ફખ્રે ગુજરાત ઉર્ફે સૈયદ ફખ્રુદ્દીન કાદરી

February, 1999

ફખ્રે ગુજરાત ઉર્ફે સૈયદ ફખ્રુદ્દીન કાદરી (જ. 1893, અમદાવાદ; અ. 1969) : ગુજરાતના ઉર્દૂ કવિ. તેઓ હસની – હુસેની સૈયદ હતા, અને તેમનું કુટુંબ શિક્ષિત અને વિદ્યાપ્રેમી હતું.

પ્રાથમિક શિક્ષણ મુનશી અલાઉદ્દીન અને હાફિજ ગુલામહુસેન પાસેથી મેળવ્યું હતું. ફારસી, અરબી ભાષા-સાહિત્ય ઉપરાંત તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જેવા વિષયો મૌલવી અબ્દુર્રહીમ અને મૌલવી ઝિયાઉલ્લાહ પાસેથી શીખ્યા હતા. ફખ્રસાહેબે અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાંથી ‘સીનિયર ટ્રેઇન્ડ ટીચર’ની પરીક્ષા પણ પાસ કરી અને અમદાવાદની મ્યુનિસિપલ ઉર્દૂ હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક તરીકે નિમાયા. તેમણે મ્યુનિસિપલ સ્કૂલ બૉર્ડમાં ઉર્દૂના નિરીક્ષક તરીકે પણ નોંધપાત્ર સેવા આપી હતી.

તેઓ ઉચ્ચ કોટિના કવિ હતા. ઉર્દૂ અને ફારસી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા. છંદશાસ્ત્રના વિદ્વાન હતા. ગુજરાતના જાણીતા કવિ સુહેલ સુરતી પાસેથી તેઓ માર્ગદર્શન મેળવતા રહ્યા, તેથી સુહેલસાહેબ તેમના કવિ-ગુરુ હતા; પરંતુ જે ખ્યાતિ, મરતબો અને લોકપ્રિયતા ફખ્રસાહેબને મળ્યાં તેવાં બહુ ઓછા કવિઓને મળ્યાં હશે. ગુજરાતના કેટલાક અગ્રણી કવિઓએ સર્વાનુમતે ફખ્રસાહેબને સુહેલ સુરતીના અનુગામી તરીકે સ્વીકારીને ‘ફખ્રે ગુજરાત’નો ખિતાબ અર્પણ કર્યો હતો. ત્યારથી ફખ્રસાહેબ ગુજરાતમાં ‘ફખ્રે ગુજરાત’ના નામે જાણીતા થયા. તેમની કવિતાની મજલ ખૂબ લાંબી છે. ગઝલ ઉપરાંત અન્ય અનેક કાવ્યો તેમણે રચ્યાં છે. ભાષામાં શબ્દાલંકારની સાથે કર્ણપ્રિય ઉર્દૂ-ફારસીનાં સમાસો અને રૂપકો તેમની ગઝલનાં શાન અને આકર્ષણમાં ઉમેરો કરે છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા