પ્રાકૃતકામધેનુ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતકામધેનુ’ના કર્તા લંકેશ્વર રાવણ છે. તેમના સમય વિષે અથવા કૃતિ વિષે વિશેષ માહિતી મળતી નથી. હાલ મળતા ‘પ્રાકૃતકામધેનુ’માં ચોત્રીસ સૂત્ર મળે છે.

પ્રારંભમાં મંગલાચરણ કરીને કર્તા જણાવે છે કે ‘મેં પહેલાં વિસ્તૃત રીતે કહ્યું છે. હવે બાલબોધ માટે સંક્ષેપમાં કહું છું.’ ઉપલબ્ધ ચોત્રીસ સૂત્રોમાંથી કેટલાંક સૂત્ર અસ્પષ્ટ છે (સૂત્ર ક્રમાંક 12). કેટલાંક અપૂરતાં ઉદાહરણ છે (સૂ.ક્રમાંક 2), કેટલાંકમાં અપભ્રંશના નિયમો (સૂ.ક્રમાંક 11) તેમજ કેટલાંક સૂત્રમાં છંદના (સૂ.ક્રમાંક – 30, 32) નિયમો દર્શાવાયા છે. કેટલાંક સૂત્ર ભ્રષ્ટ છે (સૂ.ક્રમાંક 4). પહેલા જ સૂત્રમાં મધ્યવર્તી ટ્ નો લોપ દર્શાવ્યો છે, જે આશ્ચર્યજનક છે. કોઈ પણ પ્રાકૃત કૃતિમાં તેનું ઉદાહરણ મળતું નથી. આ કૃતિ અપૂર્ણ લાગે છે.

આ કૃતિ મનમોહન ઘોષ-સંપાદિત ‘પ્રાકૃતકલ્પતરુ’(પ્રકા. એશિયાટિક સોસાયટી, કલકત્તા, 1954)ના પરિશિષ્ટ 2માં મુદ્રિત છે.

સલોની નટવરલાલ જોશી