પ્લેટો
[જ. ઈ. પૂ. 427 (?) ઍથેન્સ; અ. ઈ. પૂ. 347 ?] : વિશ્વવિખ્યાત ગ્રીક તત્વચિંતક. પ્લેટો યુવાન અવસ્થામાં જ સૉક્રેટિસના પ્રભાવ હેઠળ આવ્યા હતા. સૉક્રેટિસે પોતે કશું લખ્યું નથી એટલે ઝેનોફોનના ‘મેમોરેબિલિયા’ને બાદ કરતાં પ્લેટોના પ્રારંભિક સંવાદોમાં આપણને સૉક્રેટિસની ચિંતનપદ્ધતિ અને જીવનશૈલી વિશે વિશ્વસનીય માહિતી મળે છે. સૉક્રેટિસ ઉપરાંત પ્લેટો ઉપર પાયથાગોરાસ, હેરેક્લાયટસ અને પારમેનાઇડ્સનો પ્રભાવ પડ્યો હતો. દક્ષિણ ઇટાલી અને સિસિલીના પ્રવાસ દરમિયાન પ્લેટો પાયથાગોરાસના અનુયાયીઓના સંપર્કમાં આવ્યા હતા. ઇન્દ્રિયગમ્ય જગત નિરંતર સતત પરિવર્તનશીલ છે તેવા હેરક્લ્યાઇટસ(? – 460 ઈ.પૂ.)ના સિદ્ધાંતને અનુસરતા ક્રેટાયલસના સંપર્કમાં પણ તેઓ આવ્યા હતા.
ગ્રીસના સાઇરેક્યૂઝ નગરના રાજકારણમાં થોડો સમય પ્લેટો સક્રિય રીતે સામેલ થયા હતા. તેમાં સરમુખત્યાર શાસક ડાયોનિસસના વિચારોને યોગ્ય દિશામાં વાળવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. તેમના કેટલાક પત્રોમાં આ દુ:ખદાયક અનુભવોનું નિરૂપણ થયું છે. ઈ. સ. 387માં સિસિલીથી પાછા ફરીને પ્લેટોએ ‘એકૅડેમી’ સ્થાપી હતી. આ સંસ્થાના એક વિદ્યાર્થી ઍરિસ્ટૉટલ પાછળથી વિશ્વવિખ્યાત ફિલસૂફ તરીકે જાણીતા થયા. લગભગ બે દાયકા સુધી ઍરિસ્ટૉટલ પ્લેટોની ‘એકૅડેમી’માં સભ્ય રહ્યા હતા.
ગ્રીક કલ્પનાઓમાં આવતા ગ્રીક નાયક એકૅડેસના નામ ઉપરથી એકૅડેમી એ શીર્ષકથી પ્લેટોની સંસ્થાને ઓળખવામાં આવી હતી.
પ્લેટોના સંવાદોમાં સૉક્રેટિસના પાત્ર દ્વારા રજૂ થયેલા વિચારો મૂળ સૉક્રેટિસના પોતાના જ હતા કે પ્લેટોના તે અંગેનો વિવાદ ઉકેલવા માટે શૈલીપરક વિશ્લેષણ(stylometry)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને આધારે પ્લેટોના સંવાદોના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે : પ્રારંભિક સંવાદો, વચલા ગાળાના સંવાદો અને પ્લેટોના ઉત્તરકાલીન સંવાદો. પ્રારંભિક સંવાદોમાં પ્લેટોએ સૉક્રેટિસના મતનું નિરૂપણ કર્યું છે જ્યારે તે પછીના સંવાદોમાં પ્લેટોએ પોતાનો મત દર્શાવ્યો છે તેવું હવે બધા વિવેચકો સ્વીકારે છે.
‘એપૉલૉજી’, ‘ચારમાઇડ્સ’, ‘ક્રીટૉ’, ‘યુથીફ્રો’, ‘હિપિયાસ માઇનૉર’, ‘આયોન’, ‘લૅકીઝ’, ‘પ્રોટોગોરાસ’ વગેરે સૉક્રેટિસમતનિરૂપક સંવાદો છે. આ સંવાદો પ્રમાણમાં ટૂંકા છે. તેમાં મુખ્યત્વે નૈતિક ચિંતનવિષયોની ચર્ચા થાય છે. તેમાં આત્માની અમરતા સ્થાપવા માટેની દલીલો રજૂ થયેલી નથી. આ સંવાદોની લાક્ષણિકતા એ છે કે તેમાં કશું સ્થાપવામાં આવતું નથી. સંવાદો અનિર્ણાયક (aporetic) રહે છે. પ્લેટોના આ સંવાદોમાં સૉક્રેટિસની લાક્ષણિક ખંડનપદ્ધતિ (elenchus) પ્રવર્તતી જોવા મળે છે. સૉક્રેટિસ ઊલટતપાસ ઉપર આધારિત ખંડનપદ્ધતિથી પ્રતિસ્પર્ધીના દાવાઓ ઉથલાવી નાખે છે. તેના વિકલ્પે પોતે પોતાનો મત રજૂ કરતા નથી, કારણ કે પોતે તે વિષય અંગે કશું જાણતા નથી તેવું સૉક્રેટિસ હમેશાં કહેતા હતા. વિવાદમાં કોઈ પણ રીતે પ્રતિસ્પર્ધીને પરાજિત કરવો તેવો અભિગમ સૉક્રેટિસ કદી સ્વીકારતા ન હતા. તેથી તેમની ખંડનપદ્ધતિ ‘સૉફિસ્ટ’ તરીકે ઓળખાતા વિચારક-પ્રચારક દલીલબાજોની છળયુક્ત વિવાદપદ્ધતિ(eristic)થી અત્યંત ભિન્ન હતી.
‘રિપબ્લિક’, ‘ફેયડો’, ‘સિમ્પોઝિયમ’, ‘ફેયડરસ’ વગેરે પ્લેટોના વચગાળાના સંવાદો છે; જ્યારે ‘ટાઇમેયુસ’, ‘સૉફિસ્ટ’, ‘સ્ટેટ્સમૅન’, ‘ફિલૅબસ’, ‘લૉઝ’ વગેરે તેમના ઉત્તરકાલીન સંવાદો છે. આ પ્લૅટોમતનિરૂપક (platonic) સંવાદો સૉક્રેટિસમતનિરૂપક (socratic) સંવાદો કરતાં પ્રમાણમાં લાંબા છે અને તેમાં ચર્ચા હેઠળના વિષયમાં દલીલો દ્વારા નિર્ણાયક સ્થાપનાઓ કરવામાં આવી છે. પ્લેટોના પાછળના સંવાદોમાં સત્-વિચાર, જ્ઞાનવિચાર, સમાજવિચાર, કલાવિચાર, સૌંદર્યવિચાર વગેરે ઘણાં વિષયક્ષેત્રો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે : દા.ત., ‘ફેયડો’ અને ‘રિપબ્લિક’માં રૂપતત્વો(forms)ની, ‘સિમ્પોઝિયસ’ અને ‘ફેયડરસ’માં પ્રેમની, સૌંદર્યની અને કલાની, ‘રિપબ્લિક’માં આદર્શ રાજ્યની અને ‘લૉઝ’માં કાયદાના ઉત્તમ શાસનની રજૂઆતો કરવામાં આવી છે. મનુષ્યનું ઉત્તમ શ્રેય આનંદ મેળવવામાં નહિ, પણ જ્ઞાન પ્રાપ્ત કરવામાં છે તેવું ‘ફિલેબસ’માં દર્શાવાયું છે. ‘રિપબ્લિક’, ‘લૉઝ’, ‘ગૉરજિયાસ’, ‘સિમ્પોઝિયમ’ વગેરેમાં પ્લેટોનો કાવ્યવિચાર, કલાવિચાર અને ભાષાવિચાર રજૂ થયો છે.
પ્લેટોની કૃતિઓમાં લગભગ તેર જેટલા પત્રો(letters)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે તે પત્રો પ્લેટોના જ છે તેવું કહી શકાય તેમ નથી એવો વિદ્વાનોનો મત છે.
પ્લેટો જ્ઞાનવિચાર (epistemology) અને સત્-વિચાર (ontology) વચ્ચે સંપૂર્ણ સંવાદિતા સ્થાપે છે. જ્ઞાન સંપૂર્ણ રીતે સર્વદેશીય અને વસ્તુનિષ્ઠ (objective) હોવું જોઈએ. આ ઉપરાંત જ્ઞાન અપરિવર્તનશીલ અને નિત્ય હોવું જોઈએ. જે જ્ઞાનમાં અમુક પરિપ્રેક્ષ્ય(perspective)ને લીધે જ વસ્તુ અમુક રીતે ભાસતી હોય તે જ્ઞાન સર્વદેશીય કે વસ્તુલક્ષી હોતું નથી. વળી જે જ્ઞાન એક સમયે સાચું અને બીજે સમયે ખોટું હોય તે નિત્ય હોતું નથી. પ્લેટોના મતે સર્વદેશીય વસ્તુલક્ષી અને નિત્ય હોય તેવું જ જ્ઞાન સાચા અર્થમાં જ્ઞાન ગણાય.
જ્ઞાનનાં ઉપર્યુક્ત લક્ષણો વિચારતાં તુરત જ સમજાય છે કે ઇન્દ્રિયગમ્ય પદાર્થોનું જ્ઞાન સાચા અર્થમાં જ્ઞાન જ નથી તેવું પ્લેટોને અભિપ્રેત છે. તેનું એક કારણ એ છે કે આવા પદાર્થો જ્ઞાતાના પરિપ્રેક્ષ્ય પ્રમાણે પરસ્પર વિરુદ્ધ રૂપે ભાસતા હોય છે. તેનું બીજું કારણ એ છે કે ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ નિરંતર પરિવર્તનશીલ હોય છે. પ્લેટોના મતે પરસ્પર વિરુદ્ધ રૂપે ભાસતી અને અનિત્ય એવી સાપેક્ષ ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ પોતે જ સાચા અર્થમાં સદવસ્તુ (reality) તરીકે ઘટાવી શકાય તેમ નથી અને તેથી જ તે ખરેખર જ્ઞાનના વિષયો બની શકે તેમ નથી. જ્ઞાનના વિષયો જ્ઞાનના સ્વરૂપને અનુરૂપ હોવા જોઈએ તે ન્યાયે ઇન્દ્રિયગમ્ય પદાર્થો જ્ઞાનના વિષયો તરીકે ઘટાવી શકાતા નથી. નિશ્ચિતતા, સાર્વત્રિકતા અને નિરપેક્ષતા – જ્ઞાનનાં આ ત્રણ લક્ષણો ઇન્દ્રિયગમ્ય બાબતોના જ્ઞાનમાં હોતાં નથી. જ્ઞાન માત્ર રૂપતત્ત્વોનું જ હોઈ શકે, વસ્તુઓનું નહિ.
‘ફેયડો’ નામના સંવાદમાં પ્લૅટો કહે છે કે સમાન હોય તેવી બે લાકડીઓ પણ એક વ્યક્તિને સમાન ભાસે તો બીજી વ્યક્તિને તે તેને જોવાના અમુક ર્દષ્ટિકોણને લીધે, અસમાન ભાસે તેવું બને. પ્લેટોનો મુદ્દો એ છે કે જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં સમાન લાકડીઓ અસમાન ભાસે છે, પરંતુ સમાનતા પોતે (equality itself) કદી પણ પોતાનાથી વિરુદ્ધ રૂપે અસમાનતા તરીકે વ્યક્તિ સમક્ષ આવી શકે નહિ એટલે કે પ્રત્યક્ષગમ્ય પદાર્થો વિરુદ્ધ રૂપે ભાસી શકે, પણ વિચારગમ્ય તત્વો (સમાનતા, ન્યાય, મૈત્રી, વગેરે) ઇન્દ્રિયોને ભાસતાં જ ન હોવાથી તેને અંગે પરસ્પર વિરુદ્ધ ઉપસ્થિતિ શક્ય જ નથી.
ઇન્દ્રિયગમ્ય પદાર્થો દ્રષ્ટાસાપેક્ષ છે અને તે ઉપરાંત અન્ય વસ્તુઓના તથા સ્થળકાળના સંદર્ભમાં પણ તે સાપેક્ષ છે. ‘સિમ્પોઝિયમ’ – એ સંવાદમાં ઇન્દ્રિયગમ્ય સુંદર વસ્તુઓની સાપેક્ષતા દર્શાવતાં પ્લેટો કહે છે કે એક વસ્તુ એક રીતે સુંદર તો બીજી રીતે નહિ, એક સમયે સુંદર તો બીજા સમયે નહિ, એક વસ્તુના સંબંધે સુંદર તો બીજી વસ્તુના સંબંધે નહિ, એક સ્થળે સુંદર તો બીજે સ્થળે નહિ, અને કેટલાકને માટે સુંદર તો બીજા કેટલાકને માટે નહિ, એમ જુદે જુદે રૂપે સુંદર કે કુરૂપ ભાસે છે. ‘હિપ્પિયાસ મેજર’માં પ્લેટો દર્શાવે છે કે સુંદરમાં સુંદર ઘટ કે કુંભ છોકરીઓની તુલનામાં કુરૂપ છે અને કોઈ દેવની તુલનામાં સુંદરમાં સુંદર છોકરી પણ કુરૂપ ગણાય. આમ ઇન્દ્રિયગમ્ય પદાર્થો દ્રષ્ટાસાપેક્ષ તેમજ દિક્-કાળને અધીન હોય છે; તેથી તેનું જ્ઞાન નિત્ય અને નિરપેક્ષ પદાર્થોનું જ્ઞાન હોતું નથી. સૌંદર્યતત્વ પોતે સાપેક્ષ નથી.
નિરપેક્ષ અને નિત્ય એવા જ્ઞાનના વિષયો પણ નિત્ય અને નિરપેક્ષ હોવા જોઈએ. પ્લેટોના મતે ઇન્દ્રિયગમ્ય ન હોય તેવા આ નિત્ય અને નિરપેક્ષ પદાર્થો રૂપતત્વો (forms) છે. તે કેવળ બુદ્ધિગમ્ય જ છે. તેને વિચારતત્વો (ideas) કે સામાન્ય તત્વો (universals) તરીકે પણ સમજવામાં આવે છે. તે સતતત્વો છે. દિક્-કાળને અધીન એવી દુન્યવી વસ્તુઓથી આવાં રૂપતત્વો પર છે. આ તત્વો વિશુદ્ધ સત્વો (pure essences) છે. દા.ત., બધી ગાયોમાં ‘ગોત્વ’, બધા અશ્વોમાં ‘અશ્વત્વ’, બધા ત્રિકોણોમાં ‘ત્રિકોણત્વ’ એમ એક જ વર્ગની બધી વસ્તુઓ જેને લીધે તે વર્ગની વસ્તુઓ બની છે તે સમાન તત્વને પ્લેટો રૂપતત્વ કહે છે. આ તત્વો મનોબાહ્ય છે, ભાષાબાહ્ય છે અને વિશેષ વસ્તુઓથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં છે. એટલે ‘ગોત્વ’ એ માત્ર જુદી જુદી ગાયોમાં જે સમાન છે તેનો એક માનસિક ખ્યાલ (idea) જ નથી; તે જ પ્રમાણે ‘ગોત્વ’ (ગાય હોવાપણું) એ માત્ર એક સામાન્યવાચક શબ્દ જ નથી. તે વિભાવના અને શબ્દથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું તત્વ છે. તે ઉપરાંત તે (ગોત્વ) વિશેષ ગાયોથી પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું તત્વ છે. વિશેષો (particulars) જ અસ્તિત્વમાં છે અને સામાન્યો (universals) માત્ર માનસિક ખ્યાલો કે જાતિવાચક નામો જ છે તેવો પ્લેટોનો મત ન હતો. સામાન્યો દેશ-કાળથી પર, નિરપેક્ષ, નિત્ય તત્વો છે.
પ્લેટો પ્રમાણે મનુષ્ય પણ દ્વિવિધ અથવા દ્વયાત્મક (dual) રૂપ ધરાવે છે. તે શરીરધારી પણ છે અને તેને આત્મા પણ છે. આત્મા અમર છે. વ્યક્તિએ શરીર ધારણ કર્યું તેની પહેલાં પણ તેનો આત્મા અસ્તિત્વમાં હતો. પ્લેટો પ્રમાણે તે સમયે તેને રૂપતત્વો(ideas; forms)નું જ્ઞાન હતું. શરીરધારી બનતાં આ પૂર્વાવસ્થામાં પ્રાપ્ત કરેલાં જ્ઞાનનું તેને વિસ્મરણ થાય છે; પરંતુ શરીરધારી અવસ્થામાં જ્યારે તે વિશેષ ગાય કે અશ્વને જુએ ત્યારે તેને ગોત્વ, અશ્વત્વ આદિ રૂપતત્વોનું સ્મરણ થાય છે. આમ પ્લેટો પ્રમાણે જ્ઞાન એ પુનરાવાહન (recollection) છે.
આવી રીતે ઇન્દ્રિયગમ્ય પદાર્થોની દુનિયાનો અનુભવ મનુષ્યને માટે વિશુદ્ધ સત્વો કે રૂપતત્વોના જ્ઞાનને પામવાની ઝંખના જગાડે છે. આ ઝંખના (longing) કે તડપને પ્લેટો પ્રેમ (eros) કહે છે. ઇન્દ્રિયગમ્ય જગતના પદાર્થો નાશવંત, અપૂર્ણ અને તુચ્છ છે તેવી પ્રતીતિ રૂપતત્વના જ્ઞાનને લીધે વ્યક્તિને થાય છે. જોકે બધા મનુષ્યોને આ જાતનો અનુભવ થતો નથી, પરંતુ સાચા ફિલસૂફોને સમજાય છે કે ઇન્દ્રિયગમ્ય જગત તો પડછાયાનું જગત છે. મોટાભાગના લોકો આ પડછાયાના જગતમાં જીવે છે અને જે બાબતો મૂળ કે અસલી તત્વો છે તેના પ્રકાશમાં જીવી શકાય છે તેવો ખ્યાલ પણ તેમને હોતો નથી. પ્રતિબિંબો, પડછાયાઓ કે અનુકૃતિઓની દુનિયામાં પૂરી રીતે વ્યસ્ત એવા માણસોને તેનાથી પર એવા અસલી સત્ની વાત પણ માન્ય થતી નથી એવું પ્લેટો ‘રિપબ્લિક’માં ગુફાના કલ્પન (myth of a cave) દ્વારા આપણને સમજાવે છે. પ્લેટો રૂપતત્વોની દુનિયાને ઇન્દ્રિયગમ્ય વસ્તુઓના જગત કરતાં જ્ઞાન અને મૂલ્યની ર્દષ્ટિએ ચઢિયાતી ગણે છે. તમામ વિશેષ રૂપે પ્રવર્તતા પ્રાકૃતિક પદાર્થો તેમને અનુરૂપ કેવળ બુદ્ધિગ્રાહ્ય રૂપતત્વોનાં પ્રતિબિંબો કે પડછાયાઓ જ છે.
‘રિપબ્લિક’માં પ્લેટો આદર્શ રાજ્યની કલ્પના રજૂ કરે છે. તેમની ર્દષ્ટિએ આદર્શ નગરમાં ફિલસૂફો જ શાસકો હોવા જોઈએ. પ્લેટો પ્રમાણે શરીર, આત્મા, સદગુણ (virtue) અને રાજ્ય એમ ચારેય બાબતોમાં આંતરસંબંધ પ્રવર્તે છે, જે નીચે મુજબ દર્શાવી શકાય છે :
શરીર | આત્મા | સદગુણો | રાજ્ય |
માથું | તર્કબુદ્ધિ | ન્યાય | શાસકો |
છાતી | સંકલ્પ | શૌર્ય | સૈનિકો |
ઉદર | વૃત્તિઓ/રુચિઓ | સંયમ | શ્રમિકો |
મનુષ્યના શરીરમાં માથું, છાતી, ઉદર – એમ ત્રણ વિભાગો છે અને દરેક સાથે આત્માની શક્તિઓ અનુક્રમે તર્કબુદ્ધિ (reason), સંકલ્પ (will) અને ઇચ્છાઓ કે વૃત્તિઓ (appetites) સંકળાયેલી છે. આત્માની આ દરેક શક્તિને અનુરૂપ તેનો આદર્શ કે સદગુણ છે – તર્કબુદ્ધિ માટે ન્યાય, સંકલ્પ માટે શૌર્ય, વૃત્તિઓ માટે સંયમ, સ્વાસ્થ્ય એટલે સંવાદિતા, સંતુલન, જુદા જુદા અવયવોનાં કાર્યો વચ્ચેની સંગતિ.
જેમ વ્યક્તિમાં તર્કબુદ્ધિ, ઇચ્છાઓ અને સંકલ્પ – એ ત્રણેય શક્તિઓ વચ્ચેની સંગતિ આવશ્યક છે તેમ આદર્શ સમાજવ્યવસ્થામાં શાસકો, સૈનિકો અને શ્રમિકો – એ ત્રણેય વર્ગો પોતપોતાનાં નિયત કર્તવ્યો કરે તો સમાજ પણ સ્વસ્થ, ન્યાયી અને સંતુલિત ગણાય. ‘રિપબ્લિક’માં પ્લેટો દર્શાવે છે કે અન્યાયથી સુખ મળતું હોય અને ન્યાયથી દુ:ખ મળતું હોય તોપણ ન્યાય જ ઇચ્છનીય આદર્શ છે. મનુષ્યોનું સાચું હિત ન્યાયમાં જ રહેલું છે. અન્યાયી બનવા કરતાં ન્યાયી બનવું વધારે સારું છે. અન્યાય વ્યક્તિને લાભકારક છે, તેના હિતમાં છે તેવું પ્લેટો સ્વીકારતા નથી. ખરેખર તો ન્યાય જ વ્યક્તિને માટે લાભકારક છે. ઉત્તમ શારીરિક સ્વાસ્થ્ય શરીરના જુદા જુદા ઘટકો વચ્ચેની સંગતિમાં રહેલું છે. તેવી જ રીતે વ્યક્તિનું ઉત્તમ માનસિક-નૈતિક સ્વાસ્થ્ય તેના આત્માની જુદી જુદી શક્તિઓ વચ્ચેની સંવાદિતા(harmony)માં રહેલું છે. એ જ ન્યાયે, સમાજના જુદા જુદા વર્ગોના લોકો તે તે વર્ગો પ્રમાણેનાં કાર્યો કરે તેમાં સામાજિક સ્વાસ્થ્ય એટલે કે ન્યાય રહેલો છે. એટલે પ્લેટો મનુષ્યના આત્માની ત્રિવિધ શક્તિઓ અને સમાજના ત્રણ વર્ગો વચ્ચે સરખાપણું જુએ છે. આદર્શ રાજ્યવ્યવસ્થા અને આદર્શ વ્યક્તિ બંનેમાં સંતુલન, સંવાદિતા અને એકવાક્યતાની પ્લેટો આ સંદર્ભમાં ચર્ચા કરે છે. ન્યાયી વ્યક્તિ, ન્યાયી કાર્યો અને ન્યાયી સમાજવ્યવસ્થા અંતે તો ન્યાયનાં રૂપતત્વ(form of justice)માં સહભાગી હોવાથી જ ન્યાયી છે. ન્યાયનું આદર્શ તત્વ જાણનાર ફિલસૂફોની દોરવણી હેઠળ પ્રજાનું શાસન થાય તે ઇષ્ટ છે. તર્કબુદ્ધિ મનુષ્યનું શ્રેષ્ઠ તત્વ છે. તે અનુસાર થતી વ્યવસ્થાઓ તેથી ઉત્તમ વ્યવસ્થાઓ હોય છે.
સત્તા, સંપત્તિ, માનસન્માન વગેરે દુન્યવી વસ્તુઓ ઇષ્ટ કે શ્રેય (good) છે તેવું માનીને તેમાં રોકાયેલા લોકો રૂપતત્વો(forms)ની સ્વયં એવી ઉત્તમતા ઉપર ધ્યાન આપી શકતા નથી. દુન્યવી વસ્તુઓ કરતાં રૂપતત્વો (સત્-તત્વો) ઊંચું મૂલ્ય ધરાવે છે. તેનું ચિંતન કરતા ફિલસૂફોની પ્રવૃત્તિ પણ તેથી જ વધુ મૂલ્યવાન છે. ખરેખર તો શ્રેયનું રૂપતત્વ (form of the good) – એ જ અંતિમ શ્રેય છે. શ્રેયનું રૂપતત્વ પોતે જ સ્વત:શ્રેય (intrinsic good) છે. તેને પામવું એટલે જ તેની બૌદ્ધિક સમજણ મેળવવી અને તેના પ્રત્યે પ્રેમ કેળવવો. જોકે ન્યાય અંગે પ્લેટોએ જેટલા વિસ્તારથી રજૂઆત કરી છે એટલા વિસ્તારથી શ્રેયતત્ત્વ અંગે કરી નથી; તેથી શ્રેયતત્વનું શ્રેયત્વ (goodness) ખરેખર શેમાં રહેલું છે તે સમજવામાં મુશ્કેલી પડે છે. શ્રેયતત્વનું શ્રેયત્વ સંવાદિતા, વ્યવસ્થા વગેરેમાં રહેલું છે તેવો પ્લેટોનો ફલિતાર્થ છે તેવું ઘણાં માને છે. આવાં સુસંવાદી તત્વોને જાણનાર વ્યક્તિ સમાજવિરોધી કે વ્યવસ્થાઘાતક એવાં કૃત્યો કરી શકે જ નહિ. આત્માનાં અબૌદ્ધિક પાસાંઓને તેનાં બૌદ્ધિક પાસાંના શાસન હેઠળ રાખવામાં રૂપતત્વો પ્રત્યેનો અનુરાગ વ્યક્તિને ઉપકારક નીવડે છે. વાસનાને અધીન અસ્તવ્યસ્ત જિંદગી નૈતિક રીતે ઊતરતી કક્ષાની છે તે પ્લેટો સ્પષ્ટ કરે છે. તર્કબુદ્ધિના શાસન વગરની અનિયંત્રિત વ્યક્તિ તેમજ ફિલસૂફોના શાસનમાં ન હોય તેવો સમાજ પ્લેટોને આદર્શ તરીકે માન્ય નથી.
‘રિપબ્લિક’માં પ્લેટોએ આદર્શ રાજ્યતંત્રના સંદર્ભમાં સાહિત્ય, કલા, કવિતા, કેળવણી વગેરેની સમીક્ષા કરી છે. કવિતા વિરુદ્ધ તત્વચિંતનનો વિવાદ પ્લૅટો પ્રમાણે બહુ જૂનો છે. દેવી-દેવતાઓનાં શરમજનક કૃત્યો નિરૂપતાં કાવ્યોની ઈ. પૂ. છઠ્ઠી સદીમાં ઝેનોફેઇન્સે આકરી સમીક્ષા કરી હતી. હોમરની કવિતા ઉપર પ્રતિબંધ મૂકવાની હેરેક્લાયટસે ભલામણ કરી હતી. સૉફિસ્ટ ચિંતક પ્રોટેગોરાસે કવિતાના કડક વિવેચનને કેળવણીના મહત્વના અંગ તરીકે ઘટાવ્યું હતું.
‘એપૉલૉજી’, ‘મેનો’ અને ‘આયોન’ એ સંવાદોમાં દૈવી પ્રેરણાથી પ્રેરાયેલી વ્યક્તિ તરીકે કવિના મહિમાની ચર્ચા કરવામાં આવી છે. ‘એપૉલૉજી’માં સૉક્રેટિસ કહે છે કે કવિઓ ઘણી સુંદર વાત કરતા હોય છે. પણ પોતે જે કહે છે તેની સમજૂતી તેઓ આપી શકતા નથી. સાચી માન્યતા રજૂ કરવા માટે કવિઓને દૈવી પ્રેરણા મળતી હોય છે તેવી વાત ‘મેનો’ સંવાદમાં સ્વીકાર્ય બની છે, પણ પ્લેટોના જ્ઞાનવિચાર પ્રમાણે માત્ર અભિપ્રાય કે માન્યતા એ સાચા અર્થમાં જ્ઞાન ગણાય નહિ. કવિઓ નિર્દોષ અને અજ્ઞાની છે. દૈવી પ્રેરણા પણ તેમને સાચા જ્ઞાન તરફ લઈ જાય છે તેવું સ્વીકારવા પ્લેટો તૈયાર નથી. ‘ગૉરજિયાસ’ – એ સંવાદમાં ચર્ચાનો એક મુદ્દો એ છે કે કવિઓ વાણીનો સાચો ઉપયોગ કરતા નથી. અન્યની લાગણી ઉત્તેજવા માટે તેઓ ભાષા પ્રયોજે છે. શ્રોતાવર્ગને ખુશ રાખનારી સભારંજની કવિતા કોઈ ઉચ્ચશ્રેય સિદ્ધ કરી શકે નહિ. જોકે ‘સિમ્પોઝિયમ’માં પ્રેમ, કલા અને સૌંદર્યના સંદર્ભમાં પ્લેટોએ કવિતાનો સ્વ-અભિવ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો છે ખરો.
પ્લેટોના મતે કલાકારો કે કારીગરો કે અન્ય સહુએ આદર્શ રાજ્ય-વ્યવસ્થાની ર્દષ્ટિએ જ પોતાનું કામ કરવાનું રહે છે.
‘રિપબ્લિક’(ખંડ 10)માં પ્લેટોએ હોમર અને તેના અનુયાયીઓની કવિતાને સામાજિક–સાંસ્કૃતિક હિતો માટે વિઘાતક ગણી છે. આનંદોત્તેજક અને અનુકરણાત્મક કવિતાને પ્લેટો અસ્વીકાર્ય ગણે છે. જોકે દેવતાની સ્તુતિ-પ્રશંસારૂપ કાવ્યો પ્લેટોને માન્ય છે. મનુષ્યો કે દેવોનાં સારાં કાર્યો નિરૂપતાં કાવ્યોને પ્લેટો સ્થાન આપે છે. હોમર વગેરેનાં કાવ્યોનો બહિષ્કાર એટલા માટે કરવો જોઈએ કે તે કેવળ અનુકરણાત્મક (mimetic) છે. અનુકરણનો ઉલ્લેખ કરીને પ્લેટો કવિને ચિત્રકાર સાથે મૂકે છે અને કવિ-ચિત્રકાર – એ સાર્દશ્યની પાછળ પ્લેટોનો રૂપતત્ત્વોનો સિદ્ધાંત કામ કરે છે. આદર્શ રૂપતત્વ તરીકે પલંગ, કોઈ કારીગરોએ બનાવેલો વાસ્તવિક પલંગ અને કોઈ ચિત્રકારે દોરેલું તેનું ચિત્ર – એમ ત્રણ રીતે વિચારીએ તો વાસ્તવિક પદાર્થ પોતે જ તેના મૂળ રૂપતત્વની અનુકૃતિ છે અને કલાકારે બનાવેલું ચિત્ર તો આ અનુકૃતિની પણ અનુકૃતિ (copy of a copy) છે એમ કહેવું જોઈએ. તે અર્થમાં કલાકાર સત્-તત્વ (reality) સાથે નહિ પણ તેનાં પ્રતિબિંબોનાં પ્રતિબિંબો સાથે સંબંધ ધરાવે છે તેમ કહી શકાય. ‘રિપબ્લિક’(ખંડ ત્રીજો)માં પ્લેટો અવિવેકી અનુકરણનો અસ્વીકાર કરે છે અને તેને આદર્શ વ્યવસ્થામાં સ્થાન ન આપવું જોઈએ તે બાબત ઉપર ભાર મૂકે છે. કાવ્યો મનુષ્યનાં વાસ્તવિક કાર્યોનું ભાષા દ્વારા અનુકરણ કરે છે. હાથમાં અરીસો લઈને ગમે તે વસ્તુનું પ્રતિબિંબ પાડવાની ક્રિયા જેમ વાહિયાત છે તેમ ગમે તે વસ્તુનું અનુકરણ કરવાની ક્રિયા અવિવેકી અનુકરણની હોવાથી ઉપયોગી નથી.
આમ પ્લેટો ચિત્રકારની જેમ કવિને પણ અનુકૃતિઓ રચનાર સતથી બેવડી રીતે વિમુખ એવા કલાકાર તરીકે જુએ છે. કવિ કે ચિત્રકાર વાસ્તવિક પદાર્થ(જે મૂળ સતનું પ્રતિબિંબ છે)–ને પણ તેના યથાર્થ રૂપમાં નહિ, પણ તેમને ભાસતા તેના રૂપમાં નિરૂપે છે. આ અર્થમાં કલા એ અનુકરણ તેમજ અભિવ્યક્તિ બંને છે; પરંતુ કલાકારને સત્ય સાથે સંબંધ નથી, કારણ કે તે પ્રતિભાસો, પ્રતિબિંબો, પડછાયાઓ કે અનુકૃતિઓ સાથે જ કામ પાડે છે. કવિઓ કે કલાકારોને સત્યનું કે સત્ વસ્તુનું કોઈ જ્ઞાન હોઈ શકે નહિ. કવિઓ કેળવણીકારો નથી અને મનુષ્યોના ઘડતરમાં તેઓ સારી બાબતોને નિરૂપે ત્યાં સુધી જ યોગદાન કરી શકે છે. ‘લૉઝ’ – એ સંવાદમાં રાજકીય રીતે સ્વીકાર્ય હોય તેવી જ કવિતા માન્ય ગણવી જોઈએ તેવી રજૂઆત થઈ છે. શુદ્ધ કલાના ઘણા આગ્રહીઓને પ્લેટોનો સાહિત્ય-કલા-સૌંદર્ય-વિષયક વિચાર અસ્વીકાર્ય જણાયો છે, કારણ કે તમામ કલાને અનુકરણાત્મક ન ગણી શકાય અને તમામ કલાનો વિચાર રાજ્ય કે સમાજનાં હિતોને ધોરણે ન કરી શકાય તેવું ઘણા વિવેચકો માને છે.
પ્લેટો પ્રમાણે ઉત્તમ જિંદગી કવિ કે કલાકારની નહિ, પણ ફિલસૂફોની છે. પ્રતિભા, મૌલિકતા કે પ્રેરણાને નામે અન્યના મનોરંજન ખાતર કે પોતાની અભિવ્યક્તિ ખાતર ગમે તે કૃતિઓ રચવાની છૂટ કલાકારને આપી શકાય નહિ તેવો મત પ્લેટોએ વારંવાર રજૂ કર્યો છે. સામાન્ય રીતે આપણે અનુભૂતિ અને આવેગને સ્પર્શતી કવિતાને જ મહત્વની ગણીએ છીએ. તર્કબુદ્ધિવાદી પ્લેટો અનુભૂતિને સ્પર્શતી હોવાથી જ કવિતાને નબળી ગણે છે. કાવ્યનાં લાગણી કે આવેગમાં સહભાગી થવામાં જ પ્લેટો પતન જુએ છે.
‘રિપબ્લિક’(ખંડ 9)માં પ્લેટો કહે છે કે માન-સન્માનને કેન્દ્રમાં રાખતો શાસક (timocrat) અલ્પજનશાસકોમાંનો શાસક (oligarch), લોકશાહી શાસક (democrat) અને આપખુદ કે સરમુખત્યાર (tyrant)–એ બધા કરતાં ફિલસૂફ-શાસક શ્રેષ્ઠ છે અને સુખી છે, કારણ કે પોતાના ઉપર શાસન કેમ કરવું તે ફિલસૂફો જાણે છે. અહીં પ્લેટોની દલીલ એ છે કે જુદા જુદા લોકોને સુલભ થતા વિવિધ પ્રકારના આનંદોમાંથી કયા પ્રકારનો આનંદ ઉત્તમ છે તે ફિલસૂફ જાણી શકે છે.
છેલ્લાં બે હજાર વર્ષોથી પાશ્ચાત્ય તત્વચિંતનના ક્ષેત્રે પ્લેટો ખૂબ જ પ્રભાવક ચિંતક તરીકે સ્થાન પામ્યા છે. પાશ્ચાત્ય તત્વચિંતનમાં ઘણાં વિચારદ્વૈતો પ્લેટોને આભારી છે, જેમ કે એક/અનેક, નિત્ય/અનિત્ય, વિચારગમ્ય/ઇન્દ્રિયગમ્ય, સામાન્ય/વિશેષ, આત્મા/શરીર, અભૌતિક/ભૌતિક, અમર/મરણશીલ વગેરે. પાશ્ચાત્ય તત્વમીમાંસાની વિચારકોટિઓ, પરિભાષા અને વિષયો નિશ્ચિત કરવામાં સર્વત્ર ઍરિસ્ટૉટલની જેમ પ્લેટોનો પ્રભાવ જણાય છે.
મધુસૂદન બક્ષી