ઉત્સવ ગીત : લોકગીતોની પરંપરામાં પ્રત્યેક ઉત્સવ માટેનું ગીત નિશ્ચિત અને નિર્ધારિત હોય છે. જુદા જુદા સંસ્કાર પ્રસંગે તેને અનુરૂપ ગીત ગવાય છે. પુત્ર-જન્મ પ્રસંગે ઝોળીપોળી કરતી વખતે ગીત ગવાય છે. ઉત્તર ભારતમાં જન્મની વધાઈનાં ગીતોને ‘સોહર’ કહે છે. વિવાહોત્સવ અર્થાત્ લગ્નોત્સવ પ્રસંગનાં ગીતો વિધિને અનુરૂપ ગવાતાં હોય છે. એમાં કોઈ વાર ‘ઘરમાં નહોતી ખાંડ ત્યારે શીદ તેડીતી જાન, મારા નવલા વેવાઈ’ જેવાં ફટાણાં પણ ગવાય છે. ઉત્તર ભારતમાં લગ્નગીતને ‘જોગ’ કહેવામાં આવે છે. હોળી, જન્માષ્ટમી, નવરાત્રિ, દશેરા, વરસાદના વધામણા માટે આષાઢ મહિનામાં ગવાતાં ગીત વગેરે જાણીતાં છે. સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં પ્રગતિવાદી અને આધુનિક કવિઓએ પણ મનભાવન ગીતો લખ્યાં છે, જેમાં જવાનો અને શહીદોની બિરદાવલી તેમજ જનઆંદોલનની સફળતાનું મહત્વ અંકિત કરવાનો ખાસ પ્રયત્ન જોવામાં આવે છે. દા. ત., ‘અય મેરે વતન કે લોગો, જરા આંખોમેં ભર લો પાની’ એનું માર્મિક દૃષ્ટાંત છે. નવા ઉત્સવો પ્રયોજાતા નવાં ઉત્સવ-ગીતોની પણ રચના થયા કરે છે.
પ્રવીણચંદ્ર પરીખ