પેપ્ટાઇડ : બે અથવા વધુ ઍમિનોઍસિડ સહસંયોજક બંધ વડે જોડાય ત્યારે પાણીના અણુનું વિલોપન થતાં મળતું સંયોજન. પેપ્ટાઇડમાં એમાઇડ – NH – CO – સમૂહનું પુનરાવર્તન થતું રહે છે. આ સમૂહની સંખ્યા પ્રમાણે તેમને ડાઇપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ, પૉલિપેપ્ટાઇડ વગેરે નામ આપવામાં આવે છે. 50થી વધુ ઍમિનોઍસિડ ધરાવતાં પેપ્ટાઇડને પ્રોટીન કહે છે.

એલેનાઇનનો α-ઍમિનો સમૂહ ગ્લૂટામિક ઍસિડના α – કાર્બૉક્સિલિક સમૂહ સાથે જોડાયેલ છે. કોઈ વાર અલ્પ પ્રમાણમાં   γ -(ગેમા) બંધન (linkage) પણ બને છે, જેમાં એક ઍમિનોઍસિડની ઉપશાખામાંનો -COOH સમૂહ બીજા ઍમિનોઍસિડના α-ઍમિનો સમૂહ સાથે જોડાય છે. (દા.ત., ગ્લૂટાથાયોન). રેખીય પેપ્ટાઇડના નામકરણ માટે જ્યાં મુક્ત α-ઍમિનો સમૂહ હોય ત્યાંથી નામ શરૂ થાય છે. આ નામકરણમાં તેના અસમ કાર્બનની સ્થિતિ પણ દર્શાવાય છે; દા. ત., D-, L-, વગેરે.

નીચે દર્શાવેલી પ્રક્રિયા દ્વારા જણાશે કે –

L-ગ્લૂટામિક ઍસિડ    D-એલેનાઇન    L-ગ્લૂટામિલ   D-એલેનાઇન

પ્રાપ્તિ : કુદરતમાં વિવિધ ઘટક રચનાવાળા તથા લંબાઈવાળા પેપ્ટાઇડ વિપુલ પ્રમાણમાં મળે છે. ગ્લૂટાથાયોનનું નામ   γ – L–ગ્લૂટામિલ – L – સિસ્ટાઇનાઇલગ્લાયસીન છે અને તે કુદરતમાં સસ્તન પ્રાણીઓમાં વિપુલ માત્રામાં હોય છે.

ઑક્સિટોસિન (8), વેસોપ્રેસિન (8), ગ્લૂકાગોન (29), એડ્રિનોકોર્ટિકો ટ્રૉપિક (39) અંત:સ્રાવો પેપ્ટાઇડ સંયોજનો છે. (કૌંસમાંની સંખ્યા ઍમિનોઍસિડ અવશેષોની સંખ્યા સૂચવે છે.) સસ્તન પ્રાણીઓના સ્નાયુઓમાંના ઍમિનોઍસિડ અવશેષ L–સંરૂપણ (configuration) ધરાવે છે.

સૂક્ષ્મજીવીઓ દ્વારા બનતા પ્રતિજીવાણુકારકો(antimicrobial agents) (એક પ્રકારનાં ઔષધો)માં પેપ્ટાઇડ હોય છે, જેમાં D– તથા L– બંને પ્રકારના ઍમિનોઍસિડના અવશેષ હોય છે. પેનિસિલીનમાં ચક્રીય પેપ્ટાઇડ હોય છે. આ ઉપરાંત ગ્રામિસિડીન, પૉલિમિક્સિન, બેસિટ્રેસિન વગેરે પેપ્ટાઇડ સંયોજનો હોય છે.

સંશ્લેષણ : પ્રયોગશાળામાં પેપ્ટાઇડના સંશ્લેષણ માટે ઍમિનો-ઍસિડના α-કાર્બૉક્સિલ સમૂહની બીજા ઍમિનોઍસિડના – NH2 (ઍમિનો) સમૂહ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આ માટે એક ઍમિનો-ઍસિડના જે α-કાર્બૉક્સિલિક સમૂહને બીજા ઍમિનોઍસિડ કે પેપ્ટાઇડના α-ઍમિનો-સમૂહ સાથે જોડવાનો હોય તેને સામાન્ય રીતે એનહાઇડ્રાઇડ, એઝાઇડ, એસાઇલ હેલાઇડ કે એસ્ટર તરીકે સક્રિય કરવામાં આવે છે. આ માટે કાર્બોડાઇઇમાઇડ પણ વાપરવામાં આવે છે. આ રીતે સક્રિયિત થયેલા ઍમિનોઍસિડ એકબીજા સાથે પ્રક્રિયા ન કરે તે માટે કાર્બૉક્સિલ સક્રિયિત ઍમિનોઍસિડના α-ઍમિનો-સમૂહને યુગ્મનની પ્રક્રિયા દરમિયાન સ્થાયી હોય તેવા બેન્ઝાઇલ ઑક્સિકાર્બોનિલ, તૃ-બ્યૂટાઇલોકાર્બોનિલ, ટ્રાઇફલોરોઍસિટાઇલ જેવા સમૂહો વડે રૂંધવા (block) પડે છે. આવા રોધક-સમૂહોને સામાન્ય રાસાયણિક પ્રક્રિયા વડે દૂર કરી α-ઍમિનો – સમૂહને મુક્ત અવસ્થામાં મેળવી શકાય છે, જેથી આગળની પ્રક્રિયામાં તે ફરી ભાગ લઈ શકે છે.

પેપ્ટાઇડ મોટા પાયે બનાવવા માટે આર. બી. મેરીફીલ્ડે શોધેલી પૉલિસ્ટાયરીન મણકાની ઘન પ્રાવસ્થા (solid phase) પદ્ધતિ વપરાય છે. પેપ્ટાઇડના જૈવ વૈજ્ઞાનિક સંશ્લેષણ માટે રાઇબોસોમ કે મેસેન્જર આર.એન.એ.ની આવશ્યકતા નથી.

જ. પો. ત્રિવેદી