ઊશી બહાઉદ્દીન મહંમદ

January, 2004

ઊશી બહાઉદ્દીન મહંમદ (તેરમી સદી) : ફારસી સૂફી કવિ અને કથાકાર. તેમનો જન્મ ઊશમાં થયો હતો, જે માવરાઉન્નહરમાં આવેલું છે. ઊશ ઉપરથી તેમને ‘ઊશી’ કહેવામાં આવે છે. પ્રખ્યાત સૂફી સંત બખત્યાર કાકી ઊશના રહેવાસી હતા.

બહાઉદ્દીન ઉચ્ચ કોટિના ધાર્મિક કથાકાર પણ હતા. શુષ્ક વિષયની કથાને તે એવી રમૂજી રીતે લોકોની આગળ રજૂ કરતા કે લોકો તે સાંભળીને મુગ્ધ થઈ જતા. તેમના સમકાલીન કવિઓમાં જમાલુદ્દીન દક્કની, ખ્વાજા અબૂનસૈર નાસિરી, રૂહાની સમરકંદી, તાજુદ્દીન રેઝા, ફખ્રુદીન અમીદ સુન્નામી વગેરે થઈ ગયા છે. તેમનાં પદ્ય કરતાં ગદ્ય વધારે પ્રભાવક હતું. તે પોતાની જાતને ઊશ ગામનું મૂલ્યવાન મોતી ગણાવતા હતા.

કુત્બુદ્દીન ઐબક અને અલ્તમશના રાજ્યશાસન દરમિયાન બહાઉદ્દીન ઊશી ભારત આવ્યા હતા. પોતાના વતન ઊશ પાછા ફર્યા ત્યારે તેમની ‘ઊશના શેખુલ ઇસ્લામ’ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બહાઉદ્દીન ઊશીની ટૂંકી જીવનકથા મોહંમદ ઓફીના ‘લુબાબુલ અલબાબ’ અને ખય્યામપુરના પુસ્તક ‘ફરહંગે સુખનવરાન’માં ઉપલબ્ધ છે.

બાવાસાહેબ તિરમીઝી