પિતૃસત્તાક સમાજવ્યવસ્થા

January, 1999

પિતૃસત્તાક સમાજવ્યવસ્થા : પિતા કે પુરુષના વડપણ નીચે ગોઠવાયેલી સમાજવ્યવસ્થા. વિશ્વમાં આજે પિતૃસત્તાક અને માતૃસત્તાક  એમ બે પ્રકારની સમાજવ્યવસ્થા પ્રવર્તે છે. લોવી હેનરી મૉર્ગનના દર્શાવ્યા પ્રમાણે વિશ્વમાં પ્રથમ માતૃસત્તાક અને પછી પિતૃસત્તાક વ્યવસ્થા આવી છે. આર્થિક વિકાસને પરિણામે સમાજમાં સ્ત્રી અને પુરુષનાં સ્થાન બદલાયાં. પુરુષનો આર્થિક દરજ્જો વધતાં, પુરુષસત્તાનો ઉદય થતાં આ વ્યવસ્થા વિકાસ પામી હશે. આ વ્યવસ્થામાં બહુપત્નીપ્રથા કે એકપત્નીપ્રથા – એમ બન્ને પ્રકારનાં વલણો વિકસ્યાં છે. પ્રાચીન અને મધ્યકાલીન સામંતશાહી સમાજમાં પુરુષ અબાધિત અધિકારો ભોગવતો હતો. તેથી વિશ્વના મોટાભાગના સભ્ય, વિકસિત અને આદિવાસી સમાજોમાં પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા વિકસેલી છે. તેમાં પુરુષ કે પિતા કુટુંબનો વડો હોય છે તથા સામાજિક, આર્થિક, ધાર્મિક, ન્યાય-વિષયક વગેરે બાબતોમાં તે સર્વસત્તાધીશ હોય છે. તેનાં લક્ષણો નીચે પ્રમાણે છે :

(1) વંશ પુરુષ-પિતાથી ગણાય છે. રક્તસંબંધમાં પિતા કેન્દ્રસ્થાને રહે છે. (2) સંતાનની ઓળખ પિતાના નામે થાય છે. (3) સર્વ મિલકત પિતા-પુરુષને હસ્તક હોય છે તથા વારસો પિતા દ્વારા પુત્રને મળે છે. (4) લગ્ન પછી સ્ત્રી પુરુષના ઘેર જઈને રહે છે. (5) આર્થિક, સામાજિક, ધાર્મિક વગેરે તમામ પ્રકારની સત્તા પિતા-પુરુષને હસ્તક રહે છે.

‘પિતૃસત્તાક’ શબ્દ કુટુંબમાં પિતાની સત્તાનું સૂચન કરે છે. તે કુળદેવતાઓનો રક્ષક ગણાય છે. હિન્દુ શાસ્ત્રોમાં પત્નીએ પતિની, પુત્રીએ પિતાની અને વિધવાએ પુત્રની આજ્ઞામાં રહેવું તેમ દર્શાવાયું છે. પૅલેસ્ટાઇનમાં એક કાળે પિતાને પુત્રીને વેચવાનો અધિકાર હતો. પ્રાચીન રોમમાં પણ પિતાને અબાધિત સત્તાઓ હતી એવો નિર્દેશ છે. પ્રાચીન સમયમાં ચીનાઓમાં, યહૂદીઓમાં તથા હિન્દુઓમાં પુરુષ સ્ત્રીને છૂટાછેડા આપી શકતો, પણ સ્ત્રીને તેવો અધિકાર ન હતો. આમ સ્ત્રી જન્મથી માંડીને મૃત્યુ સુધી પુરુષના આધિપત્ય નીચે રહેતી હતી; સ્ત્રી પુરુષની ગુલામ કે મિલકત જેવી ગણાતી હતી. આજે સમાજમાં કૌટુંબિક દરજ્જો, ભૂમિકાઓ, ધોરણો તથા માન્યતાઓમાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે અને પુરુષની અબાધિત સત્તામાં-તેના આધિપત્યમાં ફેરફાર થયા છે.

આજે પિતૃસત્તાક કુટુંબ સ્ત્રી-પુરુષ – સમાનતાની વિકાસાત્મક ભૂમિકાએ આવીને ઊભું છે.

અરવિંદ ભટ્ટ