ફખ્રે મુદબ્બિર

February, 1999

ફખ્રે મુદબ્બિર : દિલ્હી સલતનત યુગના ખ્યાતનામ વિદ્વાન. તેમનું નામ મુહમ્મદ બિન મનસૂર બિન સઈદ બિન અબી ફરાહ હતું. તેમનું બિરુદ મુબારકશાહ હતું, પરંતુ તે ફખ્રે મુદબ્બિરથી વધુ જાણીતા છે. તેમના પિતા મૌલાના અબુલ હસન મનસૂર ગઝનીના પ્રખ્યાત વિદ્વાન હતા. ગઝની અને લાહોરના મોટાભાગના વિદ્વાનો એમના શિષ્ય હતા. પિતાશ્રીની વંશાવલી છેક ઇસ્લામ ધર્મના પહેલા ખલીફા હજરત અબુબક્ર સુધી પહોંચે છે અને માતુશ્રીની વંશાવલી ગઝનીના સુલતાન અમીર બિયાતગીન સુધી પહોંચે છે. તેમના પિતામહ (દાદા) અબુલ ફરાહ સુલતાન ઇબ્રાહીમ ગઝનવીના દરબારમાં પ્રતિષ્ઠિત હોદ્દા પર હતા અને જુદા જુદા સમયે 21 જેટલા હોદ્દાઓ પર રહ્યા હતા. તેમનું મોટાભાગનું જીવન લાહોર અને મુલતાનમાં પસાર થયું હતું, જેથી એમ લાગે છે કે તેઓ હિન્દુસ્તાનમાં જન્મ્યા હશે. તેમની બે કૃતિઓ ખ્યાતિ ધરાવે છે : (1) આદાબુલ મલૂક વ કાફિયતુલ મલૂક’, જે ‘આદાબુલ હરબ વ શુજાઅતા’ નામથી વધુ જાણીતી છે. દિલ્હીના સુલતાન શમ્સુદ્દીન અલતુતમશની શહાના સખાવતથી આકર્ષાઈ આ યુગના મહાન વિદ્વાન મુબારકશાહ ફખ્રે ‘મુદબ્બિર આદાબુલ હરબ વ શુજાઅતા’ ગ્રંથ લખી સુલતાન અલતુતમશને અર્પણ કર્યો. આ ગ્રંથનું નામ સૂચવે છે તેમ તે યુદ્ધના નીતિનિયમો પર આધારિત ગ્રંથ છે. તેમાં સુલતાનો અને પ્રધાનોની ફરજોથી માંડી ઘોડાઓની ઓળખ, તેમની બીમારી અને નિદાન, દરેક પ્રકારનાં હથિયાર, લશ્કરની વિશેષતા, લશ્કરના સૈનિકોની સંખ્યા, લશ્કરની કૂચ, ફોજી છાવણીના નીતિનિયમો, યુદ્ધના મેદાનના કાયદાકાનૂન, લશ્કરના સૈનિકોની હરોળબંદી કે વ્યવસ્થા, સામા પક્ષ સાથે યુદ્ધ, યુદ્ધમાં લશ્કરની કિલ્લેબંદીના કાયદાઓ, વિજેતાઓની સભ્યતા, જજિયા ખંડણી, સૈનિકોની ભૂલો અને સજાઓ તેમજ તેમના અધિકારો, ફોજી કવાયત વગેરે વિષયોનું વર્ણન છે. તેમની વર્ણનશૈલી આકર્ષક છે. આ આકર્ષણ ઐતિહાસિક બનાવો અને કથાઓને લીધે વધી ગયું છે. હિન્દુસ્તાનમાં લખાયેલ ફારસી ભાષાના ગ્રંથોમાં આ પ્રકારના ગ્રંથ જવલ્લે જ જોવા મળે છે.

(2) ‘બહરુલ અન્સાબ’ : આ બીજી કૃતિ સુલતાન કુત્બુદ્દીન ઐબકને અર્પણ કરવામાં આવી છે. આમાં આખરી પૈગમ્બર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના યુગથી માંડી લેખકના સમય સુધીની 126 વંશાવલીઓ છે. તેના આરંભિક ભાગમાં કુતબુદ્દીન ઐબકના પ્રારંભિક જીવનકાલનો અહેવાલ છે અને પછી હિ. સ. 587ની  સાલમાં તેનો કોહરામ અને સમાનાના જમીનદાર થવા અને હિ. સ. 602માં સિંહાસનગ્રહણ કર્યા પછીની કેટલીક ઘટનાઓ દર્શાવી છે. આ પ્રારંભિક ભાગને સર ડૅનિસન રૉસે ‘તારીખે ફખ્રુદ્દીન મુબારક શાહ મરોરોઝી’ના નામે 1927માં લંડનથી પ્રકાશિત કર્યો છે. ડૅનિસન રૉસે ભૂલમાં તેના લેખકનું નામ ફખ્રુદ્દીન મુહમ્મદ ઇબ્ને મનસૂર અલ મરોરોઝી અલ સિદ્દીકી મુબારક શાહ લખ્યું છે. જોકે આનો અસલ લેખક પ્રખ્યાત ફખ્રે મુદબ્બિર છે. ફખ્રુદ્દીન મુબારકશાહ મરોરોઝી ઘોરી વંશના સુલતાન ગ્યાસુદ્દીન ઘોરીનો દરબારી કવિ હતો, જેનું અવસાન હિ. સ. 602માં થયું હતું. એણે ઘોરી વંશની વંશાવલીને કવિતાનું સ્વરૂપ આપ્યું હતું. તેનું શીર્ષક ‘નિસબતનામા’ રાખ્યું હતું. કદાચ આ જ ‘નિસબતનામા’ના કારણે ભૂલમાં ‘બહરુલ અન્સાબ’ના લેખક ફખ્રુદ્દીન મુબારકશાહ મરોરોઝી હોવાનું સર ડૅનિસન રૉસ સમજી બેઠા જણાય છે; જોકે તે સત્ય નથી.

ડૅનિસન રૉસે પ્રકાશિત કરેલ ‘તારીખે ફખ્રુદ્દીન મુબારકશાહ મરોરોઝી’ માત્ર 84 પાનાં પર આધારિત છે. તેના આરંભમાં 7 ભૂમિખંડોનું વર્ણન છે. પછી 7 સમુદ્રોનું સામાન્ય વર્ણન છે. ત્યારપછી વિદ્વાનો, સુલતાનો અને રાજ્યના રાજ્યકર્તાઓ વગેરેની મહત્તા દર્શાવવામાં આવી છે. પાના 21થી સુલતાન કુત્બુદ્દીન ઐબકનું વર્ણન શરૂ થાય છે અને એના સિંહાસન-ગ્રહણ પછીના કેટલાક બનાવો આપ્યા છે; પણ આ બનાવો સવિસ્તર નથી. કુત્બુદ્દીનની સખાવત, ન્યાય, પ્રામાણિકતા, ધાર્મિક કાયદાઓનું પાલન, વીરતા, મર્દાનગી, વિદ્યાપ્રેમ જેવા ગુણો પર સામાન્ય ચર્ચા કરવામાં આવી છે. તેમાં સંબંધ વગરની વાતો વધારે આવી ગઈ છે. કુત્બુદ્દીનને લેખકે ઇસ્લામના પ્રારંભિક ખલીફાઓને અનુસરતા બતાવ્યા છે; પરંતુ આ બાબતમાં કુત્બુદ્દીનની ખૂબીઓનો ખુલાસો કરવા જતાં ઇસ્લામના 4 ખલીફાની વિશેષતાઓ અને ગુણો ઉપર વધારે પ્રમાણમાં લખાઈ ગયું છે. પુસ્તકના પાના નં. 62થી માંડી પાના નં. 84 સુધી બહરુલ અન્સાબની પ્રસ્તાવના છે. આ પાનાં અને સંબંધ વગરની બાબતોને બાદ કરતાં કુત્બુદ્દીન વિશે માત્ર થોડાં જ પાનાં કામનાં નીકળી શકે એમ છે; તેમ છતાં તે તત્કાલીન ઐતિહાસિક સંદર્ભ માટેનું  એક મહત્વનું ઉપયોગી સાધન છે. તેમની શૈલી પરથી તેઓ ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા એક વિદ્વાન લેખક જણાય છે.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ