ઓડિસાની શિલ્પકલા
January, 2024
ઓડિસાની શિલ્પકલા : કલિંગ(ઓડિસા)માં શુંગકાલ (ઈ. સ. પૂર્વે 2જીથી ઈ. સ. પહેલી સદી) દરમિયાન આમ જનસમાજને સ્પર્શતી શિલ્પકલાનો વિકાસ થયેલો જોવામાં આવે છે. આ કાલનાં શિલ્પોમાં નાજુક સપ્રમાણતા અને વૈવિધ્ય વધતું નજરે પડે છે. વાસ્તવમાં ભારતીય પ્રશિષ્ટ શિલ્પકલાનો સમય અહીંથી શરૂ થાય છે. અંશમૂર્ત સ્વરૂપનાં આ શિલ્પોમાં કોઈ એક સમ્માનનીય વિશિષ્ટ વ્યક્તિ કે દેવતાને કેન્દ્રમાં રાખીને તેમને લગતા જીવનપ્રસંગો આલેખાયા છે. વળી એક જ વ્યક્તિનું આલેખન વારંવાર કરીને પ્રસંગ પરંપરાનું સાતત્ય નિરૂપવામાં આવ્યું છે. પ્રસંગના નિરૂપણમાં આગળ પડતી વ્યક્તિને મધ્યમાં રાખીને બીજી વ્યક્તિઓ કરતાં મોટા કદમાં અને ગૌણ વ્યક્તિઓને નાના કદમાં ઉપર-નીચે, આગળ-પાછળ કંડારી ત્રિપરિમાણનો પ્રશ્ન હલ કર્યો છે.
ઉત્તરકાલમાં જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ત્રણેય ધર્મોમાં મૂર્તિપૂજાનો વ્યાપક પ્રચાર થતાં ધર્માચાર્યોની પ્રેરણા અનુસાર કલાસિદ્ધોએ પ્રચલિત લોકકલાને આધારે ધર્માનુકૂલ દેવમૂર્તિઓ કંડારી અને ધાર્મિક સ્થાપત્યોમાં પ્રચલિત પ્રતીકો ઉપરાંત લોકજીવનના આનંદ ઉલ્લાસનાં અભિનવ દૃશ્યો પણ પ્રયોજાતાં ગયાં. આથી તત્કાલીન શિલ્પકલામાં ધાર્મિક અને સાંસારિક જીવનનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.
અહીંની ઉદયગિરિ અને ખંડગિરિની 35 પૈકી 17 ગુફાઓમાં શિલ્પો દૃષ્ટિગોચર થાય છે. એમાં ચેદિવંશના રાજા ખારવેલનો શિલાલેખ ધરાવતી હાથીગુફા કે ગણેશગુફાના એક દૃશ્યમાં કિરાત વેશધારી રાજાના હાથમાં અંકુશ છે ને તેની પાછળ પડેલા કિરાતો તરફ એ તીર ફેંકી રહ્યો છે. રાજાની સાથેનો પરિચારક કોથળીમાંથી જમીન પર નાણું વેરી રહ્યો છે, જેથી નાણાંના લોભે કિરાતો રાજાનો પીછો છોડે, ખારવેલની પટરાણીનો શિલાલેખ ધરાવતી મંચીપુરી નામની ગુફાની મધ્યમાં કંડારેલ શિલ્પમાં રાજા ખારવેલે મગધથી પુનઃ પ્રાપ્ત કરેલી જિનમૂર્તિની પુનઃપ્રતિષ્ઠાનો પ્રસંગ નિરૂપાયો છે. એમાં કલિંગજિનની મૂર્તિ મધ્યમાં છે અને આજુબાજુ ખારવેલ, પટરાણી, રાજપુત્રીઓ અને રાજપુરુષો ઊભેલાં છે. મથાળે ઉડ્ડયન કરતા વિદ્યાધરની આકૃતિ છે. અહીંની રાણીગુફામાં અલંકૃત શિલ્પપટ્ટિકાઓનું મનોરમ આલેખન છે. તેમાં ઉદયન-વાસવદત્તાની કથા તેમજ દુષ્યંત-શકુંતલાની કથાના પ્રસંગો આલેખ્યા છે. એક અન્ય દૃશ્યમાં સ્ત્રીવૃંદમાંનો રાજા હાથના ટોળામાંના એક હાથી સાથે યુદ્ધ કરતો જણાય છે. એક સ્થળે ખારવેલની રાણી પરિચારિકાઓ સાથે બેસીને નૃત્ય નિહાળી રહી છે. અહીં ફળોનો આસ્વાદ માણતાં કપિયુગલો અને વિજેતા રાજાના માનમાં યોજાયેલા સમારંભનાં દૃશ્યો મનોહર છે. અનંતગુફામાં આદિનાથ મંદિરમાં કંડારેલું ગજલક્ષ્મીનું શિલ્પ પણ અનુપમ છે.
8મી 9મી સદીમાં કલિંગ દેશમાં પૂર્વી-ગંગકલાનો ઉદય થયો અને ટૂંક સમયમાં એ પૂર્વ ભારતની ઉત્તમ કલાશૈલી તરીકે ખ્યાતિ પામી. તેનો સર્વોત્તમ વિકાસ 10મીથી 13મી સદીઓ દરમિયાન ભુવનેશ્વર, કોણારક વગેરે સ્થાનોનાં મંદિરોમાં જોવા મળે છે. આ કલાશૈલીના પ્રારંભિક સુંદર નમૂના ભુવનેશ્વરના પરશુરામેશ્વર મંદિર(ઈ. સ. 750)ની દીવાલો પરની સંગીતકારોની હરોળમાં જોવા મળે છે. ભુવનેશ્વરના મુક્તેશ્વર મંદિર-
(ઈ. સ. 950)નાં લઘુ કદનાં અંશમૂર્ત શિલ્પોમાં વાનરોને લગતી એક કથા; દ્વારની અંદર ઊભી રહી પોતાના સ્વામીના આગમનની આતુરતાપૂર્વક વાટ જોતી અને ગૃહશુક(પોપટ) સાથે ગેલ કરતી નાયિકા વાસક સજ્જિકા; ગંધ, માલ્ય, ધૂપ, શંખ, મુકુટ વગેરેના ઉપહારો ધરાવતી વિવિધ અંગભંગીઓવાળી નાગણીઓ તેમજ અનેકવિધ અંગભંગીઓ અને મુદ્રાઓવાળી દેવાંગનાઓને મૂર્ત કરવામાં કલાકારે અદભુત કૌશલ દાખવ્યું છે. કટક જિલ્લામાં નલતગિરિ અને લલિતગિરિમાંથી એક શિલામાંથી કંડારેલાં બૌદ્ધ શિલ્પો મળ્યાં છે એ પણ આ તબક્કાનાં છે.
ભુવનેશ્વરનાં લિંગરાજ (ઈ. સ. 1000) અને રાજારાણી (ઈ. સ. 1150) મંદિરો અને કોનારકનું સૂર્યમંદિર(ઈ. સ. 1235–1265 દરમિયાન)માં દેવપ્રતિમાઓના રૂપાંકનમાં હૃષ્ટપુષ્ટ અંગવિન્યાસની સાથોસાથ ઓજસ્વિતા અને ગતિશીલતાની અસર વરતાય છે. મંદિરો પર બનેલી નાગકન્યાઓ, વિવિધ નૃત્યભંગીઓ દર્શાવતી નૃત્યાંગનાઓ અને નાયિગાભેદની મૂર્તિઓ, માતૃ-વાત્સલ્ય પ્રગટ કરતી મૂર્તિઓ તેમજ કામસૂત્રમાં નિરૂપાયેલાં અનેક આસનોનાં ઉદાહરણો પૂરાં પાડતી મિથુનમૂર્તિઓ લાલિત્યપૂર્ણ છે. લિંગરાજ મંદિરની બાહ્ય દીવાલો પર ઉપરોક્ત બધાં દિવ્ય અને સાંસારિક શિલ્પોનું કલાત્મક અંકન થયેલું નજરે પડે છે. એમાં ગણેશ, દેવી, મિથુનરત યુગલો અને નૃત્યમુદ્રાવાળાં સુંદરીઓનાં શિલ્પો વિગતે કંડારાયાં છે. એક મનોહર શિલ્પમાં શણગાર સજીને પિયુમિલન માટે થનગની રહેલી નવયૌવના, પ્રિયતમને આવવામાં થયેલા વિલંબથી વ્યાકુળ બનીને વારંવાર તેની દાસીને પ્રશ્નો પૂછતી જોવા મળે છે. રાજારાણી મંદિરનાં પાશધારી વરુણ ઉપરાંત અગ્નિ, યમ, નિર્ઋતિ અને અન્ય દિકપાલો તથા દેવાંગનાઓ અને નાગસુંદરીઓનાં શિલ્પો ખાસ ધ્યાન ખેંચે છે.
13મી સદીનું કોણારક મંદિર સંભવતઃ પૂર્વી ગંગ શિલ્પકલાની પરાકાષ્ટરૂપ છે. કલિંગની આ કાળની શિલ્પકલા કોનારકના પાષાણમંદિરના જગમોહન નામના મંડપને સજાવતાં વિશાળ કદનાં અને લઘુ કદનાં શિલ્પોમાં જેવી રજૂઆત પામી છે તેવી અન્યત્ર દુર્લભ છે. અહીં એક તસુ પણ જગ્યા એવી નથી જે શિલ્પમંડિત ન હોય અને વિષયવૈવિધ્ય તો એટલું બધું છે કે શિલ્પીની કોઠાસૂઝ, કલ્પાનાસમૃદ્ધિ તેમજ ચતુરાઈ પર કોઈ પણ વ્યક્તિ વિસ્મય પામ્યા વગર રહી શકે નહિ. એ મંદિરના નિર્માતા રાજા નરસિંહની ધર્મ, અર્થ અને કામની વિવિધ અંગવિન્યાસો દર્શાવતી શિલ્પ હરોળો પણ ત્યાં છે. અહીંનાં બધાં શિલ્પો ખરબચડા પોતના બદામી રંગના ખોન્ડાલી પથ્થરમાંથી બનેલાં છે. વચ્ચે વચ્ચે નરમ અને લીલાશ પડતા ક્લોરાઇડની હરોળો કરી છે, તે કોમળ કારીગરી દર્શાવે છે. વ્યક્તિદૃશ્યની હરોળો પૈકી એક રાજા નરસિંહને એક મહાન બાણાવળી બતાવે છે, તો બીજી હરોળ તેને શિવ, જગન્નાથ અને દુર્ગા સમક્ષ વિનમ્ર ભાવે રજૂ કરીને તેની ધર્મસહિષ્ણુતા દર્શાવી છે. એક અન્ય શિલ્પહરોળમાં એક કવિ સંમેલનમાં એની પાસે રજૂ કરાયેલ સાહિત્યનું રસદર્શન કરનાર વિદ્વાન રાજા તરીકે તેને દર્શાવ્યો છે. એક બીજી હરોળમાં તે રાણીવાસમાં ઝૂલા પર ગુલતાન કરતો રાજવી બતાવ્યો છે. આ બધાં શિલ્પો ઓરિસાના મંદિરસ્થાપત્યનાં નિષ્કર્ષરૂપ છે.
પ્રવીણચંદ્ર પરીખ