ફખ્રી બરૂસ્વી (અ. 1618) : નક્શ/તરાશી(silhouette cutting)ના નામે ઓળખાતી એક પ્રકારની ચિત્રકલાનો વિશ્વવિખ્યાત તુર્કી કલાકાર. સફેદ કાગળમાંથી કાપીને બનાવેલી વિવિધ પ્રકારની કલાત્મક આકૃતિઓ, કાળા રંગની ભૂમિકા ઉપર ચોંટાડીને સુંદર અને આકર્ષક ચિત્રો તૈયાર કરવાની આ કળા મૂળ ઈરાનમાં વિકાસ પામી હતી. સત્તરમા સૈકામાં તે ઈરાનમાંથી તુર્કીમાં અને ત્યાંથી યુરોપમાં પ્રસાર પામી હતી.

કલાકાર ફખ્રી તુર્કીના બરૂસાનો રહેવાસી હતો. તેણે તુર્કીના ખલીફા મુરાદ માટે નક્શ-તરાશીના જે કલાત્મક નમૂના તૈયાર કર્યા હતા તે વિયેના શહેરના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. ફખ્રીએ મુખ્યત્વે ફૂલો, બગીચાઓ અને સુલેખન-કળાના સુંદર નમૂનાઓ નક્શ-તરાશીથી આકાર્યા છે. ફખ્રીનું દફન તુર્કીના કૉન્સ્ટન્ટિનોપલ શહેરમાં થયું હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી