પ્લૅટિનમ : આવર્તકોષ્ટકના VIIIમા સમૂહમાં આવેલ રાસાયણિક ધાતુ-તત્વ. આ સમૂહમાંની છ ધાતુઓમાં રુથેનિયમ, રોડિયમ, પેલેડિયમ તથા ઓસ્મિયમ અને ઇરિડિયમ સાથે પ્લૅટિનમનો સમાવેશ થાય છે. તે સૌથી વધુ વપરાતી ધાતુ હોવાથી આ છ ધાતુઓના સમૂહને પ્લૅટિનમ સમૂહની ધાતુઓ કહેવામાં આવે છે. પુરાણા સમયની પ્લૅટિનમની બનેલી હાથ-કારીગરીની વસ્તુઓ મળી આવી છે, પણ આધુનિક સંદર્ભની ર્દષ્ટિએ 1557માં ઇટાલિયન કવિ અને સાહસખેડુ જુલિયસ સિઝર સ્કેલિંજરને મૅક્સિકોમાંથી તે પ્રાકૃત સ્વરૂપમાં મળી આવ્યું હોવાનું મનાય છે. એન્ટોનિયો દ ઉલોઆએ પણ કોલંબિયા(દ. અમેરિકા)માં કેટલીક ધાતુઓથી મિશ્રિત સોનું મળતું હોવાનું  જણાવેલ છે. ત્યાંના સ્પૅનિશ લોકો ચાંદીને મળતી આવતી આ ધાતુને પ્લૅટિના દ પિન્ટો (plata = સિલ્વર) (Rio de Pinto નદીનું નામ) કહેતા હતા. 1741માં અંગ્રેજ ધાતુશાસ્ત્રી (metallurgist) ચાર્લ્સ વુડ દ્વારા આ ધાતુનો પ્રથમ નમૂનો યુરોપમાં લાવવામાં આવેલો. અંગ્રેજ ચિકિત્સક વિલિયમ બ્રાઉનરિગે આ ધાતુ પર પ્રયોગો કરી 1750માં તેનો અહેવાલ રૉયલ સોસાયટીને આપેલો. 1786માં પિયરે ફ્રાન્કોઇ ચેબાનાઉએ ટિપાઉ (malleable) પ્લૅટિનમ મેળવવાની વિધિ વિકસાવી તેની પેટન્ટ મેળવી હતી, જ્યારે 1803માં ઇંગ્લૅન્ડમાં ડબલ્યૂ. એચ. વૉલાસ્ટને શુદ્ધ પ્લૅટિનમ મેળવ્યું હતું.

ઉત્પત્તિસ્થિતિ : પ્લૅટિનમની ઉત્પત્તિસ્થિતિ નીચે પ્રમાણે પાંચ પ્રકારની હોઈ શકે છે :

(ક) પ્રારંભિક મૅગ્માજન્ય સંકેન્દ્રણ : (i) વિખેરણ : ડ્યુનાઇટમાં ક્રોમાઇટ સાથે છૂટુંછવાયું વિખેરણ; દા. ત., યુરલ, અલાસ્કા, કોલંબિયા. (ii) આંશિક (fractional) સ્ફટિકીકરણ દ્વારા સંકેન્દ્રણ; દા. ત., દક્ષિણ આફ્રિકામાં રુસ્તનબર્ગ.

(ખ) અંતિમ મૅગ્માજન્ય સંકેન્દ્રણ : (i) અમિશ્રિત અદ્રાવ્ય પ્રવાહી સંકેન્દ્રણ; દા.ત., દક્ષિણ આફ્રિકામાં વ્લેક ફોન્ટેન. (ii) અદ્રાવ્ય અમિશ્રિત પ્રવાહી ઇંજેક્શન; દા.ત., સડબરી, કૅનેડા.

(ગ) સંસર્ગ કણશ: વિસ્થાપન-નિક્ષેપો : દા.ત., દ. આફ્રિકા.

(ઘ) ઉષ્ણજળજન્ય; દા.ત., વૉટરબર્ગ્સ, દ. આફ્રિકા; સડબરી, કૅનેડા.

(ચ) ભૌતિક સંકેન્દ્રણ : દા.ત., યુરલ, અલાસ્કા, કોલંબિયા. પ્રાપ્તિસ્થાનો બેઝિક અને અલ્ટ્રાબેઝિક માતૃખડકોમાં પ્રાથમિક ખનિજ તરીકે; મોટેભાગે ભૌતિક સંકેન્દ્રણ-નિક્ષેપોમાં; સંપર્ક-વિકૃતિ-નિક્ષેપોમાં અને ક્વાર્ટ્ઝ-શિરાઓમાં જવલ્લે મળે.

ભૂસ્તરીય વિતરણ : પ્લૅટિનમની પ્રાપ્તિ મુખ્યત્વે ત્રણ જુદા જુદા ભૂસ્તરીય કાળમાંથી મળે છે :

(ક) પ્રી-કૅમ્બ્રિયન : બુશવેલ્ડ, ટ્રાન્સવાલ, દ. આફ્રિકામાં જોવા મળતો આગ્નેય સંકુલનો સ્તરબદ્ધ પ્રકાર; આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં હોવાનો નોંધાયેલો ભૌતિક સંકેન્દ્રણ પ્રકાર, જે પ્રી-કૅમ્બ્રિયન માતૃખડકોમાંથી કણજન્ય પ્રકારમાં પરિણમેલો છે.

(ખ) અંતિમ પૅલિયોઝોઇક : રશિયાના યુરલ પર્વતોમાં થયેલા હર્સિનિયન ગેડીકરણ સાથે સંકળાયેલો અલ્ટ્રામેફિક અંતર્ભેદકોનો આલ્પાઇન પ્રકાર; ન્યૂઝીલૅન્ડના ડ્યુનાઇટ ખડકો સાથેની પ્લૅટિનમ પ્રાપ્તિ.

(ગ) અંતિમ મેસોઝોઇકથી પ્રારંભિક ટર્શિયરી : ફિલિપાઇન્સમાં મળતો આલ્પાઇન પ્રકાર. આવા જ પ્રકાર સાથે મળતા આવતા મધ્યપ્રદેશના ધંગાવન બૉક્સાઇટમાં ગૌણ પ્રમાણમાં રહેલું પ્લૅટિનમ.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ. (કૅલિફૉર્નિયાનાં ભૌતિક સંકેન્દ્રણોમાં સુવર્ણ-કણો સાથે), અલાસ્કા, કૅનેડા, પેરૂ, આયર્લૅન્ડ, જર્મની, ફિનલૅન્ડ, રશિયા (યુરલ), ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, બૉર્નિયો, માડાગાસ્કર, ટ્રાન્સવાલ, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને યુગોસ્લાવિયા. ભારતમાં પ્લૅટિનમ-નિક્ષેપો ખાસ મળતા ન હોઈ દેશની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે; તેમ છતાં અસમની પતકોઈ પર્વતમાળાના અલ્ટ્રાબેઝિક જૂથમાંથી છૂટું પડીને નોઆ-દિહિંગ નદીની રેતીમાં અને પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં ગુરમ નદીની રેતીમાં તેના અંશો (કણો) રહેલા હોવાની નોંધ મળે છે. બિહારના દાલ્મા લાવાની ઉત્તરે રહેલાં અંતર્ભેદનો સાથે સંકળાયેલું પ્લૅટિનમ નદીની રેતીમાં કણો રૂપે ખેંચાઈ આવે છે.

આ ઉપરાંત કર્ણાટકના કોલાર સુવર્ણક્ષેત્રમાંથી કણનિક્ષેપ-ધોવાણના નિર્માલ્યજળમાંથી પ્લૅટિનમના અંશો મળતા હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના જબલપુર–કટની માર્ગ પર ધંગાવન બૉક્સાઇટ-નિક્ષેપો સાથે પ્લૅટિનમના અંશો સંકળાયેલ હોવાનું પણ નોંધાયું છે. તેમાંથી સ્થાનભેદે લીધેલા ત્રણ નમૂનાઓનાં પૃથક્કરણ પરથી તેમાં ટનદીઠ અનુક્રમે 22, 15 અને 11 ગ્રામ પ્લૅટિનમ રહેલું જાણવા મળ્યું છે. તામિલનાડુના સીતામ્યુંડી અલ્ટ્રામેફિક સંકુલ સાથે સંકળાયેલા મૅગ્નેશિયો-ક્રોમાઇટ ખડકોમાં પ્લૅટિનમ (300 ppb, ભાગ પ્રતિ બિલિયન) અને પેલેડિયમ(1000 ppb)ની હાજરી હોવાનું માલૂમ પડ્યું છે. અહીં બ્રેગાઇટ, (P+, Pd, Ni)S, અને કુપેરાઇટ, Pt(As·S)2, ખનિજો રહેલાં હોવાનું જણાયું છે; પરંતુ આ ખનિજો વ્યાપારી ધોરણે ખનનયોગ્ય નથી.

ખનિજો : ઉમદા ધાતુ હોવાથી પ્રાકૃત સ્થિતિમાં મુક્ત સ્વરૂપે તે (તત્વરૂપે) મળી આવે છે. આ ઉપરાંત તે Cu, Ag, Fe અને પ્લૅટિનમ ધાતુઓ સાથે પણ મળી આવે છે. તેનાં ખનિજોમાં સ્પેરીલાઇટ (PtAs2) કુપેરાઇટ Pt(AS,S)2, બ્રોગાઇટ(Pt, Pd, Ni)Sને ગણાવી શકાય. પ્લૅટિનમ-બિસ્મથૉટેલ્યુરાઇડ તેમજ ઇરિડિયમ અને રેડિયમના સલ્ફોઆર્સેનાઇડ સમૂહમાં પણ તે મળી આવે છે. કૅનેડામાં નિકલના સડબરી ખનિજમાં તે અલ્પ પ્રમાણમાં હોય છે.

નિષ્કર્ષણ : મુક્ત સ્વરૂપે મળતા પ્લૅટિનમની શુદ્ધતા 70થી 85% જેટલી હોય છે.

અન્ય ખનિજોમાંથી પ્લૅટિનમ મેળવવા પ્રથમ તેનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે છે. સંકેન્દ્રિત ખનિજમાંથી સોનું સંરસીકરણ-(amalgamation) દ્વારા દૂર કરવામાં આવે છે. બાકી રહેલ ભાગને ઊંચા દબાણે અમ્લરાજ(aqua regia)માં ઓગાળતાં સિલિકા (રેતી) અને ઑસ્મિરિડિયમ સિવાયની અન્ય પ્લૅટિનમ ધાતુઓ તેમના ટેટ્રાક્લૉરાઇડ રૂપે દ્રાવ્ય થાય છે. પ્લૅટિનમના હાઇડ્રોક્લૉરિક ઍૅસિડ સાથેના દ્રાવણનું ઉપચયન કરી તેને બેઝિક બનાવતાં અશુદ્ધિઓ અવક્ષિપ્ત થાય છે, જ્યારે પ્લૅટિનમ દ્રાવણમાં રહે છે. પ્લૅટિનમ (IV) યુક્ત દ્રાવણની એમોનિયમ ક્લૉરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી પ્લૅટિનમનું એમોનિયમ ક્લૉરોપ્લેટિનેટ તરીકે અવક્ષેપન થાય છે :

PtCl4 + 2NH4Cl → (NH4)2PtCl6

ક્લૉરોપ્લેટિનેટનું ઉષ્મીય વિઘટન કરવાથી છિદ્રિષ્ઠ (spongy) પોચું પ્લૅટિનમ મળે છે. આ છિદ્રિષ્ઠ પ્લૅટિનમને ઑક્સિ-હાઇડ્રોજન વાતનળી(blow pipe)ની જ્યોત વડે કે વિદ્યુતભઠ્ઠીમાં પિગાળવાથી ઘટ્ટ (compact) અને ચળકતું પ્લૅટિનમ મળે છે.

સડબરી ખનિજમાંથી આયર્ન, કૉપર, નિકલ વગેરે ધાતુઓ દૂર કર્યા પછી અવશેષને સલ્ફ્યુરિક ઍસિડમાં ઓગાળવાથી તેમાંનાં કૉપર અને નિકલ દૂર થાય છે. અદ્રાવ્ય જથ્થામાં PbO2, કાર્બન અને પ્રવાહક (flux) ઉમેરી પ્રગલન (smelting) કરવાથી લેડની મિશ્રધાતુઓ મળે છે. તેમાંથી લેડને ક્યુપેલેશન દ્વારા દૂર કરી બાકીના ભાગને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડમાં ઓગાળવામાં આવે છે. આથી સલ્ફર તેના સલ્ફેટ ક્ષાર તરીકે દૂર થાય છે. બાકીના અવશેષને અમ્લરાજમાં ઓગાળી તેમાંથી પ્લૅટિનમ મેળવવામાં આવે છે.

ગુણધર્મો : સ્ફ. વ. : ક્યૂબિક; સ્ફ. સ્વ. : સ્ફટિકો ક્યૂબ સ્વરૂપે; નાના અને ક્યારેક વિરૂપ, મોટેભાગે ઝીણા કણો કે ભીંગડાં (શલ્ક) સ્વરૂપે, ક્યારેક ગઠ્ઠા રૂપે (12 કિગ્રા. વજનના ગઠ્ઠા પણ મળેલા છે.), અપારદર્શક; સંભેદ : નથી; ભંગસપાટી : ખરબચડી; ચ. : ધાત્વિક; રંગ : પોલાદ જેવો રાખોડી-શ્વેત, સફેદથી ઘેરો રાખોડી; ચૂર્ણ રંગ : પોલાદ જેવો રાખોડી; ચુંબકત્વ : ક્યારેક ચુંબકીય ગુણ ધરાવે.

પ્લૅટિનમ ક્લાઈ જેવા રૂપેરી રંગની ચળકાટ ધરાવતી ધાતુ તરીકે મળે છે. તે આઘાતવર્ધનીય (malleable) અને પ્રતન્ય (ductile) તેમજ ઉષ્મા તથા વિદ્યુતની સુવાહક છે. તે એટલી બધી પ્રતન્ય છે કે તેનો 1/8000 સેમી. વ્યાસનો તાર ખેંચી શકાય છે. તેનો પ્રસરણ-ગુણાંક કાચ જેટલો હોવાથી તે કાચ સાથે સહેલાઈથી સંધાન (seal) કરવાની ક્ષમતા ધરાવે છે.

તેના કેટલાક ભૌતિક ગુણધર્મો નીચેની સારણીમાં દર્શાવ્યા છે :

પ્લૅટિનમના ભૌતિક ગુણધર્મો

પરમાણુભાર 195.09
પરમાણુક્રમાંક 78
ઇલેક્ટ્રૉન સંરચના 2, 8, 18, 32, 17 અથવા [Xe]4f145d96s1
ઘનતા (ગ્રા./ઘસેમી.) 21.46
ગ.બિં. (°સે.) 1769
ઉ.બિં. (°સે.) 3824 (?)
સ્થાયી ઑક્સિડેશન-અવસ્થા + 2, + 4
ઉષ્મીય ન્યૂટ્રૉન-પ્રગ્રહણ (capture)
આડછેદ (બાર્ન) 8.8

લાલચોળ તપાવેલા પ્લૅટિનમમાંથી હાઇડ્રોજન વાયુ સરળતાથી પસાર થઈ શકે છે. તેના ઉપર હવા કે પાણીની અસર થતી નથી તેમજ ગરમ કરતાં તેનું ઉપચયન પણ થતું નથી. લાલચોળ તપાવેલી ધાતુ પર કાર્બન, ફૉસ્ફરસ, પીગળેલા આલ્કલી, આલ્કલી સાઇનાઇડ અને નાઇટ્રેટ તથા આર્સેનિક અસર કરે છે. શુદ્ધ ધાતુ ઉપર સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડની અસર થતી નથી, પરંતુ ગરમ અમ્લરાજ(HCL + HNO3)માં તે ઓગળે છે. ઉમદા ધાતુ હોવાથી તેના ક્ષારના દ્રાવણમાંથી અન્ય સક્રિય ધાતુઓ વડે તેનું વિસ્થાપન થાય છે. ક્લોરિન સાથે 500° સે.એ સંયોજાય છે. ફ્લોરિન અત્યંત તીવ્રતાથી, જ્યારે આયોડિન સાથે અલ્પ પ્રમાણમાં સંયોજાવાની વૃત્તિ ધરાવે છે.

પ્લૅટિનમનાં સંયોજનો : પ્લૅટિનમ + 2 સંયોજકતાવાળા (પ્લૅટિનમ) અને + 4 સંયોજકતાવાળાં (પ્લૅટિનિક) –એમ સાદાં અને સંકીર્ણ એવાં બે પ્રકારનાં સંયોજનો બનાવે છે.

પ્લૅટિનસ ઑકસાઇડ : પ્લૅટિનમ મોનૉક્સાઇડ (PtO) : પ્લૅટિનમ ધાતુ ઉપર 420° સે.થી 440° સે. તાપમાને, વાતાવરણના દબાણે ઑક્સિજનની પ્રક્રિયા કરતાં તે મળે છે. તે રાખોડી રંગનો અસ્ફટિકમય બેઝિક ગુણધર્મો ધરાવતો, પાણીમાં તેમજ ઍસિડમાં અદ્રાવ્ય એવો પદાર્થ છે. ગરમ કરતાં તે વિઘટન પામે છે અને ધાતુ છૂટી પડે છે.

પ્લૅટિનમ ડાયૉક્સાઇડ : પ્લૅટિનમ ટેટ્રાક્લૉરાઇડના દ્રાવણને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે ગરમ કરવાથી PtO2·xH2O બને છે. તે લાલ-તપખીરિયા રંગનો, પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે. તે ઍસિડ અને જલદ આલ્કલીમાં દ્રાવ્ય છે.

ક્લૉરોપ્લૅટિનિક ઍસિડને સોડિયમ નાઇટ્રેટ સાથે 500° સે.એ પિગાળવાથી આદમ્સના ઉદ્દીપક તરીકે ઓળખાતો PtO2 મળે છે.

પ્લૅટિનમનાં સંયોજનોમાં ક્લૉરોપ્લૅટિનિક ઍસિડ, (H2PtCl6) એક અગત્યનું સંયોજન છે. પ્લૅટિનમને અમ્લરાજમાં ઓગાળી, બાષ્પાયન  બાદ હાઇડ્રૉક્લૉરિક ઍસિડ વડે નાઇટ્રિક ઍસિડને દૂર કરી, દ્રાવણનું ફરી બાષ્પીભવન કરવાથી H2PtCl6·6H2Oના સ્ફટિકો મળે છે. લાલ-કથ્થાઈ રંગના સ્ફટિકો પાણીમાં ખૂબ દ્રાવ્ય છે. તેનો એમોનિયમ ક્લૉરો-પ્લૅટિનેટ ક્ષાર લીંબુ જેવો પીળો, સ્ફટિકમય અને અદ્રાવ્ય ઘન પદાર્થ છે. H2PtCl6ના દ્રાવણમાં એમોનિયમ ક્લૉરાઇડ ઉમેરવાથી તે મળે છે.

પ્લૅટિનમના સંકીર્ણ ક્ષારો : Pt(IV)ના સંકીર્ણ ક્ષારો સ્થાયી અને ગતિજ (kinetic) ર્દષ્ટિએ નિષ્ક્રિય હોય છે. તે d2sp3 સંકરણથી બને છે. તેઓ અષ્ટકોણીય (octahedral)  સંરચના ધરાવે છે અને પ્રતિચુંબકીય હોય છે. આ સંકીર્ણોમાં એમાઇન અને હેક્ઝાહેલ સંકીર્ણો અગત્યનાં છે.

Pt(II)ના સંકીર્ણ ક્ષારો dsp2 સંકરણથી બને છે અને સમચતુષ્કોણી-સમતલ (square planar) સંરચના ધરાવે છે. આ સંકીર્ણો પ્રતિચુંબકીય અને નિષ્ક્રિય હોય છે.

પ્લૅટિનમના પ્રકારો ; પ્લૅટિનમ જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. દરેક પ્રકારનું પ્લૅટિનમ અલગ અલગ ઔદ્યોગિક ઉપયોગમાં આવે છે.

છિદ્રિષ્ઠ (spongy) પ્લૅટિનમ : એમોનિયમ પ્લૅટિની ક્લૉરાઇડ(Ptના એમોનિયા સાથેના દ્વિક્ષાર)ને ધીમેથી ગરમ કરવામાં આવે તો રાખોડી રંગની છિદ્રાળુ ધાતુ મળે છે. તેને છિદ્રિષ્ઠ પ્લૅટિનમ કહે છે. તેની સપાટી ઘણી સક્રિય હોય છે. તેનો ઉપયોગ વાયુઓના અવશોષણ (absorption) માટે થાય છે.

કાળું પ્લૅટિનમ (platinum black) : તાંબું અથવા જસત ધરાવતી પ્લૅટિનમની મિશ્રધાતુની નાઇટ્રિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી ઉદભવતો નવજાત (nascent) હાઇડ્રોજન પ્લૅટિનમના ક્ષારોનું અપચયન કરી કાળા ભૂકારૂપ પ્લૅટિનમ ઉત્પન્ન કરે છે. પ્લૅટિનિક ક્લૉરાઇડનું ફૉર્માલ્ડિહાઇડ અથવા સોડિયમ ફૉર્મેટ વડે રિડક્શન કરવાથી પણ કાળું પ્લૅટિનમ મળે છે. આ પ્લૅટિનમ છિદ્રિષ્ઠ પ્લૅટિનમની સરખામણીમાં હાઇડ્રોજનનું અધિશોષણ ઘણું વધારે (લગભગ 160 કદ) કરે છે. આથી તે ઉદ્યોગોમાં અપચયનની પ્રક્રિયાઓમાં વપરાય છે. તે એક સારો ઉદ્દીપક પણ છે.

પ્લૅટિનીકૃત એઝ્બેસ્ટૉસ (platinised asbestos) : જ્યારે થોડો હાઇડ્રોક્લૉરિક ઍસિડ અને એમોનિયમ ક્લૉરાઇડ ધરાવતા પ્લૅટિનિક ક્લૉરાઇડના દ્રાવણમાં એઝ્બેસ્ટૉસ બોળીને તેને ગરમ કરવામાં આવે છે અથવા તેનું સોડિયમ ફૉર્મેટ વડે અપચયન કરવામાં આવે છે ત્યારે એઝ્બેસ્ટૉસના રેસાઓ ઉપર પ્લૅટિનમ ધાતુ રૂપે અવક્ષિપ્ત થાય છે. આને પ્લૅટિનીકૃત એઝ્બેસ્ટૉસ કહે છે. ઉદ્દીપક તરીકે તે વ્યાપક પ્રમાણમાં વપરાય છે.

કૉલૉઇડલ પ્લૅટિનમ : પ્લૅટિનમના બે વીજધ્રુવોને જલીય માધ્યમમાં મૂકી તેમની વચ્ચે વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી અથવા પ્લૅટિનમના સંયોજનનું રક્ષક કૉલૉઇડની હાજરીમાં હાઇડ્રેજન હાઇડ્રેટ જેવા પદાર્થો વડે અપચયન કરવાથી પ્લૅટિનમનું કૉલૉઇડલ દ્રાવણ મળે છે. તે પણ ઉદ્દીપનશક્તિ ધરાવે છે.

ઉપયોગો : તેના ઊંચા ગલનબિંદુ તથા ઉત્કલનબિંદુ અને ક્ષારણ-પ્રતિરોધકતાને કારણે પ્લૅટિનમ પ્રયોગશાળામાં વપરાતા ક્રૂસિબલ જેવાં સાધનો બનાવવામાં તથા વીજધ્રુવ તરીકે ઉપયોગમાં લેવાય છે. મૂલ્યવાન ધાતુ તરીકે તે આભૂષણો બનાવવામાં તથા હીરાના જડતરમાં વપરાય છે. પ્લૅટિનમ ઇરિડિયમની મિશ્રધાતુ ચલણી સિક્કા તથા બૉલપેનના પૉઇન્ટ તથા ઇન્ડિપેનની ટાંક બનાવવા માટે વપરાય છે. દંતચિકિત્સામાં કૃત્રિમ દાંત બનાવવા તથા તબીબી વિજ્ઞાનમાં વપરાતાં સાધનોમાં પણ પ્લૅટિનમ વપરાય છે. પ્લૅટિનમના ક્ષારો છાપકામમાં તથા ફોટોગ્રાફીમાં રંગછટા લાવવા વપરાય છે. નાઇટ્રિક ઍસિડ બનાવવાની ઓસ્વાલ્ડ વિધિ, સલ્ફ્યુરિક ઍસિડ માટેની સંપર્કવિધિ, ઉચ્ચ ઑક્ટેનવાળું ગૅસોલિન, મોટરગાડીનાં નિષ્કાસક વાયુ માટેનાં પરિવર્તકો વગેરેમાં પ્લૅટિનમનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત રેયૉન અને કાચના રેસાના ઉત્પાદન માટેનાં વપિત્રો (spinnerets), ઉષ્માયુગ્મો (thermocoupls), બુશિંગ (bushings), કાયમી ચુંબકો, વિદ્યુતભઠ્ઠીનાં કુંડલન (windings) વગેરેમાં પણ પ્લૅટિનમ વપરાય છે.

ચિત્રા સુરેન્દ્ર દેસાઈ

ગિરીશભાઈ પંડ્યા