પુત્રવંતી (પુત્રંજીવા)

January, 1999

પુત્રવંતી (પુત્રંજીવા) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા યુફોરબિયેસી (આમલક્યાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Putranjiva roxburghiii wall. (સં. પુત્રજીવક, પુત્રજીવ, પવિત્ર, સુતજીવક, કુટજીવ, અપત્યજીવ, યષ્ટિપુષ્પ, ગર્ભકર, ગર્ભદા, હિં. જીયાપોતા, પુત્રંજીવ, બં. પુત્રંજીવ, જિયાપુતા, પુતજિયા, મ. પુત્રજીવ, પુત્રવંતી, જીવનપુત્ર, ક. પુત્રંજીવ, તા. ઇરુકોલ્લી, મલા. પોંગાલમ, તે. કુદુરુ, પુત્રજીવ્કા, અ. ચાઇલ્ડ લાઇફ ટ્રી. ઈન્ડિયન એમુલેટ ટ્રી) છે.

પુત્રવંતી (પુત્રંજીવા)નાં પર્ણ, પુષ્પ અને ફળ

વિતરણ – ભારતમાં લગભગ બધેજ કુદરતી રીતે 750 મી.ની ઊંચાઈ સુધી થાય છે, અથવા તેનો ઉછેર કરવામાં આવે છે. તેનુ થાઇલૅંડ, નેપાળ, બાંગલાદેશ, ઇંડોચાઈના, મ્યાનમાર અને શ્રીલંકામાં વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે.

બાહ્યાકાર વિદ્યા (Morphology) – તે મોટેભાગે દ્વિગૃહી (dioecious), સદાહરિત, ઝૂકતી શાખાઓવાળું, મધ્યમ કદનું, 18 મી. સુધી ઊંચું વિકસતું વૃક્ષ છે. છાલ ઘેરી લાલ ઘેરી ભૂખરા રંગની હોય છે અને સમક્ષિતિજ હવાછિદ્રો (lenticels) ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિત, 5-10 સેમી. લાંબાં, ઉપવલયો-લંબચોરસ(elliptic-oblong)થી અંડ-ભાલાકાર (ovate-lanceolate), ઘેરાં લીલાં, અને ચળકતાં હોય છે. પર્ણકિનારી થોડે થોડી અંતરે દંતુર અને તરંગી હોય છે. નરપુષ્પો કક્ષીય, ગોળાકાર સઘન ગુચ્છમાં ગોઠવાયેલાં અને પીળા રંગનાં હોય છે. માદાં પુષ્પો કક્ષીય એકાંકી અથવા 2-3 સાથે અને લીલા રંગનાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe), 1.5-1.8 સેમી. લાંબાં, ઉપવલયો કે ગોળાકાર સફેદ ઘનરોમિલ (tomerdose) અને ખૂબ સખત હોય છે. બીજ એક હોય છે. તે પુષ્કળ પ્રમાણમાં સફેદી (albumin) ધરાવે છે.

આ વૃક્ષ સામાન્યતઃ નદીકિનારે કાંપમય ભૂમિ પર કે કળણભૂમિમાં કે સદાહરિત જંગલોમાં ઊગે છે અને કેટલીક વાર સમૂહોમાં થાય છે. શુષ્ક પરિસ્થિતિમાં તેનું કુંઠિત સ્વરૂપ હોય છે. પ્રસર્જન ચોમાસામાં બીજ દ્વારા થાય છે. બીજવિકિરણ હરણ અને ચામાચિડિયા દ્વારા થાય છે. તેને ઉદ્યાનોમાં, વાડ બનાવવા માટે અને રસ્તાની બંને બાજુએ ઉગાડવામાં આવે છે. પર્ણોનો ઉપયોગ ચારા તરીકે થાય છે.

વનસ્પતિરસાયણ (phytochemistry) : ફળનો ગર વિપુલ પ્રમાણમાં મેનિટૉલ, એક સેપોનિન ગ્લુકોસાઇડ અને એક આલ્કેલૉઇડ ધરાવે છે.

બીજ મેદીય તેલ ઉત્પન્ન કરે છે. પેટ્રોલિયમ ઈથર વડે નિષ્કર્ષણ કરતાં બીજનો મીંજ (kernal) 42 % જેટલું આછા પીળા રંગનું તેલ આપે છે. રાઈના તેલ જેવાં ઉગ્ર ગંધ ધરાવે છે. તેની ભોતિક-રાસાયણિક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ.ગુ. 30o – 0.9075, n30 (વક્રીભવનાંક) 1.4795, સાબુકરણ આંક 190.1, આયોડિન આંક 87.1, ઍસિડ આંક 7.2, આર.એમ. આંક 0.66, ઍસિટાઈલીકરણ આંક 8.9, હેહનર આંક 94.0 અને અસાબુનીકૃત દ્રવ્ય 0.95 %. તેલમાં રહેલા ફૅટી ઍસિડોનું બંધારણ આ પ્રમાણ છે : ઑલેઇક 47.4 %, બિનોલેઈક 15.3 %, પામિટિક 7.1 %, સ્ટીઅરિક 12.1 % અને એરેક્રિડિક 2.1 %.

મીંજના બાષ્પનિસ્યંદન (steam distillation)થી 0.5 % રાઈના તેલ જેવી તીવ્ર વાસ ધરાવતું બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. તેલ આઇસોપ્રોપાઇલ અને 2-બ્યુટાઇલ આઇસોથાયોસ્ટાયનેટ મુખ્ય ઘટકો અ 2-મિથાઇલ-બ્યુટાઇલ આઇસોથાયોસાયનેટ ગૌણ ઘટક છે. મીંજમી આઇસોથાયોસાયનેટ ઉત્પન્ન કરતા ગ્લાયકોસાઇડો, ગ્લુકોપુટ્રંજિવિન, ગ્લુકોકોક્લીએરિન, ગ્લુકોજિયાપુટિન અને ગ્લુકોક્લીઓમિન હોય છે. બીજાવરણ ટ્રાઈટર્પીન સેપોનિનો, -સિટોસ્ટેરૉલ અને તેનો ગ્લુકોસાઈડ, સેપોનિનો અને પાયરેનોસાઇડો A-D ઉત્પન્ન કરે છે.

તેનાં પર્ણો -એમાયરિન અને તેના ઍસ્ટરો, પુટ્રોન, પુટ્રૉલ, પુંટ્રંજીવિક ઍસિડ, મિથાઈલ પુટ્રંજીવેટ, સ્ટિગ્મેસ્ટેરૉલ અને હાઇડ્રોકાર્બનો, ટ્રાઇટર્પીન ઍસિડ-રૉક્સબર્ગોનિક ઍસિડ અને બાઇફ્લેવૉન-પુટ્રેક્લેવૉન ધરાવે છે. જ્યારે છાલ ટ્રાઇટર્પીનો-ફ્રાયેડેલિન, ફ્રાયેડેલેનૉલ, રૉક્સબર્ગોલૉન, પુટ્રંજીવેડિયૉન, પુટ્રંજિક ઍસિડ અને પુટ્રિક ઍસિડ તથા સેપોનિનાં A, B, C અને D ધરાવે છે.

તાજાં પર્ણોનો ઇથેનૉલીય નિષ્કર્ષ પૉલ્ટિફીનૉલીય સંયોજનો, ટ્રાઈટર્પીનૉઇડો ઉપરાંત, ઇલેજિક ઍસિડ, ગૅલિક ઍસિડ, ગૅલોકેટેચિન, ઇલેજિ-અને ગૅલો-ટૅનિનો તથા સેપોનિનો ધરાવે છે.

પુત્રવંતીના પ્રકાંડની છાલ અને પર્ણોમાંથી સેપોનિનો ઉપરાંત એક નવા ઇલેજિક ઍસિડ ગ્લાયકોસાઇડને અલગ તારવવામાં આવ્યો છે. આ જાતિમાંથી પુટ્રેનોસાઇડ A મિથાઇલ ઍસ્ટર સૌપ્રથમ વાર પ્રાપ્ત થયો છે. થડની છાલમાંથી બે ટ્રાઇટર્પીનૉઇડો, પુટ્રંજિવેનોનૉલ અને પુટ્રંજિક ઍસિડ મળી આવ્યાં છે.

પરાગરજ પ્રત્યૂર્જકજન (allergen) પ્રોટીનો ધરાવે છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો – પુત્રવંતીના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : (1) અલ્પગ્લુકોઝરક્ત (hypoglycemic), પીડા-સંવેદનરોધી (anti-nociceptive), જ્વરહર (anti-pyretic), શોથહર (anti-inflammatory), કોષવિષાણુ (cytotoxic), પ્રતિ-ઉપચાયી (anti-oxidant), પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial).

ચિરપ્રતિષ્ઠિત (classical) વર્ગીકરણ – ભાવપ્રકાશ નિઘંટુમાં પુત્રવંતીને વાતાદિ વર્ગમાં, રાજનિઘંટુમાં પ્રભદ્રાદિ વર્ગમાં અને કૈય્યદેવ નિઘંટુમાં ઔષધિ વર્ગમાં મૂકવામાં આવેલ છે.

આયુર્વેદિક ગુણધર્મો – રસ (taste) – મધુર, કટુ

ગુણ (qualities) – ગુરુ, પિચ્છલ (slimy)

વિપાક – મધુર (પાચન પછી મીઠો સ્વાદ)

વીર્ય (potency) – શીત (cold)

કર્મ (actions) – વાત-પિત્ત શામક

આયુર્વેદ અનુસાર તે કફકારક, ચક્ષુષ્ય, ગર્ભપ્રદ, હિમ, વૃષ્ય, વાતકારક, રુક્ષ, સ્વાદુ, ખારું, તીક્ષ્ણ, મૂત્રલ અને મલસ્તંભક છે. તે પિત્ત, દાહ અને તૃષાનો નાશ કરે છે. તેનો ઉપયોગ ગંડમાળ, ગલગંડ, કાળપૂળી (પાઠું), વિષના ફોલ્લા, કાખમાંજરી, શ્લીપદરોગ અને દૂષીવિષ પર થાય છે.

તેનાં બીજની માળા બનાવી સ્ત્રીઓ પુત્રપ્રાપ્તિ માટે ગળામાં પહેરે છે. પુત્ર-ગર્ભને જિવાડનાર હોવાથી તેને પુત્રંજીવા કહે છે. શરદી, તાવ અને વામાં તેનાં પર્ણોનો ક્વાથ અપાય છે.

તેનો રસ હાથીપગમાં વપરાય છે. વિસ્ફોટકમાં તેના ફળના ગરને પાણીમાં વાટી ચોપડવાથી તેની વેદના મટી જાય છે. વિષના નાશ માટે ફળનો ગર લીંબુના રસ સાથે પીવાથી વછનાગના ઝેરનો નાશ થાય છે. તેનાં પર્ણો અને ફળના ઠળિયાનો ક્વાથ શરદીમાં અને તાવમાં આપવામાં આવે છે.

ઉપયોગી અંગ – બીજ, પર્ણ

માત્રા – પર્ણનો રસ – 10-20 મિલી.

બીજનું ચૂર્ણ – 1-3 ગ્રા.

पुत्रजीवा गर्भकरो यष्टीपुष्पोडर्थसाधकः ।

पुत्रजीवा गुरुर्वृष्यो गर्भदः श्लेष्मवातहत् ।

सृष्टमूत्रमलो रूक्षो हिमः स्वादुः पटुः कटुः ।।

ભાવ પ્રકાશ

पुत्रजीवो हिमो वृष्यः श्लेष्मदो गर्भजीवकः ।

चक्षुष्यः पित्तशमनो दाहतृष्णानिवारणः ।।

રાજનિઘંટુ

તેનું કાષ્ઠ ભૂખરું-સફેદ, ચળકતું, ઘટ્ટ, કણિકામય, સખત, મજબૂત, ભારે (586થી 785 કિગ્રા./ઘનમી.) અને ટકાઉ હોય છે. તેના કાષ્ઠનો ઉપયોગ ઘર-બાંધકામ, કૃષિનાં ઓજારો અને સાધનોના હાથા બનાવવામાં અને ખરાદીકામમાં થાય છે.

બળદેવભાઈ પટેલ

મ. ઝ. શાહ

આદિત્યભાઈ છ. પટેલ