પ્રોથ્રૉમ્બિનકાળ : વિટામિન ‘કે’ સાથે સંબંધિત લોહીને ગંઠાવનારા ઘટકોની કાર્યક્ષમતા જાણવાની કસોટી. સામાન્ય માણસમાં તે 10થી 14 સેકન્ડનો હોય છે. જુદા જુદા 13 પ્રકારનાં પ્રોટીનો લોહીના ગંઠાવાની ક્રિયામાં સક્રિય હોય છે. તેમને રુધિરગંઠક ઘટકો અથવા રુધિરગઠનકારી ઘટકો (blood clotting factors) કહે છે. તેમાંના કેટલાક ઘટકો માટે વિટામિન ‘કે’ની જરૂરિયાત હોય છે. જ્યારે પણ વિટામિન ‘કે’ની ઊણપ થાય ત્યારે તેમનું પ્રમાણ અને કાર્ય ઘટે છે અને તેથી લોહીના ગંઠાવાની ક્રિયા ઘટે છે. તેથી લોહી વહેવાનો વિકાર થઈ આવે છે. તે સમયે પ્રોથ્રૉમ્બિનકાળ લંબાય છે. જો ફકત વિટામિન ‘કે’ની ઊણપને કારણે જ વિકાર થયેલો હોય તો વિટામિન ‘કે’ આપવાથી તેની ઊણપ મટાડી દઈને પ્રોથ્રૉમ્બિનકાળ સામાન્ય બનાવી શકાય છે. મોટા આંતરડામાંના જીવાણુઓ વિટામિન ‘કે’નું ઉત્પાદન કરે છે. તેથી લાંબા સમય સુધી અનેક પ્રકારના જીવાણુઓનો નાશ કરનારાં ઍન્ટિબાયૉટિક ઔષધો વપરાયેલાં હોય તો વિટામિન ‘કે’ની ઊણપ સર્જાય છે. વળી વિટામિન ‘કે’ મેદદ્રાવી દ્રવ્ય છે. તેથી ખોરાકમાં ચરબીની ઊણપ હોય, તેને પચવવાની ક્રિયામાં વિકાર હોય કે તેના અવશોષણમાં કોઈ વિકાર ઉદભવેલો હોય તોપણ તેની ઊણપ સર્જાય છે. આવું જ્યારે પણ બને ત્યારે રુધિરગંઠક ઘટકોનું ઉત્પાદન ઘટે છે અને પ્રોથ્રૉમ્બિનકાળ લંબાય છે. તે સમયે વિટામિન ‘કે’ને ઔષધ રૂપે આપવાથી પ્રોથ્રૉમ્બિનકાળ સામાન્ય બને છે અને લોહી વહેવાના વિકારને કાબૂમાં લઈ શકાય છે.
પ્રોથ્રૉમ્બિનકાળમાં થતા ફેરફારો યકૃત(liver)ના કાર્યના વિકારો સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે. વિટામિન ‘કે’ની અસર હેઠળ આ રુધિરગઠનકારી ઘટકો યકૃતમાં બને છે. તેને શાસ્ત્રીય રીતે તેમનું સંશ્લેષણ (synthesis) થાય છે એવું કહેવામાં આવે છે. તેથી યકૃતના વિકારોમાં વિટામિન ‘કે’ પર આધારિત ગંઠક ઘટકોનું ઉત્પાદન ઘટે છે. તેને કારણે પ્રોથ્રૉમ્બિનકાળ લંબાય છે. જ્યારે પણ યકૃતનું કાર્ય ઘટે ત્યારે પ્રોથ્રૉમ્બિનકાળ પણ લંબાય છે. યકૃતના વિકારોમાં અન્ય કસોટી કરાય છે તેમાં બિલિરુબિન, ટ્રાન્સઍમાઇનેઝ અને અન્ય ઉત્સેચકોનો સમાવેશ થાય છે. તેઓ વિવિધ પ્રકારના યકૃતના વિકારોના નિદાનમાં ઉપયોગી છે, પરંતુ તેમાં તેનું કાર્ય કેટલે અંશે બગડીને કેટલું જોખમી થયું છે તે જાણવા માટે પ્રોથ્રૉમ્બિનકાળની જાણકારી વધુ ઉપયોગી બને છે.
યકૃતમાં પિત્તક્ષારો બને છે. પિત્તક્ષારો ચરબી અથવા મેદના અવશોષણમાં મહત્વનું કાર્ય કરે છે. યકૃતમાં બનતા પિત્ત સાથે તે આંતરડાંમાં આવે છે. જો પિત્તનલિકાઓમાં કોઈ અવરોધ હોય તો પિત્ત આંતરડામાં આવી શકતું નથી. તે સમયે ચરબીનું પાચન તથા અવશોષણ ઘટે છે. પિત્તનલિકાઓમાં અવરોધ થાય ત્યારે કમળો પણ થાય છે. તેને અવરોધજન્ય કમળો (obstructive jaundice) કહે છે. અવરોધજન્ય કમળામાં પિત્તક્ષારોની ગેરહાજરી હોય છે તેથી આંતરડાંમાંથી ચરબીનું, અને તેથી વિટામિન ‘કે’નું અવશોષણ ઘટે છે. તે સમયે વિટામિન ‘કે’ને ઇંજેક્શન દ્વારા અપાય છે. સામાન્ય રીતે ઇંજેક્શન વાટે અપાયેલા વિટામિન ‘કે’ પછી 24 કલાકમાં પ્રોથ્રૉમ્બિનકાળ સામાન્ય સ્થિતિમાં આવે છે. જો તેવું ન બને તો એવું મનાય છે કે પિત્તનલિકાઓના અવરોધની સાથે સાથે યકૃતમાં પણ વિકાર ઉદ્ભવેલો છે. આમ ઇંજેક્શન દ્વારા વિટામિન ‘કે’ આપ્યા પહેલાં અને પછી એમ બે વખત પ્રોથ્રૉમ્બિનકાળની કસોટી કરવાથી યકૃતની બીમારીનો પ્રકાર તથા તીવ્રતા જાણી શકાય છે.
કેટલાંક ઔષધો રુધિરગઠનની ક્રિયાને અટકાવે છે. તેમને મોં વાટે અપાતાં હોવાથી તેમને મુખમાર્ગી રુધિરગઠનરોધકો (oral anticoagulants) કહે છે. તેઓ પ્રોથ્રૉમ્બિનકાળ લંબાવે છે અને તે રીતે લોહીને ગંઠાઈ જતું અટકાવે છે. તેમની કેટલી અસર થઈ છે તે જાણવા માટે પ્રોથ્રૉમ્બિનકાળ મપાય છે. જો તેમની વધુ પડતી અસર થયેલી હોય તો વિટામિન ‘કે’ના ઇંજેક્શન દ્વારા તેની સારવાર કરાય છે. શરીરમાં લોહી જામી જાય તેવા વિકારો હોય, હૃદયરોગના હુમલા પછી કે હૃદયમાં કૃત્રિમ વાલ્વ મુકાયેલો હોય, લકવાના હુમલા પછી ફરીથી તેનો હુમલો ન થાય તેવી સ્થિતિ સર્જવાની જરૂર હોય એવી વિવિધ સ્થિતિઓમાં મુખમાર્ગી રુધિરગઠનરોધકો વપરાય છે. તે બધા જ કિસ્સામાં પ્રોથ્રૉમ્બિનકાળ જાણવાની જરૂરિયાત રહે છે.
શાંતિ પટેલ
શિલીન નં. શુક્લ