ઑડિસી : ઓડિસિયસના સાગરપ્રવાસના અદભુત પ્રસંગોથી ભરેલી રોમાંચક જીવનગાથાનું ગ્રીક મહાકાવ્ય. મહાકવિ હોમરે (ઈ. પૂ. આઠમી સદી) પોતાના જીવનકાળ દરમિયાન બે આદિ મહાકાવ્યો (primitive epics) રચ્યાં, જે પરથી વર્જિલ-દાંતે આદિ સર્જકોએ રચેલાં સાહિત્યિક મહાકાવ્યોની (literary epics) વસ્તુગત તેમજ સ્વરૂપગત લાક્ષણિકતાએ સંપૂર્ણત: બંધાઈ. પ્રાચીન છંદ હેગ્ઝામીટરમાં લખાયેલું તેમજ 24 સર્ગો અને 12,110 પંક્તિઓમાં રચાયેલું મહાકાવ્ય ‘ઓડિસી’ સ્વયંપર્યાપ્ત અને સ્વતંત્ર સર્જન છે. તેમાં ‘ઇલિયડ’નો કથાતંતુ આગળ ચાલતો નથી; જોકે હોમરે નેસ્ટર આદિ પાત્રો દ્વારા ટ્રોયના પતન વિશેની તેમજ ગ્રીક યોદ્ધાઓના સ્વદેશગમન અંગેની હકીકતો ‘ઓડિસી’ના કથાવસ્તુમાં વણી લીધી છે ખરી. પ્રથમ પાંચ ભાગમાં લાકડામાં કંડારાયેલા એક અતિભવ્ય અશ્વ (ટ્રૉજન હૉર્સ) દ્વારા ટ્રૉયને જીતી લેવાતું બતાવાયું છે. ભાગ 6થી 23માં ટ્રૉય અને ઇથાકા વચ્ચે મહાન વીર ઓડિસિયસના ભ્રમણનું વર્ણન છે. છેલ્લા ભાગમાં તે પોતાના રાજ્યમાં રાણી પેનિલોપને પામે છે અને ઇથાકાનું રાજ્ય પાછું મેળવે છે.

વાચ્યાર્થની ર્દષ્ટિએ જોતાં ‘ઓડિસી’ એક મહાન સાહસકથા છે. પણ કાવ્યમાં વણાયેલા રૂપકને સમજતાં ‘ઓડિસી’ માત્ર સાહસકથા નહિ પણ મનુષ્યના નવજન્મની-પુનર્જન્મની કથા તરીકે એક વિશેષ પરિમાણવાળી સંકુલ ભૂમિકા ઉપર વિકસી રહી છે. ટ્રૉયનો વિનાશ કરી ગ્રીક યોદ્ધાઓ સ્વદેશ પાછા ફરી ગયા છે, પણ વર્ષો વીત્યાં છતાં સમુદ્રમાં અટવાઈ ગયેલા ઇથાકાના રાજવી ઓડિસિયસ તેમજ તેની સાથેના યોદ્ધાઓના કોઈ વાવડ નથી. ઓડિસિયસે પોસાઇડોનના પુત્ર પોલિફીમસની આંખ ફોડી નાંખી ગુમાનભર્યા શબ્દો ઉચ્ચારી સાગરદેવ પોસાઇડનનો કોપ વહોરી લીધેલો. આથી સાગરપ્રદેશ અને જંગલ-પહાડ આદિ અનેક સ્થળોએ અનેક વિટંબણાઓ ભોગવતા આ શાપગ્રસ્ત ગ્રીક સાહસવીરને રઝળવું પડેલું. અનેક પરાક્રમો કરતો ઓડિસિયસ છેવટના તબક્કામાં આજિજિયાની પરી કેલિપ્સોના જાદુઈ ટાપુમાં આવી ચડે છે, જ્યાં આ વીર યોદ્ધા પ્રત્યે આકર્ષાયેલી કેલિપ્સો તેને અમરતા બક્ષવાનું વચન આપે છે – શરત એ કે ઓડિસિયસે કેલિપ્સો સાથે લગ્ન કરવાં. અંતે કેલિપ્સો ઓડિસિયસના જન્મભૂમિ પ્રત્યેના પ્રેમથી પ્રસન્ન થઈને તેને મુક્ત કરે છે. ઝ્યૂસની કૃપા ઓડિસિયસ પર ઊતરતાં તે ઇથાકા પાછો ફરે છે અને પત્ની પિનેલપીના સૌંદર્યથી આકર્ષાઈને આવેલા ગ્રીક યોદ્ધાઓને પડકારી તેમને પરાસ્ત કરીને પિનેલપી અને પુત્ર ટૅલિમૅક્સને આતતાયીઓથી મુક્ત કરે છે. ઓડિસિયસ પત્ની પિનેલપીને ઑલિવ વૃક્ષના થડમાં રચેલા ગુપ્ત શયનગૃહમાં લઈ જાય છે ત્યારે આ ઓડિસિયસ જ છે તેવી પ્રતીતિ થતાં પિનેલપી પતિના હાથમાં ભાંગી પડે છે. ઓડિસિયસ ઇથાકામાં પુન: શાંતિ અને વ્યવસ્થાની સ્થાપના કરીને નવીન યાત્રાએ ઊપડે છે. આ યાત્રા સંસ્કૃતિના નવનિર્માણની યાત્રા છે.

નલિન રાવળ