પુદુમૈપિત્તન (જ. 25 એપ્રિલ 1906, તિરૂનેલવેલી; અ. 5 મે 1948, તિરુવનંતપુરમ્) : તમિળ ટૂંકી વાર્તાના જાણીતા લેખક. સમાજનાં મોટા ભાગનાં વલણો પરત્વે તેમનો અભિગમ ક્રાંતિકારી હતો. બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ‘દિનમણિ’ (1935થી 1941) તથા ‘દિનસારી’ (1942થી 1946)-એ બે દૈનિકોમાં સહાયક તંત્રી તરીકે કામગીરી બજાવી હતી.
તેમણે કાવ્યો, સાહિત્યિક વિવેચન, સામાન્ય નિબંધો, રાજકીય સમીક્ષા તથા નાટકો ઉપરાંત હિટલર તથા મુસોલિનીનાં જીવનવૃત્તાંત પણ લખ્યાં છે; પરંતુ તમિળ સાહિત્યમાં ટૂંકી વાર્તાના સમર્થ લેખક તરીકે તેમની નામના છે.
તેમની ઉત્તમ વાર્તાઓમાં ‘શિલ્પિયિન નરકમ’(‘ધ હેલ ઑવ્ ધ સ્કલ્પ્ટર’, 1934)થી બહોળી ખ્યાતિ મળી. ‘શાપવિમોચન’ તથા ‘કંચનૈ’માં તેમની ટૂંકી વાર્તાનો શ્રેષ્ઠ કસબ જોવા મળે છે. ‘આંદ્રુ ઇરાવુ’માં તેમણે ‘તિરુવિલાયદાર પુરાનમ્’માંથી બે પ્રસંગો લઈને જૂની કથાઓનું પુનર્લેખન કરવાનો નવતર પ્રયોગ કર્યો છે.
તેમની કેટલીક વાર્તાઓમાં તેમની આધ્યાત્મિક ખોજની પ્રતીતિ થાય છે. આ સઘળી વાર્તાઓ લખાયાનાં 50 વર્ષ થયાં પછી પણ તે અત્યંત તાજગીભરી અને વાંચવી ગમે તેવી ગુણવત્તા ધરાવે છે. તે યોગ્ય સ્થળે સમુચિત શબ્દની પસંદગી કરવાની ભારે કુનેહ ધરાવતા હતા. સર્જનાત્મક રચનામાં તેમણે તમિળ ભાષાનો જે વિનિયોગ કર્યો તે અનન્ય લેખાય છે. તેમના સમગ્ર લેખનમાં ત્રીજા ભાગનું સર્જન વાર્તાઓનું છે. ‘પુદુમૈ’ (નવીનતા) અને ‘પિત્તમ્-’ (તરંગીપણું) એ તેમની વાર્તાશૈલીનાં મુખ્ય લક્ષણ ગણાતાં. તમિળ સાહિત્યના ઇતિહાસકારોએ તેમને તમિળ વાર્તાના સમ્રાટ લેખ્યા છે.
તેમનાં ટૂંકાં નાટકોમાં ‘વાક્કુમ વક્કુમ’ ખૂબ રસપ્રદ રચના છે. કવિતા ઉપરાંત તેમણે પાશ્ર્ચાત્ય શિષ્ટ ગ્રંથોના અનુવાદ પણ આપ્યા છે. તેમણે ચલચિત્રો માટે પટકથાઓ પણ લખી હતી.
ચન્દ્રકાન્ત મહેતા
મહેશ ચોકસી