પેપ્ટિક ચાંદું (peptic ulcer)

જઠરના પાચકરસના સંસર્ગમાં આવતી શ્લેષ્મકલામાં પડતું ચાંદું(વ્રણ). એક સંકલ્પના પ્રમાણે જઠરના પાચકરસ દ્વારા જઠર કે પક્વાશય-(duodenum)ની દીવાલ(શ્લેષ્મકલા)ના પ્રોટીનનું પચન થાય છે તો ત્યાં ચાંદું પડે છે. તેથી તેને પચિતકલા-ચાંદું (peptic ulcer) કહે છે. પચિતકલા-વ્રણ બે પ્રકારનાં હોય છે : ટૂંકા ગાળાનાં અથવા ઉગ્ર (acute) અને લાંબા ગાળાનાં એટલે કે દીર્ઘકાલી (chronic). ઍસ્પિરિન જેવી દવા કે માનસિક તણાવથી ઉગ્ર ચાંદું થાય છે. તે સારવારથી ઝડપથી મટે છે અથવા દીર્ઘકાલી ચાંદુંમાં પરિણમે છે. પેપ્ટિક વ્રણની ચર્ચામાં સામાન્ય રીતે દીર્ઘકાલી ચાંદા અંગે જ ચર્ચા કરાતી હોય છે.

જઠરના પાચકરસમાં હાઇડ્રોક્લોરિક ઍસિડ (અમ્લ) અને જઠરીય પ્રોટીનપાચક ઉત્સેચક (pepsin) હોય છે. અન્નમાર્ગની અંદરની દીવાલ (શ્લેષ્મકલા) જ્યારે અરક્ષિત બનેલી હોય ત્યારે તે જો જઠરરસના સંસર્ગમાં આવે તો તેનું થોડું પાચન થઈ જાય છે તેથી ચાંદું પડે છે. શ્લેષ્મકલાના પાચનથી થતા ચાંદાને પચિતકલા-ચાંદું કહે છે. મોટેભાગે તે નાના આંતરડાના પહેલા ભાગમાં જોવા મળે છે. તે ભાગને પક્વાશય (duodenum) કહે છે. આ ઉપરાંત ક્યારેક તે જઠર કે અન્નનળીના નીચલા છેડે પણ જોવા મળે છે. ક્યારેક શસ્ત્રક્રિયા કરીને નાના આંતરડાના મધ્યભાગ(મધ્યાંત્ર, jejunum)ને જઠર સાથે જોડવામાં આવે છે. આ પ્રકારની શસ્ત્રક્રિયાને જઠરમધ્યાંત્રીય છિદ્રયોજન (gastro-jejunostomy) કહે છે. જે છિદ્ર દ્વારા જઠર અને મધ્યાંત્ર જોડાયેલા હોય છે તેને છિદ્રયોજન (anastomosis) કહે છે. આવા છિદ્રયોજિત સ્થળ(anastomatic site)ના મધ્યાંત્રવાળા ભાગ પર પણ ચાંદું પડે છે. જઠરના પાચકરસના સ્રવણનું નિયંત્રણ કરતો જઠરીન (gastrin) નામનો અંત:સ્રાવ સ્વાદુપિંડ (pancreas) કે પક્વાશય-(duodenum)માં બને છે. તેને બનાવતા કોષોની ગાંઠને જઠરીનાર્બુદ (gastrinoma) કહે છે તથા તેના વિકારને ઝોલિન્ગર-એલિસનનું સંલક્ષણ કહે છે. તેમાં પક્વાશયના છેડે કે મધ્યાંત્રમાં ચાંદું પડે છે. ક્યારેક નાના આંતરડામાં મેકલની અંધનાલિ (Meckel’s diverticulum) નામનો બહાર તરફ ઊપસેલો એક પોલો ભાગ હોય છે. તેમાં પણ પચિતકલા-ચાંદું થાય છે. જઠરીનાર્બુદ અને મેકેલની અંધનાલિ સાથે સંકળાયેલાં ચાંદાં ભાગ્યે જ જોવા મળે છે.

પચિતકલા-વ્રણ ભારતભરમાં તેમજ વિશ્વભરમાં જોવા મળે છે. ભારતમાં તેનું સૌથી વધારે પ્રમાણ કેરળ અને તમિળનાડુમાં છે. ભારત ખાતે પક્વાશયમાં તે વધુ થાય છે. પશ્ચિમી દેશોમાં પણ પક્વાશયના ચાંદાનું પ્રમાણ જઠરના ચાંદા કરતાં 3થી 10 ગણું વધુ હોય છે. પેરુવિયન એન્ડેસ, જાપાન અને નૉર્વેમાં જઠરનાં ચાંદાંનું પ્રમાણ વધુ હોય છે.

કેટલાક દર્દીઓને પચિતકલા ચાંદાનાં લક્ષણો અને ચિહનો હોય પરંતુ જઠરમાં અંત:દર્શક વડે તપાસ કર્યા પછી પણ કોઈ વ્રણ ન દેખાય તો તેને ચાંદા વગરનો અપચો અથવા અવ્રણીય અપચો (nonulcer dyspepsia) કહે છે.

કારણવિદ્યા : જઠર અને પક્વાશયમાં થતાં ચાંદાં એક જ કારણસર થાય છે કે કેમ તે જાણવા મળતું નથી. વળી તે કોઈ એક રોગના ચિહનરૂપ હોય છે કે નહિ તે પણ જાણવા મળતું નથી. લાંબા સમય સુધી રહેતા ચાંદાનું કોઈ એક ચોક્કસ કારણ પણ મળતું નથી. કદાચ તે એકથી વધુ કારણો, ઘટકો કે પરિબળોને કારણે થાય છે એવું મનાય છે. કેટલાંક ઉગ્ર અથવા ટૂંકા ગાળાનાં ચાંદાં કરતાં પરિબળો પણ લાંબા ગાળાનાં (દીર્ઘકાલીન) ચાંદાં થવામાં ભાગ ભજવે છે. લોહીના ‘ઓ’ જૂથવાળી વ્યક્તિઓ કે એક જ સમુદાયની ઘણી વ્યક્તિઓમાં દીર્ઘકાલી ચાંદાં થાય છે, માટે વારસાગત ઘટકો મહત્વના છે. માનસિક તણાવ તથા પરિસ્થિતિ સાથે અનુકૂળ ન થઈ શકાય એવી સ્થિતિ ચાંદું કરે છે, તેને સતત સક્રિય રાખે છે તથા તેનો ફરીથી ઊથલો પણ મરાવે છે.

હેલિકોબેક્ટર પાયલોરિ નામના જીવાણુના ચેપને કારણે લાંબા સમયનો જઠરની દીવાલમાં પીડાકારક સોજો લાવતો (બી) પ્રકારના જઠરશોથ(gastritis)નો રોગ થાય છે. તેના કારણે પણ જઠરમાં ચાંદું પડે છે અથવા ચાંદું પડ્યું હોય તો તે ઊથલો મારે છે. એક અભ્યાસ પ્રમાણે ભારતમાં 90 % કિસ્સામાં જઠરશોથનું કારણ આ જીવાણુઓનો ચેપ હોય છે. એચ. પાયલોરિને અગાઉ કૅમ્પાઇલોક્ટર પાયલોરિ પણ કહેવાતો હતો અને તે નાનો, સર્પિલ (spiral), ગ્રામ-અનભિરંજિત (gram negative), સૂક્ષ્મવાતરાગી (microaerophilic) જીવાણુ છે. તેના એક છેડે આવરણવાળા તંતુઓ અથવા આવેષ્ટિત તંતુલિકાઓ (sheathed flgella) હોય છે. તેમનામાં યુરિયોત્સેચક (urease) નામનો ઉત્સેચક વિપુલ પ્રમાણમાં હોય છે.

જે દર્દીઓના જઠરમાં પરિઘીય કોષો (parietal cells) વધુ હોય છે તેઓ વધુ પ્રમાણમાં જઠરરસ બનાવતા  હોય છે. તેઓમાં પક્વાશયનું ચાંદું પડે છે. જઠરના ચાંદાવાળા દર્દીઓમાં દીર્ઘકાલીન જઠરશોથને કારણે જઠરરસનું ઉત્પાદન ઘટેલું હોય છે. ચાંદું પડવામાં જઠરીય પ્રોટીનપાચક(pepsin)નું મહત્વ વધુ હોય છે, પરંતુ જઠરરસમાં તે અને ઍસિડ એકબીજાને સમપ્રમાણમાં વધતા-ઘટતા હોવાથી જઠરરસનું કુલ ઉત્પાદન કેટલું છે તે જ નોંધવામાં આવે છે.

દારૂ, મરચાં, પિત્તક્ષારો, કૉર્ટિકોસ્ટિટોઇસ તથા ઍસ્પિરિન, સેલિસિલેટ્સ, ઇન્ડોમિથાસિન, બ્યૂટાઝોલિડિન, આઇબૂપ્રોફેન, નેપ્રોક્સેન વગેરે બિનસ્ટીરૉઇડી પ્રતિશોથ પીડાશામક ઔષધો (NSAIDs) જઠરમાં ઉગ્ર ચાંદાં પાડે છે. આમાંનાં કેટલાંક ચાંદાં જઠરરસમાંના પ્રોટીનપાચક ઉત્સેચક અને ઍસિડ વડે લાંબા ગાળાનાં ચાંદાંમાં ફેરવાય છે. શરીરમાં થતો દુખાવો મટાડવા માટે સ્ટીરૉઇડવાળી સંરચના વગરનાં (બિનસ્ટીરૉઇડી) અને પીડાકારક સોજો ઘટાડનારાં (પ્રતિશોથ) ઔષધોનું જૂથ વપરાશમાં હોય છે. તેમને બિનસ્ટીરૉઇડી પ્રતિશોથ પીડાશામકો (non-steroidal antiinflammatory drugs, NSAIDs) કહે છે. NSAIDs જૂથનાં ઔષધો જઠરની દીવાલનું સંરક્ષણ કરતાં પ્રૉસ્ટાગ્લૅન્ડિન દ્રવ્યોનું અવદાબન પણ કરે છે. તેને કારણે જઠરની દીવાલ રક્ષણ વગરની થાય છે તથા જઠરમાં ચાંદું પડે છે. વળી આ પીડાશામક ઔષધો દુખાવાની સંવેદના ઘટાડે છે. તેથી તે પીડારહિત (painless) ચાંદાં કરે છે. આવાં પીડારહિત ચાંદાંના દર્દીમાં અચાનક જ લોહીની ઊલટીઓ કે જઠરમાં કાણું પડવા જેવો આનુષંગિક વિકાર થઈ આવે છે.

પ્રૉસ્ટાગ્લૅન્ડિન (પુર:સ્થગ્રંથિન) E1 અને E2ની અસર હેઠળ જઠરરસનું ઉત્પાદન ઘટે છે. જઠરમાં શ્લેષ્મ નામના ચીકણા સંરક્ષક પ્રવાહીનું પ્રમાણ વધે છે, બાયકાર્બોનેટનું ઉત્પાદન વધે છે અને શ્લેષ્મકલાના કોષોનું પુનર્જનન (regeneration) વધે છે. તેથી ચાંદું પડ્યું હોય ત્યાં ફરીથી શ્લેષ્મકલાના અધિચ્છદીય (epithelial) કોષોનું આવરણ બને છે. જઠરના શ્લેષ્મકોષો (mucous cells) દ્વારા શ્લેષ્મ બને છે. તે જઠરરસમાં હોય છે. જઠરમાં જ્યારે વલોવણ થતું ન હોય ત્યારે તે જઠરની દીવાલ પર એક સંરક્ષક આવરણ બનાવે છે. જઠરની શ્લેષ્મકલાના અન્ય કોષો બાયકાર્બોનેટ બનાવે છે. શ્લેષ્મ અને બાયકાર્બોનેટ આયનો જઠરની દીવાલનું ઍસિડ તથા પ્રોટીનપાચક ઉત્સેચકથી રક્ષણ કરે છે.

આકૃતિ 1 : (અ) જઠરના ભાગ. (1) અન્નનળી, (2) ઘુમ્મત તલ, (3) જઠરકાય, (4) જઠરાંતપ્રદેશ (pylorus), (5) પૂર્વજઠરાંતપ્રદેશ (prepyloric area), (6) પક્વાશય (duodenum), (7) લઘુવક્રસપાટી, (8) ગુરુવક્રસપાટી, (આ) અન્નનળી જઠર – પક્વાશય – અંતદર્શક (oesophago gastro duodeno Escope), (ઇ) બિલરોથ I આંશિક જઠરોચ્છેદન, (8) જઠરનો ચાંદાવાળો ભાગ કાઢ્યા પછી કરાયેલું સીવણ, (9) જઠર અને પક્વાશયમાં ખુલ્લાં છિદ્રોનું જોડાણ – છિદ્રજોડાણ (anastomosis) (ઈ) બિલરોથ-II આંશિક જઠરોચ્છેદન, (10) મધ્યાંત્ર (jejuna), (11) જઠર-મધ્યાંત્રનું જોડાણ, (12) પક્વાશયની આંત્રાંધનલી (blind loop of intestial) (ઉ, ઋ) વિવિધ પ્રકારનાં બહુવિસ્તારી ચેતાછેદનો, (14) બહુવિસ્તારી  ચેતાના મુખ્ય ભાગનું છેદન, (15) જઠરમાં આવતા ચેતાતંતુઓવાળા ભાગનું છેદન, (16) જઠરમાં પ્રવેશતા ચેતાતંતુઓનું છેદન, (એ) જઠરાંતવિસ્તારનું પુનર્ગઠન, (17) જઠરાંતવિસ્તારમાં છેદ મૂકવો તથા તેનું સીવણ કરવું.

ચાંદું થવાની પ્રક્રિયા વધારતાં અન્ય પરિબળોમાં જઠરનું ઝડપથી ખાલી થઈ જવું, ચા કે કૉફીનું અતિશય સેવન તેમજ દારૂ તથા ધૂમ્રપાનની આદતનો સમાવેશ થાય છે. જઠરની દીવાલમાંનું સામાન્ય રુધિરાભિસરણ અને શ્લેષ્મકલાના કોષોના નવસર્જનનો પર્યાપ્ત દર ચાંદું પાડવા સામે રક્ષણ આપે છે.

રુગ્ણવિદ્યા (pathology) : જઠરની દીવાલમાં ચાર સ્તર આવેલા છે. તેના સૌથી અંદરના સ્તરને શ્લેષ્મકલા કહે છે. શ્લેષ્મકલાની સપાટી જે સ્થળે તૂટે તેને ક્ષરણ (erosion) કહે છે. શ્લેષ્મકલામાં સ્નાયુસ્તરિકા (nuscularis mucosae) નામનું પાતળું સ્નાયુનું પડ આવેલું હોય છે. જો તેનાથી પણ ઊંડું ક્ષરણ હોય તો તેને વ્રણ અથવા ચાંદું કહે છે. સાદા, છીછરા ક્ષરણથી માંડીને ઊંડું અને લાંબો સમય રહેતું (દીર્ઘકાલી) ચાંદું તેથી થાય છે. આવા સામયે ચાંદાની કિનારીની આસપાસ તથા તળિયાની નીચે તંતુઓ વિકસે છે. તેને તંતુતા (fibrosis) કહે છે. જઠરમાં પડતું ચાંદું જઠરની લઘુવક્રસપાટી પર થાય છે, જ્યારે પક્વાશયમાં થતું ચાંદું તેના જઠર પાસેના 2 સેમી. ભાગની આગળ તરફની સપાટી (અગ્રસપાટી, anterior surface) પર જોવા મળે છે. જઠરનો છેડાનો ભાગ જઠરાંતવિસ્તાર (pylorus) કહેવાય છે. જઠરાંત પક્વાશય સાથે જોડાય છે. જઠરાંતમાં ઉદભવતા ચાંદાને પક્વાશયમાં ઉદભવતા સાદા ચાંદાથી અલગ પાડવું અઘરું હોવાથી તે બંનેને સંયુક્ત રીતે જઠરાંત-પક્વાશયી ચાંદું (pyloroduodenal ulcer) કહે છે. ક્યારેક જઠરમાં કે પક્વાશયમાં એકથી વધુ ચાંદાં પડે છે, ક્યારેક જઠર અને પક્વાશય – એમ બંનેમાં ચાંદાં પડે છે તો ક્યારેક પહેલાં પક્વાશયમાં અને પછી જઠરમાં ચાંદાં પડે છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : પક્વાશયમાં સામાન્ય રીતે 20થી 40 વર્ષની વયમાં ચાંદું પડે છે. જઠરનું ચાંદું તેથી મોટી ઉંમરે થાય છે. જો ખોરાકના પ્રમાણ પર નિયંત્રણ રખાતું હોય અથવા કૉર્ટિકોસ્ટીરૉઇડ જૂથની દવાઓ કે હાડકાના સાંધાના દુખાવા માટે NSAIDs જૂથની દવાઓ લેવાતી હોય તો 50 વર્ષની વયે પણ પક્વાશયમાં ચાંદું પડે છે. ક્યારેક બાળકો અને શિશુઓ(infants)માં પણ પક્વાશયી ચાંદું જોવા મળે છે. જઠર અને પક્વાશયમાંના ચાંદાથી થતો દુખાવો પહેલાં અલગ પાડવાનો પ્રયત્નો થતો હતો, પણ હાલ એવું મનાય છે કે દુખાવો અને પીડાશમનના ક્રમને આધારે તેમને એકબીજાથી અલગ પાડવાં અઘરાં છે; પરંતુ પીડા, પીડાશમન અને વાયુપ્રકોપનાં લક્ષણો દ્વારા જ ચાંદાનું નિદાન થતું હોવાથી આ તકલીફોની ઊંડાણમાં વિગતો મેળવાય છે. સારણી 1માં તેમનાં લક્ષણોની વિગતો દર્શાવી છે.

સામાન્ય રીતે તકલીફો મહિનાઓ કે વર્ષો સુધી ધીમે ધીમે વધે છે. તેને કારણે પેટના ઉપલા ભાગમાં દુખાવો થાય છે. તેને અધિજઠરીય પ્રદેશ (epigastric region) કહે છે. ક્યારેક દુખાવો ડૂંટીની આસપાસ અથવા પરિનાભિપ્રદેશ(periumbilical area)માં થાય છે. કોઈક જવલ્લે જોવા મળતા કિસ્સામાં ડૂંટીની સહેજ નીચે પણ દુખાવો જોવા મળે છે. દુખાવો બીજે કશે ફેલાતો નથી, પરંતુ ઘણી વખત છાતીના વચલા ભાગમાં પ્રસરેલો જોવા મળે છે. આ દુખાવો છાતીના વક્ષાસ્થિ (sternum) નામના વચ્ચે આવેલા હાડકાની પાછળ થતો હોવાથી તેને પશ્ચવક્ષાસ્થિ પીડા (retrosternal pain) કહે છે. દુખાવાની સંવેદના વિવિધ પ્રકારની હોય છે  બળતરા, કતરાતું હોય તેવી વેદના, ચૂંથારો (discomfort) પણ કોઈ પ્રકારનો દુખાવો નહિ, ધીમી મંદવેદના (dull ache), વાયુપ્રકોપ (વાયુ થયો હોય એવું લાગે) પેટમાં ભારે ભારે લાગે, જવલ્લે ચૂંક થાય વગેરે. દુખાવાની તીવ્રતા મંદ પ્રકારથી માંડીને અતિતીવ્ર હોય છે. જો દરરોજ ઘડિયાળના કાંટે નિયમિત (સમયસર) દુખાવો ઊપડે તો તે પચિતકલાવ્રણનું નિદાન સૂચવે છે. સામાન્ય રીતે ભૂખ્યા પેટે, જમતાં પહેલાં કે જમ્યા પછી 3થી 4 કલાકે દુખાવો ઊપડે છે અને તે 1થી 2 કલાક  સુધી કે ફરીથી જમવામાં આવે ત્યાં સુધી (જે વહેલું હોય તે) દુખાવો રહે છે. જો સાથે જઠરમાં પીડાકારક સોજાવાળો જઠરશોથ(gastritis)નો વિકાર હોય તો ઘણી વખત મરચું, તીખું કે ખાટું ખાવાથી તરત દુખાવો ઊપડે છે જે લાંબો સમય અને સતત રહે છે. મરચું, ચા, કૉફી, ધૂમ્રપાન, તમાકુ ચાવવી તથા માનસિક તણાવ તકલીફ વધારે છે; જ્યારે મોળો (bland) ખોરાક, દૂધ, રજાના દિવસો (માનસિક તણાવનો ઘટાડો) તથા જઠરના ઍૅસિડ(અમ્લ)નું તટસ્થીકરણ કરીને સાદા ક્ષારો બનાવતી પ્રત્યામ્લ (antacid) જૂથ તરીકે ઓળખાતી દવાઓનો સમૂહ તકલીફો ઘટાડે છે. ક્યારેક થોડાક દિવસો, અઠવાડિયાં કે મહિનાઓ માટે તકલીફ વધી જાય છે અને પછી તે  થોડાક સમય માટે શમી જાય એવું પણ બને છે. જ્યારે પીડાની તીવ્રતા વધેલી હોય તેવા દિવસો કે મહિનાઓ માટે દર્દીને બપોર પહેલાં, સાંજે 5 વાગ્યે કે લગભગ મધ્યરાત્રિએ દુખાવો ઊપડે છે અને તે ઠંડું પાણી, દૂધ, ખોરાક કે પ્રત્યામ્લ દવા વડે શમે છે.

સારણી-1 : જઠર અને પક્વાશયમાં થતા ચાંદાનાં લક્ષણો

લક્ષણ જઠરનું ચાંદું પક્વાશયનું ચાંદું
1. તકલીફો ઊભરી આવવાનાં અને શમી જવાનાં ચક્રો હોય છે. એકદમ સ્પષ્ટપણે જોવા મળે છે.
2. દુખાવો જમ્યા પછી તરત, પરંતુ સૂવાથી દુખાવો ન થાય. જમ્યા પછી 2 કલાકે દુખાવો થાય.
3. ઊલટી ક્યારેક ઘણી ઊલટી થાય. ઊલટી ન થાય.
4. લોહીની ઊલટી(રુધિરવમન)ની સરખાણીએ અકળ (occult) લોહીવાળો શ્યામમળ (malaena) રુધિરવમન વધુ શ્યામ મળ વધુ
5. ભૂખ લાગવી ખાતાં ડરે. વધુ ખાય.
6. ખોરાક મુખ્યત્વે દૂધ અને માછલી બધું જ ખાય
7. વજન ઘટે. વધે અથવા ઘટે નહિ.

સામાન્ય રીતે ઊબકા કે ઊલટી થતાં નથી. જોકે કેટલાક લોકો ઊલટી કરીને જઠરમાંનો ઍસિડ બહાર કાઢી નાંખવાનું શીખી લેતા હોય છે. આવું થાય તો જમ્યા પછી ઘણા કલાકો પછી પણ વ્યક્તિનો અર્ધપચેલો કે અણપચેલો ખોરાક બહાર આવે છે. દર્દીને પૂરતી ભૂખ લાગે છે. તેથી સમયસર અને વારંવાર નાસ્તો કે ભોજન લેનાર વ્યક્તિને પેટમાં ચાંદું હોય તોપણ કશી તકલીફ નથી, પડતી. તેથી આવી વ્યક્તિમાં અચાનક લોહી પડે, જઠર કે પક્વાશયમાં કાણું પડે કે કબજિયાત થઈ આવે ત્યારે જ અંદર રહેલા ચાંદા વિશે માહિતી મળે છે.

જો કોઈ આનુષંગિક તકલીફો (complications) ન હોય તો પેટના ઉપલા ભાગમાં અડવાથી દુખે છે. તેને સ્પર્શવેદના (tenderness) કહે છે. તે કોઈ એક જગ્યાએ સ્થાનિક વેદના રૂપે રહે અથવા આસપાસ ફેલાયેલી પણ હોય છે. ઝાડાની તપાસ કરવામાં આવે તો ક્યારેક તેમાં લોહી વહેતું હોય એવું જાણમાં આવે છે. જઠર-પક્વાશયના ચાંદામાંથી ઝમતું (oozing) લોહી આંતરડામાં અર્ધુંપડધું પચી જાય છે માટે તે મળમાં લાલ રંગે આવવાને બદલે કાળા રંગે આવે છે. વધુ લોહી જાય તો તે મળને કાળો કરે છે. તેને શ્યામમળ (malaena) કહે છે. જો થોડું લોહી વહેતું  હોય તો નરી આંખે તે જણાઈ શકતું નથી પરંતુ રાસાયણિક કસોટી દ્વારા તેને જાણી શકાય છે. આવા નરી આંખે કળી ન શકાય એવા મળ દ્વારા લોહીના વહી જવાને અકળરુધિરતા(occult blood)નો વિકાર કહે છે.

નિદાનસહાય માટે બે પદ્ધતિઓ ઉપલબ્ધ છે : બેરિયમ ચિત્રણશ્રેણીઓ (barium series) અને અંત:નિરીક્ષા (endoscopy). એક્સ-કિરણો જે દ્રવ્યમાંથી પસાર ન થઈ શકતાં હોય તેને એક્સ-કિરણ-રોધી (radio-opaque) દ્રવ્ય કહે છે. બેરિયમના ક્ષારો એક્સ-કિરણ રોધી દ્રવ્યો છે. તેમને પાણી સાથે ભેળવીને પિવડાવવામાં આવે તો તે અન્નનળી, જઠર અને આંતરડાના પોલાણને ભરી દે છે અને પોલાણમાં થયેલા ઘટાડા, વધારા કે દબાણને દર્શાવી શકે છે. તે સમયે એક્સ-કિરણ રોધનને કારણે ‘પડછાયો’ પડે છે જે આસપાસની ‘પડછાયો’ ન પાડતી પેશીના સંદર્ભે એક પ્રકારનું વૈષમ્ય (contrast) ઉત્પન્ન કરે છે. આમ એક્સ-કિરણ-રોધી અને એક્સ-કિરણ-પારદર્શી (radio-transparent) વિસ્તારો અલગ પડે છે. એક્સ-કિરણ-રોધનને કારણે પડતો ‘પડછાયો’ અને આસપાસની પેશીનો એક્સ-કિરણ-પારદર્શનને કારણે ન પડતો પડછાયો એક પ્રકારની વિષમતા અથવા વૈષમ્ય (contrast) ઉત્પન્ન કરે છે. તેથી એક્સ-કિરણ-રોધી દ્રવ્યોને વૈષમ્ય માધ્યમો (contrast media) પણ કહે છે. બેરિયમના ક્ષારનું દ્રાવણ પિવડાવીને કરાતા આ પ્રકારના પરીક્ષણને બેરિયમ ચિત્રણશ્રેણી કહે છે. ઉપલા અન્નમાર્ગમાં નળી નાંખીને અંદરની સપાટીનું નિરીક્ષણ કરવાની પ્રક્રિયાને અંત:નિરીક્ષા કહે છે. તે માટે વપરાતા સાધનને સામાન્ય ભાષામાં (ખોટી રીતે) દૂરબીન કહે છે. શાસ્ત્રીય રીતે તેને અંત:દર્શક (endoscope) કહેવામાં આવે છે.

સાદી બેરિયમ ચિત્રણશ્રેણીમાં અન્નમાર્ગની દીવાલની ગડીઓ, ખાંચાઓ કે વિકાર કરતા ચાંદા કે ગાંઠની સ્પષ્ટ માહિતી મેળવવામાં મુશ્કેલી રહે છે. તેમાં એક દ્રવ્ય વડે થતા એક્સ-કિરણ-રોધનથી ફક્ત એક પ્રકારનું વૈષ્મય (contrast) ઉદભવે છે. જો બેરિયમની સાથે હવા પણ ભરાય તો જઠર-આંતરડાની દીવાલની ગડીઓમાં બેરિયમયુક્ત પ્રવાહીમાંના પરપોટા પણ ભરાય છે. હવા એક્સ-કિરણ-પારદર્શી છે; તેથી બે પ્રકારના પડછાયા ઉદભવે છે. તેને બેવડું વૈષમ્ય – (double contrast) કહે છે. આ પ્રકારના હવામિશ્રિત બેરિયમચિત્રણ દ્વારા જઠર અને આંતરડાની દીવાલની સપાટી પરના વિકારો (દા. ત., ચાંદું) સ્પષ્ટપણે દર્શાવી શકાય છે.

જઠરના ચાંદાના ખાડામાં બેરિયમ ભરાઈ જાય છે. તેવા સહેજ પહોળા વિસ્તારને વ્રણકોટર (ulcer crater) કહે છે. જો તે આડા ચિત્રણમાં જોવામાં આવે તો પાતળી ઊંડી જતી નાની ખાંચ જેવો વિસ્તાર બને છે. તેથી તેને વ્રણગર્તિકા (ulcer niche) અથવા ગર્તિકા (niche) કહે છે. બેરિયમ ચિત્રણશ્રેણીમાં વ્રણકોટર કે વ્રણગર્તિકા દર્શાવીને પેપ્ટિક વ્રણનું નિદાન કરાય છે. ચાંદાની આસપાસ જઠરની અંદરની દીવાલ પર જોવા મળતી ગડીઓનો અભ્યાસ કરવાથી જઠરનું ચાંદું સાદું છે કે કૅન્સરગ્રસ્ત છે તે નક્કી કરવામાં સુગમતા રહે છે. સાદું ચાંદું જઠરની લઘુવક્રસપાટી પર જઠરના પોલાણની વિરુદ્ધ દિશામાં (બહારની તરફ) તકાતી નાની વ્રણગર્તિકાના રૂપે જોવા મળે છે જ્યારે કૅન્સરગ્રસ્ત ચાંદું ઊપસી આવેલું વ્રણકોટર કરે છે, જેની આસપાસની ગડીઓ પણ મોટી થયેલી હોય છે. ક્યારેક જઠરમાં એકથી વધુ ચાંદાં પણ જોવા મળે છે. પક્વાશયમાંનાં ચાંદાં વિવિધ રૂપે જોવા મળે છે – (1) બેરિયમક્ષારથી સતત ભરાઈ રહેલા વ્રણકોટરનો ખાડો, (2) દર્દી આડો સૂઈ જાય ત્યારે આગળ કે પાછળની દીવાલમાં ઊંડી જતી પાતળી ગર્તિકા, (3) રુઝાતા ચાંદામાં આસપાસ આંગળીઓની માફક ફેલાતી ગડીઓ, કે (4) પક્વાશયના ચાંદામાં રુઝ લાવતી તંતુપેશી(fibrous tissue)થી થતી કુરચના (deformity). આ પ્રકારનું કદરૂપું બનેલું પક્વાશય જાણે 3 પાંખડીવાળી કોઈ વસ્તુ હોય એવું દેખાય છે. માટે તેને ત્રિદલ કુરચના (trifoliate deformity) કહે છે. ઘણી વખત તેમાં ભરાઈ રહેલું બેરિયમયુક્ત દ્રવ્ય જાણે સક્રિય ચાંદું છે એવું દૃશ્ય રજૂ કરે છે. તે સમયે તે સક્રિય છે કે નિષ્ક્રિય તે જાણવા માટે અંતર્નિરીક્ષા કરવી જરૂરી બને છે.

હવા અને બેરિયમ જેવા – દ્વિવૈષમ્યકારી માધ્યમો (double contrast) વડે અનુભવી એક્સ-કિરણ-વિદ્ નાના ચાંદાને પણ દર્શાવી શકે છે. પક્વાશયના ચાંદામાં વારંવાર ચિત્રણો મેળવીને ચાંદું રુઝાયું છે કે નહિ તે નિશ્ચિત કરી શકાતું નથી, પરંતુ જઠરના ચાંદામાં તે પૂરેપૂરું રુઝાયું છે કે નહિ તે જોવા માટે ફરીથી બેરિયમચિત્રણો લેવાય છે.

ઉપલા અન્નમાર્ગમાં પોલી નળીવાળું સાધન (અંત:દર્શક) નાંખીને કરાતી અંતર્નિરીક્ષા ઘણી ઉપયોગી નિદાનપદ્ધતિ છે. તેને કારણે બેરિયમ ચિત્રણો વડે કરાતી તપાસ ઘટી છે. જોકે જઠર અને આંતરડાના અન્ય વિકારોમાં હજુયે બેરિયમચિત્રણો ઉપયોગી માહિતી આપે છે. અંતર્નિરીક્ષા વડે પણ 10 % ચાંદાનું નિદાન ચૂકી જવાય છે. સામાન્ય રીતે પક્વાશયના ચાંદાની શસ્ત્રક્રિયા કરવાની હોય તો તેને પહેલાં અંતર્દર્શક વડે જોઈ લેવાય છે. અંતર્નિરીક્ષાના વધતા જતા ઉપયોગને કારણે કેટલીક અગત્યની માહિતી મળેલી છે : (1) પેટમાં તકલીફ હોય એવા 7 %થી 10 % દર્દીઓને ચાંદું હોય છે, (2) ઘણા દર્દીઓમાં સક્રિય ચાંદું હોય તોપણ દુખાવો કે અન્ય તકલીફ હોતી નથી, (3) સફળ સારવાર પછી પણ 1 વર્ષમાં 90 % દર્દીઓનું ચાંદું ફરીથી સક્રિય થતું હોય છે અને (4) 65 % દર્દીઓમાં પક્વાશયમાંનું ચાંદું કોઈ ચોક્કસ દવા વગર પણ મટે છે. વજન ઘટતું હોય, દુખાવો સતત રહેતો હોય કે પક્વાશયમાં ચાંદું હશે એવી ધારણા હોય તો અંતર્નિરીક્ષા કરવી સલાહભરી ગણાય છે. જઠરમાં ચાંદું હોય તો ચાંદાની દીવાલમાંથી 7થી 10 જેટલી જગ્યાએથી ટુકડો કાપી લઈને તપાસ માટે મોકલાય છે. તેની મદદથી જઠરના ચાંદામાં કૅન્સર ઉદભવ્યું છે કે નહિ તે જાણી શકાય છે.

એચ. પાયલોરિનું નિદાન કરવા અંત:દર્શક(endoscope)ની મદદથી જઠરાંતપ્રદેશની દીવાલનો ટુકડો તપાસ માટે લેવામાં આવે છે. તેના પર ત્વરિત યુરિયોત્સેક કસોટી (rapid urease test) કરીને કે વિશિષ્ટ અભિરંજકોની મદદ લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસીને નિદાન કરાય છે. એચ. પાયલોરિના જીવાણુનું વિશિષ્ટ રુધિરયુક્ત અગારના માધ્યમ પર ઉછેરી સંવર્ધન કરી શકાય છે. હાલ લોહીના રુધિરરસ(serum)માં એચ. પાયલોરિ સામેના 1gG અને 1gA પ્રકારનાં પ્રતિદ્રવ્યો દર્શાવીને પણ નિદાન કરાય છે.

આકૃતિ 2 : પેપ્ટિક વ્રણ : (અ) જઠરની સામાન્ય રચના, (આ) જઠરમાં ક્ષરણ અને પેપ્ટિક વ્રણ, (ઇ) પક્વાશયમાં પેપ્ટિક વ્રણ, (ઈ) જઠરનો ઍસિડ ઉપર ચઢવાથી અન્નનળીના નીચલા છેડે થતું ક્ષરણ (erosion). (1) અન્નનળી, (2) ઘુમ્મટ – તલ(fundus), (3) જઠરકાય, (4) જઠરાંત – નલિકા (antrum), (5) જઠરાંત (pylorus), (6) પક્વાશય, (7) પક્શાવયમાંનું નાનું ચાંદું, (8) પક્વાશયમાંનું મોટું ચાંદું, (9) જઠરમાં છિદ્રણનું ક્ષરણ, (10) જઠરનું ચાંદું, (11) અન્નનળીમાં નાનું ક્ષરણ, (12) અન્નનળીમાં મોટું ક્ષરણ.

જઠર કે પક્વાશયમાંના ચાંદાને વિવિધ રોગો અને વિકારોથી અલગ પાડવું જરૂરી બને છે. જો બેરિયમ-ચિત્રણશ્રેણી કે અંતર્નિરીક્ષામાં કોઈ ચાંદું જોવા ન મળે પણ ચાંદું થયું હોય એવો વિકાર ઉદભવ્યો હોય તો તેને અવ્રણીય અપચો (non-ulcer dyspepsia) કહે છે. જો દર્દીને જઠરમાં પીડાકારક સોજાનો જઠરશોથ (gastritis) હોય તો તેને જમ્યા પછી દુખાવો ઊપડે છે. ક્યારેક દર્દીના છાતી અને પેટની વચ્ચે આવેલા ઉરોદરપટલ(thoracoabdominal diaphragm)માંથી જઠર સરકીને છાતીમાં ગયું હોય તો તેને છિદ્રજન્ય-સારણગાંઠ (hiatus hernia) અથવા ઉરનિવેશી સારણગાંઠ કહે છે. તેમાં રાત્રિએ કે સૂતાં પછી 1થી 2 કલાકે પેટમાં અને છાતીમાં દુ:ખે છે. ક્યારેક ભારે ખોરાક લીધા પછી પણ તેવું થાય છે. તે સમયે બેઠા થઈ જવાથી કે ચાલવાથી રાહત મળે છે. જાડી વ્યક્તિઓ બૂટની દોરી બાંધવા આગળ તરફ વળે ત્યારે થોડીક વાર માટે દુખાવો થઈ આવે છે. આ ત્રણેય વિકારો – અવ્રણ અપચો, જઠરશોથ અને છિદ્રજન્ય – સારણગાંઠના દુખાવાને પેપ્ટિક ચાંદાના દુખાવાથી અલગ પાડવામાં આવે છે. આ ઉપરાંત બીજા કેટલાક રોગો અને વિકારોને પણ પેપ્ટિક વ્રણથી અલગ પડાય છે : (1) જમ્યા પછી 3થી 4 કલાકે કેટલાક દર્દીઓના લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટી જાય છે. તેને પ્રતિભાવરૂપ ક્રિયાકારી અલ્પગ્લુકોઝરુધિરતા (reactive functional hypoglycaemia) કહે છે. તેવા દર્દીને પેટના ઉપલા ભાગમાં તકલીફ, ઊબકા, માનસિક નબળાઈ, ધ્રુજારી તથા હૃદયના ધબકારાની સભાનતા (ઉરધબક, palpitation) થઈ આવે છે. (2) ગળામાં પરાગલગ્રંથિઓ (parathyroid gland) નામની 4 ગ્રંથિઓ આવેલી છે. તે શરીરમાં કૅલ્શિયમનું સંતુલન જાળવે છે. તેનું કાર્ય વધે ત્યારે તેને અતિપરાગલગ્રંથિતા (hyperparathyroidizm) કહે છે. તેમાં પેપ્ટિક ચાંદું થાય છે. આ ઉપરાંત દર્દીને મૂત્રમાર્ગમાં પથરી પણ થાય છે. પરાગલગ્રંથિઓને શસ્ત્રક્રિયા કરીને દૂર કરવામાં આવે ત્યારે પેપ્ટિક ચાંદું તથા વારંવાર થતી પથરીનો વિકાર પણ શમે છે. (3) પેટમાં દુખાવો કરતા અન્ય અવયવોના રોગોને પણ પેપ્ટિક વ્રણથી અલગ પાડવા પડે છે; જેમ કે, પિત્તાશયમાં પીડાકારક સોજો લાવતો ઉગ્ર પિત્તાશયશોથ (acute cholecystitis), સ્વાદુપિંડમાં પીડાકારક સોજો લાવતો ઉગ્ર સ્વાદુપિંડશોથ (acute pancreatitis) તથા મૂત્રમાર્ગીય ચૂંક (renal colic). જોકે આ ત્રણેય વિકારો ઘણી તીવ્ર અને ટૂંકા સમયની પીડા કરતા હોવાથી તેમને પેપ્ટિક વ્રણથી અલગ પાડી શકાય છે.

જઠરના દરેક ચાંદામાં કૅન્સર નથી થયું તેની ખાતરી કરાય છે. તે માટે અંત:દર્શક વડે તપાસ કરીને ચાંદાની આસપાસથી ટુકડા લઈને સૂક્ષ્મદર્શક (microscope) વડે તપાસ કરાય છે. તેને પેશીપરીક્ષણ (biopsy) કહે છે. શંકાસ્પદ કિસ્સામાં પેશીપરીક્ષણ દ્વારા કૅન્સરનું નિદાન ન થાય તોપણ તેવા દર્દીની વારંવાર તપાસ કરતા રહેવાય છે અને ચાંદું પૂરેપૂરું મટ્યું છે તેની ખાતરી કરી લેવાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં શસ્ત્રક્રિયા કરવાની સલાહ અપાય છે.

આનુષંગિક તકલીફો (complication) : મુખ્ય ત્રણ પ્રકારની તકલીફો થાય છે : (1) લોહી પડવું, (2) કાણું પડી જવું અને (3) જઠરમાંથી ખોરાકને આગળ ધકેલવામાં અવરોધ થવો. ક્યારેક ચાંદું ઊંડું ઊતરીને આસપાસના અવયવને પણ કોરી કાઢે (penetration). જઠરના ચાંદામાં ક્યારેક કૅન્સર ઉદભવે છે. લોહી પડે ત્યારે વિવિધ પ્રકારના વિકારો ઉદભવે છે. લોહી વહેવાને રુધિરસ્રાવ (haemorrhage) કહે છે. લોહી થોડું પચી જતું હોવાથી કાળું કે કૉફીના રંગનું હોય છે. જો તે મળમાંથી બહાર આવે તો તે કાળા રંગનો મળ (શ્યામમળ malaena) કરે છે. ક્યારેક થોડું ઝમતું લોહી મળનો રંગ બદલતું નથી. તેની રાસાયણિક તપાસ કરાય ત્યારે નરી આંખે કળી ન શકાતું હોય એવા અકળ લોહી(occult blood)ની મળમાંની હાજરીની ખબર પડે છે. લોહીની સખત ઊલટી થાય તો લોહીનું દબાણ ઘટે છે અને જીવનને સંકટ પણ ઉદભવે છે. જો થોડું થોડું લોહી લાંબા સમય સુધી મળમાં જાય તો લોહ(iron)ની ઊણપવાળી પાંડુતા (anaemia) થાય છે, જેમાં લોહીમાંનું હીમોગ્લોબિન ઘટે છે. ચાંદું રુઝાય ત્યારે ત્યાં તંતુઓ વિકસે છે. તે સંકોચાઈને કુરચના કરે છે. તેને કારણે જઠરના છેડા આગળ અવરોધ ઉદભવે છે. તેને કારણે જઠરમાં ખોરાક ભરાઈ રહે છે. તેને જઠરાંતસંકીર્ણન (pyloric stenosis) કહે છે. તેને કારણે જઠર પહોળું થાય છે અને વારંવાર ઊલટીઓ થાય છે. સ્ત્રીઓમાં ક્યારેક આવું સંકીર્ણન જઠરના વચલા ભાગમાં થાય તો જઠરનો રેતઘડી (sand clock) અથવા કાચઘડી (hourglass) જેવો વચલો સંકોચાયેલો અને ઉપરનીચેનો પહોળો એવો આકાર થાય છે. તેને રેતઘડીજઠર (sand clock stomach) કે કાચઘડીજઠર (hourglass stomach) કહે છે. ક્યારેક ફક્ત લઘુવક્રસપાટી જ સંકોચાય અને બાકીનું જઠર પહોળું થાય તો કીટલી જેવા (teapot) આકારનું કીટલીજઠર (teapot stomach) બને છે. જઠરાંતપ્રદેશ સંકોચાયેલો હોય ત્યારે ઘણી વખત 2-3 દિવસ સુધી અર્ધપચેલો કે અપચેલો ખોરાક પહોળા થઈ ગયેલા જઠરમાં સંગ્રહાયેલો પડી રહે છે. અને છેવટે ઊલટી દ્વારા બહાર આવે છે. તે સમય જઠરની દીવાલના સ્નાયુઓનું સ્તર ઘણું જાડું થઈ ગયેલું  હોય છે.

સારવાર : સારવારના મુખ્ય બે ભાગ પડે છે : ઔષધીય સારવાર અને શસ્ત્રક્રિયાલક્ષી સારવાર. મુખ્યત્વે દવાઓથી સારવાર કરાય છે. તેથી પેપ્ટિક વ્રણ માટેની શસ્ત્રક્રિયાનું પ્રમાણ એકદમ ઘટી ગયેલું છે. કૅન્સરની શંકા, ઔષધોની જવલ્લે જોવા મળતી નિષ્ફળતા કે કોઈક આનુષંગિક તકલીફ થયેલી હોય (દા. ત., કાણું પડવું, અવરોધ થવો વગેરે) તો જ શસ્ત્રક્રિયા કરાય છે. પેપ્ટિક ચાંદું, જઠરશોથ અને અવ્રણીય અપચો – આ ત્રણેય વિકારોની ઔષધીય સારવારના સિદ્ધાંતો સમાન છે. સૌપ્રથમ વિકાર કરતી દવાને બંધ કરાય છે. ધૂમ્રપાન, તમાકુસેવન તથા દારૂ બંધ કરાય છે અને ચા-કૉફીમાં ઘટાડો કરાય છે. દર્દીને પૂરતો શારીરિક અને માનસિક આરામ લેવાનું કહેવાય છે તથા તેને આહાર વિશે સલાહ અપાય છે. આ ઉપરાંત તેને પ્રત્યામ્લો અને અન્ય પ્રકારનાં ઔષધો અપાય છે. શ્રેષ્ઠતમ સારવાર અને નવાં ઔષધોની શોધ થવા છતાં 90 % દર્દીમાં ચાંદું ફરીથી થઈ આવે છે. તેથી પક્વાશયના ચાંદામાં સારવારનો મુખ્ય હેતુ તકલીફોનું શમન કરવાનો બને છે; જ્યારે જઠરના ચાંદામાં તેને પૂરેપૂરું મટાડવું જરૂરી બને છે, કેમ કે જઠરમાં કૅન્સરની સંભાવના રહેલી છે.

જઠરના ચાંદાના દર્દીને હૉસ્પિટલમાં દાખલ થઈને આરામ લેવાનું સૂચવાય છે; જ્યારે પક્વાશયના ચાંદાના દર્દીને પુષ્કળ માનસિક તણાવ હોય, તકલીફો મટતી ન હોય કે સારવાર લેવામાં અનિયમિતતા હોય તો હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ અપાય છે.

સારવારનું કેન્દ્રસ્થાન આહારીય સલાહ છે. દર્દીને વારંવાર થોડું ખાવાનું સૂચવાય છે. ચા-કૉફી ઘટાડવાનું સૂચવાય છે. મરચું અને માંસનો સૂપ ઍસિડનું પ્રમાણ વધારે છે માટે તે ન લેવા સૂચવાય છે. તેવું જ ખાટાં ફળો માટે પણ છે. લસણ, આદું, જીરું અને કોથમીરનો ઉપયોગ મર્યાદાપૂર્વક કરવા સૂચવાય છે. જોકે તે ખોરાકમાં સોડમ ઉમેરીને તેને ખાવાલાયક અને આનંદદાયક બનાવે છે માટે તેમને સદંતર બંધ કરવાનું કહેવામાં આવતું નથી. ખોરાકની બનાવટમાં ઘી-તેલ વાપરી શકાય છે, પરંતુ તળેલો ખોરાક ઘટાડવો જરૂરી બને છે.

કેટલાક નિષ્ણાતો દૂધ ન લેવાનું સૂચવે છે, કેમ કે તે ફક્ત 20 મિનિટ માટે ઍસિડનું તટસ્થીકરણ કરે છે; પરંતુ તેનાથી તકલીફો શમતી હોવાથી અન્ય નિષ્ણાતો તે લેવાનું પણ સૂચવે છે. વધુ પડતું દૂધ લેવાથી વજન વધે છે. કેટલાકના આંતરડામાં દૂધમાંની શર્કરા(દુગ્ધશર્કરા, lactose)ને પચાવવા માટેનો ઉત્સેચક હોતો નથી. તે ઉત્સેચકને દુગ્ધશર્કરાપાચક (lactase) કહે છે. તેની ઊણપ હોય ત્યારે દૂધ લેવાથી ઝાડા થાય છે. મરચું ન લેવાય તો સારું એવું ઘણા નિષ્ણાતો માને છે. મરચામાં મિર્ચરિન (capsaicin) નામનું સક્રિય દ્રવ્ય છે જે જઠરની અંદરની દીવાલના કોષોને નુકસાન કરે છે, સંરક્ષક આવરણ તોડે છે અને ઍસિડનું સ્રવણ વધારે છે. તેથી મરચાંનો ઉપયોગ ઘટાડવો અથવા બંધ કરવો જોઈએ એવું સૂચવાય છે.

પ્રત્યામ્લો (antacids) : જઠરમાંના ઍસિડ (અમ્લ) સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને તેનું તટસ્થીકરણ (neutralization) કરતાં ઔષધોને પ્રત્યામ્લો કહે છે. અગાઉ તે માટે સોડાબાયકાર્બ(ખાવાનો મીઠો સોડા) વપરાતો હતો, પરંતુ તે દુગ્ધ-આલ્કલી સંલક્ષણ નામનો વિકાર કરતો હતો. તે શરીરમાંના ઍસિડ-આલ્કલી -સંતુલનને તોડતો હતો અને મૂત્રપિંડને ઈજા કરતો હતો. હાલ તે જઠરમાંના ઍસિડના તટસ્થીકારક માટે વપરાતો નથી. હાલ જે દ્રવ્યોનું અવશોષણ (absorption) થઈ શકતું નથી તેવા ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ અને મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ નામના ક્ષારો વપરાય છે. ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ ફૉસ્ફેટનું અવશોષણ ઘટાડીને તેની ઊણપ સર્જે છે, જ્યારે મૅગ્નેશિયમનો ક્ષાર હળવા જુલાબ જેવું કાર્ય કરે છે. પ્રવાહી રૂપે આ ક્ષારોને અપાય ત્યારે તે ઝડપથી કાર્ય કરે છે, પરંતુ ગોળીના રૂપે અપાતા ક્ષારો લાંબો સમય જઠરમાં રહીને કાર્ય કરે છે. જોકે તકલીફો ઘટાડવાનો મુખ્ય હેતુ હોવાથી પ્રવાહી સ્વરૂપમાં ક્ષારો આપવા જોઈએ એવું મોટાભાગના નિષ્ણાતોનું મંતવ્ય રહે છે. સામાન્ય રીતે જ્યારે પેટ ખાલી હોય ત્યારે પ્રત્યામ્લો અપાય છે.

હિસ્ટામીન-2 સ્વીકારક રોધકો (H2 bolckers) : અનેક પરિબળોને કારણે જઠરમાં ઍસિડ ઝરે છે, પરંતુ તે બધા જ માટે છેવટે હિસ્ટામીનની જરૂર પડે છે. હિસ્ટામીન માટે કોષોમાં બે પ્રકારના સ્વીકારકો (receptors) હોય છે. તેમાંના પ્રથમ પ્રકારના સ્વીકારકો ઍલર્જીલક્ષી પ્રતિભાવ સર્જે છે જ્યારે બીજા પ્રકારના સ્વીકારકો, જે જઠરમાં હોય છે, તે ઍસિડનું સ્રવણ કરાવે છે. હિસ્ટામીન-2 રોધકો ઍસિડનું સ્રવણ અટકાવે છે. સિમેટિડિન, રેનિટિડિન અને ફેમોટિડિન વગેરે હિસ્ટામીન-2 રોધકો છે. તેમાંનું સિમેટિડિન હાલ વપરાતું નથી; કેમ કે રેનિટિડિન અને ફેમોટિડિનની આડઅસરો તેના કરતાં ઘણી ઓછી છે. રાત્રિ-સમયે જઠર ખાલી રહે છે માટે તે સમયે ઍસિડનું સ્રવણ ઓછું રાખવું જરૂરી બને છે. એ માટે ઉપર્યુક્ત દવાઓ રાત્રિકાલે આપવામાં આવે છે.

પ્રોટૉન-પમ્પરોધકો : કોષોમાંથી જઠરરસ ઝરે તે માટે ધનકણીય પ્રક્ષેપિકા proton pumpની એક સંકલ્પના વિકસેલી છે. તેનું કાર્ય અટકાવતાં કે ઘટાડતાં દ્રવ્યોને ધનકણીય પ્રક્ષેપનરોધકો (proton pump blockers) કહે છે. તેઓ જઠરમાં ઍસિડનું સ્રવણ ઘટાડે છે; દા. ત., એમિપ્રેઝોલ અને લેન્સોપ્રેઝોલ, એમિપ્રેઝોલ અને લેન્સોપ્રેઝોલ નામના ધનકણ-પ્રક્ષેપક રોધકો (proton pump blockers) પણ ઍસિડનું સ્રવણ ઘટાડવા માટે વપરાય છે. તેઓ ઍસિડનું સ્રવણ 24 કલાકથી વધુ સમય માટે બંધ કરતા હોવાથી ઘણી વખત આંતરડામાં જીવાણુઓની સંખ્યા વધી જાય છે. માટે તેમને વાપરવામાં જરૂરિયાતની તીવ્રતા કેટલી છે તે નક્કી કરાય છે. અગાઉના જમાનામાં પ્રતિકોલિનધર્મી (anticholinergic) ઔષધો વાપરીને પણ ઍસિડનું પ્રમાણ ઘટાડાતું હતું. હજુ પણ તેમનો ક્યારેક વપરાશ થાય છે.

કોષરક્ષક ઔષધો (cytoprotective drugs) : ચાંદાની પેશીને ઍસિડવાળો જઠરરસ વધુ નુકસાન ન કરે માટે જે ઔષધો સંરક્ષણ આપે છે તેમને કોષરક્ષક ઔષધો કહે છે. તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં ઔષધો હાલ વપરાશમાં છે – પ્રૉસ્ટાગ્લૅન્ડિન્સ, સુક્રાલ્ફેટ અને કલિલકૃત બિસ્મથ ક્ષારો (colloidal bismuth salts). પ્રૉસ્ટાગ્લૅન્ડિન્સને પુર:સ્થગ્રંથિનો (prostagandins) પણ કહે છે; કેમ કે તે મૂળ પુર:સ્થગ્રંથિ(prostate gland)માંથી અલગ કરીને ઓળખી બતાવાયા હતા. તેમને ‘એ’થી ‘એફ’ સુધીની સંજ્ઞા અપાયેલી છે. તે એરેકિડૉનિક ઍસિડ તથા અન્ય મેદામ્લો(fatty acids)માંથી બને છે. તે સ્થાનિક અંત:સ્રાવો છે. તે લોહીમાં પરિભ્રમણ કરતા નથી અને જ્યાં તે ઝર્યા હોય તેની આસપાસની પેશી પર અસર કરે છે. પુર:સ્થગ્રંથિન E1 અને E2 જઠરમાં હોય છે. તે જઠરના ઍસિડનું સ્રવણ ઘટાડે છે, શ્લેષ્મ તથા બાયકાર્બોનેટનું સ્રવણ વધારે છે, શ્લેષ્મકલામાં લોહીનું પરિભ્રમણ વધારે છે. આ રીતે તે જઠરના ઍસિડ, પિત્તના ક્ષારો તથા NSAIDs જૂથની પીડાશામક દવાઓથી જઠરની દીવાલને રક્ષણ આપે છે. કુદરતી રીતે બનતાં પુર:સ્થગ્રંથિનો ઝડપથી નાશ પામે છે માટે તેમનાં સમધર્મી (સરખા ગુણધર્મોવાળાં) ઔષધોને રાસાયણિક રીતે બનાવવામાં (તેમનું સંશ્લેષણ કરવામાં) આવે છે. આવાં સંશ્લેષિત સમધર્મી દ્રવ્યો (synthesized analogous) રૂપે બે ઔષધો તૈયાર થયેલાં છે – પુર:સ્થગ્રંથિન E1 માટે મિઝોપ્રોસ્ટોલ અને પુર:સ્થગ્રંથિન E2 માટે ઇમ્પ્રોસ્ટિલ. તેમનો પેપ્ટિક ચાંદાની સારવારમાં ઉપયોગ થાય છે. તેમની મુખ્ય આડઅસરો રૂપે પેટમાં દુખાવો અને ઝાડા થાય છે. સગર્ભા સ્ત્રીમાં તે ગર્ભપાત કરે છે.

સુક્રાલ્ફેટ ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ અને ઘરવપરાશની સલ્ફેટેડ ખાંડનું સંયોજન છે. તે વ્રણકોટર (ulcer crater) સાથે જોડાય છે અને ઍસિડનું વ્રણપેશીમાં પ્રસરણ થતું અટકાવે છે. આ ઉપરાંત તે ચાંદાની પેશીમાં પુર:સ્થગ્રંથિનનું ઉત્પાદન પણ વધારે છે. સુક્રાલ્ફેટના કાર્ય માટે ઍસિડિક (અમ્લીય) માધ્યમ જોઈતું હોવાથી સામાન્ય રીતે તેને પ્રત્યામ્લોની સાથે અપાતું નથી. તેની મુખ્ય આડઅસરોમાં કબજિયાત, ધાતુમય સ્વાદ, ઊબકા અને જો 6 અઠવાડિયાંથી વધુ સમય માટે અપાય તો ઍલ્યુમિનિયમની ઝેરી અસરો વગેરેનો સમાવેશ થાય છે.

બિસ્મથ સંયોજનોમાં મુખ્ય બિસ્મથ સબસાઇટ્રેટ અને ટ્રાઇપૉટેશિયમ ડિસીટ્રેટો બિસ્મથેટનો સમાવેશ થાય છે. તેઓ એચ. પાયલેરિ જીવાણુનો નાશ કરીને ચાંદાનો ઊથલો મારતાં અટકાવે છે. વળી ઍસિડિક માધ્યમમાં તેનું અધ:ક્ષેપન (precipitation) થાય છે. તેને કારણે ચાંદાની સપાટી પર તેના કણો ઠરીને (અધ:ક્ષેપન) સંરક્ષણાત્મક પડ બનાવે છે. તે કોષોમાં પુર:સ્થગ્રંથિનદરનું સ્તર પણ વધારે છે. તેને કારણે ઝાડો ગાઢા રંગનો આવે છે અને દાંત અને જીભ પર ડાઘા પડે છે.

એચ. પાયલોરિના ચેપની સારવાર : એચ. પાયલોરિ જીવાણુના નાશ માટે 3 દવાઓના સમૂહને અપાય છે. તેમાં એમૉક્સિસિલના, ટેનિડેઝોલ અને ઓમિપ્રેઝોલનો મુખ્યત્વે સમાવેશ થાય છે. એમૉક્સિસિલિનને બદલે ક્લોરિથ્રોમાયસિન નામની ઍન્ટિબાયૉટિક વાપરી શકાય છે. કેટલાક નિષ્ણાતો બિસ્મથનો પણ ઉપયોગ કરે છે.

શસ્ત્રક્રિયા : શસ્ત્રક્રિયા કરતાં પહેલાં દર્દીના માનસિક તણાવ-(માનસિક ત્રસ્તતા)નું સ્તર સમજી લેવાય છે. માનસિક ત્રસ્તતા (stress) હોય એવી વ્યક્તિને શસ્ત્રક્રિયાથી ઓછો ફાયદો થાય છે. પક્વાશયની પાછલી દીવાલ પરનું ચાંદું ઘણી વખત શસ્ત્રક્રિયા વખતે ચૂકી જવાય છે. માટે અગાઉથી અંતર્નિરીક્ષા કરીને ચાંદાનું સ્થાન નિશ્ચિત કરાય છે. શસ્ત્રક્રિયા પછી પણ 10 %થી 40 % દર્દીઓએ તેમની જીવવાની પદ્ધતિ બદલવી પડે છે.

શસ્ત્રક્રિયાને કારણે મૃત્યુ થવાની સંભાવના 1 % જેટલી રહે છે. આ ઉપરાંત ચાંદાનો ઊથલો મારવાનો, ઉદરભારિતાના સંલક્ષણનો (dumping syndrome), વજનમાં અને પચેલા પોષક દ્રવ્યોના શોષણમાં ઘટાડાનો અને ફેફસાંમાં ક્ષય થવાનો સંભવ રહે છે. જીવનકાળ પણ 9 વર્ષ જેટલો ઘટે છે. શસ્ત્રક્રિયા કર્યા પછી પણ 15થી 20 વર્ષમાં જઠરનું કૅન્સર થવાની સંભાવના 3 %થી 10 % જેટલી રહી જાય છે.

જો દવાઓ વડે સારવાર કરવા છતાં ફાયદો ન થાય અથવા તો જઠરનું ચાંદું કૅન્સરવાળું હોવાની શંકા હોય તો શસ્ત્રક્રિયા કરાય છે. જઠરના છેલ્લા ભાગને જઠરાંત (pylorus) વિસ્તાર કહે છે. જઠરાંત- નલિકા(antrum)માં થતા 10 % ચાંદા અને પૂર્વજઠરાંત વિસ્તાર(prepyloric area)માં થતા 20 % ચાંદામાં કૅન્સર હોય છે. આવા ચાંદામાં નળી નાંખીને તપાસ કરાય છે અને ચારે ખૂણેથી ટુકડા લઈને પેશીપરીક્ષણ (biopsy) કરાય છે. જોકે આ સ્થળેથી પેશીપરીક્ષણ  કરવું અઘરું છે અને તેથી નિષ્ણાત અંતર્નિરીક્ષાવિદ(endoscopist)ની જરૂર પડે છે. જો આવી નિષ્ણાત વ્યક્તિ ન મળે તો શસ્ત્રક્રિયા કરવી વધુ યોગ્ય ગણાય છે.

પક્વાશયના ચાંદા માટે પૂર્વયોજનાબદ્ધ શસ્ત્રક્રિયાનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. સામાન્ય રીતે દવા લેવા છતાં દુખાવો ન મટે, વારંવાર દુખાવાનો ઊથલો આવે, વારંવાર કામના સ્થળેથી રજા લેવી પડે અથવા ઉપર જણાવેલી આનુષંગિક તકલીફો થાય (જઠરાંત-સંકીર્ણન, રેતઘડીજઠર, પેપ્ટિક છિદ્રણ, લોહીની ઊલટી થવી વગેરે) તો શસ્ત્રક્રિયા કરાય છે. 5 વર્ષથી વધુ રહેતું ચાંદું જો રુઝાય નહીં તો તેમાં પણ શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

શસ્ત્રક્રિયા કરતાં પહેલાં દર્દીની ઉંમર, લિંગ, શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ, હૃદય, ફેફસાં તથા મૂત્રપિંડના રોગો, પિત્તમાર્ગમાં પથરી, છિદ્રજન્ય સારણગાંઠ કે ચાંદાથી થતી આનુષંગિક તકલીફો અંગે પૂરતી માહિતી મેળવાય છે.

જઠરના ચાંદામાં ઍસિડનું પ્રમાણ ઓછું હોય છે, તેથી ચાંદાવાળો ભાગ તથા તેના પછીનો જઠરનો ભાગ કાપી કઢાય છે. તેને આંશિક જઠરોચ્છેદન (partial gastrectomy) કહે છે. આ ઉપરાંત જઠરના ખાલી થવામાં અવરોધ ન રહે, આનુષંગિક તકલીફો ન થાય કે કૅન્સરગ્રસ્ત ચાંદું હોય તો તેની સારવાર થઈ શકે તે પ્રકારે શસ્ત્રક્રિયાનું આયોજન કરાય છે. બે પ્રકારનાં આંશિક જઠરોચ્છેદનો થાય છે : બિલરોથ-I અને બિલરોથ-II. બિલરોથ-I પ્રકારની શસ્ત્રક્રિયામાં ચાંદા સહિતના જઠરના નીચલા ભાગને કાઢી નાંખવામાં આવે છે, જ્યારે બિલરોથ-IIમાં ચાંદાથી નીચેનો ભાગ કાઢી નાંખવામાં આવે છે.   બાકીના રહેલા જઠરને નાના આંતરડા સાથે જોડવામાં આવે છે. બિલરોથ-I શસ્ત્રક્રિયામાં જઠરને પકવાશય સાથે જોડાય છે અને બિલરોથ-IIની શસ્ત્રક્રિયામાં તેને મધ્યાંત્ર સાથે જોડાય છે. તેને અનુક્રમે જઠર-પકવાશયી છિદ્રજોડાણ(gastrodnodenostomy) અને જઠર-મધ્યાંત્રીય છિદ્રજોડાણ (gastrojejunostmy) કહે છે. ઍસિડનું સ્રવણ ઘટાડવા જઠરના ઍસિડ-સ્રવણનું નિયંત્રણ કરતી બહુવિસ્તારી ચેતા (vagus nerve) નામની ખોપરીમાંથી સીધી આવતી ચેતાને કાપવામાં આવે છે. તેને બહુવિસ્તારી ચેતાછેદન (vagotomy) કહે છે. (1) બહુવિસ્તારી ચેતાછેદનના 4 મુખ્ય પ્રકારો છે. કેન્દ્રીય ચેતાતંત્રના નિયંત્રણ માટે જઠરમાં બહુવિસ્તારી ચેતાના બે મુખ્ય પ્રકાંડો (trunks)માંથી ચેતાતંતુઓ આવે છે. તે જઠરમાં ઍસિડનું સ્રવણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જઠરની આગળની સપાટી તરફના પ્રકાંડને અગ્રસ્થ પ્રકાંડ (anterior turnk) અને તેવી જ રીતે પાછળની સપાટી પરના પ્રકાંડને પશ્ચસ્થ પ્રકાંડ (posterior trunk) કહે છે. પ્રકાંડીય બહુવિસ્તારી ચેતાછેદન (truncal vagotomy)માં બંને પ્રકાંડને કાપી કઢાય છે. બંને પ્રકાંડોમાંથી સૌપ્રથમ યકૃત (liver) માટેની ચેતાઓ નીકળે છે. જો પ્રકાંડોને તેના પછી કાપવામાં આવે તો તેને વિશિષ્ટ બહુવિસ્તારી ચેતાછેદન (sebctive vagotomy) કહે છે. જઠરની લઘુવક્રસપાટી પાસેથી જઠરમાં પ્રવેશતા ચેતાતંતુઓને કાપવામાં આવે પરંતુ જઠરાંતપ્રદેશના ચેતાતંતુઓને કાપવામાં ન આવે તો તેને અતિવિશિષ્ટ બહુવિસ્તારી ચેતાછેદન (ultrasebctive vagotomy) અથવા સમીપસ્થ બહુવિસ્તારીછેદન (proxymal vagotomy) કહે છે. હાલ વિકસેલી બહુવિસ્તારી ચેતાછેદનની પદ્ધતિને ટેયલરની શસ્ત્રક્રિયા કહે છે. તેમાં પશ્ચસ્થ સ્તંભીય બહુવિસ્તારી ચેતાછેદન કરાય છે તથા તે સાથે અપ્રસ્થ પ્રકાંડના જઠરની દીવાલમાં પ્રવેશેલા ચેતાતંતુઓને કાપવા માટે જઠરની લઘુવક્રસપાટી પરના સતરલસ્તર (serena) અને સ્નાયુસ્તર(muscle layer)માં કાપા મૂકવામાં આવે છે. તેને સતરલસ્નાયુછેદન (seromyetony) કહે છે. જો જઠરાંતવિસ્તારમાં કુરચના થઈ ગઈ હોય તો તેને દૂર કરાય છે. તેને જઠરાંતપુનર્ગઠન (pyloroplasty) કહે છે.

પક્વાશયના ચાંદાની શસ્ત્રક્રિયા કરવામાં ઍસિડનું પ્રમાણ ઘટાડવાનો તથા ચાંદાની આનુષંગિક તકલીફો ઘટાડવા કે મટાડવાનો ઇરાદો રખાય છે. તે માટે બહુવિસ્તારી ચેતાછેદન કરાય છે. ચાંદાને કારણે જો જઠરમાંથી અર્ધા પચેલા ખોરાક(અર્ધપક્વરસ)ને આંતરડામાં જવાની મુશ્કેલી ઉદભવતી હોય તો બે પ્રકારની શસ્ત્રક્રિયાઓ કરાય છે : (1) જઠર અને મધ્યાંત્રને જોડતી જઠર-મધ્યાંત્રીય છિદ્રજોડાણ (gastrojejunostomy)ની અને (2) જઠરના છેલ્લા ભાગનું પુનર્ઘટન કરતી જઠરાંતપુનર્ગઠનની શસ્ત્રક્રિયા કરાય છે. વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓ ઉપલબ્ધ છે, તેથી તેમાંથી સર્જ્યન દર્દીની જરૂરિયાત તેમજ પોતાની માન્યતા, આવડત તથા તાલીમને આધારે શસ્ત્રક્રિયાનો પ્રકાર નક્કી કરે છે. સામાન્ય રીતે જઠર-મધ્યાંત્રીય છિદ્રજોડાણની શસ્ત્રક્રિયા મુખ્ય શસ્ત્રક્રિયા ગણી શકાય. તેનાથી મૃત્યુદર ઓછો રહે છે પણ ચાંદુંને ઊથલો મારે એવું વધુ રહે છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી