ઊલટી-ગંગા : યોગ સાધનાની એક પ્રક્રિયા. હઠયોગમાં ઇડા નાડીને ગંગા અને પિંગળા નાડીને યમુના કહી છે. ગંગાને ઉલટાવીને યમુનામાં મેળવવી એને ઊલટી-ગંગા કહેવામાં આવી છે. સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી એ ઊલટી-ગંગાનું તાત્પર્ય છે. સાધારણ રીતે જગતમાં યમુના ગંગાને મળે છે, પરંતુ સંતોનું કહેવું છે કે જેઓ ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવે છે તેઓ (મોહ)જલ વગરના ત્રિવેણી-સંગમમાં સ્નાન કરે છે. કબીર કહે છે – ‘ઊલટી-ગંગા જમુના મિલાવઉ, બિનુ જલ સંગમ મન મહિં ન્હાવઉ.’ રૈદાસ પણ કહે છે કે ‘ઊલટી-ગંગા જમુના મૈં લાવૌં, બિન હી જલ મજ્જન હૌં પાવૌં.’ યોગીઓ અને સંતોની સાધનાના મૂળમાં જે નીચે છે, જે અધોમુખ છે, તેને ઊર્ધ્વમુખ કરીને ઉપર લઈ જવાનું પ્રયોજન હોય છે. સામાન્યપણે ઇડા-પિંગળાથી શ્વાસધારા બહારની તરફ પ્રવાહિત થતી હોય છે. યોગમાં પ્રાણાયમ દ્વારા બહાર તરફ વહેતી શ્વાસધારાને ઉલટાવીને બ્રહ્માંડમાં ચડાવવામાં આવે છે, જેનાથી સમાધિ લાગે છે. સમાધિની અવસ્થામાં શ્વાસ ઇડા અને પિંગળામાં પ્રવાહિત ન થતાં તેમની મધ્યમાં આવેલી સુષુમણા નાડીમાં પ્રવાહિત થાય છે. આ અવસ્થામાં ઇડા-પિંગળા અને સુષુમણા એકાકાર થઈ જાય છે, જેને ‘અવધૂતી સ્થિતિ’ કહેવામાં આવે છે. ઇડા, પિંગળા અને સુષુમણા (અર્થાત્ ગંગા, યમુના અને સરસ્વતી)નું એકીકરણ થઈ જાય છે જેને ત્રિવેણીસંગમ કહેલ છે અને આ જળરહિત ત્રિવેણીમાં સ્નાન કરવાની વાત કબીર, રૈદાસ વગેરે સંતોએ કરી છે.
પ્રવીણચંદ્ર પરીખ