પ્રોત્સાહન-વેતન

February, 1999

પ્રોત્સાહન-વેતન : કામદારો/કર્મચારીઓએ સ્વપ્રયત્નથી પોતાની વધારેલી કાર્યક્ષમતા માટે તેમને ધંધાકીય એકમો દ્વારા આપવામાં આવતો નાણાકીય પુરસ્કાર. જુદી જુદી વેતનપ્રથાઓ અસ્તિત્વમાં હોવા છતાં કામદારોને કાર્યદક્ષ બનાવવા માટે તેમને પ્રોત્સાહન-વેતન આપવાની યોજના કેટલાક ધંધાકીય એકમો કાર્યાન્વિત કરે છે. જો કોઈ કામદાર નિશ્ચિત કરેલા લઘુતમ એકમો કરતાં વધારે એકમોનું ઉત્પાદન કરે તો ઠરાવેલા સામાન્ય વેતન ઉપરાંત વધારે ઉત્પન્ન કરેલા પ્રત્યેક એકમદીઠ તેને વધારાનું વેતન ચૂકવીને પ્રોત્સાહન આપવામાં આવે છે. આવા વધારે આપેલા વેતનથી ફુગાવો થતો નથી, કારણ કે વધારે ચૂકવેલા વેતનના સમપ્રમાણમાં ઉત્પાદન વધેલું હોવાથી ઉત્પાદિત એકમની પડતર અને તેના ફળસ્વરૂપે બજારભાવ વધતા નથી. જ્યારે કામદારોની વ્યક્તિગત કાર્યક્ષમતા નક્કી કરી શકાય તેમ ન હોય ત્યારે તેમને સામૂહિક વેતનપ્રથાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ વેતનપ્રથાઓમાં નફાભાગ વેતનપ્રથા અને સહભાગીદારી વેતનપ્રથા વિશેષ જાણીતી છે.

નફાભાગ વેતનપ્રથા : પેઢીના નફામાં કામદારોને ભાગ આપવાની આ વેતનપ્રથા કામદારો અને સંચાલક વચ્ચે સહકાર વધારવાના પ્રયત્ન રૂપે વિકસાવવામાં આવી છે. આ પ્રથામાં ધંધાના માલિક અને કામદારો વચ્ચે કરાર કરવામાં આવે છે તે મુજબ કામદારોને વેતન ઉપરાંત ધંધાના નફામાંથી નિશ્ચિત ટકાના દરે ભાગ મળે છે; પરંતુ ધંધાનું નુકસાન તેમણે ભોગવવું પડતું નથી. આ વેતનપ્રથાથી કુશળ કામદારો ધંધાકીય એકમ પ્રત્યે આકર્ષાય છે. અને તેથી એકમની કાર્યક્ષમતાનું સ્તર ઊંચું આવે છે, પરંતુ આ વેતનપ્રથામાં કેટલીક વાર કુશળ કામદારોને પૂરતો લાભ મળતો નથી અને તેમના ભોગે અકુશળ કામદારોને પોષણ મળે છે, તેથી લાંબે ગાળે આ પ્રથા બિનઅસરકારક નીવડવાનો સંભવ રહે છે.

સહભાગીદારી વેતનપ્રથા : ધંધાકીય એકમના સંચાલનમાં ભાગ આપતી આ વેતનપ્રથા લોકશાહી સિદ્ધાંતના આધારે વિકસાવવામાં આવી છે. તેમાં કામદારોને વેતન ઉપરાંત સંચાલનમાં પણ ભાગ આપવામાં આવે છે. કામદારોને નફાની રકમ રોકડમાં આપવાના બદલે કંપનીના શેર આપવામાં આવે છે તેથી તેમને વેતન ઉપરાંત શેરહોલ્ડરો તરીકે સંચાલનમાં પણ ભાગ મળે છે. આ વેતનપ્રથાથી કામદારોમાં ધંધાકીય એકમ પ્રત્યે માલિકીની ભાવના જાગે છે તથા તેમની અને માલિકોની વચ્ચે સહકારનું વાતાવરણ સર્જાય છે; પરંતુ આ પ્રથાની કેટલીક મર્યાદાઓ પણ છે; દા.ત., આ પ્રથા જૉઇન્ટ સ્ટૉક કંપની સિવાય અન્ય વેપારી સ્વરૂપોમાં દાખલ કરી શકાતી નથી. વળી કામદારોની બચતનું ફરજિયાત રોકાણ કંપનીમાં થઈ જતું હોય છે.

સંદીપ ભટ્ટ