પિતૃત્વ કે માતૃત્વનું નિશ્યયન (fixation of paternity or maternity)
January, 1999
પિતૃત્વ કે માતૃત્વનું નિશ્ચયન (fixation of paternity or maternity) : ન્યાયસહાયક આયુર્વિજ્ઞાનની મદદથી બાળકનાં માતા કે પિતા કોણ છે કે તેનો વિવાદ હોય ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ તેની માતા કે પિતા હોઈ શકે કે નહિ તે દર્શાવવાની પદ્ધતિ. સામાન્ય રીતે આવો વિવાદ બાળક લગ્નના સમયગાળામાં ન જન્મ્યું હોય ત્યારે થાય છે. પતિના મૃત્યુ પછી કે પતિથી છૂટાછેડા લીધેલા હોય કે તેનાથી અલગ રહેતી સ્ત્રી તેમના બંનેના છૂટા પડવાના 280 દિવસ પછી જો બાળકને જન્મ આપે તો તેવું બાળક વૈધ (legitimate) છે કે અવૈધ (illegitimate) તે નક્કી કરવાનો ક્યારેક વિવાદ ઉત્પન્ન થાય છે. ક્યારેક સ્ત્રીએ જે બાળકને જન્મ આપ્યો હોય તેના બદલે કોઈ અન્ય બાળક દર્શાવવામાં આવી રહ્યાની શંકા હોય ત્યારે પણ તેના પિતા કે માતા કોણ છે તે પ્રકારનો વિવાદ સર્જાય છે. દર્શાવવામાં આવતું બાળક તેમનું છે કે નહિ તે નક્કી કરવાનું હોય છે. આવા બાળકને છદ્માન્વિત બાળ (suppositious child) કહે છે. ક્યારેક આવા કિસ્સામાં સ્ત્રી-પુરુષનું લગ્ન ન થયેલું હોય અથવા તો લગ્ન થયું હોય પણ પછી તેની ના પાડવામાં આવતી હોય કે પછી સ્ત્રીને એક લિંગનું બાળક જન્મ્યું હોય પણ તેને ઠેકાણે બીજા લિંગનું બાળક મૂકી દઈ તેને બદલી કાઢવામાં આવ્યાનો આક્ષેપ થયેલો હોય; ક્યારેક પિતા મનાતા પુરુષની બાબતમાં ઉંમર કે વંધ્યત્વ(sterility)ના કારણે શંકાસ્પદ વિવાદ ઊઠતો હોય એવું બને છે. કેટલીક વાર બાળકના રંગ અને આકારનાં લક્ષણો તેના પિતાના જેવાં ન હોય ત્યારે આવી શંકા ઉદભવે છે. કેટલીક વખતે, આવા સંજોગોમાં, બાળક તેના પિતાના માતાપિતા કે દાદાદાદી જેવું દેખાય છે. આવી સ્થિતિને પૂર્વજસમરૂપતા (atavism) કહે છે અને આવા બાળકને પૂર્વજસમરૂપી બાળ (atavistic child) કહે છે. પિતાના મૃત્યુ પછી જન્મતા બાળકને મરણોત્તર બાળ (posthumous child) કહે છે. આમ અવૈધ બાળ, મરણોત્તર બાળ, છદ્માન્વિત બાળ, પિતા કરતાં જુદા દેખાવનો બાળક હોય, માતાનું ચારિત્ર્ય શિથિલ હોય એવી શંકા હોય કે બાળકોની ફેરબદલી થયેલી હોય એવી શંકા હોય ત્યારે તે બાળકના માતા કે પિતા અથવા તે સ્ત્રી/પુરુષનું તે બાળક છે કે નહિ તે નિશ્ચિત કરવા કેટલીક કસોટીઓ કરવી પડે છે. ક્યારેક પોતાને માતા હોવાનો દાવો કરતી સ્ત્રીને ખરેખર બાળક અવતરેલું છે કે નહિ તે પણ નક્કી કરવાની જરૂર પડે છે.
કયા કયા સંજોગોમાં પિતૃત્વ કે માતૃત્વનો વિવાદ થતો જોવા મળે છે તે સારણી 1માં દર્શાવ્યું છે :
સારણી 1 : શંકાસ્પદ પિતૃત્વ/માતૃત્વનો વિવાદ સર્જતા કેટલાક સંજોગો
1. | કૌટુંબિક મિલકતોનો વારસો મેળવવામાં ઉદભવતો વિવાદ |
2. | ધાર્યો લાભ મેળવવા માટે પુરુષ પર ખોટું આળ ચઢાવવાનો વિવાદ |
3. | મૃત પતિના નોકરીદાતા (employer) પાસેથી વધુ પ્રમાણમાં વળતર મેળવવાનો વિવાદ |
4. | સંતતિ ઉત્પન્ન થયા પછી અપરિણીત સ્ત્રી સાથે આપેલા વચનનો ભંગ કરીને પરણવાની ના પાડતા પુરુષ અંગેનો વિવાદ |
5. | બાળકને તેના પિતાનું નામ આપવાનો વિવાદ |
6. | લગ્નવિચ્છેદ (nullity of marriage) અને છૂટાછેડાના કિસ્સાઓમાં ઉદભવતો વિવાદ |
7. | અવૈધ બાળક હોવાનો આક્ષેપ |
8. | છદ્માન્વિત બાળક હોવાનો આક્ષેપ |
9. | બાળક ભિન્નરૂપ હોવાનો આક્ષેપ |
જે તે કિસ્સામાં સંડોવાયેલા બાળક તથા સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ માતા-પિતાનો છે કે નહિ તે જાણવામાં લોહીના રુધિરરસ(serum)ની કસોટીઓ, લોહીના જૂથ(blood groups)ના પ્રકારો તથા હાલ નવી વિકસેલી જનીની મુદ્રા (genetic finger printing) નક્કી કરવાની પદ્ધતિઓ ઉપયોગી રહે છે. રુધિરજૂથો અનેક પ્રકારનાં છે અને તેમની મદદથી 84.4 % કિસ્સામાં જે – તે વ્યક્તિ અને બાળક વચ્ચે માતા/પિતાનો સંબંધ નથી એવું ખાતરીપૂર્વક કહી શકાય છે. સંભવિત રુધિરજૂથોનું હોવાપણું બાળક સાથેનો માતા/પિતા હોવાનો સંબંધ સાબિત નથી કરી શકતી પણ તેવો સંબંધ નથી તેવું ઘણી ખાતરીપૂર્વક કહી શકાય છે. તેને અપમાર્જન-દર (exclusion rate) કહે છે. સારણી 2 અને 3માં બધી રુધિરજૂથ-પ્રણાલીઓનો સંયુક્ત અપમાર્જન-દર તથા ‘ABO’ અને ‘MNS’-પ્રણાલીઓમાં વારસાગત રીતે, માતા અને પિતામાંથી, કયાં રુધિરજૂથોવાળાં બાળક ન જ જન્મે તેવાં અસંભવિત રુધિરજૂથો દર્શાવ્યાં છે. રુધિરજૂથોનાં જનીનોનો વિકૃતિદર (mutation rate) દર 50,000 કિસ્સામાંથી એકમાં થાય તેટલો જ હોવાથી અસંભાવ્ય રુધિરજૂથ અને અપમાર્જન – (exclusion) અંગેની આ પ્રકારની માહિતી ઘણા કિસ્સામાં આધારભૂત રીતે પિતા કે માતા ન હોઈ શકવાની માહિતી આપી શકે છે.
સારણી 2 : પિતૃત્વ/માતૃત્વ-નિશ્યયન માટે વપરાતી રુધિરજૂથોની જુદી જુદી પ્રણાલીઓ
રુધિરજૂથ-પ્રણાલી ન હોવાની |
પિતૃત્વ/માતૃત્વ અસમાવેશ યથાર્થ સંભાવનાની ટકાવારી (અપમાર્જન દર-exclusion rate) |
સંયુક્ત દરની કાવારી |
ABO | 17.6 | 17.6 |
MNSs | 32.0 | 44.1 |
રિહ્સસ | 28.0 | 59.7 |
કેલ | 3.3 | 61.1 |
ડફી | 4.8 | 63.0 |
લુથેરાન | 3.3 | 64.1 |
BS | 2.9 | 65.2 |
Hp | 18.1 | 71.4 |
Gc | 15.9 | 76.0 |
Gm (1) | 6.5 | 77.6 |
Ag | 14.2 | 80.8 |
Pam | 15.3 | 83.7 |
AK | 4.2 | 84.4 |
નોંધ : અંગેજી મૂળાક્ષરો રુધિરજૂથની સંજ્ઞાઓ સૂચવે છે.
સારણી 3 : માતા-પિતાના રુધિરજૂથને આધારે બાળકનું સંભવિત તથા અસંભવિત રુધિરજૂથ
માતા અને પિતાનાં રુધિરજૂથો | બાળકમાંનાં સંભવિત રુધિરજૂથો | બાળકમાં અસંભવિત રુધિરજૂથો | |
1. | બંને A જૂથ | A અથવા O | AB અથવા B |
2. | બંને B જૂથ | B અથવા O | AB અથવા A |
3. | એક A, બીજું B | A, B, AB કે O | એક પણ નહિ |
4. | એક A, બીજું AB | A, B, કે AB | O |
5. | એક B, બીજું AB | A, B કે AB | O |
6. | એક A, બીજું A | A, O | B કે AB |
7. | એક B, બીજું A | B, O | A કે AB |
8. | બંને AB | A, B, AB | O |
9. | એક AB, બીજું O | A, B | O, AB |
10. | બંને O | O | A, AB, B |
11. | બંને M | M | N, MN |
12. | બંને N | N | M, MN |
13. | એક M, બીજું N | MN | M કે N |
આ ઉપરાંત વિવિધ પ્રકારની પ્રતિરક્ષાલક્ષી રુધિરરસ કસોટીઓ (seroimmunological tests) પણ પ્રચારમાં છે; જેમ કે (1) વલયિકા કસોટી (ring test), (2) પ્રતિગ્લોબ્યુલિન વ્યયન-કસોટી (antibody consumption test), (3) મિશ્ર પ્રતિગ્લોબ્યુલિન કસોટી (mixed immunoglobulin test, (4) લૂગદીલક્ષી પ્રસરણ-નિક્ષેપન (diffusion precipitation in gel) તથા (5) લૂગદી-વીજચલન (gel electro pharesis) વગેરે.
હાલ જીવિત કે મૃત વ્યક્તિની ઓળખ માટે તથા માતા-પિતાના સંતતિ જેવા સંબંધના નિશ્યયન માટે જનીનીદ્રવ્ય (genetic materials)ની મદદ પણ લઈ શકાય છે. અંગુલિમુદ્રા(finger-print)ની માફક આ પણ વ્યક્તિની એક પ્રકારની ઓળખ દર્શાવતી મુદ્રા હોવાને લીધે જનીનીમુદ્રાને અંગ્રેજીમાં genetic finger-print કહે છે. બાળક પોતાનાં માતાપિતા પાસેથી જ પોતાનાં જનીનો (genes) અને રંગસૂત્રો (chromosomes) મેળવે છે. જનીનો ડી.એન.એ.નાં બનેલાં હોય છે. જનીનો અને રંગસૂત્રોમાંની ડી.એન.એ.ની શૃંખલાઓની સંરચના બાળકનાં માતાપિતાનાં જનીનો અને રંગસૂત્રોમાંથી જે વારસામાં માતા હોય તેમના જેવી જ હોય છે. તેથી સંભવિત કે આરોપિત માતા તથા પિતા તેમજ શંકાસ્પદ કે સંભવિત બાળકનાં જનીનો કે રંગસૂત્રોમાંની ન્યૂક્લિઓટાઇડ શ્રેણીઓ(nucleotie sequences)ના અભ્યાસ વડે તેમની વચ્ચેનો સંબંધ જાણી શકાય છે. આ માટે લોહી કે કેશમૂળમાંના કોષોનો અભ્યાસ કરાય છે. મૃતવ્યક્તિના દેહમાંથી મળેલા દ્રવ્ય પર આ પ્રકારનો અભ્યાસ કરીને જો તેનાં માતા/પિતા અથવા પુત્ર/પુત્રી અને પતિ/પત્ની હયાત હોય તો તેમનાં જનીનોના અભ્યાસથી તેમની વચ્ચેનો સંબંધ જાણી શકાય છે.
ઘણી વખત તપાસ માટે મળતું દ્રવ્ય ઓછું હોય તો તેને બહુગુણકારી ઉત્સેચકજન્ય શૃંખલિત પ્રક્રિયા (polymerase chain reaction) વડે થોડીક મિનિટોમાં લાખો જેટલા ડી.એન.એ.ના અણુ બનાવીને તેની તપાસ કરાય છે. કયા પ્રકારના ઉત્સેચક (enzyme) વપરાશમાં લીધેલ છે તેને આધારે આ પ્રકારની તપાસની આધારભૂતતા નક્કી કરાય છે.
શિલીન નં. શુક્લ
રવીન્દ્ર ભીંસે