઓનું સંગઠન. અમેરિકાના ઇતિહાસમાં બે ભિન્ન ગાળા દરમિયાન આવાં વિશિષ્ટ ગુપ્ત સંગઠનો રચવામાં આવ્યાં હતાં : (1) આંતરવિગ્રહ પછી તરત જ ઊભું કરવામાં આવેલું અને ઓગણીસમી સદીના આઠમા દાયકા સુધી કાર્યરત રહેલું સંગઠન, (2) 1915ના અરસામાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઊભું કરવામાં આવેલું અને વીસમી સદીના સાતમા દાયકા સુધી કાર્યરત રહેલું સંગઠન. ગ્રીક શબ્દ ‘Kyklos’ એટલે જૂથ (circle or klan) પરથી તેણે ‘કુ ક્લક્સ ક્લાન’ નામ ધારણ કર્યું છે. આંતરવિગ્રહ પછી દક્ષિણ અમેરિકાના અશ્વેત નાગરિકોને મતાધિકાર આપવામાં આવતાં આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા તેનો વિરોધ કરવા માટે 1866-72ના ગાળામાં અમેરિકામાં મુખ્યત્વે પ્રગતિશીલ રિપબ્લિકન પક્ષના નેતાઓને ભયભીત કરવાના હેતુથી ઠેરઠેર તેની ગુપ્ત શાખાઓ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ કૅરોલિના, ટૅનેસી તથા જૉર્જિયા રાજ્યોમાં તેમની પ્રવૃત્તિઓ વધારે ફૂલીફાલી હતી. તેના સભ્યો આખા શરીરને ઢાંકતાં કાળા રંગનાં વસ્ત્રો ધારણ કરતા તથા સળગતા ક્રૉસના ચિહ્નવાળો બિલ્લો છાતી પર પહેરતા. 1868-70ના ગાળામાં અશ્વેત લોકો સામેની આતંકવાદી પ્રવૃત્તિઓ પરાકાષ્ઠાએ પહોંચી હતી. રાત્રિ દરમિયાન આતંકવાદીઓ લક્ષ્ય પર ત્રાટકતા. ખૂની હુમલા, હત્યા અને બળાત્કાર એ તેમની મુખ્ય આતંકવાદી પ્રવૃત્તિ હતી. ચૂંટણી-ઝુંબેશ દરમિયાન તેઓ વધુ સક્રિય રહેતા. અમેરિકામાં પ્રગતિશીલ રાજકીય સુધારાની ઝુંબેશની ગુપ્ત રાહે, આતંકવાદ દ્વારા ડામવાની ચળવળમાં તેઓ અગ્રસ્થાને રહ્યા હતા.

નાથાન બેડફૉર્ડ ફૉરેસ્ટની નેતાગીરી હેઠળના પ્રથમ સંગઠનની પ્રવૃત્તિઓ ડામવામાં રિપબ્લિકન પક્ષની સરકાર નિષ્ફળ નીવડી હતી કારણ કે આ સંગઠનની સામે વધુ કડક પગલાં લેવાથી શ્વેત અને અશ્વેત પ્રજા વચ્ચે રંગભેદ-વિગ્રહ ફાટી નીકળશે તેવી દહેશત આ સંગઠને ઊભી કરી હતી. ઉપરાંત, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ધરાવતી સરકારી સંસ્થાઓમાં આ સંગઠને વ્યાપક પગપેસારો કર્યો હતો. છેવટે 1870 અને 1871માં પસાર કરવામાં આવેલા કાયદા દ્વારા ન્યાયાલય સમક્ષ હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરવાનો અધિકાર મોકૂફ રાખવાનો, બળપ્રયોગ દ્વારા ઉપદ્રવોને ડામવાનો તથા આવાં સંગઠનો પર ભારે દંડ લાદવાનો વિશેષાધિકાર પ્રમુખને આપવામાં આવ્યો હતો. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આ કાયદા ગેરબંધારણીય જાહેર કર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં આ સંગઠનની પ્રવૃત્તિઓ ઘટી જતાં તેમની સામેના કાયદાના અમલનો પ્રશ્ન અપ્રસ્તુત બન્યો હતો.

1915માં બીજા સંગઠનનું નેતૃત્વ ડબ્લ્યુ. જે. સાયમને લીધું હતું. 1920 સુધી તેના સભ્યોની સંખ્યા ચાર લાખ સુધી પહોંચી ગઈ હતી. અશ્વેત લોકો ઉપરાંત રોમન કૅથલિકો, યહૂદીઓ, સંગઠિત શ્રમિકો તથા વિદેશીઓ પણ તેનાં નિશાન બન્યા હતા. 1929ની વિશ્વવ્યાપી મહામંદી પછી આ સંગઠન નબળું પડ્યું હતું. 1964ના નાગરિક અધિકારોને લગતા કાયદાનો અમલ સખતાઈથી કરવા માટેની ઝુંબેશ દેશમાં ફેલાતાં તેના વિરોધમાં ફરી આ સંગઠને માથું ઊંચક્યું હતું અને વ્યાપક હિંસા આચરી હતી. પરંતુ અમેરિકાનાં અખબારોએ સંગઠનની પ્રવૃત્તિઓની કડક નિંદા કરી હતી. 1965માં અલાબામા રાજ્યમાં નાગરિક અધિકારોની તરફેણ કરતી એક અગ્રણી મહિલાની આ સંગઠનના સભ્યો દ્વારા હત્યા થતાં પ્રમુખ લિંડન જૉન્સને ટેલિવિઝન-પ્રસારણ દ્વારા સંગઠનની પ્રવૃત્તિઓને કડક શબ્દોમાં તિરસ્કારી કાઢી હતી, તથા તેના ચાર અગ્રણી નેતાઓની ધરપકડની જાહેરાત કરી હતી. ઑક્ટોબર 1965માં સંગઠનના તે વખતના સર્વોચ્ચ નેતા શેલ્ટનને કૉંગ્રેસની અમેરિકાવિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરતી અમેરિક્ધા કૉંગ્રેસની પેટાસમિતિ સમક્ષ જુબાની આપવા બોલાવવામાં આવ્યા હતા. ધીમે ધીમે આ સંગઠન પ્રત્યે પ્રજામાં નફરત વધતાં તે લોપ પામ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે