ઊર્મિલા (પંદરમી સદી)

January, 2004

ઊર્મિલા (પંદરમી સદી) : મધ્યકાલીન ઊડિયા કાવ્ય. પંદરમી સદીના ભક્તકવિ લક્ષણ મહાંતિનું આ કાવ્ય એટલા માટે જુદું તરી આવે છે કે મધ્યકાલીન ભારતીય કવિતામાં રામાયણમાંથી કથાનક લઈને અનેક કાવ્યો રચાયાં છે, પણ એ કાવ્યોમાં લક્ષ્મણની પત્ની ઊર્મિલાને નાયિકાપદે સ્થાપીને એને જ કેન્દ્રમાં રાખી રચેલું કાવ્ય અન્ય કોઈ ભારતીય ભાષાના મધ્યકાલીન સાહિત્યમાં ભાગ્યે જ મળશે. એમાં ‘ઊર્મિલા’નો ત્યાગ, એની કરુણતા, એની ઉપેક્ષા એ બધાંનું હૃદયંગમ નિરૂપણ થયેલું છે. ઊર્મિલા ફક્ત પોતાના ભાગ્યનો જ દોષ માને છે. લક્ષ્મણનો તો નહિ, પણ કૈકેયીનો પણ દોષ કાઢતી નથી. ઊર્મિલાના પાત્ર વિષે અનહદ આદર ઉત્પન્ન થાય તેવું એનું ચિત્રણ થયું છે.

વર્ષા દાસ