પિતાપુત્ર (1975) : અસમિયા નવલકથાકાર હેમેન બર્ગોહેન(જ. 1932)ની નવલકથા. આ મર્મભેદક સામાજિક નવલમાં મોહઘુલી નામના અત્યંત દૂરના ગામડાની બ્રિટિશ અમલ દરમિયાનની હૃદયદ્રાવક ગરીબીથી માંડીને સ્વતંત્રતા પછીના ગાળાની એથીય બદતર કંગાલિયત અને નૈતિક અવનતિનું હૃદયસ્પર્શી ચિત્રણ છે. તેનાં મુખ્ય પાત્રોમાં કુટુંબનો વડો તુંડમિજાજી શિવનાથ ફૂકન, તેની ચિંતાગ્રસ્ત પણ પતિ-પરાયણ પત્ની અને તેમના ત્રણ બળવાખોર પુત્રો છે. આ પાત્રો વચ્ચેનો અનિવાર્ય સંઘર્ષ તે કથાનો મુખ્ય વિષય છે અને એમાં જ આ નવલકથાની વેધકતા અને તાકાત રહેલાં છે.

ઝડપથી બદલાતા ગ્રામીણ સમાજનું ચિત્રણ તેમણે સિદ્ધહસ્ત કૌશલ્યથી કર્યું છે; એ જ રીતે પાત્રચિત્રણ વિશેની તેમની પક્વ સર્જકતાની પ્રતીતિ થાય છે. મનોવિશ્લેષણ પણ તેમણે ખૂબ સમભાવ તથા સંવેદનપૂર્વક કર્યું છે; પરિણામે આ નવલમાં અનન્ય સચોટતા અને આકર્ષણ વરતાય છે.

આ નવલકથાને સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી